January 18th 2009

નિવૃતિ નિવાસ

પુરુષોત્તમ ભાઈ -લેખિકા-શૈલા મુન્શા (વાર્તા)

મહાબળેશ્વરનાં કુદરતી સાનિધ્યમાં પહાડો અને ખળખળ વહેતાં ઝરણાની પાડોશમા એક વિશાળ બંગલો. કોઈ અમીરની કૃપાથી એ બંગલાનુ નિવૃતિ નિવાસમાં રુપાંતર થયું જ્યાં પંદર થી વીસ વ્યક્તિઓ આરામથી દરેક પ્રકારની સુખસગવડ સાથે રહી શકે.જ્યાં સ્વજનોથી તરછોડાયેલા વ્યક્તિને પોતાપણાનો અહેસાસ થાય. જ્યાં જાતપાત કે ધર્મના વાડામાં બંધાયા વગર જીવનની પાછલી અવસ્થા શાંતિથી પસાર થાય.
એવા એ નિવૃતિ નિવાસમા સવાર તો રળિયામણી ઊગી હતી પણ અચાનક કાળું વાદળ આવીને સૂરજને ઢાંકી દે અને ચોપાસ સૂનકાર છવાઈ જાય તેમ અચાન અવંતિકાબેનની બુમ પડી. અરે! વલ્લભદાસ, ડો. પરાંજપે, પુરુષોત્તમભાઈ બધા જલ્દી આવો. આ સરગમબેનને કાંઇક થઈ રહ્યું છે, પરસેવે રેબઝેબ થઈ ગયા છે, અને બધા પહોંચે કાંઇક સારવાર શરુ કરે એ પહેલા તો સરગમબેને ડોક ઢાળી દીધી.
નિવૃતિ નિવાસના રહેવાસીઓમાં આ પહેલું મૃત્યુ બધાને ખળભળાવી ગયું. વલ્લભદાસતો છુટ્ટા મોઢે રડી પડ્યા, અવંતિકાબેનની તો જાણે વાચા જ હરાઈ ગઈ. બધા હાંફળા ફાંફળા થઈ ગયા. ઘડી બે ઘડી તો સર્વને શું કરવું એની જાણે સુઝબુઝ જ ના રહી. પેસ્તનજી તો જાણે બાવરા બની બોલવા માંડ્યા અરે! સરગમબેન ઘડી તો રાહ જોવી હતી, અરે તમારી આગળ હું ઊભો રહી ગયો હોત. મારી તો અહીં કાંઈ જરુર નથી પણ તમે સર્વેના મા સમાન, બધાને ઘડીમાં નોંધારા કરી ગયા.
સરગમબેન ભણતરે નર્સ એટલે અહીંયા પણ બધાંની મા અને મોટીબેન બનીને હંમેશા સાચી સલાહ આપતા, અને નવી આવનાર વ્યક્તિને સંભાળી લેતા. અવંતિકાબેન તો જ્યારે નિવૃતિ નિવાસમા આવ્યા ત્યારે કેટલાય દિવસ સુધી સૂનમૂન હતા. એ વૃધ્ધ માને એક જ વાત કોરી ખાતી કે મા ના ગરીબ ખોરડામાં પાંચ પાંચ દિકરા સમાઈ શક્યા પણ ઘરડી મા અમીર પાંચ દિકરાના મહેલમા ન સમાઈ શકી. ત્યારે સરગમબેને જે હુંફ અને ધીરજથી એમની લાગણીની માવજત કરી, એ યાદ એમની આંખમાથી આંસુના રેલા બનીને વહી રહી હતી.
પુરુષોત્તમભાઈ જીવાણી ધંધે વકીલ અને નિવૃત થયા પછી પણ વકીલશાહી સ્વભાવમાંથી ગઈ ન હતી. એ તુમારશાહીને સરગમબેને કેવી સહજતાથી માનવતાવાદમાં ફેરવી નાખી એનો પુરુષોત્તમભાઈને ખ્યાલ સુધ્ધા ના આવ્યો. દુઃખના પ્રથમ આંચકામાંથી બહાર આવીને બધાએ સરગમબેનના આત્માને શાંતિ મળે એ માટે પ્રભુપ્રાર્થના કરવાનુ નક્કી કર્યું.
સંધ્યા ધીમેધીમે રાતમા પલટાઈ ગઈ, અને દરેક જણે પોતપોતાના રુમમા જઈ નિંદ્રાદેવીનું શરણ લેવાનો પ્રયત્ન કર્યો. દરેક રુમમા બે વ્યક્તિ રહી શકે એવી સગવડ રાખવામા આવી હતી જેથી કોઇ વ્યક્તિને એકલવાયું ના લાગે અને રાતવરત જરુર પડે એકબીજાની હુંફ રહે.
પુરુષોત્તમભાઈ અને સોહિલ સાઠે બન્ને એક જ જમાતના લોકો. પુરુષોત્તમભાઈ વકીલ તો સોહિલ સરકારી અધિકારી, અને સાથે થોડી વકીલાત પણ કરી હતી તેથી એ બન્નેને ભૂતકાળના પ્રસંગો અને કોર્ટના કેસની વાત કરવાની મઝા આવે તેથી એ બન્ને એ એક જ રુમમા સાથે રહેવાનુ રાખ્યુ હતું.
આમ તો બહાર રાતનો સોપો પડી ગયો છે પણ સોહિલ જોઈ રહ્યો છે કે પુરુષોત્તમભાઈ પડખાં ઘસી રહ્યાં છે. છેવટે ન રહેવાતા સોહિલે ધીરેથી હાંક પાડી, પુરુષોત્તમભાઈ ઊંઘ નથી આવતી? શા વિચારે ચઢી ગયા છો? અને સોહિલના સવાલે પુરુષોત્તમભાઈ ની આંખમા આંસુ આવી ગયાં. સોહિલ, સરગમબેનના મૃત્યુએ મને વિચાર કરતો કરી દીધો. કાલ ઊઠીને આપણે સર્વે એ એજ માર્ગે જવાનુ છે. સરગમબેન તો નસીબદાર કે કોઈની પાસે પાણીનો પ્યાલો માંગવા પણ ના રોકાયા અને છૂટી ગયા. ખરો પુણ્યશાળી આત્મા પણ આપણુ શું? એમ વાતો કરતા આંખ ઘેરાવા માંડી અને અર્ધનિંદ્રિત અવસ્થામા પુરુષોત્તમભાઈ પણ જાણે સરગમબેન સાથે ચિત્રગુપ્તના દરબારમા પહોંચી ગયા છે, અને ચિત્રગુપ્ત એમના જીવનનુ સરવૈયું કાઢી રહ્યાં છે. પુરુષોત્તમભાઈ જીંદગીના જમાઉધારમા કયું પલ્લું ભારે છે? અને પુરુષોત્તમ્ભાઈની નજર સામે જીવનના પાના એક પછી એક ઉઘડવા માંડ્યા.
પાંચ વર્ષનો પુરુષોત્તમ. માબાપનું એક નુ એક સંતાન, લાડકોડમાં મોટો થયો. બાપાની ઇચ્છા વકીલ થવાની હતી પણ ઘરની જવબદારીએ ઇચ્છા પૂરી ના થઈ શકી. એ ઇચ્છાનું બીજ એમણે પુરુષોત્તમમા રોપ્યું, અને પુરુષોત્તમ ભણીગણીને મોટો વકીલ થયો. વકીલાતની સનદ લઈ બરોડાની કોર્ટમા કેસ લડવાની શરુઆત કરી. ફોજદારી કેસમા ધીરેધીરે ફાવટ આવતી ગઈ અને ત્રણ વર્ષમા તો વકીલાતની દુનિયામાં પુરુષોત્તમભાઈનુ નામ આગળ પડતું ગણાવા માંડ્યું.
સારા ઘરની કન્યાના માંગા આવવા માંડ્યા અને બાપાએ ખાનદાન જોઈને સંસ્કારી ઘરની કન્યા રમાને પસંદ કરી દીકરાના રંગેચંગે લગ્ન કરાવી આપ્યા. લગ્નજીવનની શરુઆત થઈ.રમા ખુબજ શાંત સ્વભાવની, પુરુષોત્તમભાઈની એકેઍક વાતમાં સંમત કદિ કોઈ વાતમા વિરોધ કે પોતાનો અંગત અભિપ્રાય નહિ. જેના કારણે પુરુષોત્તમભાઈ વધુ ને વધુ આપખુદ બનતા ગયા. સમાજમાં મોભો વધતો ચાલ્યો અને કોર્ટની દુનિયામા નામના વધતી ચાલી.
કેસની તૈયારી એટલી ઝીણવટપૂર્વક કરે કે ભલભલા વકીલોના છક્કા છુટી જાય. નબળો લાગતો કેસ પણ પુરુષોત્તમભાઈના હાથમા આવે કે કાયદાની એટલી બારીકાઈથી એ લડીને સચ્ચાઈ સબિત કરી આપે, અને હારની બાજી જીતમા પલટાવી નાખે. જેમ જેમ વકીલાતની દુનિયામા નામના મેળવતા ગયા તેમ તેમ જાણે ઘરથી દૂર થતા ગયા.
ઘરમા બે સરસ મજાના દિકરા રમતા થયા-નિલેશ અને નિલય, પણ પુરુષોત્તમભાઈને બાળકો સાથે વાત કરવાનો પણ સમય નહી તો પછી સાથે બેસીને રમવાની તો વાત જ ક્યાં? ઘરમા પણ એક રુમ ને એમણે પોતાની ઓફીસ બનાવી હતી. રમાને સખત તાકીદ કે બાળકો ભુલેચુકે પણ એ રુમની આસપાસ ના ફરકે. બાળકોને મન તો પિતા જાણે એક અગમ્ય અસ્પ્રુશ્ય વ્યક્તિ. મોટાભાગે તો એમનો મેળાપ જ ના થાય. નિલેશ નિલયની શાળાનો સમય સવારનો, મમ્મી જ બંનેને તૈયાર કરી સ્કૂલ બસમા રવાના કરે અને રાતે જ્યારે પુરુષોત્તમભાઈ ઘર આવે ત્યારે બંને બાળકો ઊંઘી ગયા હોય.શનિ રવિ પણ ઘર અસીલોથી ભરેલું હોય. ઘરમા જ્યાં સુધી પપ્પાની હાજરી હોય ત્યાં સુધી બાળકોથી મોટા અવાજે ટીવી ના ચાલુ કરી શકાય કે ના જોરથી હસીરમી શકે.
નિલેશ મોટો અને સમજુ, ભણવામા હમેશા પહેલો નંબર લાવે. માની કાળજીને કારણે શાળામા બીજી ઈતર પ્રવૃતિઓમા પણ ઘણો આગળ અને હમેશા વકૃત્વ સ્પર્ધામા પ્રથમ ઈનામ જીતી લાવે, પણ પિતાની હાજરીમા સાવ મૂંગો બની જાય. નાનો નિલય રમતિયાળ. શાળામા હમેશા રમતગમતની હરિફાઈમા ઈનામ જીતી લાવે. શાળામા જ્યારે પણ ઈનામ વિતરણ સમારોહ કે બીજા કાર્યક્રમો હોય ત્યારે હમેશા રમા જ બધે હાજરી આપે. પુરુષોત્તમ્ભાઈને તો સમય જ ક્યાં?
નાનો નિલય જ્યારે બીજાના મમ્મી પપ્પાને જુએ તો રમાને સવાલ કરી બેસે કે મારા પપ્પા કેમ મારી સ્કુલમા નથી આવતા? ક્યારેક રવિવારે ઘરની બારીમાથી નીચે મેદાનમા એના મિત્રોને એના પપ્પ સાથે ક્રિકેટ રમતાં જોઈને એ બાળ માનસને અચૂક મનમાં સવાલ જાગે કે મારા પપ્પા કેમ અમારી સાથે નથી રમતાં? એ અણસમજુ બાળકનાં સવાલનો રમા પાસે કોઈ જવાબ નહીં. બાળકોનું મન બીજે વાળવા એ પતિનો બચાવ કરતી કે તમારા ભવિષ્ય માટે પપ્પા ખુબ મહેનત કરે છે જેથી એ ખૂબ પૈસા કમાય અને તમને સારું ભણતર આપી શકે, પણ એ જોઈ શકતી હતી કે બાપ દિકરાઓ વચ્ચેની ખાઈ પહોળી થઈ રહી છે. ના તો એ પતિને કાંઈ કહી શકતી કે ના તો બાળકોનાં મનને સંતોષી શકતી. એ ફક્ત એકજ વસ્તુ કરી શકતી, પોતાનો બધો પ્રેમ એ બાળકો પર ન્યોછાવર કરી દેતી.
એક તરફ બાળકો મોટા થતાં ગયા અને બીજી તરફ પુરુષોત્તમભાઈ પ્રગતિના સોપાનો સર કરતાં ગયા. માનવી હંમેશા નશાની દુનિયામાં ખોવાયેલો રહેતો હોય છે. કોઈને દારુનો નશો ગમતો હોય તો કોઈ રુપના નશાનો પાગલ, કોઈ સત્તાના નશામા ગરક તો કોઈ જીતનાં નશામાં તરબોળ. જેને જીતના નશાની આદત પડી હોય એ કદી કોઈ સંજોગોમાં હાર સ્વીકારવા તૈયાર ના થાય. પુરુષોત્તમભાઈ સાથે પણ કંઇક એવું જ બની રહ્યું હતું. એક પછી એક કેસની સફળતાએ એમને જાણે સાતમા આસમાને બેસાડી દીધા હતાં. પુરુષોત્તમભાઈ કદી ગુનેગાર નો કેસ હાથમા ના લેતા, એમને ખાતરી હોય કે પોતાનો અસીલ નિર્દોષ છે તો જ એ કેસને લેતા અને પુરાવા અને સાબિતી સહીત કોર્ટમા એ અસીલની નિર્દોષતા સાબિત કરી આપતા. ઘણીવાર તો ભયંકર ગુનેગાર એમને પૈસાની લાલચ આપવાની કોશીશ કરતાં પણ પુરુશોત્તમભાઇએ હંમેશા સત્યને જ વળગી રહેવાનુ વલણ અપનાવ્યું હતું. વકીલાતના ચાર દાયકા જાણે એમની નજર સામે પસાર થઈ રહ્યાં હતાં, અને સમયનુ ચક્ર એમની પચાસ વર્ષની ઉમર પર આવીને અટકી ગયું.
બરોડામા નવજીવન શાળાના પ્રિન્સીપાલની પત્નિ લલીતાનું રહસ્ય સંજોગોમા મૃત્યુ એ બનાવે ચકચાર જગાવી હતી. હમેશા જ્યારે પતિ કે પત્નિ નુ રહસ્યમય સંજોગોમા મરણ થાય ત્યારે શંકાની સોય હમેશા ઘરનિ વ્યક્તિ પર પહેલા જ તકાય, અને લલિતાના રહસ્યમય મૃત્યુમા તો પાછું પતિ મોહનકુમાર એક જાણીતી શાળા નવજીવનનાં પ્રિન્સીપાલ. પતિ સમાજમાં મોભાદાર અને જાણીતી વ્યક્તિ અને લલિતા અભણ અને પાછી સ્વભાવે શંકાશીલ. એને કાયમ મનમા શંકા રહે કે પતિ રોજ શાળામા કેટલીય યુવાન શિક્ષિકાઓ સાથે કામ કરે છે અને મોડે સુધી શાળાના કામસર રોકાય છે તો ભગવાન જાણે ત્યાં શું એ કરતા હશે? આ લલિતાના કમોતમા મોહનકુમારને પોલિસે વધુ પુછપરછ માટે રીમાન્ડ પર લીધાં હતાં. છાપામાં બનાવનો વિગતવાર અહેવાલ હતો કે બપોરે પ્રિન્સીપાલ મોહનકુમાર જ્યારે જમવા ગયાં ત્યારે પત્નિ સાથે ચડભડ થઈ હતી. ચર્ચાએ ઉગ્ર સ્વરુપ લીધું અને મોહનકુમાર જમ્યા વગર પાછા સ્કૂલે ગયા. સાંજના શોમા પતિ-પત્નિ પિક્ચર જોવા જવાના હતા તેથી મોહનકુમાર સીધાં થીએટર પર જઈને પત્નિ ની રાહ જોવા માંડ્યા.અર્ધો કલાક ત્યાં ઉભા રહ્યા પછી ઘરે ફોન કરવાનો પ્રયત્ન કર્યો, ફોનની રીંગ વાગતી હતી પણ કોઈએ ફોન ઉપાડ્યો નહી તેથી થાકીને મોહનકુમાર ઘરે ગયાં. ઘર લોક હતું અને ઉતાવળમા મોહનકુમાર પોતાના ઘરની ચાવી સ્કૂલના ટેબલના ખાનામા ભૂલી ગયા હતા. એક ચાવી બાજુના બંગલાવાળા વિનોદભાઇને ત્યાં રહેતી હતી તેથી વિનોદભાઇને ત્યાંથી ચાવી લઈ જ્યારે મોહનકુમારે ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે સામે દિવાનખાનામા જ લલિતાનો દેહ જમીન પર પડ્યો હતો, અને ડાબા હાથની ધોરી નસ કપાઇ ગઈ હતી. લલિતા મૃત્યુ પામી હતી. બાજુમા ચીઠ્ઠી પડેલી હતી કે “દમની બિમારીથી કંટાળીને હું આપઘાત કરું છું ને કોઈને દોષદેતા નહી”- લલિતા.
પુરુષોત્તમભાઈ છાપાનો અહેવાલ વાંચતા હતા ત્યાં એમના ઉપર શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને નવજીવનશાળાના આગેવાન ટ્ર્સ્ટી જીવરાજભાઈ પટેલનો ફોન આવ્યો કે મારે તમને તાત્કાલિક મળવું છે. સવારે દસ વાગે મળવાનો સમય નક્કી થયો, અને જીવરાજભાઈ પુરુષોત્તમભાઈની ઓફિસે પંહોચી ગયા.
જીવરાજભાઇ ની એકની એક યુવાન દિકરી મીતા છ મહિનાથી નવજીવન શાળામા શિક્ષિકા તરીકે જોડાયેલી. મોહનકુમારની મોહક છટા અને આકર્ષક વ્યક્તિત્વના મોહપાશમાં એ ક્યારે લપેટાઇ ગઈ એનુ એને ખુદને ભાન ન હતું. મા ચોવીસ કલાક દેવ-મંદિર અને સાધુ સંતોની સેવામાં મશગુલ અને પિતા ચોવીસ કલાક ધંધામાં રચ્યા પચ્યાં. એનો લાભ લઈને ઉંદર જેમ ફૂંકી ફૂંકીને કરડે તેમ મોહનકુમારે ધીરેધીરે મીતાને પોતાની મોહપાશમા ફસાવવા માંડી હતી. મીતા મોહનકુમારના પ્રેમમાં એટલી આંધળી થઈ ગઈ કે એને માટે મોહનકુમાર જ જાણે સર્વસ્વ બની ગયા. લલિતા ના મોતની સાંજે જીવરાજભાઈ ઓફિસથી નીકળી ક્લબ તરફ જઈ રહ્યાં હતા અને એમની નજર સામેની ફુટપાથ પર પડી. મીતાને એમણે રીક્ષામાં બેસતા જોઇ. પહેલાં તો બહુ ધ્યાન ના આપ્યું પણ તરત જ એમણે જોયું કે મીતા પાછળ ફરીને કોઈને હાથ કરી રહી છે, અને એ વ્યક્તિ મોહનકુમાર છે. ત્યારે તો જીવરાજભાઈને કંઇ ખાસ શંકા ના જાગી, થયું કે કોઈ સ્કૂલના કામે મળ્યા હશે. રાત્રે મોડેથી ઘરે પહોંચ્યા ત્યારે મીતા સુઇ ગઈ હતી. સવારે જ્યારે છાપું હાથમા આવ્યું અને છાપાનું મથાળું વાંચીને એ સફાળા ચોંકી ઉઠ્યા. મોહનકુમારની પત્નિનું કમોત અને બાજુમાથી મળેલી ચિઠ્ઠી એ શબ્દો એટમ બોમ્બની જેમ એમની આંખમા ભોંકાયા. મોહનકુમાર એવાતો મુર્ખ ન હતા કે પોતાના હાથે ચિઠ્ઠી લખીને મુકે તો પછી મીતા એમની સાથે શું કરતી હતી એ સવાલ જીવરાજભાઈના કાળજે ખુંપાયો. તરત જ મીતા ને ઊઠાડીને છાપું એની સામે ધર્યું, મીતા મથાળું વાંચીને જ ભાંગી પડી ને પપ્પા પાસે બધું કબુલ કરી લીધું. એકની એક દિકરીને આ કેસમા ફસાતી બચાવવા એ પુરુષોત્તમભાઇ પાસે દોડી આવ્યા. પુરુષોત્તમ્ભાઈ જેવા નામી વકીલ તરતજ આખો કેસ સમજી ગયાં કે મોહનકુમારે જ પત્નીનુ ખૂન કર્યું છે અને મીતા ને એમણે ફસાવી છે. જીવરાજભાઈએ સહી કરેલો કોરો ચેક પુરુષોત્તમભાઇના ચરણે ધરી દીધો. વકિલ સાહેબ ગમે તે કરો પણ મારી મીતાને ઊની આંચ ના આવવી જોઈએ. પુરુષોત્તમભાઇએ જીવરાજભાઈ પાસેથી મોહનકુમારનાં જીવનની એમના કુટુંબની માહિતી મેળવી.
મોહનકુમાર અને લલિતાનુ એકજ સંતાન વિનય. નાનપણમા બળિયામા તે આંખનુ નૂર ગુમાવી બેઠો હતો, અને હમણા મુંબઈની અંધશાળામા રહીને અભ્યાસ કરતો હતો.દસ વર્ષનો દિકરો મા પાસેથી દૂર ગયો અને એના સમાચાર મેળવવા માટે જ લલિતા વાંચતા લખતાં માંડ શીખી હતી.પોલિસને લલિતાની ચીઠ્ઠિના અક્ષર મેળવવા જો ઘરમાથી કોઈ કાગળ પત્ર કે ડાયરી ના મળે તો પોલિસ જરુર મુંબઈ વિનયની મુલાકાત લે એ તો સાવ સાવ સાદીસીધી વાત હતી અને સરકારી વકીલ પલકવારમાં સાબિત કરી આપે કે આપઘાતની ચીઠ્ઠી લલિતાએ નથી લખી, અને કોર્ટમા મોહનકુમારની અસલિયતને ખૂલતાં વાર લાગે નહી. ગુનો સાબિત થતાં જ મીતાનુ નામ પણ જાહેર થાય.
પહેલીવાર પુરુષોત્તમભાઈ આ કેસ હાથમા લે તો હારી જાય એવા સંજોગો હતાં. એકબાજુ સામે સહી કરેલો ચેક પડ્યો હતો, બીજી બાજુ સત્યને વળગી રહેવાનો એમનો નિયમ અને ત્રીજી બાજુ એક બાપની લાચારી. છેવટે જીવરાજભાઈની જીત થઈ. પુરુષોત્તમભાઈએ મોહનકુમારનો કેસ લડવાની સંમતિ આપી અને રસ્તો વિચારી લીધો.
મીતાને એમણે તાબડતોબ મુંબઈ જઈ વિનયને મળવાનુ સૂચવ્યું. મીતા પહેલા પણ એક બે વાર વિનયને મળીચૂકી હતી તેથી રુબરુ આશ્વાસન આપવા જવાના બહાને એ વિનયને મળી. વાતવાતમા એણે જાણી લીધું કે મમ્મીનો હમણાં પત્ર આવ્યો છે કે નહી, અને વિનયે છેલ્લો કાગળ મીતાના હાથમાં મૂક્યો. એ વાંચવાના બહાને ત્યાં બેસીને મીતાએ પોતાના હાથે એની કોપી કરી અને કવરમા મૂકી દીધો, સાથે ખાતરી કરી લીધી કે આગળનાં કોઈ પત્રો એની પાસે છે કે નહી? વિનય હમેશા કાગળ વંચાવીને ફાડી નાખતો તેથી બીજા કોઈ કાગળ એની પાસે હતા નહી. મીતા અસલ કાગળ લઈ બરોડા પાછી આવી ગઈ અને અસલી કાગળને દિવાસળી ચાંપી દીધી.
કોર્ટમા જ્યારે કેસ શરુ થયો ત્યારે આપઘાતની ચીઠ્ઠી અને વિનય પાસેથી મળેલાં પત્રના લખાણના અક્ષરો સરખા સાબિત થયાં. મોહનકુમાર ખરાં ગુનેગાર હોવા છતાંય માનભેર છૂટી ગયા. મીતાને તો જીવરાજભાઈએ તાબડતોબ વધુ ભણવાના બહાને અમેરીકા મોકલાવી દીધી અને વરસમા તો સારો છોકરો જોઈને ત્યાં જ પરણાવી દીધી.
પુરુષોત્તમભાઈની વકીલાતની દુનિયામા વધુ ને વધુ નામના ફેલાતી ગઈ. અચાનક એક દિવસ રમાનુ રોડ અકસ્માતમાં મૃત્યુ થયું. પંચાવન વર્ષની પ્રૌઢાવસ્થાએ પુરુષોત્તમભાઈ વિધુર થયા. ઘરમા બે જુવાન દિકરા અને બાપ, પણ બાપ દિકરાને જોડી રાખતો સેતુ તૂટી પડ્યો.
મોટો દિકરો નિલેશ વધુ અભ્યાસ અર્થે લંડન ગયો અને ત્યાં જ સાથે ભણતી સાઉથ ઈન્ડિયન લક્ષ્મી સાથે પિતાની ઉપરવટ જઈ લગ્ન કરી સ્થાયી થઈ ગયો. નાનો નિલય ડોક્ટર થયો અને મુંબઈની જસલોક હોસ્પિટલ સાથે જોડાઈ કાયમ માટે મુંબઈ સ્થાયી થયો. સાથે કામ કરતી ડોક્ટર શીરીન સાથે લગ્ન કર્યા અને પિતાને આગ્રહ કર્યો કે હવે વકીલાતમાથી નિવૃત થયા છો તો અમારી સાથે મુંબઈ આવીને રહો. પુરુષોત્તમભાઈ થોડા દિવસ મુંબઈ જઈને રહ્યા પણ સ્વભાવનો કડપ હજુ ઑછો થયો ન હતો. બધ જ એમના સમય પ્રમાણે થવું જોઈએ એ હવે શીરીન અને નિલયના ઘરમાં શક્ય નહોતું.
બન્ને ડોક્ટર અને બન્નેની જીંદગી અતિ વ્યસ્ત. ઘરમાં નોકર ચાકર અને રસોઈયો પણ પુરુષોત્તમભાઈના નિતીનિયમો સાથે મેળ પાડવો એ ઘરના નોકરો માટે મુશ્કેલ થતું. પાણીનો ગ્લાસ અહીં કેમ મુક્યો? ચા આજે બરાબર નથી. સવારનુ છાપું પહેલા મારા હાથમાં આવવું જોઈએ જેવા નાના નાના પ્રસંગોથી ઘરની શાંતિ ડહોળાવા માંડી. શીરીન અને નિલય માટે ઘરનાં નોકરો સ્વજન જેવાં જ્યારે પુરુષોત્તમભાઈને મન નોકર તે વળી નોકર, એને વળી આટલાં માનપાન શાના?
પોતાની રીતે રહી ન શકાય તો એના કરતાં બરોડા પાછા જવુ એમ વિચારીને પુરુષોત્તમભાઈ જવાની તૈયારી કરતાં હતાં ત્યાં એમની નજર મુંબઈ સમાચારની એક જાહેરાત પર પડી. મહાબળેશ્વરનાં નિવ્રુતિ-નિવાસની એ જાહેરખબર હતી, અને પુરુષોત્તમભાઈએ બરોડા જઈ એકલા રહેવાને બદલે નિવ્રુતિ-નિવાસમા આવવાનુ પસંદ કર્યું.
એમની નજર સમક્ષ અત્યારે જીવન પ્રકરણના છેલ્લાં પાના ફરી રહ્યાં હતાં અને એમના કાને ચિત્રગુપ્તનો અવાજ અફળાયો. “પુરુષોત્તમભાઈ જીવનના જમા ઉધારનું સરવૈયું કાઢ્યું? કોઈ વાતનો અફસોસ છે કે તમે ક્યાંક કશુંક ખોટું કર્યું હોય?” અને પુરુષોત્તમભાઇ પાછા જાણે પચાસ વર્ષની વય પર પહોંચી ગયા. મને એક જ વાતનો અફસોસ છે કે પેલા મોહનકુમારને નિર્દોષ છોડાવ્યો અને એ જાણે ફરી કોર્ટમા ઊભા છે ને મોહનકુમારની અસલિયત છતી કરી રહ્યાં છે. ખરી હકીકત એમ હતી કે મોહનકુમારે જ પત્નીનુ ખૂન કરી અને ચાલાકીથી મીતા પાસે એવી રજુઆત કરી કે મીતા હું બહુ બૂરી રીતે ફસાઈ ગયો છું, એમાથી તું જ મને બચાવી શકે એમ છે. આજે બપોરે હું જ્યારે ઘરે ગયો ત્યારે લલિતા ગુસ્સામા ધુંઆફુંઆ હતી. એ આપણા પ્રેમ સંબધને જાણી ગઈ છે અને ગુસ્સામા ને ગુસ્સામા તારી માને ફોન કરવાની હતી કે તમારી દિકરી મીતા મારા ધણી સાથે આડો વહેવાર રાખે છે, કાલ ઊઠીને કુંવારી મા પણ બની જશે માટે તમારી આબરુ સાચવવી હોય તો એને ક્યાંક પરણાવી દો.
મોહનકુમાર મીતાને કહી રહ્યા હતા કે મેં એને રોકવા માટે ફોનનો વાયર કાપી નાખવાનો પ્રયત્ન કર્યો પણ વિફરેલી લલિતા મારા હાથમાંથી છરી ખેંચવા માંડી અને એ ખેંચતાણમા એનાથીજ છરી એના ડાબા હાથમાં વાગી અને ધોરી નસ કપાતા એ જમીન પર ઢળી પડી ને તરતજ તરફડીને લલિતા મૃત્યુ પામી.
મીતા કોઈ મારીઆ વાત નહી માને કે મેં લલિતાનું ખૂન નથી કર્યું. બધાંજ મને ગુનેગાર માનશે અને મન ફાંસીની સજા થશે. એમાંથી બચવાનો એકજ ઉપાય છે કે જો પોલીસને લલિતાના હાથે લખેલી આપઘાતની ચિઠ્ઠી મળી આવે તો મારી નિર્દોષતા સાબીત થાય. મીતા મોહનકુમારના પ્રેમમા એટલી આંધળી થઈ ગઈ હતી કે મોહનકુમારની વાત સાચી માની એ ચિઠ્ઠી લખવા તૈયાર થઈ ગઈ અને ચાલાક મોહનકુમારેપોતાના પ્લાન મુજબ મીતા પાસે ગરબડીયા અક્ષરમા ચિઠ્ઠી લખાવી કે “દમની બિમારીથી કંટાળીને હું આપઘાત કરું છું, કોઈને દોષ દેતા નહિ.”-લલિતા.
બીજે દિવસે જ્યારે છાપામાંસમાચાર આવ્યાં અને જિવરાજભાઈએ મીતાને ઉઠાડીને પૂછ્યું કે કાલે સાંજે તું મોહનકુમાર સાથે શું કરતી હતી? છાપામાં પ્રથમ પાને આવેલા સમાચાર જોઈ મીતા ગભરાઈ ગઈ અને પિતા પાસે બધું જ રડતાં રડતાં કબુલ કરી દીધું.
દિકરીને બચાવવા જીવરાજભાઇએ શહેરના જાણીતા નામી વકીલ પુરુષોત્તમભાઈનો સંપર્ક સાધ્યો અને ઓફીસમાં મળવાનુ નક્કી કર્યું. પુરુષોત્તમભાઇએ પિતા સાથે આવેલી મીતા સાથે વાતચીતમા જાણી લીધું કે મોહનકુમારે મીતા પાસે પત્નીના આપઘાતની રજૂઆત કરીને મીતા ના પ્રેમનો લાભ લઈ મીતાના હાથે જ આપઘાતની ચિઠ્ઠી લખાવી લીધી. પછી તો પુરુષોત્તમભાઈ માટે આ કેસ તો સાવ સરળ બની ગયો.
કોર્ટમા મીતાની જુબાની લેવામા આવી અને એણે કબુલ કરી દીધું કે મોહનકુમારના કહેવાથી મેં આ ચિઠ્ઠી સાંજે છ વાગે એમને લખી આપી હતી, અને અમે સાથે પિક્ચર જોવા જવાના હતા એની બે ટીકીટો પણ એમને આપી દીધી હતી. ઉપરાંત પુરુષોત્તમભાઈએ શાળાની બીજી બે યુવાન શિક્ષિકાને પણ સાક્ષી તરીકે બોલાવી. કામના બહાને મોડી સાંજ સુધી કલ્પના અને રીટાને શાળામાં રોકીને એમની સાથે પણ અણછાજતી છૂટ લેવાનો મોહનકુમારે પ્રયત્ન કર્યો હતો એ પૂરવાર થઈ ગયું. મોહનકુમારનો ગુનો સાબિત થઈ ચૂક્યો, એમને જન્મટીપની સજા થઈ અને મીતા નિર્દોષ સાબિત થઈ.
બીજો અફસોસ કાયમ માટે મારાં અંતરઅત્માને ડંખ્યા કરે છે કે મારી યુવાનીનાં વર્ષોમાં જે સમયના ખરા હક્કદાર મારી પત્ની કે મારા બાળકો હતાં એ મહામૂલો સમય મેં વકીલાતની દુનિયામાં પ્રગતિના શિખરો એક પછી એક સર કરવામા વિતાવ્યો અને બાળકો તથા પત્નીને એ પ્રેમ થી વંચિત રાખ્યા. આજે રમા તો રહી નથી પણ બે દિકરાઓ હોવા છતાં હું એકલવાયો બન્યો. ભલું થજો એ સરગમબેનનું જેણે મને જીવન જીવતાં શીખવ્યું.
અચાનક સરગમબેનેનું નામ હૈયે આવતાં પુરુષોત્તમભાઇની આંખો ખુલી ગઈ, જોયું તો પોતે પથારીમાં છે અને વહેલી પરોઢનો ઉજાસ પથરાઈ રહ્યો છે. યાદ આવ્યું કે સરગમબેન તો ક્યારનાય મૃત્યુલોક છોડી ઉર્ધ્વગામી બની ગયા પણ મુજ જેવા જડસુને જીવન જીવતાં શીખવી ગયાં.
થોડીવારમાં બધાં સરગમબેનનાં દેહને અવ્વલ મંઝિલે પહોંચાડવા માટે ભેગા થયા અને અંતિમ સંસ્કારની તૈયારી થવા માંડી. ભજનની ધુન શરુ થઈ. ભજનના સૂરો સાથે જાણે પુરુષોત્તમભાઈનાં હૈયે પણ સ્ફૂરણા જાગવા માંડી કે જે પ્રેમથી મારાં બાળકો વંચિત રહ્યા એ પ્રેમ વ્યાજ સહિત મારા પૌત્ર-પૌત્રીઓ પર વરસાવીશ. દિકરાઓ તો મારી હજી પણ સંભાળ લે છે. દર મહિને નિલેશનો લંડનથી કોલ આવે છે. નિલય અને શીરિન મહિનામાં એકવાર આવીને અચૂક મળી જાય છે. કહેવત છે ને કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય, પણ મારાં જીવનમાં તો છોરું તો છોરું જ રહ્યા પણ હું માવતર મટી કમાવતર બન્યો.
સરગમબેન તમે જીવતા તો લોકોના સુખદુઃખના ભાગીદાર રહ્યા પણ આજ તમારાં મૃત્યુએ પણ મારું જીવન ઉજાળી દીધું. તમારા ચીંધેલા માર્ગેજ ચાલીને બને એટલી લોકોની સેવા અને સાચી સલાહ આપવાનો હું પ્રયત્ન કરીશ એમ સ્વગત બોલતા પુરુષોત્તમભાઈની આંખમાંથી ગંગા જમના વહી રહી અને ભજનનાં સુરોમાં સુર પુરાવવા માંડયા.

લેખિકા- શૈલા મુન્શા. તા.૧/૧૮/૨૦૦૯

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help