
કેલિફોર્નિઆની વાર્તા સ્પર્ધા બેઠક જે શ્રીમતી પ્રજ્ઞાબેન દાદભાવાળા ના “શબ્દોનુ સર્જન” દ્વારા આયોજિત કરવામા આવી હતી, એમાં આ વાર્તા બીજા નંબરના ઈનામની હકદાર બની છે.
હાશકારો
સ્વાતિ હાથમાં ચા નો કપ લઈ સવારનો કુમળો તડકો માણી રહી હતી. ચારે કોર શાંતિ હતી, સ્વચ્છ તડકો વાતાવરણને વધુ હુંફાળુ બનાવી રહ્યો હતો. શિયાળો હમણાં જ પત્યો અને વાસંતી વાયરો શરૂ થવાનો આ સમય સવારના એક ખુશનુમા વાતાવરણ સર્જી જતું. હવામાં એક તાજગીનો અનુભવ થઈ રહ્યો હતો. સ્વાતિ એ તાજગી ને પોતાના શ્વાસોમાં ભરી રહી.
રવિવારની સવાર એટલે લોકો હજી ગોદડામાં થી બહાર નીકળ્યા નહોતા. સોસાયટીમાં ખાસ કોઈ ચહલ પહલ નહોતી.
આમ પણ અમદાવાદની જીંદગી આસાયેશ વાળી. હોતા હૈ ચલતા હૈ. લોકોને કોઈ કામની ઉતાવળ નહિ. રોજીંદા જીવનમાં પણ મોટાભાગે વેપારી બપોરે ઘરે જમવા આવે અને બપોરિયું કરી ચાર વાગે પાછા દુકાને જાય. એવામાં આ જતી ઠંડી ની સવારે કોઈ વહેલુ શા માટે ઊઠે?
હજી ગયા રવિવારે તો સ્વાતિ લંડન હતી. છ મહિના દિકરા વહુ અને પૌત્રી સાથે ભરપુર મજા કરી ત્રણ દિવસ પહેલા જ ભારત પાછી ફરી હતી. અમદાવાદ એરપોર્ટ પર ભાઈ લેવા આવ્યો હતો અને સીધો પોતાના ઘરે જ લઈ ગયો. છ મહિનાથી ઘર બંધ હતું, જો કે અવાર નવાર પંકજ જઈને સાફ સફાઈ કરાવતો. સ્વાતિની વર્ષો જુની બાઈને બોલાવી કામ પતાવતો. લક્ષ્મીબાઈ ઘરના સદસ્ય જેવી જ હતી. ઘરની એક ચાવી પણ એની પાસે રહેતી. સ્વાતિના આવતાં પહેલા પણ પંકજ આગલે દિવસે જઈ ઘર ખોલાવી સફાઈ કરાવી અને રેફ્રીજરેટર શરૂ કરી આવ્યો. જરૂરી સામાન દુધ, થોડા શાકભાજી વગેરે જરૂરિયાતની વસ્તુ પણ ભરી દીધી. સ્વાતિ તો એરપોર્ટથી સીધી જ ઘરે જવા માંગતી હતી પણ પંકજ જીદ કરીને પોતાના ઘરે લઈ આવ્યો.
“બેના બે દિવસ તો આરામ કર, જરા થાક ઉતાર પછી ઘર તો છે જ ને.” ભાઈની જીદ સામે સ્વાતિનુ કાંઈ ચાલ્યું નહિ. બે દિવસ રહી ગઈકાલે રાત્રે જ સ્વાતિ પોતાના ઘરે આવી. પોતાનુ ઘર અને પોતાની પથારી મળતા સ્વાતિ નિરાંતે ઊંઘી.
અત્યારે ચાની ચુસ્કી લેતા સ્વાતિની નજર અમિતના ફોટા પર પડી. કેવા સપના અને કેવા અરમાન લઈ પોતે આ ઘરમાં આવી હતી. જીંદગી એ પણ કેવા અવનવા ખેલ દેખાડ્યા. સ્વાતિ ભૂતકાળની દુનિયામાં સરી પડી.
વીસ વર્ષની ઉમર. હજી તો હમણા જ B.A. ની ડીગ્રી મળી અને મમ્મી પપ્પા છોકરો શોધવા માંડ્યા. સ્વાતિ પછી બે ભાઈ બહેન એટલે સ્વાભાવિક જ મા બાપને દિકરી પરણાવવાની ઉતાવળ.
કોલેજના બીજા વર્ષે જ સ્વાતિ અમિતને મળી હતી. અમિત એનાથી એક વર્ષ આગળ અને કોમર્સ વિભાગમાં અમિત ખુબ જ દેખાવડો. રાજેશ ખન્નાને મળતો એનો ચહેરો. આખી કોલેજની છોકરીઓ એની સાથે વાત કરવા તલપાપડ, પણ અમિત ખુબ શરમાળ. કોઈની સામે આંખ ઉઠાવીને પણ ના જુએ. એ ભલો અને એનુ ભણવાનુ. ક્યારેય કોઈ ક્લાસ બંક ના કરે. બીજા છોકરાઓની જેમ કોલેજની બહાર ટોળટપ્પાં કરતો તો ક્યારેય દેખાય નહિ.
બીજી છોકરીઓની જેમ સ્વાતિને પણ અમિત ખુબ ગમતો પણ એની સાથે વાત કેમ કરવી એ મોટો સવાલ હતો. અચાનક જાણે કુદરતે જ એનો રસ્તો કરી આપ્યો. અમિતની નાની બેન અને સ્વાતિની નાની બેન સ્કુલમાં એક જ ક્લાસમાં, બન્ને એસ.એસ.સીમાં સાથે ભણે. મીતા સ્વાતીની બહેન સાથે વાંચવા એના ઘરે આવી અને રાતે મોડુ થયું એટલે અમિત પોતાની બેનને લેવા સ્વાતિના ઘરે આવ્યો.
ઘરનો ડોરબેલ વાગ્યો અને સ્વાતિએ બારણુ ખોલ્યું. ક્ષણભર તો એ આંખ ચોળતી રહી ગઈ. પોતે જાગે છે કે સપનામાં એ જાણવા પોતાના હાથ પર જાતે જ ચુંટી ખણી બેઠી. અમિતના અવાજે ચોંકી ગઈ.
“મીતા છે? હું એનો ભાઈ છું, એને લેવા આવ્યો છું.” સ્વાતિના ગળામાં થી માંડ અવાજ નીકળ્યો. “અંદર આવો ને, બસ મીતા નાસ્તો કરી રહી છે, હું બોલાવી લાવું. તમે બેસો પ્લીઝ.”
આ એમની પહેલી મુલાકાત. પછી તો કોલેજમાં આમને સામને થાય ત્યારે સ્મિતની આપ લે થાય. શરમાળ અમિત સ્વાતિમાં શું જોઈ ગયો તે રામ જાણે, પણ સ્વાતિની હાજરી એને ગમવા માંડી.
પરિચયમાં થી પ્રેમ ક્યારે પાંગર્યો એની બન્નેમાં થી કોઈને સુધ રહી નહિ. મીતા અને રીમાના માધ્યમથી ચીઠ્ઠીની અદલા બદલી શરૂ થઈ, કોલેજમાં ક્યારે ગુટલી મારી શુક્રવારે મેટિની શો માં પિક્ચર જોવાના શરૂ થયા એનો હિસાબ ના રહ્યો.
અમિત B.COM. થઈ બેંકમા નોકરીએ લાગ્યો, અને બીજા વર્ષે સ્વાતિની કોલેજ પણ પુરી થઈ. છોકરા જોવાની વાત આવી એટલે સ્વાતિ મુંઝાણી. અત્યાર સુધી તો ઘરના થી અમિતની વાત છુપાવી હતી. ફક્ત રીમા ને પોતે એ સિવાય કોઈને આ પ્રેમ પ્રકરણની જાણ નહોતી, પણ હવે વધુ વખત વાત છુપાવાય એમ નહોતી. સ્વાતિ કોઈપણ રીતે અમિતને ગુમાવવા નહોતી માંગતી.
છેવટે હિંમત કરી એણે પોતાની મમ્મીને વાત કરી. અમિતને ઘરમાં સહુ મીતાના ભાઈ તરીકે ઓળખતા. છોકરો ડાહ્યો, ભણેલો અને કમાતો હતો. પરિવારમાં એક મોટી અને એક નાની બેન અને મા. સ્વાતિના મમ્મી પપ્પને કોઈ વાંધો નહોતો.
અમિત અને સ્વાતિ એ અમિતની માની રજા મળે એની રાહ જોવાની હતી.
અમિતની માને પોતાના કુળનુ પોતાની નાતનુ બહુ અભિમાન. તેઓ સહેલાઈથી માને એમ નહોતું, પણ દિકરાની જીદ આગળ કાંઈ ચાલ્યુ નહિ અને કમને લગ્ન માટે હા પાડવી પડી.
શરૂઆતના વર્ષો આનંદમાં ગયા. લગ્નના બીજા વર્ષે સ્વાતિએ દિકરાને જન્મ આપ્યો અને સાસુનુ વર્તન થોડું કુણુ પડ્યું. સ્વાતિના સ્વભાવે પણ એમાં પુરો ભાગ ભજવ્યો. સાસુના આકરાં શબ્દોને કે આકરાં સ્વભાવને એણે શાંતિથી સહન કર્યો. ક્યારેય સામે જવાબ ન આપ્યો, અને પવનના જન્મ પછી તો દાદીનો પ્રેમ પોતરા પર અનરાધાર વરસવા માંડ્યો.
અમિતે મોટીબેન ના લગ્ન પણ ધામધુમથી કર્યા. ગજા બહાર ખર્ચો કર્યો. બેનને પરણાવવાની હોંશમાં થોડું દેવુ પણ માથે ચઢ્યું, પણ મનમાં ગણતરી હતી કે વાંધો નહિ, હજી તો જીંદગી આખી પડી છે. થોડી મહેનત વધુ કરીશ અને વધુ કમાઈ લઈશ.
માનવી ભરે બે ડગલાં ને કુદરત ચાર. “વક્ત” ફિલ્મનો સીન યાદ આવી ગયો. ચા નો કપ અને રકાબી. કોઈ અભિમાન કામનુ નથી. રકાબી હોઠે મંડાય એટલામાં તકદીરનુ પાનુ પલટાઈ જાય.
સ્વાતિની નજર સામે પણ એ કાળઘડી એ દિવસ તાદૃશ્ય થઈ ગયો. એ ક્ષણ તો ક્યારેય લોપાઈ નથી પણ આજે એ યાદ ફરી ઊભરી આવી.
દિવાળીના દિવસો, ચારે તરફ ઘરની સફાઈ ને પિત્તળના કળશ લોટા અભરાઈથી ઉતારી ચકચકાટ કરવાના. મઠિયા ને સુંવાળી, ઘૂઘરા મગશ ની સોડમથી ઘર ને મહોલ્લો મહેકી ઉઠે. આડોશ પાડોશના બૈરાં આજ મારે ત્યાં તો કાલ તારે ત્યાં એમ સહિયારા દિવાળીના નાસ્તા બનાવવા મંડી પડે.
દિવાળીની એકાદશીથી દિવાળીના તહેવાર શરુ થાય. એકબાજુ ફરાળની તૈયારી અને બીજી બાજુ સ્વાતિને એની સાસુ ઘરમંદિરને શણગારવાની. દિવાળીના દિવડાં તૈયાર કરવામાં મશગુલ, અને અચાનક અમિત બેંકથી ઘરે આવ્યો.
સ્વાતિ “અમિત કેમ આજે વહેલા આવ્યા? કાંઈ કામ હતુ કે રજા શરૂ થઈ ગઈ?
અમિત “સ્વાતિ જરા મારી સાથે દવાખાને ચાલને, જરા અસુખ લાગે છે, હમણા રોજ તળેલું ને પકવાન ખાવાના થાય છે તે ગેસ થઈ ગયો લાગે છે, બેચેની લાગે છે. પંડ્યા સાહેબ બે ગોળી આપશે ને એટલે ઠીક થઈ જાશે. કાલ થી તો પછી રજા જ છે.”
અમિત અને સ્વાતિ દવાખાને જવા નીકળ્યા. ડોક્ટરે તપાસી ગોળી અને દવાનો ડોઝ બોટલમાં ભરી આપ્યો.
બહાર આવી અમિત સ્કુટરને કીક મારવા ગયો અને ઢળી પડ્યો. માસિવ એટેક અને ક્ષણમાં અમિતના પ્રાણ જતાં રહ્યા. બુમાબુમ થઈ રહી “શું થયું, શું થયું” કોઈ જઈ ડોક્ટરને બોલાવી લાવ્યું, પણ ખેલ ખતમ. ક્ષણમાં હલતો ચાલતો વ્યક્તિ નશ્વર બની ગયો. સ્વાતિ અવાક બની ગઈ, અમિતને હલબલાવી રહી.
“અમિત ઊઠો, શું ચક્કર આવી ગયા? અરે! કોઈ પાણી લાવો, મ્હોં પર છાંટો, અમિત હમણા ઊઠશે.”
હસતો અમિત મૃત દેહ બની પાછો આવ્યો. આખા મહોલ્લાની દિવાળી માતમમાં બદલાઈ ગઈ. અમિત ક્યારેય ખતમ ના થાય એવી રજા પર ઊતરી ગયો. ઘરનો દિવડો બુઝાઈ ગયો.
કનકબેનના અસલી સ્વભાવનો પરચો સ્વાતિને થવા માંડ્યો. અમિતના મોતની જવાબદાર સ્વાતિને ગણી. છપ્પરપગી ને છિનાળવી ને કાંઈ જાતજાતના શબ્દોના તીર એના માસુમ હૈયાને વિંધતા રહ્યા.
ઘરમાં એકમાત્ર કમાનાર અમિતના ઓચિંતા અવસાને ઘરને તિતર બિતર કરી નાખ્યું. બાકી હતું તે બન્ને નણંદો એ પણ ભાભીને પજવવામાં કાંઈ બાકી ન રાખ્યું. હદ તો ત્યારે થઈ કે ગુસ્સાના આવેશમાં કનકબેને ધક્કો મારી સ્વાતિને ઘરની બહાર કાઢી મુકી. અંધારી રાતે ચાર વર્ષના પવન ને લઈ સ્વાતિ ઓટલે બેસી રહી. પાડોશીએ સ્વાતિના માબાપને ફોન કર્યો. બિચારાં દોડતા આવ્યા અને સ્વાતિને પોતાના ઘરે લઈ જવા કાલાવાલા કરવા માંડ્યા, પણ સ્વાતિ પોતાનુ ઘર છોડી જવા તૈયાર ના થઈ.
છેવટે લોકલાજે કનકબેન ને સ્વાતિને ઘરમાં લેવી પડી. સ્વાતિ એ કમર કસી. આમ રોદણા રડે જીંદગી ના જીવાય. પવનને ઉછેરવાની મારી જવાબદારી છે. ભણેલી છું. કાંઈક તો કામ મળી જશે. કોઈકે ભલામણ કરી, L.I.C. agent નુ કામ શરૂ કર. મોટુ પિયરયું છે. બધા તને મદદ કરવા તૈયાર છે. તારે ભીખ નથી માંગવાની. મહેનત કરી પૈસા કમાવાના છે.
સ્વાતિને ગળે વાત ઉતરી. જોઈતી તાલીમ લઈ કામ શરૂ કર્યું. શરૂઆતમાં કનકબેન વાંધા વચકા કાઢતા.”તું સમય કસમય બહાર જાય છે, પવનને મારે સાચવવાનો, લોકો શું વાત કરશે, જુવાન વિધવા વહુનો પગ કોઈ કુંડાળામા ના પડે” સ્વાતિ સામે જવાબ ના આપતી ને પોતાનુ કામ કરે જતી.
ધીરે ધીરે ઘરમાં પૈસા આવવા માંડ્યા અને સ્વાતિનો સંયમ જોઈ કનકબેન કુણા પડ્યા.
બે વરસ પસાર થઈ ગયા. ત્રીસ વર્ષે વિધવા થયેલ સ્વાતિ સામે લાંબી જીંદગી પડી હતી. માબાપે બીજા લગ્ન કરી લેવાની વાત છેડી, પણ સ્વાતિનો એક જ જવાબ હતો, મારે પવન માટે બીજા પિતા કે મારા માટે બીજા પતિની જરૂર નથી.
સ્વાતિને જીવવાનુ બળ પવનને જોઈને મળતું. અમદાવાદની ગરમી ઠંડી નો વિચાર કર્યા વગર સ્કુટરની કીક મારી એ નીકળી પડતી. વર્ષો વિતતા ગયાં. કનકબેન જીવલેણ બિમારીનો ભોગ બન્યા. સ્વાતિ એ ખડે પગે ચાકરી કરી. અંતરના આશિષ વરસાવતા કનકબેન પણ સ્વધામ પધાર્યા.
શાંતિથી વહેતી સ્વાતિની જીંદગીમાં ફરી એક વળાંક આવ્યો.
પવન “મમ્મી ઘણા દિવસથી મારા મનમા એક વાત છે, તને પુછું કે નહિ એની અવઢવમા છું” “બેટા તારે કાંઈ પુછવાની જરૂર નથી. તારી મા છું, શું હું નથી જાણતી કે તારી ઈચ્છા વધુ અભ્યાસ માટે વિદેશ જવાની છે? તારા વિદેશ વસતા મિત્રો સાથેની તારી ફોન પર થતી વાતો, ઈન્ટરનેટ પર ભેગી કરતો માહિતી, બધાની મને જાણ છે. હું તો રાહ જોતી હતી કે ક્યારે તુ મને પુછશે?”
પવન એમબીએ કરવા અમેરિકા કે લંડન જવા માંગતો હતો પણ બે વાતની એને ચિંતા હતી કે મમ્મી એકલી પડી જશે અને આટલા બધા ફી માટેના પૈસાની જોગવાઈ ક્યાંથી થશે? સ્વાતિએ એની ચિંતાનો નિકાલ કરી દીધો.
પવનને અમેરિકા તો નહિ પણ લંડનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમા એડમિશન મળી ગયું. હસતા મોઢે પોતાના આંસુ દિલમાં છુપાવી સ્વાતિએ પવનને લંડન વળાવ્યો. લોકોએ જાતજાતની શિખામણ આપી.
“સ્વાતિબેન તમે મોટી ભુલ કરો છો, દિકરો હાથમાં થી જતો રહેશે. એકવાર વિદેશ ગયેલા બાળકો ક્યારેય પાછા નથી આવતા”
સ્વાતિને ક્યાં કોઈની પરવા હતી. પહેલા પણ સમાજ સામે ઝઝુમી હતી અને હવે પણ. દિકરાને પાંખો આપી છે ઉડવા માટે, નહિ કે એની ગતિ રોકવા માટે. સ્વાતિ એ પોતાની દુનિયાનુ નિર્માણ ખુદ કર્યું હતું. દિકરા પર એને વિશ્વાસ હતો, એ જે પણ પગલું ભરે એમા એ ખુશ હતી.
એમબીએ થઈ પવનને લંડનમા જ સારી નોકરીની ઓફર મળી અને સાથે કામ કરતી રિયાના પ્રેમમાં પડ્યો. રિયા પંજાબી હતી પણ સ્વભાવની ખુબ સારી હતી. સ્વાતિએ ખુબ ધામધુમથી દિકરાના લગ્ન કર્યા અને હસીખુશી દિકરા વહુને લંડન રવાના કર્યા.
પવનની ખૂબ ઈચ્છા હતી કે મમ્મી લંડન એમની સાથે આવી રહે, પણ સ્વાતિએ સમજાવટથી કામ લીધું. દિકરાને બાહેંધરી આપી કે અવાર નવાર એ લંડન આવતી જતી રહેશે પણ હાલ તો ભારતની દુનિયા એને માટે વધુ અનુકૂળ છે.
સ્વાતિનુ L.I.C. નુ કામ તો હજુ ચાલુ જ હતું પણ કામનો બોજ ઓછો કરી નાખ્યો હતો. વાંચનનો જે શોખ હતો એ હવે એ પુરો કરી રહી હતી અને એટલું જ નહિ પણ અઠવાડિએ એકવાર પાસેના વૃધ્ધાશ્રમમા જઈ વૃધ્ધ લાચાર બહેનો ભાઈઓને મળી સારુ પુસ્તક વાંચી સંભળાવતી.
એક દિવસ સવારના પહોરે ફોનની ઘંટડી બજી. લંડનથી પવનનો ફોન હતો. “મમ્મી તું દાદી બનવાની છે, થોડા સમયમાં જ લંડન આવવાની તૈયારી કર. હું ટિકીટ મોકલાવું છું.”
સ્વાતિના હાથમાં પવને નેહાને મુકી ને સ્વાતિ ભાવવિભોર બની ગઈ. પોતાના પવનની દિકરી, આબેહુબ પવનની જ પ્રતિકૃતિ. હા રંગ રિયાનો છે, ગોરો ગોરો, બાકી તો નાનો પવન જ જાણે ફરી મારા હાથમાં.
છ મહિના પૌત્રીને રમાડવામાં એને માલિશ કરી નવડાવવામાં, રિયાનુ ધ્યાન રાખવામાં, અને પવનને ભાવતી વાનગી બનાવી ખવડાવવામાં ક્યાંય પુરા થઈ ગયા. ભારત પાછા જવાનો સમય થઈ ગયો. રિયાના મમ્મી હવે આવવાના હતા એટલે સ્વાતિને ચિંતા નહોતી. નેહા વરસની થઈ જાય પછી જોયું જશે.
રસ્તેથી પસાર થતી રિક્ષાના હોર્ને એને ભાવ સમાધિમાથી જાગૃત કરી. અંદર જઈ બેગમાંથી નેહાનો હસતો ફ્રેમમા જડેલો ફોટો બહાર કાઢી અમિતના ફોટાની બાજુમાં મુકતા અમિતને જાણે દેખાડી રહી, “ જુઓ તમારી પૌત્રી, તમારી જ કાર્બન કોપી છે ને, કારણ પવન પણ તો તમારી જ પ્રતિકૃતિ છે.”
સ્વાતિના ચહેરા પરનો પરમ શાંતિ અને હાશકારાનો ભાવ જીવનની તપસ્યાનુ સરવૈયું હતું.
(સત્ય ઘટના પર આધારિત)
શૈલા મુન્શા
હ્યુસ્ટન ટેક્ષ્સાસ.
તા. ૧૧/૨૮/૨૦૧૪