September 8th 2011

નવું વર્ષ

ઓગસ્ટ ૨૦૧૧ સ્કુલનુ નવુ વર્ષ શરૂં થયું. પંદર દિવસ પુરા પણ થઈ ગયા. આ વર્ષે મારા ક્લાસમા ઘણા ફેરફાર થયા છે. સહુ પ્રથમ મીસ મેરીએ સ્કુલની નોકરી માથી નિવૃતિ લીધી, એટલે મારી સાથે Miss Burk કરીને નવી ટીચર આવી. એ થોડી જુવાન છે એટલે થોડા નવા વિચાર અને નવા આઈડીઆ એ અમલ મા મુકવા માંગે છે.
મારા ક્લાસમા ત્રણ થી પાંચ વર્ષના બાળકો હોય એટલે પાંચ વર્ષ પછી એ બધા ક્યાં તો “life skill” અથવા kindergarten ક્લાસમા જાય એટલે મારી જમાદાર એમી અને હસમુખો સેસાર kindergarten મા ગયા અને દમાની ને લેસ્લી life skill ક્લાસમા ગયા. બ્રેન્ડન એન્થોની વગેરે હજુ મારા ક્લાસમા છે અને હરિકેન ટ્રીસ્ટન જે અડધો દિવસ આવતો હતો એ હવે પુરા દિવસ માટે આવે છે અને નવા બાળકો જે આવ્યા છે બ્રાયન અને ડેનિયલ એ બન્ને માટે સ્કુલ એ જ નવી શરૂઆત છે એટલે તમે કલ્પના કરી શકો છો કે પહેલું અઠવાડિયું અમારા માટે જાતજાતના અવાજો વચ્ચે વિત્યું.આજે હું ડેનિયલ ની ઓળખાણ તમને કરાવું.
ડેનિયલ મજાનો છોકરો છે. મેક્સિકન એટલે ગઠિયો અને વજનમા પોપલો નહિ પણ મજબુત. પરાણે વહાલો લાગે એવો પણ ઠરીને એક જગ્યાએ બેસે નહિ. એને માટે બધું જ નવું અને બધું એને અડવા જોઈએ. અંગ્રેજી સમજે નહિ એટલે અમારૂં ભાંગ્યું તુટ્યું સ્પેનિશ થી અમે કામ ચલાવીએ. પહેલા બે દિવસ તો રડવાનો કાર્યક્રમ ચાલ્યો. સ્વભાવિક છે કે મા ને છોડી આખો દિવસ અજાણ્યા વાતાવરણ મા રહેવાનુ, પણ ધીરે ધીરે ક્લાસમા વાગતી નાના બાળકોના ગીત ની સીડી ને કોમ્પ્યુટર પર (જે મોટા સ્માર્ટ બોર્ડથી જોડાયેલું છે) એમને ગમતા કાર્ટુન વગેરે થી રડવાનુ થોડું થાળે પડ્યું, પણ ખરી મજા બપોરે આવી. બપોરે આ બાળકોને અમે કલાક માટે સુવાડીએ જેથી એમને થોડો આરામ મળે અને ત્રણ ચાર વર્ષના બાળકો સવારે ૭.૩૦ થી બપોરના ૩.૦૦ વાગ્યા સુધી સ્કુલમા હોય એ બહુ લાંબો સમય થઈ જાય એમના માટે.
ડેનિયલ મારો ગઠિયો એને એની મા ખોળામા લઈને સુવાડતી હશે એટલે જ્યારે મે એને એની મેટ પર સુવાડ્યો તો ભાઈએ ભેંકડો તાણ્યો અને મને વળગીને મારા ખોળામા માથું મુકવાનો પ્રયત્ન કર્યો. હું સમજી ગઈ કે એને એની મા આમ જ સુવાડતી હશે. મે એને થાબડીને સુવાડ્યો અને મારો હાથ પકડીને પાંચ જ મીનિટ મા સુઈ ગયો. જરાવાર રહીને મે હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો તો ઝબકી ને વધુ સખત રીતે પકડી લીધો.
અડધો પોણો કલાક જ્યાં સુધી એ સુતો મને ત્યાંથી ઊઠવા ના દીધી. બાળક માત્ર પ્રેમનુ ભુખ્યું હોય છે અને જ્યાં પ્રેમ મળે ત્યાં એ સહજતાથી હળી જાય છે. ઘણીવાર આ બાળકોની ધમાલથી હું થાકી જાવ છું પણ જ્યારે એક મીઠડું સ્મિત એમના ચહેરા પર છલકી ઉઠે અને વહાલ થી આવી વળગી પડે ત્યારે બધો થાક વિસરાઈ જાય છે.
બસ આ વર્ષે તમને મારા આ નવા બાળકોના નવા નવા તોફાનો ને અડપલાં પિરસતી રહીશ ને સહુને મારા “રોજીંદા પ્રસંગો” મા શામેલ કરતી રહીશ.

શૈલા મુન્શા. તા.૦૯/૦૮/૨૦૧૧

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help