ઊઘાડી આંખે!
ઊઘાડી આંખે સપના જોવાય કેટલાં?
ઉતરડાયેલ જીવતરના ટાંકા લેવાય કેટલાં!!
સંબંધોના તુટ્યા તાર લાગણીમાં.
વેંત ઓછી પડી ઈચ્છા માપણીમાં;
ઉજ્જડ ધરા પર ચાસ કેવા,
ધીખતાં હૈયાની આગ જેવા!
એક સાંધો તુટે તેર, તો સંધાય કેટલાં?
ઊઘાડી આંખે સપના જોવાય કેટલાં!!
ઘાણીએ ફરતાં બળદ દિનરાત ઘુમે
આજ જિંદગી, બસ એ ભ્રમમાં રમે;
થાય પીડા કે નહિ, છુપાવે દરદ.
માનવી કે પશુ, આખરે તો મરદ!
હસતાં ચહેરાને વ્યથા, મપાય કેટલાં?
ઊઘાડી આંખે સપના જોવાય કેટલાં!!
શૈલા મુન્શા તા.૫/૧૫/૨૦૨૦