December 14th 2011

વીતેલાં વર્ષો યાદોનો ખજાનો ભરી જાય,
ને બાકી જે પળ, દિલનુ ચેન હરી જાય!
વર્ષોની બાદબાકીને જીવનનો ગુણાકાર,
સરવાળે તો થઈ જાય દુઃખોનો ભાગાકાર!
વર્ષ એક ઉમેરાયને, અંત ઘડીનો ભાસ,
મનની મુરાદ એવી, મળે અમરત્વ કાશ!!
ચકડોળ ચાલે જિંદગીના સુખ દુઃખનું કેવું,
વલોવી હળાહળ, નિતારે અમૃતકુંભ જેવું!
વહીખાતાંમાં હિસાબ નફાતોટાનો જ લખાય,
મરણ બાદ માનવીના સત્કર્મો સદા જોવાય!
શૈલા મુન્શા. તા. ૧૨/૨૨/૨૦૨૦
December 12th 2011
ટ્રીસ્ટન એક આફ્રિકન બાળક. જ્યારે એને અમારા ક્લાસમાં દાખલ કર્યો ત્યારે એની ઉંમર લગભગ સાડા ત્રણ વર્ષની હતી એટલે એ અડધા દિવસ માટે આવતો હતો, પણ એટલો સમય પણ એને સાચવવો એ અમારા માટે જાણે મોટી જવાબદારી હતી. એનું કારણ જે છોકરાને કશી વાતનો ડર ન હોય અને વિફરે ત્યારે શું કરે છે એનુ ભાન ન હોય ત્યારે ક્લાસના શિક્ષકની જવાબદારી ઘણી વધી જાય. એ બાળકને કાંઈ ઈજા ના થાય, કોઈ બીજું બાળક એની અડફેટમાંના આવી જાય એ બધી બાબતોનો ખ્યાલ રાખવો ક્લાસના શિક્ષકોને જ રાખવો પડે.
એ વર્ષે મીસ મેરીએ તો રીટાયર થવાનું નક્કી જ કર્યું હતું પણ એ મને મજાકમાં કહેતી કે આ ટ્રીસ્ટનના કારણે હું વહેલી રીટાયર થાઉં છું, કારણ આવતા વર્ષે તો એ આખા દિવસ માટે સ્કુલમાં આવશે.
બીજા વર્ષે Miss Burk નવી ટીચર મારી સાથે જોડાઈ. શરૂઆતમાં તો એને પણ સમજના પડી કે ટ્રીસ્ટનને કેમ સંભાળવો? એક શિક્ષિકા તરીકે કામ કરવાનો એને માટે પહેલો અનુભવ હતો અને એમાં પણ નાના દિવ્યાંગ બાળકોને સંભાળવા એ ખરેખર ધૈર્ય રાખવા જેવું હતું. એ રોજ મને કહેતી “મીસ મુન્શા તું છે તો મને ઘણી રાહત છે. તારો આ બાળકો સાથે આટલા વર્ષ કામ કરવાનો અનુભવ મને ઘણો કામ લાગે છે.”
એક વાત અમને સમજાઈ ગઈ હતી કે ટ્રીસ્ટન ને પોતાની મમ્મીની કમી ઘણી મહેસૂસ થતી હતી.
ટ્રીસ્ટનની મમ્મી એકલા હાથે ટ્રીસ્ટનનો ઉછેર કરી રહી હતી સાથે સાથે નોકરી પણ કરતી એટલે સવારે વહેલાં એ ટ્રીસ્ટનને ડેકેર જ્યાં બાળકોની સંભાળ લેવાય ત્યાં મુકી આવતી અને ટ્રીસ્ટન ત્યાંથી સ્કૂલે આવતો. ત્રણ વાગે સ્કૂલમાંથી પાછો ડેકેરમાં જાય. એની મમ્મી નોકરીએથી નીકળી ટ્રીસ્ટનને લઈ ઘરે જાય અને નવડાવી, ખવડાવી ઊંઘાડી દેતી હશે. જે થોડો સમય મળતો હશે એમાં એ ટ્રીસ્ટનને એનું ધાર્યું કરવા દેતી હશે એટલે જ ટ્રીસ્ટનને બધે જ પોતાનુ ધાર્યં કરાવવાની ટેવ પડી હતી.
બપોરે જ્યારે બાળકો ને ઊંઘાડીએ ત્યારે રોજ ટ્રીસ્ટન ની ધમાચકડી ચાલુ થાય. એક દિવસ મને વિચાર આવ્યો કે એની મા નુ કોઈ શર્ટ કે કોઈ કપડું જેમા માની કોઈ સુગંધ હોય જેનાથી ટ્રીસ્ટન ને મા પોતાની પાસે છે એવી અનુભૂતિ થાય તો કદાચ ફરક પડે, કારણ મે ભારત મા ને અહીં અમેરિકા આવ્યા બાદ પણ એ જોયું છે કે બાળક જેમા એને મા ની સુગંધ નો અહેસાસ થાય એ કપડું કે સાડલાનો ટુકડો કે શાલ હમેશ પોતાની પાસે રાખે, જાણે એનાથી એને શાંતિ ને સલામતી નો અહેસાસ થતો હોય. ટ્રીસ્ટન ને પણ શાંત કરવા આ ઉપાય મે મીસ બર્ક ને સુચવ્યો. મીસ બર્ક તો કોઈ પણ ઉપાયે ટ્રીસ્ટન ને શાંત અને હસતો રમતો રહે એમા રાજી હતી.
માને જણાવ્યું કે તમે જે પરફ્યુમ છાંટતા હો તે એક જુના શર્ટ પર છાંટી ને મોકલાવો અને જ્યારે મા એ શર્ટ મોક્લાવ્યું તે અમે ટ્રીસ્ટન ના ઓશીકા પર ચડાવી બપોરના સુવાના સમયે ટ્રીસ્ટન ને આપ્યું ને જાણે ચમત્કાર થઈ ગયો.
ટ્રીસ્ટન રડ્યા વગર પહેલી વાર પાંચ મીનિટ મા સુઈ ગયો, અને હવે દરરોજ સુવા ના સમયે અમને કોઈ હેરાનગતિ થતી નથી.
નવ મહિના જેની કોખમાં જીવન પાંગર્યું એ નાતો ને એ સોડમ બાળક ક્યારેય ભુલતું નથી, માટે જ તો એંસી વરસની ઘરડી માનો ખરબચડો હાથ જ્યારે પણ દિકરાને માથે ફરે એમા મળતું સુખ કોઈ સ્વર્ગ ના અહેસાસ થી કમ નથી.
શૈલા મુન્શા. તા. ૧૨/૧૨/૧૦૧૧
December 6th 2011
ડેનિયલ અમારો નાનકડો મેક્સિકન છોકરો. હજી તો મે એની ઓળખાણ જ કરાવી છે અને અમારા મિત્રો મે એ લાડકો પણ થઈ ગયો. હમણા ઘણા દિવસથી એના વિશે લખાયું નહોતુ તો નવીનભાઇ ની તાલાવેલી વધી ગઈ. મને કહે ડેનિયલ ક્યારે આવશે?
તો લો આજે ડેનિયલ વિશે વધુ રસપ્રદ વાતો.
ડેનિયલ ની અમારા ક્લાસની પ્રવૃતિ મા પ્રગતિ ઘણી સરસ છે. સ્માર્ટ બોર્ડ પર જાતે ક્લીક કરતા શીખી ગયો છે અને જ્યારે અમે એ બી સી ડી વગેરે બધા બાળકો ને સાથે કરાવતા હોઈએ તો પોતાના વારાની રાહ જોઈને ખુરશી પર બેઠો રહે છે.
ક્લાસમા થી જ્યારે કાફેટેરિયા મા જમવા જઈએ તો લોબીમા દરેક ક્લાસની બહાર બુલેટીન બોર્ડ હોય જ્યાં એ ક્લાસના બાળકોએ કરેલું કામ, મુકેલુ હોય. ડેનિયલ એ ચિત્રો ને ઓળખતો થઈ ગયો છે. અને જો વાઘ જુએ તો મારી સામે બે હાથના પંજા બતાવી ગર્જે. સફરજન નુ ચિત્ર જુવે તો તરત એપલ, એપલ, બોલવા માંડે.
બધી હોશિયારી સાથે મા ના લાડની અસર પણ દેખાય. જો ભાઈ નુ ધાર્યું ના થાય તો ચાલતા ચાલતા જમીન પર ચત્તોપાટ સુઈ જાય. મા કદાચ લાડ કરીને ઉંચકી લેતી હશે પણ અમને તો એમ કરવું પાલવે નહિ, બધા બાળકો એનુ અનુકરણ કરે તો અમારૂં કામ ખોરંભે પડી જાય.નિયમિતતા અને શિસ્તબધ્ધતા શીખવવા તો મા બાપ બાળકો ને સ્કુલ મા મોકલે છે.
હમણા નવેમ્બર મહિના મા “થેંક્સ ગીવીંગ”નો તહેવાર ગયો. અમેરિકા મા આ તહેવાર બહુ મોટા પાયા પર ઉજવાય અને એ દિવસે જમવામા ટર્કી એ મુખ્ય વાનગી કહેવાય. કોણ જાણે બિચારી કેટલીય ટર્કી નુ નિકંદન એ દિવસે નીકળતું હશે.સ્કુલ મા પણ આખો મહિનો જાત જાત ની ટર્કી ના ચિત્રો ને બધું આર્ટ વર્ક ક્લાસમા થતું હોય અને પછી ક્લાસની બહાર બોર્ડ પર મુકાતું હોય.
પહેલે દિવસે ડેનિયલે જ્યારે એ ચિત્ર જોયું તો ખુશ થઈને મારો હાથ પકડી “કુકી” “કુકી” કરવા માંડ્યો. પહેલા તો મને સમજ જ ન પડી પણ પછી ખ્યાલ આવ્યો કે ભાઈસાબ ટર્કી ટર્કી કહેતા હતા. અમે કેટલીય વાર એને સાચો ઉચ્ચાર કરાવવાની કોશિશ કરી પણ એની જીભ તો “કુકી” પર જ અટકી ગઈ હતી.
એટલું મીઠડું એ તોતડી જબાન મા બોલતો હતો કે પરાણે વહાલ ઉભરાઈ આવે. ઘણીવાર મને એને ઉંચકીને વહાલથી બાથમા લઈ લેવાનુ મન થાય પણ માથે હાથ ફેરવીને અટકી જઉં.
આ બાળકો ની આવી મીઠી મધુરી વાતો મન ને ખુશ કરી દે છે ને, કામનો થાક ઉતારી દે છે.
શૈલા મુન્શા. તા ૧૨/૦૬/૨૦૧૧