November 7th 2011
રેખા હથેળીની બદલતી નથી કોઇ મંઝિલ,
ના હો હથેળી તોય બસ સલામત મંઝિલ.
સડક લાંબી યા ટુંકી, માનવી પહોંચે ના કદી મંઝિલ,
અડગ વિશ્વાસને દડમજલ, પહોંચાડે મંઝિલ.
આશ હૈયે ફુલનીને, ચુભ્યા કાંટા ન દિશે મંઝિલ,
જખમ એ વેદનાના, પહોંચાડશે જરૂર મંઝિલ.
ધુળ કચરાતી પગ તળે, નહિ કોઈ મંઝિલ
બની કોડિયું પાથરે ઉજાશ, પામે નિજ મંઝિલ.
ઓ માનવી!
ન બેસ ભરોસે નસીબને, ખુદ બનાવ મંઝિલ,
હામ બસ એવી, ખુદ ઢુંઢતી આવે તુજને મંઝિલ.
શૈલા મુન્શા. તા ૧૧/૭/૧૧
November 1st 2011
ગયા વર્ષના અંતે બ્રેન્ડન ના મા બાપે એનુ નામ સ્કુલમાં થી કઢાવી લીધું હતું કારણ એ લોકો શહેર છોડી બીજે જવાના હતા ને અમારા સહિત સ્કુલના બીજા બધાં પણ દુઃખી થઈ ગયા હતા. બ્રેન્ડન બધાનો જ ખુબ લાડકો હતો. P.E.ના શિક્ષક Mr. Keahy તો એને જોતાની સાથે જ ઊંચકી લે. પોતે તાડ જેવા ઊંચા અને બ્રેન્ડન બટુકજી એટલે વાંકા વળીને રમાડવાને બદલે સીધો ઊંચકી જ લે. બ્રેન્ડન પણ એમનો ખુબ હેવાયો, જેવા એમને દુરથી જુવે કે દોડીને સામે જાય.
ખબર નહિ કે શું થયું પણ બ્રેન્ડન ના મા બાપ નુ જવાનુ મોકુફ રહ્યું ને ઉઘડતી સ્કુલે અમે બ્રેન્ડનને પાછો અમારા ક્લાસમાં જોયો. બધા ખુશ ખુશ થઈ ગયા. બ્રેન્ડન પણ અમને બધાને જોઇ રાજી રાજી થઈ ગયો. બે મહિનામાં જાણે મોટો થઈ ગયો હોય એવો લાગતો હતો.
વાચા પણ થોડી ખુલી હતી. ક્લાસની બધી પ્રવૃતિ મા ભાગ લે.બધા સાથે ગીત ગાય ભલે બીજાને સમજ ના પડે કે એ શું ગાઈ રહ્યો છે, પણ આ આ આ કરી સુર પુરાવે. એના નામના અક્ષરો ઓળખતાં શીખ્યો અને સમજાય એમ બોલતાં પણ શીખ્યો.
રીતભાત મા અને બધા નિયમો નુ પાલન કરવામાં ક્લાસના બધા છોકરઓમાં બ્રેન્ડન મોખરે. બધા રમતા હોય અને પાછા ભણવાના ટેબલ પર બોલાવીએ તો એક બુમે કોઈ આવે નહિ પણ બ્રેન્ડન તરત જ આવે. સંગીત કે કોમ્પ્યુટરના ક્લાસમા લઈ જઈએ ત્યાં બધાનો એ લાડકો.
આજે હું જમીને પાછી આવી તો Miss Burk એ મને બ્રેન્ડન વિશે વાત કરી. “છેલ્લા બે ત્રણ દિવસથી બ્રેન્ડન તારી ગેરહાજરી માં તોફાને ચઢે છે. ટ્રીસ્ટન નુ જોઈ હવે એ પણ ટેબલ નીચે ભરાઈ જાય છે અને જે કામ કરવાનુ કહુ એને બદલે પોતાની મરજી પ્રમાણે જ કરે છે, ખોટું ખોટું હસ્યા કરે અને જાણે એમા બહાદુરી કરી હોય તેમ મારી સામે જુવે છે. એક જગ્યા એ બેસવાને બદલે ક્લાસમાં દોડાદોડી કરે છે”
હું તો માની જ ના શકી, કારણ મારી હાજરી મા મેં એને ક્યારેય એવી રીતે જોયો નહોતો. એક કારણ એ પણ હોઈ શકે કે બ્રેન્ડન ગયા વર્ષે પણ મારા જ ક્લાસમા હતો અને જાણતો હતો કે મારી સાથે કામ વખતે કામ અને રમવા વખતે રમવાનુ. પહેલેથી જ એ શાંત હતો એટલે ક્લાસના નિયમો નુ પાલન જલ્દી શીખી ગયો હતો, જે બીજા બાળકો ને વાર લાગે.
મીસ બર્ક ની વાત સાંભળી મને હસવું આવ્યું. એને નવાઈ લાગી, પણ મને ખ્યાલ આવી ગયો કે બ્રેન્ડન હવે પહેલાનો શાંત બ્રેન્ડન નથી રહ્યો.
ડાહ્યો તો હજી પણ છે પણ હવે બીજા બાળકો સાથે વધુ ભળી ગયો છે અને આમ પણ જ્યારે ક્લાસમાં ટ્રીસ્ટન જેવો તોફાની બારકસ હોય તો ભલા સંગ નો રંગ તો લાગે જ ને.
નાના કે મોટા સહુ કોઇને સારી કરતાં ખોટી વસ્તુનુ અનુકરણ કરતાં વાર નથી લાગતી.
શૈલા મુન્શા. તા/૧૧/૦૧/૧૧