સાકી નથી!!
છે તરસને જામ ખાલી, સાથમાં સાકી નથી;
માણવા સંગત સુરાની, ઝૂમતો સાથી નથી!
હોંશ દેખાડી અદાકારી ભજવતો એ રહ્યો,
તો ઉદાસી વેશ પાછળ શીદ પરખાતી નથી?
પ્રીતને પ્યાદું બનાવી ગોઠવી ચોસઠ નવી,
ક્યાં ખબર બાજી રમતની, આજ મંડાતી નથી;
ફૂલ આંસુના ચઢાવે એ કબર પર જૂઠના,
જીવતાં એ માશુકાને યાદ તો રાખી નથી!
રાખવી આશા ઠગારી, જ્યોત જાગે પ્યારની;
ઘાવ ઊંડા, પીડ પ્રીતમની એ જોવાતી નથી!!!
શૈલા મુન્શા તા.૦૮/૧૦/૨૦૨૦