
કોણ પોતાના અને કોણ પારકાં! સંબંધોની આ માયાજાળ અને ગોરંભાતી અનેક જીંદગીઓ. લોહીના સંબંધોની લાગણી અને સુવાસ ક્યારેય મુરઝાતી નથી, પણ કદીક અંતર વધી જાય છે ત્યારે ઘવાયેલું હૈયું પોકારી ઉઠે છે કે પોતાના માનીએ એ ખરે જ શું પોતાના બને છે? અને જે પારકાં છે એ ક્યારે પોતાના બની જાય એનો આભાસ પણ નથી થતો.
આપ્તજનોના સંબંધમાં ઉતાર ચઢાવ આવે તોય છેવટે “ડાંગે માર્યા પાણી કદી છુટા ન પડે” એ કહેવત મોટાભાગે સાચી જ પડે છે, પણ મારે
વાત આજે એ સંબંધની કરવી છે, જે ક્યારે સ્વ થી ય વિશેષ પોતાનો બની ગયો એ ખબરે ના પડી.
સીમા જ્યારથી સમજણી થઈ ત્યારથી એક દિવસ એવો આવતો કે એનું બાળ માનસ કેટલાય સવાલોથી ઘેરાઈ ઉઠતું. મમ્મી સરસ તૈયાર થઈને હાથમાં પૂજાની થાળી ને મિઠાઈ લઈ હોંશભેર સીમાને કહેતી, “બેટા જલ્દી કર, મામાને ત્યાં રાખડી બાંધવા જવાનુ છે, મારો ભાઈ રાહ જોતો હશે” ને સીમાનો સવાલ દર વર્ષની જેમ મમ્મીને પુછાતો “મમ્મી મારે કોઈ ભાઈ નથી?"
એનો જવાબ પંદર વર્ષની સીમાને બળેવને દિવસે જ મળી ગયો.
મમ્મીની ખાસ બહેનપણીનો દિકરો રાકેશ દરવાજે આવી ઊભો અને પોતાનો હાથ લંબાવતા બોલી ઉઠ્યો, “સીમા મને રાખડી બાંધ, આજથી હું તારો ભાઈ”
સીમાને રાકેશ ઉનાળાની રજામાં સ્કુલના કેમ્પમાં દસ દિવસ સાથે હતા. રાકેશના મમ્મી જ્યોતિમાસી જે શાળામાં પ્રિન્સીપાલ હતા ત્યાંજ સીમાની મમ્મી શિક્ષીકા તરીકે નોકરી કરતી હતી, અને એ સ્કુલમાં ન ભણતા હોવાં છતા શિક્ષકોના બાળકો હોવાના નાતે સીમા અને રાકેશ કેમ્પમાં ભાગ લઈ શક્યા હતાં.
કેમ્પના છેલ્લા દિવસે એક રમત રમાડાઈ, એ રમતમાં દરેકને એમના સપના વિશે પૂછવામાં આવ્યું. કોઈ એ ડોક્ટર બનવાનુ સપનુ જોયું હતું તો કોઈએ વકીલ. કોઈએ શિક્ષક બનવાનુ તો કોઈએ ક્રિકેટર. જ્યારે સીમાનો વારો આવ્યો ત્યારે એનાથી મનની વાત કહેવાઈ ગઈ. “બાળપણથી મારૂં એક સપનુ હતું કે મારે એક ભાઈ હોય." મોટી થઈ ને હું કાંઈપણ બનીશ પણ મારા ભાઈને રાખડી બાંધવાનુ તો નહિ જ ને! મામા માસી ના દિકરાઓ મારા ભાઈ તો કહેવાય પણ!! બોલતાં બોલતાં એની આંખો છલકાઈ ઊઠી.
રાકેશના દિલમાં સીમાની એ દર્દભરી આંખો ઘર કરી ગઈ, ને બળેવના દિવસે ભાઈ બની દરવાજે આવી ઊભો. એ ઘડી ને આજનો દિવસ, સગા ભાઈથી સવાયા બની સંબંધને મહોરવા દીધો છે.
સીમા જીવનની એ કારમી પળ ક્યારેય ભુલી શકે એમ નથી જ્યારે એકસિડન્ટમાં મમ્મીને ગુમાવી. પિતાની છત્રછાયા તો કોલેજના પ્રથમ વર્ષે જ ગુમાવી હતી.
પપ્પાના અવસાનની કળ હજી તો માંડ વળી ત્યાં ચાર જ વર્ષમાં મમ્મીનુ એકસિડન્ટમાં નિધન થયું ત્યારે બન્ને બહેનો અને સાવ નાનકડો અબુધ ભાઈ જેને શું ગુમાવ્યું કે શું થયું એની કોઈ હજી સમજ નહોતી, સાવ નોંધારાં બની ગયા. આપ્તજનો તો હતા જ અને સહુની હુંફ પણ હતી પણ ત્રણે ભાઈ બહેનમાં મોટી સીમા જે માનસિક યાતનામાં થી પસાર થઈ રહી હતી એનો અંદાજ કોઈને નહોતો. સવારથી મળવા આવનાર એકનો એક સવાલ પુછે અને સીમા રડતાં રડતાં એજ દુઃખદ ઘટના દોહરાવે. એમાથી મુક્તિ બે જણે અપાવી. નાના, નાની જે સીમા અને નાના બહેન ભાઈનો અભ્યાસ ન બગડે એટલે મન પર પથ્થર રાખી એમની સાથે રહેવા આવ્યા હતા અને બીજું વીસ વર્ષના રાકેશે.
નાનાએ બધા મળવા આવનારને કડક ચેતવણી આપી કે કોઈ સીમાને દુર્ઘટના બાબત સવાલ ન કરે. રાકેશ બીજા દિવસે રાતે નવ વાગે ગાડી લઈ હાજર થઈ ગયો. સીમાથી નાનો પણ રાતોરાત જાણે એ મોટોભાઈ બની ગયો, અને નાનાને વિનંતી કરી કે થોડીવાર માટે એ ત્રણે પોતાના ભાઈ બહેનોને ખુલ્લી હવામાં બહાર લઈ જવા માંગે છે.
સીમાને પહેલીવાર અનુભવ થયો કે માથે દુઃખનો પહાડ તુટી પડ્યો હોય તોય કોઈ હાથ પકડી ખુલ્લી હવામાં બહાર લઈ આવે, સોસાયટીના બગીચામાં થોડો સમય મૌન બની સાથે બેસે અને નાનકડા ભાઈને એક આઈસક્રીમ અપાવે. સહુને આ દુઃખના દરિયામાં થી બહાર કાઢવા બનતો પ્રયાસ કરે. કાંઈ ન કહેવા છતાં એ મૌન કેટલો સધિયારો આપી જાય કેટલુંય કહી જાય કેટલી હિંમત આપી જાય “કોઈ ચિંતા ના કરતા, હું તમારો ભાઈ હમેશ તમારી ઢાલ બની ઊભો રહીશ.”
એ સધિયારો એ હિંમત આપનાર જેણે રક્ષા બંધન સાચા અર્થમાં સાર્થક કરી, આજે પણ સીમાનો વહાલસોયો ભાઈ બની જીવનભર સીમાની પડખે રહ્યો છે!!
સત્ય ઘટના પર આધારિત.
શૈલા મુન્શા તા.૦૫/૦૭/૨૦૧૫