જસ્ટીન
આ વર્ષે અત્યાર સુધી લગભગ ચાર નવા બાળકો મારા ક્લાસમા આવ્યા છે એમા ત્રણ છોકરી અને એક છોકરો છે. કુલ મળી ને પાંચ છોકરીઓ છે. આટલા વર્ષોમાં ભાગ્યે એક કે બે છોકરી હોય એટલે જ અમારી એમી જેવી છોકરીનો રૂવાબ બધા પર ચાલે.
આ વખતે જે બાળકીઓ છે બધી નાનકડી નાજુક અને પરાણે વહાલી લાગે એવી છે.
મારે તો જો કે આજે વાત જસ્ટીનની કરવી છે.સાડા ત્રણ વર્ષનો જસ્ટીન કેમ અમારા ક્લાસમા છે એ જ નવાઈ ની વાત છે. પહેલે દિવસે આવ્યો ત્યારે એની મમ્મી કહે જસ્ટીન જરા શરમાળ છે. જલ્દી બધા સાથે ભળી નથી શકતો. એમની વાત સાચી પણ લાગી.ચુપચાપ ખુરશી પર બેઠો. મમ્મી ગઈ તો રડ્યો નહિ. રડ્યો નહિ એ જ અમારા માટે મોટી વાત હતી, નહિ તો બાળકો શરૂઆતના થોડા દિવસો સંભાળવા મુશ્કેલ થઈ જાય.
એક બે દિવસ થયા અને જસ્ટીન બધા સાથે ભળી ગયો. બધી પ્રવૃતિ મા ભાગ લેવા માંડ્યો. હોશિયાર એટલો કે જાતે કોમ્પ્યુટર પર અમારી (Educational web site starfall) જેમા બાળકોને એ.બી.સી.ડી સાથે પિક્ચર, સંગીત વાર્તા બધુ જ હોય એ પોતાની જાતે કરવા માંડ્યો. લાલ પીળો વાદળી ભુરો વગેરે રંગના સરસ મજાના ગીત એ એની ગમતી વસ્તુ. માટે જ તો અમને લાગે છે કે જસ્ટીન અમારા ક્લાસમા કેમ છે?
કાલે રમતના મેદાન મા હું બાળકો સાથે રમતા જસ્ટીનને ગલીપચી કરી હસાવતી હતી. થોડીવાર થઈ અને પાછળથી આવી જસ્ટીન મને ગલીપચી કરવા માંડ્યો. મને એની મમ્મીની વાત યાદ આવી ગઈ “જસ્ટીન જરા શરમાળ છે”
ના ભઈ ના જસ્ટીન તો શરમાળ નથી મજાનો રમતિયાળ હોશિયાર બાળક છે. મને ખાતરી છે કે અમારા મીકેલની જેમ એને પણ અમે જલ્દી બીજા નોર્મલ Pre-K ના ક્લાસમા મોકલશું.
શૈલા મુન્શા. તા ૦૯/૦૫/૨૦૧૩