વાત અમારા રિકાર્ડોની – મણકો – ૪૩
જાન્યુઆરી ૨૦૧૨ની વાત છે. નવું વર્ષ શરૂં થયું. અમેરિકામાં નાતાલની સ્કૂલમાં બે અઠવાડિયાની રજા પડે. બાળકો સહિત અમે પણ ખૂબ ખુશ થઈ જઈએ. સ્કૂલની નોકરીમાં આ એક અગત્યનો લાભ. દર બે ત્રણ મહિને નાનુ મોટું વેકેશન આવ્યા કરે, અને એમાં પણ જ્યારે તમે દિવ્યાંગ બાળકો સાથે કામ કરતાં હો ત્યારે આવા વેકેશન અતિ આવશ્યક હોય છે. ક્લાસમાં બાળકો ની સંખ્યા ભલે ઓછી હોય પણ દિવસ પુરો થતાં તમે તન અને મન બન્ને રીતે થાકી ગયા હો.
વેકેશન પછી સ્કૂલનો પ્રથમ દિવસ હતો. અમારા ક્લાસમાં ત્રણ થી પાંચ વર્ષના બાળકો હોય. તમે જરૂર કલ્પના કરી શકો કે આટલા નાના બાળકો પંદર દિવસ ઘરે રહીને પાછા સ્કૂલમાં આવે ત્યારે અમારે ફરી એકડે એકથી શરૂઆત કરવી પડે. રજા તો ખરી પણ નાતાલની! જે અમેરિકનો માટે મોટો તહેવાર. પાર્ટીને જલસા! બાળકોને તો કેક, કુકી અને આઈસક્રીમ ખાવાની મઝા પડી જાય.
જાન્યુઆરી મહિનો અને ઠંડીનો સમય, પંદર દિવસ મઝા કર્યાં પછી પાછું સવારે વહેલા ઊઠી ને આવવાનુ. બે ચાર દિવસ તો બધા બાળકોના ચહેરા ઉંઘરેટા લાગતાં, માતા પિતાને પણ બાળકોને વહેલાં જગાડવામાં નાકે દમ આવતો.
રિકાર્ડો જેવો ક્લાસમાં આવ્યો કે તરત દેખાઈ આવ્યું કે ભાઈએ બરાબરની મજા કરી છે. વેકેશન ની અસર એના શરીર પર દેખાતી હતી. આમ પણ મેક્સિકન છોકરાં થોડા ગોળમટોળ તો હોય જ પણ રજા ની મજા બરાબર દેખાતી હતી. વાચા વધુ ઊઘડી હતી. વધુ બોલતો થઈ ગયો હતો પણ બધું સ્પેનિશમાં. આટલા મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. રજા પડતાં પહેલા ઘણુ અંગ્રેજી બોલતા શીખ્યો હતો પણ ઘરે રહી બધું ભુલી ગયો.
બધા બાળકોમાં રિકાર્ડો જ સહુથી વધુ ખૂશ દેખાતો હતો જાણે સ્કૂલમાં આવવા માટે તત્પર હોય. એક કારણ એ પણ હોઈ શકે કે એ બે વર્ષથી અમારી સાથે હતો. ક્લાસમાં આવતાની સાથે જ મને વળગી ” Good Morning Ms. Munshaw, Good Morning Ms. Burk” બોલતાની સાથે જ
કાંઈ કેટલુંય બોલી દીધું. એની કાલી કાલી ભાષા સાંભળવી એટલી મીઠી લાગતી હતી કે પરાણે વહાલ કરવાનુ મન થઈ જાય, પણ બધું કડકડાટ સ્પેનિશમાં! એકબાજુ અમને હસવું આવતું હતું અને બીજી બાજુ રિકાર્ડોના મોં પરની ચમક અને કૌતુકભરી આંખો જોઈ લાગતું હતું કે પંદર દિવસમાં જાણે રિકાર્ડો મોટો થઈ ગયો હોય એવો લાગતો હતો.
અમને સાન્તા ક્લોઝે આપેલું નવુ જેકેટ હોંશભેર બતાવી કાંઈને કાંઈ બોલી નાખ્યું.
એની વાતો સાંભળી (સમજ્યા વગર) પણ અમારી તો સવાર સુધરી ગઈ. હસી હસીને નવા વર્ષના શુભ દિવસની શરૂઆત થઈ.
રિકાર્ડો અને એના જેવા અસંખ્ય બાળકો મારા ત્રેવીસ વર્ષના અમેરિકા વસવાટના એ યાદગાર મણકા છે જેને મને જીવવાનું બળ અને કોઈ પણ પરિસ્થિતિનો હસતા મોઢે સામનો કરતાં શિખવાડ્યું
ઈશ્વરને એ જ પ્રાર્થના કે આ દિવ્યાંગ બાળકોની નિર્દોષતા અને ચહેરાની મુસ્કાન કદિ વિલાય નહી.
અસ્તુ
શૈલા મુન્શા
www.smunshaw.wordpress.com
શૈલા મુન્શા. તા. ૦૧/૦૩/૨૦૧૨.