સમી સાંજે
વડલાની ડાળે બેઠા પોપટ ને પોપટી સમી સાંજે
દિનભરની ઉડાણનો ઉતારતા એ થાક સમી સાંજે
વાગોળતા એ વીત્યો દિન કેવો આજ
ને વળી વિતશે દિન કેવો કાલ,
કાલની તો કોને ખબર ભાઈ?
વીતી ઘડી આજની રળિયામણી ભાઈ.
મહેર મોટી કુદરતની એ પંખીડા પર,
કેવી વહેતી સરલ ને સહજ જીંદગી હરદમ!
કલ્લોલતા આનંદે ભરીને ઊંચી ઉડાણ
ગગન ભણી વહેતા સમીર સંગ સંગ.
ઝુલતા હિંચકાની કોર બેઠા એ દંપતી સમી સાંજે
જીંદગીની સફરનો ઉતારતા એ થાક સમી સાંજે.
વીત્યાં વર્ષોના વહાણા, વાગોળતા એ યાદ ખટમધુરી
હતા એ દિવસો યૌવનના તરવરાટથી ભરેલા
હતી હામ હૈયે, ઝીલી લેવા પડકાર સહુ આફતોનો
મિલાવી હાથમાં હાથ,બસ વધ્યા આગળ સફરમાં.
જીવન વહીખાતાનો માંડ્યો હિસાબ આજ અચાનક
સુખ દુઃખમાં પણ ન ચૂક્યા ફરજ કદી માત-પિતાની
ને દીધા સંસ્કાર, કેળવણી બાળકોને જીવવા સંસાર સાગરે
થયો આત્મ સંતોષ, ખરા ઉતર્યાં એ બાળુડાં દિપાવી નામ.
બસ આથી વધુ શું જોઈએ પ્રભુ, અમ જીવનમાં આજ,
બસ આથી વધુ શું જોઈએ પ્રભુ, અમ જીવનમાં આજ!!
રહે સાથ અમારો સદા આમ પુરક બની જીવનની સમી સાંજે.
( બસ આમ જ જીવન ની સફર મા હમેશ એકબીજાનો સાથ રહે એજ શુભેચ્છા સહિત)
સપ્રેમ,
શૈલા પ્રશાન્ત મુન્શા. તા. ૦૪/૦૨/૨૦૧૨
Posted in: કાવ્યો Edit This