મારે કોઈ ઘર નથી
સવિતા પાંસઠ વર્ષની વયે પહોંચવા આવી. મધ્યમવર્ગી માતાપિતાને ત્યાં જન્મ અને બાળપણની બસ એટલી યાદ કે પપ્પાની ખૂબ લાડકી અને સામાન્ય જરૂરિયાત પુરી કરવામાં માતાપિતાએ કોઈ કચાશ રાખી નહોતી. દીકરી હોવા છતાં ભણવા માટે પુરતું પ્રોત્સાહન આપી જીવનમાં પગભર થતાં શિખવ્યું હતું.
સંસ્કારી માતાપિતાનું સંતાન અને ખાસ તો દીકરી હોવાના નાતે નાનપણથી માએ દીકરી તો પરકા ઘરની થાપણ સમજી ખૂબ જતન અને ચીવટથી ઘરના સંસ્કારોનું જ્ઞાન આપ્યું હતું. સવિતા બાળપણ વિતાવી મુગ્ધાવસ્થા ને પગથિયે પહોંચી અને પપ્પાના નિયમો થોડા કડક થવા માંડ્યા. રાતે મોડે સુધી બહાર નહિ ફરવાનું, યુવાન છોકરાઓ સાથે એકલા કશે નહિ જવાનું વગેરે વગેરે.
સવિતાથી બે વર્ષ નાનો ભાઈ હતો પણ એને કોઈ રોકટોક નહોતી. સવિતા મનમાં મુંઝાતી મનોમન ગુસ્સે પણ થતી પણ ઘરના સંસ્કારોએ હંમેશ એને માતાપિતા સામે દલીલ કરતા રોકી, છતાં હૈયાના ઊંડાણમાં અણજાણપણે એક બીજ રોપાયું જેની સવિતાને જાણ પણ ન હતી.( મારે મારી મરજી મુજબ કાંઈ નહિ કરવાનું)
યુવાન અને સુંદર સવિતા માટે મુરતિયાઓની લાઈન લાગી અને માતાપિતાએ સારું ઘર અને ભણેલો છોકરો જોઈ મહેશ સાથે સવિતાના લગ્ન કરાવી આપ્યા. સવિતાના દિવસો મોજમજા અને આનંદથી પસાર થવા માંડ્યા. કુટુંબનો વિસ્તાર વધ્યો અને સરસ મજાના બે બાળકો અમી અને રોનક થી ઘર ભર્યું ભર્યું થઈ ગયું.
સવિતાની લાખ ઈચ્છા છતાં ઘણી બાબતોમાં એ પતિની ઉપરવટ જઈ પોતનો સ્વતંત્ર નિર્ણય લઈ શકતી નહિ. પોતે ભણેલી હોવા છતાં બધો નાણાકિય વહેવાર પતિને હસ્તક અને સવિતાએ પણ એમાં કદી માથુ માર્યું નહિ. સામાજિક વહેવાર એ સાચવી લેતી પણ કદી એણે જો કાંઈ સ્વતંત્ર નિર્ણય લીધો તો અચૂક બોલચાલ થતી અને ઝગડો આગળ ન વધે એટલે સવિતા ચૂપ થઈ જતી.
બાળકો મોટા થયા અને જમાનો પણ બદલાયો. માતાપિતાની પસંદગીને બદલે બાળકો પોતાના જીવનસાથી જાતે શોધતા થઈ ગયા. દરેક ઘરની એ કહાણી થઈ ગઈ તો પછી રોનક પણ શા માટે બાકાત રહે. નોકરી ધંધાની સીમા ફક્ત પોતાના શહેર પુરતી મર્યાદિત ન રહેતા આંતરરાષ્ટ્રિય થઈ ગઈ. લગભગ બધાના જ ઘરમાંથી બાળકો દેશ-પરદેશ કમાવા માટે જવા માંડ્યા. પતિ પત્ની બન્ને નોકરી કરે એવો વખત આવી ગયો. એમને પોતા માટે પૂરતો વખત ન રહે ત્યાં વહેવાર સાચવવાનો વખત ક્યાં મળે. સવિતા ઈચ્છે કે રોનક જ્યાં સુધી આપણા માટે પ્રેમ અને લાગણી રાખે છે ત્યાં સુધી બસ છે, પણ મહેશ ઈચ્છે કે રોનક બધું એના કહ્યા પ્રમાણે કરે અને ઘરમાં મહાભારત મંડાય. સવિતાને કાયમ મનમાં ભીતિ રહે કે બાપ દીકરા વચ્ચેના વિચારભેદમાં દીકરો આપણાથી દૂર થતો જશે પણ એ મહેશને સમજાવી ના શકે. મહેશને મન રોનક હજી પણ નાનો જ અને એને દરેક વાતમાં સલાહની જરૂર, પણ આજની પેઢી કદાચ વધુ વાસ્તવિક રીતે વિચારતી થઈ ગઈ હતી.
વિદેશ કે દેશ એકલા રહી ભણ્યા ઘણા નિર્ણયો જાતે લીધા અને જાત અનુભવે શીખ્યા. સવિતાને પણ આ વાત સાચી લાગતી. બાળકોને પણ અનુભવે શીખવા દેવા અને એમને જરૂર હોય તો ચોક્કસ સલાહ આપવી, નહિ તો દૂરી વધતી જશે પણ ત્યાં જ સવિતા પાછળ પડતી, એ કોઈને કહી શકતી નહિ અને મનમાં ને મનમાં હિજરાતી કે ખરે જ મારા વિચારોની કોઈ કદર નથી? શું મારે કોઈ ઘર નથી?
સવિતાએ કદાચ મુગ્ધાવસ્થામાં અણજાણપણે હૈયામાં જે બીજ રોપ્યું તે આજે વટવૃક્ષ બનીને એને સંતાપી રહ્યું હતું. એને લાગી રહ્યું કે “મારે કોઈ ઘર નથી” એકલી સવિતા જ શા માટે? કદાચ આ ઘણી સ્ત્રીઓની મનોવેદના હશે. બધું હોવા છતાં આ ભાવના એમના હૈયાને સંતાપી રહી હશે.”મારે કોઈ ઘર નથી”
શૈલા મુન્શા.
Time has been changed but still we are way behind for woman freedom(specially in India & midddle-east countries)..good story..keep it up.
Comment by વિશ્વદીપ બારડ — July 7, 2010 @ 9:15 pm