January 19th 2014

“વિચાર લહેરી” બ્લોગ નો વેબ ગુર્જરી પર પરિચય

શૈલા મુન્શાનો બ્લૉગ – વિચાર લહેરી – લેખિકા મૌલિકા દેરાસરી

ઇચ્છાઓની વાત કરી આપણે તો ઇચ્છા વિષે એક ઑર વાત એક અન્ય બ્લૉગમાં પણ વ્યક્ત થઈ છે.

“જે ના થઈ પૂરી એ ઇચ્છા અકળાય છે. શોધી નવી કેડી ધપવા આગળ થાય છે.”

વર્ષોને સંગ જિંદગી પણ સતત બદલાતી રહે છે એવી વાત એમના કાવ્યમાં વ્યક્ત થાય છે. આમ તો આ એક શિક્ષકનો બ્લૉગ છે. શિક્ષક અર્થાત શીખવાડનાર…બાળકો સાથેની નાની નાની ઘટનાઓ રોજિંદા પ્રસંગોમાં એમણે એ રીતે આલેખી છે કે, દરેક પ્રસંગ આપણાં મન પર એક છાપ છોડી જાય. પુસ્તકનું નહીં પણ અનુભવનું જ્ઞાન કઈ રીતે જીવનમાં કામ લાગે છે એ સમજાવી જાય છે.

વળી આ પ્રસંગોના એમના અનુભવો “બાળ ગગન વિહાર” નામના પુસ્તકરૂપે પણ પ્રગટ થયા છે. શબ્દ, અર્થ અને વાક્યપ્રયોગો નામની એક શ્રુંખલામાં આ દરેકનું સરસ સંકલન મળશે તો, સાથે વાર્તા, હાઈકુ, વ્યંગકાવ્ય અને ગઝલ પણ નીકળતી રહી છે એમની કલમ દ્વારા…

સ્વાતંત્ર્ય નામની વાર્તામાં આજ-કાલ ઝડપથી તૂટતાં લગ્નજીવનોમાં યુવા પેઢીની સહનશક્તિની મર્યાદા છે કે, વડીલોના ઉછેરમાં ખામી – આ પ્રશ્ન બહુ વિષદતાથી ઉઠાવ્યો છે. તો ‘મિશેલ’ નામની વાર્તામાં પ્રેમાળ પતિ અને દીકરાના મોતનો બેવડો આઘાત છાતી પર ઝીલીનેય હોઠો પર સ્મિત અને પતિ તથા દીકરાને ગમતું રૂપ ધારણ કરીને ખુમારીથી જીવતી સ્ત્રીની વાત છે.

નિઃસંતાન દંપતી માટે દત્તક બાળક કઈ રીતે આશીર્વાદ બનીને આવે છે અને એમની એકલવાયી જિંદગીને ખુશીઓથી ભરપૂર બનાવે છે એ વાત ‘આવકાર’ વાર્તામાં મળશે. મનમેળ કે તનમેળ ના હોવા છતાં આખી જિંદગી પતિને નિભાવતી પત્નીની વાત હોય કે અંતરમાં વેદના છુપાવી હસતા મુખે પત્નીનો દુ:ખમાંય સાથ ન છોડતા પતિની વાત હોય – સાવ સરળ અંદાજમાં મૂકી છે એમણે આપણી સમક્ષ.

હાઈકુ પર હાથ અજમાવતાં એમણે લખ્યું છે કે,

વાસંતી વાયુ

વાયરાનું અડવું,

ફૂલો મલક્યાં…

શૈલા મુન્શાનો બ્લોગ – વિચાર લહેરી

તો… વિચારોની ફૂંકાતી લહરો જ્યાં આપણને સ્પર્શે છે એવો આ બ્લૉગ છેઃ ‘વિચાર લહેરી‘. શૈલા મુન્શાની કલમે ઑગસ્ટ-૨૦૦૭થી જે સતત લખાતો રહ્યો છે. જિંદગીના છ દાયકાની ફિલ્મ રિવાઇન્ડ કરતાં તેઓ કહે છે કે, ‘ બાળ માસિકો, વાંચનનો શોખ, સ્પર્ધાઓએ સાહિત્ય માટે મનમાં લગાવ પેદા કર્યો અને ગુજરાતી સાહિત્યના માંધાતાઓને વાંચવાની પ્રેરણા એક શિક્ષિકાએ એમને આપી. એ પછી સાહિત્ય માટેનો લગાવ સતત વધતો રહ્યો.

કલકત્તા નગરીમાં જન્મ અને મુંબઈમા ઉછેર થયો. B.A., B.Ed થઈ શિક્ષિકા બન્યાં અને ત્યાર પછી અમેરિકા જઈ વસ્યાં. ત્યાર પછી ત્યાંના એમના અનુભવો, અનુભવો પછીનું મનોમંથન શબ્દો થકી આ બ્લૉગ પર પ્રગટ થતું રહ્યું છે… સતત.. બેહિસાબ…

” ખરે એક પાન વૃક્ષથી ને ખરે એક જિંદગી જીવનથી,

કચરાય એક પગ તળે, એક મન તળે… હિસાબ કોણ રાખે!!”

વિના હિસાબ વહેતી વિચાર લહેરોની આ ઝિલમિલ માટે કરો એક ક્લિક અહીં –

શૈલા મુન્શાનો બ્લૉગ – વિચાર લહેરી
||૫૪||

•આ લેખનાં લેખિકા મૌલિકા દેરાસરીનાં સંપર્કસૂત્રઃ ◦ઇ-પત્રવ્યવહારઃ maulikaderasari@yahoo.in

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help