વાત અમારા રોહનની – મણકો – ૪૨
ચાર વર્ષનો રોહન પોલીસ ઓફીસરનો દીકરો. ઘરમાં સહુનો ખૂબ લાડકો. એને જોઈને કોઈને પણ લાડ કરવાનું મન થાય એવો મીઠડો. મમ્મી પપ્પા ખુબ લાડ લડાવે, પણ સાથે સાથે પોલિસ ઓફિસરનો દીકરો એટલે રીતભાત અને નિયમોનું પાલન કરવાનું વગેરે બાબતો વિશે મમ્મી પપ્પાની કાળજી દેખાઈ આવતી.
રોહન ખૂબ ચોક્ખો અને સુઘડ બાળક. પહેલા દિવસે મમ્મી ને પપ્પા બન્ને એને સ્કૂલમાં મુકવા આવ્યા. જાતજાતની સુચના મમ્મી તરફથી અમને મળી, એ શું ખાય છે, એને શું ભાવે છે વગેરે વગેરે. મમ્મી પપ્પા ગયા ને રોહનભાઈએ રડવાનું ચાલુ કરી દીધું. પહેલીવાર એ અજાણ્યા બાળકો વચ્ચે હતો. ધીરે ધીરે એ ટેવાતો ગયો અને એને મજા પડવા માંડી. રોહનને એક નાનકડી બહેન હતી, એનું નામ એમીલી. અમારા ક્લાસમાં પણ એક એમી હતી. રોહન જાણે એનો પણ મોટો ભાઈ હોય તેમ એમી કાંઈક ધમાલ કરે તો હજી અમે એમીને બેસવાનું કહીએ તે પહેલા રોહન કડક અવાજે કહે “એમી બેસી જા”
એક દિવસ તો ખરી મજા આવી. ક્લાસમાં અમે જુદા જુદા વિભાગ પાડ્યા હતા, આર્ટ વિભાગ જ્યાં બાળકો કાતર કાગળ પેન્લસિલ લઈ કાંઈ ચિત્રકામ કરે. ડ્રામા વિભગ જ્યાં કોમ્યુનિટી હેલ્પરના કપડાં હોય જેમ કે ડોક્ટરનો કોટ, મેડિકલ કીટ વગેરે. આગબંબા વાળાનો ડ્રેસ, પોલિસ ઓફિસરનો ડ્રેસ.
બાળકો પોતાનું કામ પતાવીને એ વિભાગમાં પોતાને મનગમતો ડ્રેસ પહેરી મસ્તી કરે. જે ડોક્ટર બન્યું હોય એ અમને પણ આવી ઈન્જેક્શન આપી જાય. રોહન તો હમેશ પોલિસ ઓફિસરનો ડ્રેસ પહેરી બરાબર એના પપ્પાની નકલ કરે.
એક દિવસ બધા બાળકો પોતાની રમત પ્રવૃતિમાં મશગૂલ હતા પણ એમી બધાને હેરાન કરતી હતી, અચાનક રોહન જે પોલિસના ડ્રેસમાં હતો એ રમતા રમતા ઊભો થઈને બે હાથ કમ્મર પર રાખીને એકદમ પોતાના પપ્પાની જેમ નકલ કરતો કહેવા માંડ્યો “એમી ૧ ૨ ૩ જા જઈને પેલા ખૂણામાં બેસી જા, બિલકુલ ઊભા નથી થવાનું” હું ને મેરી તો જોતા જ રહી ગયા કે ક્યાં થોડા દિવસ પહેલા નો રોહન ને ક્યાં આજનો રોહન.
રોહનને લેવા મોટાભગે એના પપ્પા આવે કારણ મમ્મીને ઘરે નાની દીકરીને સાચવવાની હોય, અને સવારે રોહન સ્કૂલ બસમાં આવે.
એક દિવસ સવારે રોહન બસને બદલે એના પપ્પા સાથે પોલિસની ગાડીમાં આવ્યો. અમારો ક્લાસ એકદમ છેવાડે અને એની બારીમાંથી અમને કાર માં આવતાં બાળકોની જગ્યા દેખાય. અમારી ચબરાક એમીની નજર પડી અને એ બુમ પાડી ઉઠી ” મીસ મુન્શા પોલિસ કાર, પોલિસ કાર” અમે જોયું કે રોહન એમાંથી ઉતરતો હતો! બસ બધા બાળકોને પોલિસ કાર પાસે જઈ જોવાનો અભરખો જાગ્યો, શરુઆત એમીબેને કરી.
બસ પછી તો મજા જ મજા. બધા બાળકોને બહાર ગાડી પાસે લઈ ગયાને ફોટા પાડ્યાંને રોહનના પપ્પાના યુનિફોર્મને બધા નવાઈથી જોતા રહ્યા. પડછંદ પપ્પાની આસપાસ અમારા નાનકડાં બાળકોએ જાતજાતના ફોટા પડાવ્યાં!
કેટલો નિર્દોષ આનંદ આ બાળકો નાની વાતમાં પણ મેળવી લે છે એ જો એમની પાસે શિખવા જેવું છે.
એ નિર્દોષતા ક્યારેય ઓછી ના થાય એ જ પ્રાર્થના.
એ દિવસો અને એ દેવદૂતો ક્યારેય વિસરાય એમ નથી. એમની યાદ મને પણ હમેશ જીવવાની, દુઃખ ભુલી ખુશ રહેવાની હિંમત આપે છે!
અસ્તુ,
શૈલા મુન્શા
www.smunshaw.wordpress.com