August 29th 2013

પહેલો દિવસ બાળકો સાથે -મણકો -૩૮

આજે મારે વાત કરવી છે મારા દિવ્યાંગ બાળકોનો પહેલો દિવસ સ્કૂલમાં. મને યાદ આવી ગયું ૨૦૧૩નું વર્ષ કારણ એ વર્ષે મારા ક્લાસમાં ઘણા ફેરફાર થયાં હતાં.
નવુ વર્ષ શરૂ થાય ત્યારે અમેરિકામાં બધા શિક્ષકો માટે તો બે અઠવાડિયા પહેલાં જ સ્કૂલ શરૂ થઈ જાય કારણ ક્લાસમાં બધી તૈયારી ધોરણ અનુસાર કરવાની હોય, અને સ્કૂલ શરૂ થાય તે પહેલાં બધાં માતા પિતા બાળકને લઈ શિક્ષકને મળવા આવે, સ્કૂલમાં ગણવેશ અને જોઈતી વસ્તુનું લીસ્ટ આપવામાં આવે. આમ બાળક અને શિક્ષકનો પરિચય પણ થઈ જાય.
પહેલો દિવસ બાળકો માટે અને ખાસ કરીને પહેલીવાર સ્કૂલમાં આવતાં નાનાં ચાર વર્ષનાં બાળકો થોડા ઘબરાઈ જાય એ સ્વાભાવિક છે. પહેલો દિવસ તો સ્કૂલના બધા શિક્ષકો અને પ્રિંસિપાલથી માંડી ઓફિસ સ્ટાફ માટે રઘવાટભર્યો હોય. ચારેબાજુ માતા પિતા નાના બાળકો સાથે અને શિક્ષકોની દોડાદોડી. Pre-K ના બાળકો પહેલીવાર સ્કૂલમાં આવતા હોય એટલે રડવાનો અવાજ ચરેબાજુ અને ઘણા બાળકો તો પોતાના માતા પિતાને છોડવા તૈયાર નહિ.
આ તો આખી સ્કૂલનો ચિતાર પણ અમારા બાળકો (PPCD-pre Primary children with disability) તો જુના અને નવાનું મિશ્રણ હોય, કારણ અમારા ક્લાસમાં ત્રણ વર્ષે આવતું બાળક છ વર્ષનું થાય ત્યાં સુધી અમારા ક્લાસમાં જ હોય. છ વર્ષ પછીપહેલા ધોરણમાં જાય. જેમ જેમ બાળકો આગળના ક્લાસમાં જાય તેમ નવા બાળકો પણ આવતાં જાય, એટલે થોડા જુના અને થોડા નવા. એ વર્ષે ટીચર પણ નવી અને ચારેક બાળકો પણ નવા આવ્યાં.
ડેનિયલ અને ડુલસે તો જેવા બસમાંથી ઉતર્યા કે મને બાઝી પડ્યા. બે મહિના ઘરે રહીને ડેનિયલભાઈ તો બધું ભુલી ગયા હતા. આગલ વર્ષે શીખવાડેલું અંગ્રેજી બધું ભુંસાઈ ગયું હતું અને કડકડાટ સ્પેનિશ ચાલુ થઈ ગયું હતું. ખરી મઝા સવારના નાસ્તા વખતે આવી. સીરીયલને દુધને બદલે ડેનિયલને ટાકો જોઈતો હતો. (મેક્સિકન લોકો મકાઈની રોટલીમાં ચિકન ને સાલસા બધું ભરી ગોળ વીંટો વાળી ને ખાય.)વેકેશનની મજા શરીર પર દેખાતી હતી. આમ પણ ડેનિયલ ગોળમટોળ હતો અને હવે થોડો લાંબો અને ગાલ ભરાયા હતા. તોફાન થોડા ઓછા થયા હતા.
એ.જે ઘણું બોલતા શીખી ગયો હતો. મારૂ નામ બરાબર બોલતો હતો. “હલ્લો મુન્શા” અને નવા ટિચરને “હલ્લો ટિચર” કહી બોલાવતો. “help me” કહેતા પણ શીખી ગયો હતો.. ફક્ત તકલીફ એક જ હતી, વારંવાર એ એકની એક વાત કહ્યા કરતો. જમવાના સમયે જ્યારે એક એક કોળિયે “Thank you” કહેવા માંડ્યો અને એ કહેવાની રીત એટલી સરસ હતી કે ત્યારે મને “ઈન્ડિયન આઈડોલ” ની નાનકડી હસતી સુગંધા દાતે, (જેના બે દાંત નહોતા) એ યાદ આવી ગઈ હતી.
ડુલસે જેવી જ બીજી નાનકડી નવી છોકરી બ્રીટ્ની આવી હતી. જસ્ટીન અને તઝનીન જેવા નવા બાળકો જોડાયા હતાં. પાણીની ધારને “Rain bow” કહેવાવાળો મીકેલ એ વર્ષથી એની કાબેલિયતને લીધે સામાન્ય વિધ્યાર્થીઓના ક્લાસમાં ભરતી કરવામાં આવ્યો હતો, પણ હજી સ્પેસિઅલ નીડ બસમાં જ આવતો કારણ હજી એને Autistic બાળકનું લેબલ હતું.
જેવો એ બસમાંથી ઉતર્યો તેવો હમેશની આદત પ્રમાણે અમારા ક્લાસમાં જઈ પોતાનું દફતર લટકાવવા માંડ્યો. મારે એને સમજાવીને એના નવા ક્લાસમાં લઈ જવો પડ્યો, ત્યાં પહોંચતા સુધીમાં તો એ કેટકેટલું બોલી ગયો. બે મહિનાના વેકેશન દરમિયાન વધુ ડાહ્યો અને સમજુ થઈ ગયો હતો.

મારી સાથે એ વર્ષે જે નવી ટીચર આવી, મીસ સમન્થા એનું વલણ ઘણું સકારાત્મક અને દિવ્યાંગ બાળકોને સંભાળવાની ઘણી કુનેહ હતી. પહેલે દિવસે જ મને કહેવા માંડી, ”મીસ મુન્શા પ્રિન્સીપાલ થી માંડી જે ટીચરને હું મળી એ બધા એ મને કહ્યું તું જરાય ચિંતા ના કરીશ. મીસ મુન્શા તારી સાથે છે અને એ આ બાળકો સાથે ઘણા સમયથી કામ કરે છે માટે તને જરાય વાંધો નહિ આવે” સમન્થાએ મારા અનુભવોનુ હંમેશા માન રાખ્યું અને નવું કાંપન શ્રું કરતાં અચૂક મારા મતને ધ્યાનમાં લીધો.
ભગવાનની મારા પર અસિમ કૃપા રહી છે કે મારા જીવનના એ સોનેરી વર્ષો જે મેં આ દિવ્યાંગ બાળકો સાથે કામ કર્યું એ બધાનો ખૂબ પ્રેમ પામી અને જે શિક્ષકો સાથે કામ કર્યું એ બધાએ મને એક અનુભવી શિક્ષિકા, એક માતા અને એક ભારતિય નારીના દેશી નુસ્ખા જે મેં કહ્યાં એને ન મારૂં માની અપનાવ્યા અને મને ભરપૂર આદર આપ્યો.
મારા જીવનના એ અણમોલ વર્ષો છે જે આજે પણ મને હર તકલીફ કે મુસીબતમાં લડવાની શક્તિ આપે છે.
અસ્તુ,
શૈલા મુન્શા
www.smunshaw.wordpress.com

August 29th 2013

૨૦૧૩-૨૦૧૪ નવુ વર્ષ

૨૦૧૩ નો ઓગસ્ટ મહિનો આવી ગયો અને શાળાનુ નવુ વર્ષ શરૂ થઈ ગયું. બાળકો ને આવવાને તો હજી વાર છે પણ અમારી પ્રવૃતિ શરૂ થઈ ગઈ. શાળાકિય પધ્ધતિ ભારત કરતા ઘણી જુદી. શાળા બંધ થાય ત્યારે બધું અભરાઈએ ચઢાવવાનુ અને શરુ થાય ત્યારે ફરી બધું ગોઠવવાનુ. શિક્ષકોની દશા અત્યારે શિક્ષક કરતાં મજુર જેવી વધારે લાગે. નિસરણી લાવો, કબાટ પરથી વસ્તુ ઉતારો, ક્લાસની દિવાલો ફરી સજાવો, અને સહશિક્ષકોનુ તો આવી બને. પુસ્તકોના થોકડે થોકડા ટ્રોલીમા ભરી દરેક ક્લાસમા પહોંચાડો. અમેરિકામા બાળકને સ્કુલમા સગવડ બધી મળે. ભારતની જેમ કેડ વળી જાય એવું દફતર ઊંચકીને ના આવવું પડે, બધા પુસ્તકો સ્કુલમા થી જ મળે. દર વર્ષે બોક્ષ ના બોક્ષ ભરી પુસ્તકો ડિસ્ટ્રીક ઓફિસમા થી આવે. અને જુના પુસ્તકો રફેદફે થાય. પુસ્તકોનો આવો વેડફાટ મે બીજે ક્યાંય જોયો નથી.
ખેર હું તો મારી વાત કરૂં.મારો ક્લાસ ગોઠવતા મને મારા બાળકો યાદ આવી ગયા. હરિકેન ટ્રીસ્ટન અને આઈન્સ્ટાઈન મિકાઈ બીજી સ્કુલમા ગયા. ગોળમટોળ ડેનિયલ અને જમાદાર ડુલસે ફરી મારા ક્લાસમા આવશે. મીઠડો વેલેન્ટીનો પણ પાછો આવશે. થોડા નવા બાળકો પણ આવશે. સાથે સાથે આ વર્ષે ટીચર પણ નવા છે.મીસ બર્કના લગ્ન થઈ ગયા અને એ સ્કુલ છોડીને ગઈ. નવી ટીચર નુ નામ સમન્થા છે. અત્યારે તો ઘણી ઉત્સુક છે અને બાળકોને મળવા આતુર છે, પણ ખરી મજા તો પહેલે દિવસે આવશે. આજ પહેલા એણે ક્યારેય માનસિક રીતે થોડા પછાત બાળકો સાથે કામ નથી કર્યું. બે મહિના ની રજા પછી આ બાળકો જ્યારે પાછા આવે ત્યારે અમારે ફરી શ્રી ગણેશાય નમઃ કરવું પડે. એટલે પહેલો દિવસ ચોક્કસ યાદગાર બની રહેશે.
ગમે તે હોય પણ હું મારા ફુલવાડીના ફુલડાં ને મળવા આતુર છું, સાથે સાથે તમને પણ અવનવા એમના તોફાનોથી પરિચીત કરવા આતુરછું. બસ થોડી ધીરજ ધરો. એમના પરાક્રમો ની સરિતા મા તમને પણ વહેતાં રાખીશ.

શૈલા મુન્શા. તા.૦૮/૨૧/૨૦૧૩

August 2nd 2013

કોઈ ચુપ રહી જાય!

ઊઘડે જો/ દ્વાર હૈયા/ના બાંધ તુટી જાય!
ભીડી સજ્જડ આંકડી, કોઈ ચુપ થઈ જાય.

ઈમારત એક સર્જાઈ પ્રેમ વિશ્વાસ ના ચણતરે!
એક પથ્થર ખસે ને, બસ કડડભુસ થઈ જાય.

સળી ડાખળાં કરી ભેગા બનાવે ઘોંસલો!
બને જ્યાં ઘોંસલો ને ડાળ તુટી જાય.

દુશ્મન કરે દગો એ તો દુનિયા નો રિવાજ છે,
બને જો દોસ્ત દુશ્મન,તો વિશ્વાસ તુટી જાય!

ઊઘડે જો દ્વાર હૈયાના એક બાંધ તુટી જાય!
ભીડી સજ્જડ આંકડી, કોઈ ચુપ રહી જાય!

શૈલા મુન્શા. તા ૦૮/૦૨/૨૦૧૩

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.