કાગડા એ ખાધી ખીર!
કાગડા એ ખાધી ખીર, સહુએ કર્યાં યાદ પૂર્વજોને,
વિચારે કાગડો કેમ કરૂં યાદ હું ખુદના પૂર્વજોને?
કરી એક દિવસ પૂજા પ્રભુની, ને પુણ્ય મળી જાય,
શું બાકીના દિવસોએ પાપ કરવાની પાવતી મળી જાય!!
ખુદ લોકો જ આપે છે હવા પાખંડીઓને જ્યાં,
ધુતારા ફાવી જાય તો નિઃસાસા નંખાય કેમ ત્યાં?
ગર્ભમાં ખુદ કરો વિનાશ અણજન્મી બાળકીનો
ને મંદિરોમાં મા અંબાનો જયજયકાર થાય છે!!
વિસર્જિત કરી દઈએ બાપ્પાને ધામધૂમથી સાગરમાં,
મંડાય મોકાણ પર્યાવરણની એની ક્યાં ચિંતા સમાજને!!
માણસાઈ જ ધર્મ, અને વિશ્વ એ જ કુટુંબ સાચું,
અમલમાં મુકવાની કરો શુભ શરુઆત આજથી.
આપો સંસ્કાર એ જ ગળથૂથીથી નવી પેઢીને,
કરો નવનિર્માણ બનાવી વસુંધરાને સ્વચ્છ સુંદર!!
શૈલા મુન્શા તા. ૦૯/૧૪/૨૦૧૯