December 6th 2011

ડેનિયલ-૩

ડેનિયલ અમારો નાનકડો મેક્સિકન છોકરો. હજી તો મે એની ઓળખાણ જ કરાવી છે અને અમારા મિત્રો મે એ લાડકો પણ થઈ ગયો. હમણા ઘણા દિવસથી એના વિશે લખાયું નહોતુ તો નવીનભાઇ ની તાલાવેલી વધી ગઈ. મને કહે ડેનિયલ ક્યારે આવશે?
તો લો આજે ડેનિયલ વિશે વધુ રસપ્રદ વાતો.
ડેનિયલ ની અમારા ક્લાસની પ્રવૃતિ મા પ્રગતિ ઘણી સરસ છે. સ્માર્ટ બોર્ડ પર જાતે ક્લીક કરતા શીખી ગયો છે અને જ્યારે અમે એ બી સી ડી વગેરે બધા બાળકો ને સાથે કરાવતા હોઈએ તો પોતાના વારાની રાહ જોઈને ખુરશી પર બેઠો રહે છે.
ક્લાસમા થી જ્યારે કાફેટેરિયા મા જમવા જઈએ તો લોબીમા દરેક ક્લાસની બહાર બુલેટીન બોર્ડ હોય જ્યાં એ ક્લાસના બાળકોએ કરેલું કામ, મુકેલુ હોય. ડેનિયલ એ ચિત્રો ને ઓળખતો થઈ ગયો છે. અને જો વાઘ જુએ તો મારી સામે બે હાથના પંજા બતાવી ગર્જે. સફરજન નુ ચિત્ર જુવે તો તરત એપલ, એપલ, બોલવા માંડે.
બધી હોશિયારી સાથે મા ના લાડની અસર પણ દેખાય. જો ભાઈ નુ ધાર્યું ના થાય તો ચાલતા ચાલતા જમીન પર ચત્તોપાટ સુઈ જાય. મા કદાચ લાડ કરીને ઉંચકી લેતી હશે પણ અમને તો એમ કરવું પાલવે નહિ, બધા બાળકો એનુ અનુકરણ કરે તો અમારૂં કામ ખોરંભે પડી જાય.નિયમિતતા અને શિસ્તબધ્ધતા શીખવવા તો મા બાપ બાળકો ને સ્કુલ મા મોકલે છે.
હમણા નવેમ્બર મહિના મા “થેંક્સ ગીવીંગ”નો તહેવાર ગયો. અમેરિકા મા આ તહેવાર બહુ મોટા પાયા પર ઉજવાય અને એ દિવસે જમવામા ટર્કી એ મુખ્ય વાનગી કહેવાય. કોણ જાણે બિચારી કેટલીય ટર્કી નુ નિકંદન એ દિવસે નીકળતું હશે.સ્કુલ મા પણ આખો મહિનો જાત જાત ની ટર્કી ના ચિત્રો ને બધું આર્ટ વર્ક ક્લાસમા થતું હોય અને પછી ક્લાસની બહાર બોર્ડ પર મુકાતું હોય.
પહેલે દિવસે ડેનિયલે જ્યારે એ ચિત્ર જોયું તો ખુશ થઈને મારો હાથ પકડી “કુકી” “કુકી” કરવા માંડ્યો. પહેલા તો મને સમજ જ ન પડી પણ પછી ખ્યાલ આવ્યો કે ભાઈસાબ ટર્કી ટર્કી કહેતા હતા. અમે કેટલીય વાર એને સાચો ઉચ્ચાર કરાવવાની કોશિશ કરી પણ એની જીભ તો “કુકી” પર જ અટકી ગઈ હતી.
એટલું મીઠડું એ તોતડી જબાન મા બોલતો હતો કે પરાણે વહાલ ઉભરાઈ આવે. ઘણીવાર મને એને ઉંચકીને વહાલથી બાથમા લઈ લેવાનુ મન થાય પણ માથે હાથ ફેરવીને અટકી જઉં.
આ બાળકો ની આવી મીઠી મધુરી વાતો મન ને ખુશ કરી દે છે ને, કામનો થાક ઉતારી દે છે.

શૈલા મુન્શા. તા ૧૨/૦૬/૨૦૧૧

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help