મારી જીવન ગાથા
મારી જીવન ગાથા

શૈલા પ્રશાંત મુન્શા
જન્મ – ૨૨/૦૭/૧૯૫૧
શિક્ષિકા – ૧૯૭૨ થી ૨૦૨૨
હું શૈલા મુન્શા. ૭૫ વર્ષના જીવન પડાવે જ્યારે અતીતમાં નજર પહોંચે છે, જીવનની ઘટમાળ એક ફિલ્મની જેમ મનના પડદે દોડવા માંડે છે. મધ્યમવર્ગી માતા પિતાનું પ્રથમ સંતાન. ચાર વર્ષ પછી નાની બહેનનો જન્મ. અમ બે બહેનો વચ્ચે અસીમ પ્રેમ જે આજ સુધી અકબંધ છે. ઓછી આવકમાં પણ મમ્મી પપ્પાએ અમારા ઉછેરમાં કોઈ કમી આવવા નહોતી દીધી. મારા જન્મના સોળ વર્ષ પછી મારા ભાઈનો જન્મ થયો અને એના છ મહિના પછી જ પપ્પાનું હ્રદય બંધ પડવાને કારણે આકસ્મિક અવસાન થયું. મમ્મી એ હિંમત રાખી શાળામાં શિક્ષિકાની નોકરી શરૂ કરી અને સાથે અમને હર મુસીબતનો સામનો કેમ કરવો એની સમજ પણ આપવા માંડી. દુઃખની આ તો શરૂઆત હતી. કોલેજ પુરી કરી મમ્મીને મદદ કરવા મેં પણ નોકરી કરવા માંડી. થોડા જ વખતમાં મમ્મીનું અકસ્માતમાં અવસાન થયું. અમે ત્રણ ભાઈ બહેન, હું એકવીસ વર્ષની, મારી બહેન સત્તર વર્ષની, અને ભાઈ તો ફક્ત પાંચ વર્ષનો. અમારા નાના, નાનીએ અમને સંભાળી લીધાં. લગ્ન કરાવી મારા ભાઈ બહેનને પોતાની સાથે કલકત્તા લઈ ગયાં. આવી પડેલ દુઃખે મને અને મારી બહેનને વધુ મજબૂત બનાવ્યા અને હરેક તકલીફને હસતા મોઢે સહન કરવાની શક્તિ આપી. થોડા વર્ષમાં મારી બહેન પરણીને અમેરિકા ગઈ, બે ચાર વર્ષે આવે ત્યારે માંડ થોડા દિવસ મળવાનું થાય. નસીબે મને પણ અમેરિકા જવાની તક મળી અને મન ખૂશ થઈ ગયું કે હવે અમે બન્ને બહેનો સાથે રહી શકશું, તો મારી બહેનને બનેવીની નોકરીને કારણે સાઉદી અરેબિયા જવાનું થયું. એ લગભગ ચૌદ વર્ષ ત્યાં રહી. જ્યારે અમેરિકા આવે ત્યારે મિત્રો સાસરું બધામાં અમે માંડ સાથે રહી શકતા. ૧૯૭૩ થી ૨૦૧૧ એટલે ૩૮ વર્ષ પછી અમને અમેરિકા સાથે રહેવાનો સમય મળ્યો.
લોકો કહેતા શૈલા અમે તને હંમેશા હસતી જોઈ છે. લગ્ન પછી સાસરામાં પણ ઘણા આર્થિક ચડાવ ઉતાર જોયા પણ એ તકલીફોએ મને હંમેશ એક વાત શીખવી કે દુઃખના રોદણા સાંભળવામાં કોઈને રસ નથી હોતો. દુઃખ મનમાં ગોપાવી હસતાં રહી જીવવામાં જ માણસની ખરી કસોટી હોય છે. આજે પણ કસોટી ચલુ જ છે. મારા પતિને અલઝાઈમર છે, ભુલવાની બિમારી જેનો કોઈ ઇલાજ નથી. એમને રિહેબમાં મુકવા પડ્યા, બાળકો વિદેશ છે અને હું એકલી હિંમતથી પરિસ્થિતિનો સામનો કરી એ જ હસતા મોઢે કરી રહી છું. કોઈ કરુણ દ્રશ્ય ફિલ્મમાં જોતાં મારી આંખમાંથી આંસુ તરત વહે છે, પણ મારું દર્દ કદી પણ આંસુ બની કોઈ સામે દર્શાવવું મને પસંદ નથી.
આશા છે મારી આ જીવન ગાથા કોઈ એકને પણ જીવન ઝિંદાદિલીથી જીવવાની પ્રેરણા આપશે તો મારું જીવ્યું સાર્થક બનશે.
અસ્તુ,
શૈલા મુન્શા