June 25th 2011

વેદના

સુલેખાને આજે પોતાની ભુલનુ ભાન થયું. જાણે અજાણે એ નયનને કેટલો ખોટો સમજી બેઠી હતી. હમેશ પોતાના દુઃખના દરિયા મા ગોતા ખાતી રહી પણ એ ખ્યાલ ન રહ્યો કે આ દુઃખ ફક્ત પોતાનુ જ નહોતું પણ આખા ઘર પર એક વાવાઝોડું આવી ને પસાર થઈ ગયું હતું.
સુલેખા અને નયન બન્ને તાજા પરણેલા. બન્નેની ઉંમર બાવીસની આસપાસ. સરસ મજાનુ હસતુ રમતુ યુગલ. સંયુક્ત પરિવારમા રહે.નયન એકનો એક દિકરો એટલે સ્વભાવિક સહુનો લાડકો અને સુલેખા પણ ઘરમા બધા સાથે ખુબ હળી ગઈ હતી, બધાની લાડકી વહુ બની ગઈ હતી.નયન વેપાર ધંધામા પારંગત થતો જતો હતો પણ હજી એનામા થોડી નાદાનિયત હતી.
લગ્ન ને માંડ વર્ષ થયું હતું અને એવામા એનો એક મિત્ર પરિવાર સહિત બેત્રણ દિવસ એના ઘરે રહેવા આવ્યો. બે સરસ મજાના બાળકો નો એ બાપ હતો. દિકરી ત્રણ વર્ષની ને દિકરો તો હજી માંડ સાત આઠ મહિનાનો. ઘરના બધા અને સુલેખા પણ બાળકો જોઈને ખુશ થઈ ગયા અને ઘર જાણે ભર્યું ભર્યું થઈ ગયું, પણ નયન જોઈ રહ્યો હતો કે એનો બેખબર મિત્ર કેવો બંધન મા જકડાઈ ગયો છે.બહાર જવાના સમયે જ દિકરી ને ભુખ લાગે, કાંતો દિકરો રડવા ચડે. એના મનમા થતું કે એના મિત્રે જરા ઉતાવળ કરી દીધી. હજી એની ઉમર તો હરવા ફરવાની છે અને એ બાળકો મા અટવાઈ ગયો.
મિત્ર તો એનો બે દિવસમા જતો રહ્યો પણ નવરાશ ની પળો મા સુલેખા સાથે વાત કરતાં સહજ એનાથી સંદીપ નો ઉલ્લેખ થઈ ગયો કે એનો આ મિત્ર કેવો હરવા ફરવાનો શોખીન અને રાતે પણ મોડે સુધી ગપ્પાં મારવા તૈયાર, અને હવે બધું બાળકો ના ટાઈમ ટેબલ પ્રમાણે થાય. આમ વાત કરતા સહજ એનાથી કહેવાઈ ગયું કે સુલુ આપણે બાળકો માટે કોઈ ઉતાવળ નહી કરીએ, મને તો બાળક સાચવતા પણ નહી આવડે.
કુદરતની ચાલ કંઈ નિરાળી હતી. બે ત્રણ દિવસથી સુલેખાને ઉઠતાની સાથે બેચેની લાગતી ઉબકાં આવતા અને કાંઈ ખાવાનુ મન થતું નહી. એણે એની ભાભી ને ફોન કર્યો જે લગભગ એની ઉમરની હતી અને ત્રણ મહિનાની દિકરી ની મા હતી. નયન ધંધાના કામે બહારગામ હતો અને બે દિવસ પછી આવવાનો હતો એટલે ભાભી નણંદ ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે વધાઈ આપતાં કહ્યું કે સુલેખા મા બનવાની છે. સુલેખાની ખુશીનો પાર રહ્યો નહી તરત સેલ ફોન હાથમા લઈ નયન ને ખુશખબર આપવા તલપાપડ બની પણ અચાનક એનો હાથ થંભી ગયો. મીતા જે એની ભાભી હતી એને નવાઈ લાગી પણ ડોક્ટરની હાજરી મા કશું બોલી નહી. બહાર નીકળી જ્યારે એને કારણ પુછ્યું તો સુલેખાની આંખમાં આંસુ આવી ગયા અને ભાભી ને એણે નયનના મનની વાત કરી કે એને તો હમણા બાળક જોઈતું જ નથી. મીતા એ એને ખુબ સમજાવી કે એવું કાંઈ હોતું નથી. જ્યારે તું આ સમાચાર નયન ને આપીશ તો એ ખુશી નો માર્યો પાગલ થઈ જશે. તમે બન્ને ભલે થોડા નાદાન હો પણ જવાબદારી આવે તો આપોઆપ એને સંભાળવાની તાકાત આવી જાય છે.
નયન જ્યારે બહારગામથી પાછો આવ્યો તો સુલેખાએ રાતે ડરતાં ડરતાં પોતે મા બનવાની છે એ વાત કરી.એક ક્ષણ તો નયન એને જોઈ રહ્યો પણ બીજી ક્ષણે સુલેખાને બાથમા લઈ લીધી. પોતે બાપ બનવાનો છે એનો આનંદ એના ચહેરા પર ઉભરાઇ આવ્યો. તરત જ એ સુલેખાને મા પાસે લઈ ગયો અને આખા ઘરમા ખુશીનો સાગર લહેરાઈ ઊઠ્યો. ઘરના બધા સુલેખાનુ ખુબ ધ્યાન રાખવા માંડ્યા. બદામનુ દુધ ને જાતજાત ના પકવાન. સાસુ તો દાદી બનવાના હરખમા સુલેખાને કોઈ કામ ના કરવા દે અને નણંદ તો ફોઈ બનવાના ખ્યાલથી બસ આખો દિવસ સુલેખાનો પડતો બોલ ઝીલવા તૈયાર.
હસતાં રમતાં આ ઘરને કોઈ ની નજર લાગી ગઈ. ત્રણ મહિના થયા અને એક રાતે સુલેખાને સખત દુઃખવો ઉપડ્યો. આખી રાત સુઈ ના શકી. નયન પણ ચિંતીત થઈ ઊઠ્યો. સવાર પડતાં જ બન્ને જણ ડોકટર પાસે ગયા. ડોક્ટરે સુલેખાને તપાસી, બહાર આવી નયન ને એકબાજુ બોલાવી આઘાત જનક સમાચાર આપ્યાકે સુલેખાને miscarriage થઈ ગયું છે પણ આમા નિરાશ થવાની જરૂર નથી પ્રથમ વાર આવું થવું સ્વાભાવિક છે એમા તમારા બન્ને નો કોઈ વાંક નથી અને થોડા મહિના બરાબર કાળજી ને દવા લઈ ફરી સુલેખા મા બની શકશે માટે એને અત્યારે સંભાળી લેજો.
નયન કશું બોલ્યા વગર ચહેરા પર હાસ્ય રાખી સુલેખાને ઘરે લઈ આવ્યો, પણ મા પાસે હામ રાખી ના શક્યો અને ડોક્ટરે શું કહ્યું તે વાત કરી. ઘરના સહુ પર તો જાણે આકાશ તુટી પડ્યું.સહુ સુલેખા દેખતાં હિંમત રાખતા પણ મનમા હિજરાતા. નયન જાણે રાતોરાત સમજદાર બની ગયો. સુલેખાની ખુબ દેખભાળ કરતો, કોઈની સામે આંખમા આંસુ આવવા ના દેતો પણ ઘરની બહાર નીકળતાં જ સુનમુન બની જતો. કામમા પોતાને વ્યસ્ત રાખવા પ્રયત્ન કરતો.
કોણ જાણે કેમ પણ સુલેખાને મનમા એમ જ થયા કરતું કે નયન ને બાળક જોઈતું જ નહોતું એટલે જ આવું થયું અને એમા એક દિવસ નયન ને ઓફીસથી આવતાં મોડું થયું. સુલેખા દુઃખ ના આવેશમા ભાન ભુલી ગઈ અને એનાથી નયન ને કહેવાઈ ગયું કે “તમને મારી વેદના શું સમજાય, તમે તો આખો દિવસ બહાર રહો અને મને બધું ભુલી જવા કહો પણ મને જે વેદના છે એ તમને નહિ સમજાય કારણ તમે તો આ બાળક ઈચ્છતાં જ નહોતાને.” નયન સ્તબ્ધ બની સુલેખા ને જોઈ રહ્યો અને રૂમની બહાર નીકળી ગયો. બહાર વરંડામા જઈ ચોધાર આંસુએ રડી પડ્યો. નયન કે સુલેખા બન્ને માથી કોઈને ખબર નહોતી કે મા દરવાજા ની બહાર ઊભી ઊભી બધી વાત સાંભળી રહી હતી અને એણે નયનને ચોધાર આંસુએ રડતો જોયો હતો.
આજે એનાથી રહેવાયું નહી. સુલેખા પાસે જઈ પહેલીવાર ઊંચા અવાજે એણે સુલેખાને કહ્યું ” વહુ આજે તે બહુ ખોટું કર્યું. અમે બધા તારા દુઃખ મા તારી સાથે છીએ. અમે બધા મન મક્કમ કરી એ દુઃખ વિસરવાનો પ્રયત્ન કરીએ છીએ. એકબીજા સાથે વાત કરી મન હળવું કરવાનો પ્રયત્ન કરીએ છીએ પણ તે વિચાર કર્યો કે નયન કોની પાસે મન ખાલી કરે. કોની પાસે જઈ આંસુ વહાવે. માન્યુ કે નયન ત્યારે કદાચ બાપ બનવા તૈયાર નહોતો પણ જેવા આ ખુશી સમાચાર મળ્યા એનામા પરિવર્તન આવવા માંડ્યું. ફક્ત એના મા જ નહિ દુનિયા ના બધા પતિ બાળકના આગમને વધુ જવાબદાર બને જ છે અને આજે તેં આટલો મોટો ઈલ્જામ એના પર લગાવ્યો. એની વેદના તને દેખાઈ નહી? તારી સામે હસતાં રહી તને રાજી રાખવા એ પોતાના આંસુ પી ગયો.”
સુલેખાને આજે પોતાની ભુલનો અહેસાસ થયો. સ્ત્રી તો પોતાનુ દુઃખ રડીને હળવું કરી લે પણ પુરૂષ તો પોતાની વેદના અંતરમા છુપાવી જગ સામે ઝઝુમે.

શૈલા મુન્શા. તા ૦૬/૨૫/૨૦૧૧

1 Comment »

  1. very touching

    Comment by vibhuti — June 26, 2011 @ 10:24 am

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help