એમી -૮
વાત અમારી તાન્યાની – મણકો -૩૭
નટખટ અને જમાદાર એમી ને બસ ક્લાસમા એનાથી ચઢિયાતું કોઈ ના હોવું જોઈએ. હમણા થોડા દિવસ પહેલા અમારા ક્લાસની બીજી છોકરી લેસ્લી ની વર્ષગાંઠ હતી. લેસ્લી છ વર્ષની થઈ.એની વર્ષગાંઠ ઉજવી એટલે એમી નારાજ થઈ ગઈ, મારી વર્ષગાંઠ કેમ નહિ અને હું ચાર વર્ષની કેમ? એને કેટલું સમજાવ્યું પણ બેન માનવાને તૈયાર નહિ. કોમ્પ્યુટર પર “હું કોણ છું” ની રમત રમાડીએ તો એમી ચાર ને બદલે છ મીણબત્તી જ પોતાની કેક પર મુકે.એની વર્ષગાંઠ જુન મા આવે છે ત્યારે એ પાંચ વર્ષની થશે પણ અત્યારે તો એ અમારા બધાની દાદી છે.
આજે એના રૂવાબનો એક નવો નમુનો જોવા મળ્યો. અમારા બાળકો નાના છે એટલે રોજ બપોરે એમને એક કલાક સુવાડી દઈએ. આજે એ બહેન ધમાલ ના મુડમા હતા. પોતે સુવાને બદલે આજુબાજુ સુતા બાળકોને પણ અવાજ કરી સુવા ના દે, હસ્યા કરે, જાતજાતના ચાળા કરે. છેવટે મીસ મેરીએ ગુસ્સો કરી એને ત્યાંથી ખસેડીને રૂમના બીજા ખુણે એકલી સુવાડી. હું ત્યારે જમવા ગઈ હતી. જ્યારે પાછી આવી તો એમી ને અલગ જગ્યાએ જોઈ ને સમજી ગઈ કે એણે કાંઇ કર્યું લાગે છે. મેરીએ મને બધી વાત કરી પણ એમી તો રડું રડું થતી સુતી હતી.
અમે બન્ને ટીચર જ્યારે આવું ક્લાસમા બને તો એકે ગુસ્સો કર્યો હોય તો બીજું મનાવી લે. એટલે મે એમી ને જુદા સુવાનુ કારણ પુછ્યું અને સમજાવી પટાવી પાછી એની મુળ જગ્યાએ સુવા જવાનુ કહ્યું. મેરીએ પણ એને બોલાવી પણ હજી એનો ગુસ્સો મેરી પરથી ઉતર્યો નહોતો. બીજી બાજુ મોઢુ કરી ને એ સુવા જતી રહી. કલાક પછી ઉઠવાનો સમય થયો અને નાસ્તાનો સમય થયો. મેરીએ એમીને નાસ્તો કરવા બોલાવી તો ના કહીને બેસી ગઈ.
આટલી નાની છોકરી ને પણ જાણે સ્વમાન કેટલું વહાલું છે કે બસ મને ગુસ્સો કર્યો જ કેમ? જો કે બે મીનિટ મા બધાને બીસ્કીટ ખાતા જોઇ નાસ્તાના ટેબલ પર આવી ગઈ અને પાછી અમારી રમતિયાળ એમી બની ગઈ.
આ બાળકો સાથે કામ કરવાની એજ મઝા છે. એમની રીસ પણ લાંબી ટકતી નથી અને એમનો ગુસ્સો પણ લાંબો ટકતો નથી.
આ બાળકોને ભલે બીજી બહુ લાંબી સમજ નહિ હોય પણ એટલું એમને ખબર છે કે ટીચર એમને ખુબ વહાલ કરે છે અને મને પણ એજ સંતોષ આ બાળકો સાથે કામ કરીને મળે છે. રીસાયા પછી પણ દોડતાં આવીને વળગી પડે એનાથી વિશેષ શું જોઈએ.
શૈલા મુન્શા. તા ૦૫/૦૨/૨૦૧૧.