October 9th 2021

સંભારણું -૪-હરિ હળવે હંકારો

હરિ હળવે હળવે હંકારો મારું ગાડું ભરેલ ભારે,
મેં તો લગામ દીધી હાથ હરિને પ્રભુ ચાહે તો પાર ઉતારો”

વર્ષો જૂનું આ ભજન જે ક્યારેય જૂનું તો થયું જ નથી, ભલે આજે રોકેટ યુગ આવી ગયો. હમણાં આ ભજન એક મિત્રની પ્રથમ પુણયતિથિની ભજન સંધ્યામાં સાંભળ્યું અને મનમાં વિચારોના ઘોડા દોડવા માંડ્યા. કેટલી આરત ભરી છે આ ભજનમાં! બાળક જન્મે ત્યારે તો આ ગાડું સાવ ખાલી જ હોય છે વર્ષો પસાર થતાં થતાંમાં તો પાપ પુણ્યના કેટલાય પોટલાં ભરાતા જાય છે.
આ સાથે હમણા વોટ્સેપ પર મળેલો એક સંદેશ પણ મજાનો છે અને અર્થસભર પણ!!
જન્મ અને મરણ પર વહેંચાતી મીઠાઈ જેના નામે વહેંચાય છે એ ભલા ક્યાં એ ખાઈ શકે છે, છતાં એ ભ્રમમાં કે બધું મારું જ છે અને મેં જ બધું પ્રાપ્ત કર્યું છે એ ભાર માથે લઈ માનવી સતત જીવતો હોય છે.

“જન્મ થવા પર વહેંચાતી મીઠાઈ થી
શરુ થતી આ જિંદગીની રમત
શ્રાદ્ધના દૂધપાક પર
આવીને પુરી થાય છે.
બસ….
આજ તો જીવનની મીઠાશ છે,
દુર્ભાગ્ય તો એ છે કે
માણસ આ બન્ને વખતની બન્ને મીઠાઈ
પોતે ખાઈ નથી શકતો
છતાં પણ
બધું મારુ જ છે
ના ભ્રમમાં જિંદગી જીવે છે”

આજે આ સ્મરણોના પટારામાં કોઈ એવો મણકો શોધી રહી છું જે વ્યક્તિની સારપ અને કોઈના અહંકારના પોટલાં ખોલે.
વર્ષો પહેલાં અમારા પાડોશમાં એક મા દિકરો રહેતાં હતાં, એકનો એક દિકરો અને પિતાની છત્રછાયા નાનપણમાં ગુમાવી એટલે સહજ રીતે તે માતાની વધુ નિકટ હોય. સંસ્કારી ઘરની દીકરી પુત્રવધૂ બની ઘરમાં આવી. થોડા દિવસ તો નવી આવેલી પુત્રવધૂને ઘરના રીતરિવાજથી માહિતગાર થતાં લાગ્યાં. ધીરે ધીરે સાસુની દખલગીરી દરેક વાતમાં દેખાવા માંડી, એકનો એક દીકરો છે, મમ્મીએ જ મોટો કર્યો છે એમ સમજી નીનાએ બને એટલો સહકાર આપવા માંડ્યો. એક વર્ષ પછી દીકરીનો જન્મ થયો અને સાસુનો ગુસ્સો બન્ને પર વરસવા માંડ્યો, નવજાત બાળકીને વહાલ કરવાને બદલે સાસુનુ એ બ્રહ્મવાક્ય બની ગયું કે”પથરો જણ્યો” નીનાએ પોતાના માવતરની વગોવણી ના થાય એ માટે સહન કર્યે રાખ્યું. પાડોશીના નાતે નીના કોઈકવાર અમારા ઘરે આવતી, પણ પાછળ જ એની સાસુ આવી જ સમજો, જાણે નીના કોઈ વાત અમને કરી દેવાની હોય!!
આવી તકલીફો વચ્ચે નીનાને ફરી દિવસ રહ્યાં. પ્રસુતિ માટે નીનાને પિયર મોકલતાં સાસુએ ચોખ્ખું ફરમાન કર્યું કે જો દીકરી જન્મે તો પાછા આવવાની કોઈ જરુર નથી. ફરી દીકરીનો જન્મ થયો. માવડિયા પતિએ ફોન સુધ્ધાં ના કર્યો. અંતે માતા પિતાની સમજાવટે નીનાએ છૂટાછેડા લેવાનુ નક્કી કર્યું. પોતે ભણેલી હતી અને બન્ને દીકરીઓની સંભાળ લઈ શકે એમ હતી.
વર્ષો સ્વાભિમાનથી એકલા રહી નોકરી કરી નીનાએ દીકરીઓને એન્જિનિયર બનાવી, વધુ અભ્યાસ માટે લંડન મોકલી. એણે લગામ પ્રભુને હાથ સોંપવાને બદલે, પોતાની દુઃખી અવસ્થા પર આંસૂ વહેવડાવવાને બદલે હિંમતભેર પરિસ્થિતિનો સામનો કર્યો. અજે જ્યારે નીનાની દીકરીઓને સ્વમાનભેર જીવતાં, વિદેશની ધરતી પર નામ રોશન કરતાં જોઉં છું, ફેસબુક પર સ્વતંત્ર રીતે દેશદેશાવર ફ્રરવાના ફોટા જોઉં છું તો હૈયું હરખથી છલકાઈ ઊઠે છે. બાજુમાં રહેતાં મનોજની માતા તો અવસાન પામી, પણ એની જિંદગી અત્યારે જે કારમી હાલતમાં પસાર થઈ રહી છે તે પણ જોઈ રહી છું. ડાયાબીટીશ, હાર્ટની તકલીફ અને એકલવાયું જીવન!!
જનમ સાથે જોડાયેલું ખાલી ગાડું કેટકેટલા પોટલાં, અભિમાન, અહંકાર માલિકીભાવ સત્તા, રુઆબથી ક્યારે ભરાતાં જાય છે એ સમજ આવતાં આવતાં અંત પાસે આવી જાય છે!!
વહિદા રહેમાન, જયાભાદુરી, ધર્મેંદ્રની ફિલ્મ “ફાગુન” યાદ આવી ગઈ. એની કથા પણ કાંઈ આવી જ છે, અને અંતમાં “તીસરી કસમ” ફિલ્મના ગીતના બોલ યાદ આવી ગયા.
“दुनिया बनानेवाले
क्या तेरे मनमें समाई
काहे को दुनिया बनाई
तूने काहेको दुनिया बनाई
मीत मिलाके तूने सपने जगाए
सपने जगाके तूने
काहे को दे दी जुदाई
तूने काहे को दुनिया बनाई!!!

આ વિચાર સાથે હરિને પ્રાર્થના, જીવનરુપી આ ગાડું ઘણા સદગુણ, દુર્ગુણોથી ભરેલું છે, મુકામ સુધી પહોંચતા ક્યાંક વધુ ઠોકર ના વાગે એ સંભાળજો, હરિ હળવે હળવે હંકારજો!!!!
ડાયરીના પાના આવા જ સંભારણાથી તો ભરાતાં જાય છે…….

શૈલા મુન્શા તા. ૦૨/૧૦/૨૦૨૧
www.shailamunshaw.gujaratisahitysarita.

September 24th 2026

૭૫ મી વર્ષગાંઠ – સંભારણું – ૧૯

૭૫ મી વર્ષગાંઠ – સંભારણું – ૧૯
અમેરિકાના ત્રેવીસ વર્ષના વસવાટ પછી પાછા ભારત જઈ વસવાનું નક્કી કર્યું. એ નિર્ણય ખરેખર યોગ્ય સમયે લીધો અને એ સત્ય સાબિત થયું. અત્યારે ભારતમાં વયસ્ક નાગરિકો માટે એટલી બધી સગવડ છે કે એકલા માણસને પણ રહેવાની કોઈ તકલીફ ના પડે. ઘરના દરવાજે બધી વસ્તુ મળી જાય. દુધવાળો ઘરે આવે, ઈસ્ત્રીના કપડાં લેવા ઘરે આવે. લેબ વર્ક માટે લોહી વગેરે ઘરે આવી લઈ જાય અને રિપોર્ટ પણ ફોનમાં આવી જાય. બ્લિન્કીટ, બીગ બાસ્કેટ, એમેઝોન જેવી વેબ સાઈટ પરથી શાકભાજીથી માંડી જીવન જરૂરિયાતની બધી જ વસ્તુ ઘરના દરવાજે ઉપલબ્ધ હોય. ઘરના કામ માટે નોકર, અને ગાડી હોય તો ડ્રાઈવર અને નહિ તો ઉબર, ઓલા જેવી રીક્ષા, ટેક્ષી હાજર. જીવન જીવવું સહજ બની જાય. વાતચીત કરવા અને ધ્યાન રાખવા પાડોશી.
મારૂં જીવન પણ સરસ ગોઠવાઈ ગયું હતું. સાહિત્યની મારી ગમતી પ્રવૃતિ મળી ગઈ હતી, પણ સંતાનો હજી અમેરિકા અને કેનેડામાં હતા અને આ વર્ષે મારા જીવન અધ્યાયના ૭૫ વર્ષ પૂરાં થતા હતાં એટલે મારી પુત્રવધૂ (જે મારી દીકરી જ છે) દીકરાની પ્રબળ ઈચ્છા હતી કે હું અમેરિકા આવું. મારા જમાઈ દીકરી અને ખાસ તો પૌત્રી પણ આગ્રહ કરી રહ્યાં હતા.એમની આ પ્રેમાળ લાગણી સામે મારે નમતું જોખવું પડ્યું.
ન્યુ જર્સી મારા દીકરા વહુને ત્યાં આવી અને ઘર આખું મારા જન્મદિવસની ઉજવણી માટે શણગાર્યું હતું હજી એ અચંબામાંથી બહાર આવું ત્યાં તો બે દિવસ પછી જન્મદિવસની ઉજવણી ભાગ બીજો, મને બહામાસ ક્રુઝની ચાર દિવસની સફરની ભેટ.
મને ૨૦૦૦ની સાલ યાદ આવી ગઈ જ્યારે “કહો ના પ્યાર હૈ” પિક્ચર આવ્યું હતું, ત્યારથી મનમાં એક ઈચ્છા હતી કે દરિયા પર તરતું એક નગર અને એ મઝા મારે પણ માણવી છે! વિશાળકાય આગબોટના નવમા માળે અમારી રુમ હતી. પંદરમાં માળ પર ખાનપાન જોતા ધરાવ નહિ અને ખાતાં ધરાવ નહિ. એકવાર આગબોટમાં દાખલ થાવ એટલે એક અજાયબ જાદુઈ નગરીમાં આવી ગયા હો એવું લાગે. ચાર હજાર જેટલા પ્રવાસી અને ૧૬૦૦ જેટલા આગબોટ સંચાલન કરનાર અને સેવકો પણ ખબર જ ના પડે કે આટલા બધાં માણસો જહાજ પર છે. આગબોટ દરિયાની છાતી ચીરી આગળ વધતી જાય પણ આપણા પેટનું પાણી પણ ના હાલે. રમત ગમત, નાટકના શો, નાચગાન સહુ પોતાની મસ્તીમાં મશગુલ. બાલક્નીમાં બેઠા બેઠા દરિયાના પાણીના બદલાતા રંગ, સાથે સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવાની મઝા. અકાશના અવનવા રંગો૧ ઓહોહો! હજી જાણે હું કેફમાંથી બહાર નથી આવી.
ન્યુ જર્સીથી મારી દીકરીને ત્યાં ગઈ તો જાણે મારું બાળપણ પાછું આવી ગયું. મીઠડી એવી મારી પૌત્રી નાની નાની કરતી મારી આસપાસ ઘૂમતી રહી. નાની મને શીરો બહુ ભાવે, બનાવશોને? હુમ તમને મારા હાથે પાસ્તા બનાવીને ખવડાવીશ. નાનિ મારે લઝાનિયા ખાવા છે, એવી તો કેટલીય ફરમાઈશ!
નાની કાલે આપણે ફરવા જશું પછી હું તમને સરસ હોટલમાં લઈ જઈશ. તમને કયું પરફ્યુમ ગમે એવી લાડભરી વાતો. હોટેલ પાસે પહોંચ્યા તો પપ્પાને કહે “તમે નાનીને ટિમ હોર્ટનની કોફી તો ચખાડો” કોફી પીને અમે હોટલમાં અંદર પહોંચ્યા તો મારા જન્મદિવસની તૈયારી. મને ભાવતી કેક અને મીણબત્તીથી ટેબલ શણગારેલું. ભેટ સોગાદ
તૈયાર. મારી દીકરી બે વર્ષ પર મને મળવા ભારત આવી હતી ત્યારે સહજ જ વાત નીકળતાં મેં કહ્યું હતું કે “મારા કાનનું કાણું મોટું થઈ ગયું છે એટલે કોઈ બુટ્ટી પહેરાતી નથી” એ વાત એને યાદ હતી એટલે દીકરી જમાઈએ હીરાની કડી ભેટમાં આપી.
એક મહિનાની યાત્રામાં હ્યુસ્ટન આવી તો મારી બહેન બનેવી અમારું મિત્રમંડળ, બસ રોજ જન્મદિવસ ઉજવાતો રહ્યો. ખરે જ આ મારું સૌભાગ્ય આટલો પ્રેમભાવ બાળકો બહેન મિત્રો તરફથી મળ્યો.
આ જન્મદિવસ મારા માટે જીવનભરનું સંભારણું છે જેની શરૂઆત વડોદરા મારા ભાણેજ અને એના કુટુંબથી થઈ અને હજીતો ભારત પાચી ફરીશ ત્યારે મુંબઈ મારા મિત્રો આ પ્લેટીનમ જન્મદિવસ મારી સાથે ઉજવવા આતુરતાપૂર્વક મારી રાહ જોઈ રહ્યાંછે.
અસ્તુ,
શૈલા મુન્શા

September 24th 2026

ખાટી મીઠી હળવી પળો

“ઉંમરનો તકાજો છે શાણપણનો,
પણ મનનો તકાજો છે ગાંડપણનો.

ડહાપણની સીધી રેખા ચાલવામાં,
મન ગૂંચવાય છે દુનિયા ભાળવામાં.”
(કાવ્ય પંક્તિ-શૈલા મુન્શા)

જીવનના આ પડાવે ઘણીવાર મન યાદોના ઉપવનમાં ફરવા નીકળી પડે છે, અને ખટ મીઠા પ્રસંગોની હારમાળા નજર સમક્ષ તરવરી ઉઠે છે.
એવા જ એક બે મધુરા પ્રસંગોની વાત આજે મારે કરવી છે.
અમેરિકામાં રહેતા ભારતીય લોકો બધા તહેવારો કે સીમંત લગ્નપ્રસંગ જેવા પ્રસંગો ઉજવતા હોય એમાં અને ભારતમાં ઉજવાતા પ્રસંગો, તહેવારોમાં ઘણો ફરક હોય છે. લગ્નપ્રથાની ઉજવણીમાં પણ ફરક. અહીં વસતા ભારતીય લોકો હજી તો પરંપરાગત રીતે એમના દીકરા કે દીકરીના લગ્ન કરે છે જો બન્ને પાત્ર ભારતીય હોય તો, પણ સાથે સાથે અહીં જન્મીને મોટા થયેલા બાળકો અહીંની પ્રથા પણ અનુસરતા હોય છે.
એવીજ એક પ્રથા “Bridal shawer” જેમાં જેના લગ્ન થવાના હોય એ છોકરીની બધી બહેનપણી અને મમ્મીની બધી બહેનપણીઓ ભેગી થાય, રમત રમે અને છેલ્લે બધા ભેટસોગાદ અને આશીર્વાદ આપીને છુટા પડે. ગઈકાલે આવીજ રીતે અમે બહેનો અમારા મિત્રની દીકરીના ” Bridal shawer” માટે બપોરે એક મિત્રના ઘરે ભેગા થયા અને ત્રણ ચાર કલાક ધમાલ મસ્તી ચાલી. સાંજે બધાના પતિદેવો પણ રાત્રિભોજન માટે ત્યાં આવ્યા.
સરસ રીતે બધો કાર્યક્રમ પાર પડ્યો. મોટાભાગના મિત્રો રવાના થઈ ચુક્યા હતા અને અમે ચાર-પાંચ દંપતી ગપ્પાં મારતા હતા. લગ્નના પ્રસંગનો માહોલ હતો અને એક બહેનને પોતાના લગ્નજીવનના દિવસો યાદ આવી ગયા. એમના પતિનો ઉછેર ભારત બહાર થયો હતો અને એમને ગુજરાતી બોલતા આવડે પણ વાંચતા ના આવડે. એ બહેને તો સગાઈ થઈ એટલે હોંશમાં આવી ને પ્રથમ પ્રેમપત્ર લખ્યો. ભાઈને ગુજરતી વાંચતા આવડે નહિ એટલે એણે એની બહેનને કહ્યું, બહેનને પણ ગુજરાતી વાંચતા આવડે નહિ. એમને એમની બાને કહ્યું તો બા કહે મારાથી તારો કાગળ ના વંચાય.
આખરે લગ્નની પહેલી રાતે એમણે પત્નીને કાગળ આપીને કહ્યું આ વાંચી સંભળાવ. હું ક્યારનો એ જાણવા આતુર છું કે તે મને શું લખ્યું હતું? અમે બધા એ સાંભળીને ખડખડાટ હસી પડ્યા. કાગળ ઉપરથી વાત સાહિત્ય તરફ ફંટાઈ. બીજા એક ભાઈ બોલી ઊઠ્યા કે જુવાનીના કાળમાં હું બહુ અલંકારિક ભાષામાં લખતો હતો. બાજુમાં જ એમના પત્ની બેઠા હતાં એ બોલી ઊઠ્યા કે આપણા લગ્નને ચાલીસ વર્ષ થશે મેં તો ક્યારેય કોઈ અલંકારિક ભાષા સાંભળી નથી, અને બીજા મિત્રે ટહુકો કર્યો કે હવે તમને અલંકારિક ભાષામાં નહિ પણ સોનાના અલંકારોમા રસ છે.
આમ હળવી પળો માણીને બધા છુટા પડ્યા.
અસ્તુ,
શૈલા મુન્શા

June 26th 2026

ઈશારા વગર!

થતી નથી કોઈ વાત પુરી, ઈશારા વગર;
બોલતી જો આંખો, બંધ હોઠ ઈરાદા વગર.

માસુમિયત રહે અકબંધ દિલના ઉંડાણમાં,
જીવન ખીલી ઉઠે છે દિલાસા વગર.

પ્રારબ્ધ કે પુરુષાર્થ, ખેલ તકદીરનો;
રાખ દિલની અમીરી મીમાંસા વગર.

તરાજુમાં તોલ ના જીવનના સુખ દુઃખ,
મળ્યું તે પ્રેમથી સ્વીકાર પસ્તાવા વગર.

આજની ઘડી રળિયામણી આશ બસ રાખ,
જીવન જ્યોત પ્રગટાવ નિરાશા વગર.

શૈલા મુન્શા. તા.૨૬/૦૬/૨૦૨૬
www.smunshaw.wordpress.com

June 23rd 2026

કુટુંબ મેળો

છત વગરનું મકાન, અને વડીલ વગરનું ઘર આંધીમાં જરુર અટવાય છે. આજના ઝેન ઝીના જમાનામાં મોટાભાગે વિભક્ત કુટુંબમાં રહેતાં લોકો એની કદર નુકસાન થયાં પછી કરે છે.
આજે ઘણા દિવસે નિંરાતે બેઠેલી મીનાને અનાયાસે તુષાર શુક્લાની કાવ્ય પંક્તિ યાદ આવી ગઈ.

“ભૂલી જાય જો કોઈ હવે તો નથી લાગતું ખોટું,
વ્યસ્ત હશે પોતાનામાં, એમાં કારણ નહિ હોય મોટું;
પણ યાદ કરે જો કોઈ, મનને સારું લાગે છે,
આજને ભૂલી ગઈકાલના સ્મરણ જાગે છે” – કવિ તુષાર શુક્લા

મીના પરણીને સાસરે આવી ત્યારે પિયરના નાનકડાં કુટુંબમાંથી એકદમ વસ્તારી કુટુંબમાં આવી. ઘરમાં સાસુ, સસરા, બે નણંદ, દિયર અને વિધવા વડીલ ફોઈ, પણ બે વસ્તુએ મીનાને સહજતાથી દૂધમાં સાકર ભળે એમ સાસરિયામાં સમાવી લીધી. પહેલી વસ્તુ, સાસુનો સમજદારીભર્યો વહેવાર જે મીના આજે પણ યાદ કરે છે. એના સાસુ હંમેશા કહેતાં કે નવી વહુને બે વરસ સાચવી લો, ધીરે ધીરે ઘરના રીતરિવાજથી જાણકાર કરો તો વહુ બાકીની જીંદગીમાં સરસ રીતે ઘરમાં ભળી જાય અને વહુ મટી ઘરની દીકરી બની જાય. બીજી શિખામણ કે કેળવણી જે કહો એ મીનાને એની મમ્મી પાસેથી મળી. મમ્મીનો એક નિયમ હતો કે સાંજે રસોઈ કરતાં મીના અને એની નાની બહેનને સામે બેસાડે, મા દીકરી આખા દિવસમાં શું થયું એની વાતો કરે. મમ્મી શાળામાં શિક્ષિકા, મીના કોલેજના પહેલા વર્ષમાં અને નાની બહેન નવમાં ધોરણમાં. મમ્મીની એક જ શિખામણ કે વાતો કરતાં પણ તમારી નજર જે રસોઈ બનતી હોય એના પર રહેવી જોઈએ. કયા શાકમાં શું મસાલા નંખાય છે, દાળ કઢીમાં શાનો વઘાર થાય છે, રોટલી ભાખરીનો લોટ કેમ બંધાય છે વગેરે વગેરે. ભલે ભણવાની જવાબદારી સાથે રસોઈ કરવાનો સમય ના મળે પણ ખબર બધી હોવી જોઈએ. જ્યારે સાસરે જવાનો વખત આવે ત્યારે સાવ મૂર્ખ ના દેખાઈએ.
મમ્મીની એ કેળવણી મીનાને ઘણી કામ લાગી અને સાસુની સરળતા એ મીનાને નવા ઘરમાં ગોઠવાતા વાર ના લાગી. મીના ભલે નાના કુટુંબમાંથી આવી હતી પણ એણે મમ્મી પપ્પાને સગાવહાલાં સાથે વહેવાર સાચવતાં, પોતે તકલીફ વેઠી બીજાને મદદ કરતાં અને ખાસ તો જ્યારે દાદા દાદી રહેવા આવે ત્યારે એમની કાળજી લેતાં, એમની જરૂરિયાતોનો ખ્યાલ રાખતાં જોયા હતાં. મુંબઈની ભેજવાળી હવા દાદાને માફક નહોતી આવતી પણ એમને હંમેશા મુંબઈ આવી રહેવાનું ગમતું.
મીના જ્યારે દીકરી દીકરાની મા બની અને સાસુએ જે રીતે પૌત્ર, પૌત્રીને સંસ્કાર આપ્યાં, મીનાને શિક્ષિકાની નોકરી ચાલુ રખાવી ઘર સંભાળ્યું, તો બીજી તરફ મીનાએ પણ બરાબર ઘરની જવાબદારી ઉપાડી લીધી. મીના સવારે સ્કૂલમાં જાય ત્યારે સાસુ એનું ટિફિન સુધ્ધાં તૈયાર કરી આપે. બાળકોને સરસ તૈયાર કરી સ્કૂલે મોકલે અને બપોર પછી સાસુને બહાર જવાનું હોય, અમદાવાદ, વડોદરાથી એમના ઘરે ખરીદી માટે જે આવે એ બધાને મીનાના સાસુ લઈ જાય કારણ સાંજની રસોઈ કે ઘરની કોઈ ચિંતા એમને હોય નહિ. સાસુ ખાવાના શોખીન, પિક્ચર જોવાના શોખીન અને સસરા ભગવાનનું માણસ. સાંજે એમને ભાખરી શાક અને દૂધ જમવામાં આપીએ તો આનંદ આવે. રાતના શોમાં મીના, રાકેશ, અને સાસુ પિક્ચર જોવા જવાના હોય તો બાળકોની ચિંતા નહિ, દાદા પાસે સરસ ઊંઘી જાય.
મીનાના સાસુ સસરાં જીવ્યા ત્યાં સુધી સહુ સાથે જ રહ્યાં. બાળકો મમ્મી પપ્પાનો દાદા દાદી સાથેનો વહેવાર, માન મર્યાદા જોતાં જોતાં મોટા થયાં.
જ્યારે મીનાની દીકરી પરણીને કેનેડા ગઈ તો આજના સમયમાં જ્યારે પતિ પત્નીને એમનાં બાળકો જ કુટુંબ કહેવાય અને દાદા દાદી એકલાં રહેતાં હોય એ વખતે મીનાની દીકરી સાસુ સસરા સાથે જ રહી એને આ બધું કોઈએ શીખવવું ના પડ્યું. બાળપણથી એ જે જોતી હતી એ સંસ્કાર આપોઆપ એનામાં આવ્યાં. કહેવાય છે ને કે મોરના ઈંડા ચીતરવા ના પડે.
આજે જ્યારે વડીલની શિખામણ લોકોને ગમતી નથી, બાળકો આયાના હાથે કે ડે કેરમાં મોટા થાય છે ત્યારે મીના મનોમન પ્રભુનો પાડ માને છે. દીકરો કામને લીધે ભલે અમેરિકા રહે છે, પણ જ્યારે પપ્પાની તબિયત બગડી કે તરત બે મહિનાની વગર પગારે રજા લઈ આવી પહોંચ્યો. મીનાને કહેવાની જરૂર પણ ના પડી. આથી વિશેષ શું જોઈએ.
વડીલો ખરેખર ઘરની એ છત છે જે તાપ તડકો વરસાદમાં સહુની રક્ષા કરે છે. જે લોકો એ સમજતાં નથી એ પછી પસ્તાય છે.
અસ્તુ,
શૈલા મુન્શા

June 18th 2026

વારસો પિતાનો!

વડલાની છાંય પ્રેમ ઢોળે સહુ પર,
ન માગે કશું, ન રાખે ભેદભાવ.

પિતા ઘરની છત, આધાર સહુનો,
વરસાવે અણદીઠો પ્રેમ જીગરનો.

કરી લાડ ઝુલાવે સહુને
ધાક તોયે લાગતી સહુને.

શીખ એમની હરદમ રહે સ્મરણમાં,
જીવન આપે પડકાર હર ક્ષણમાં.

યુવાની આવતા આવશે સમસ્યા ઘણીએ,
યાદ રહે તરવું હરદમ સામા વહેણે.

પિતા તમ શીખ પ્રેરે બળ જીવનમાં,
આગવું અસ્તિત્વ પ્રગટાવે મુજમાં.

સમયના ઓવારે પાત્રો બદલાય છે,
મા બને દીકરીને દીકરી મા બની જાય છે.

પિતા ભલે રહેતા પિતા, પણ દીકરો;
ખબર નહિ ક્યારે મિત્ર બની જાય છે.

હસતી રમતી બહેનોનો વીરો,
સમય આવે રક્ષક બની જાય છે.

વારસો પિતાનો સંભાળતો દીકરો,
બાપથી સવાયો બનતો દીકરો.

અપાવે ગૌરવ પિતાને, ઉજાળતો નામ પિતાનું;
લાખેણા સંતાન જીવન સફળ બનાવે પિતાનું.

શૈલા મુન્શા તા. ૨૨/૦૬/૨૦૨૬
(ફાધર્સ ડે)
www.smunshaw.wordpress.com

May 22nd 2026

માનવતાનો જય?

આગ ઓકતો સૂરજ, ધીખતી ધરતી,
વૃક્ષો થયા નષ્ટ, ચીખતી વસતી.

જંગલો સિમેન્ટના ફૂટ્યાં કાળ જેવા,
નોંધારા બન્યા પશુ પક્ષી આશરો લેવા.

ઊકળતો લાવા તો જાય ઠરી, લીલીછમ્મ ધરતી કરી;
અગનગોળો વરસાવે આગ દિનરાત એક કરી.

ગુમાન માનવીનું સર્જે અણુબોમ્બ વિનાશકારી,
લાવશે પ્રલય બની બીજું હિરોશીમા નાગાશાકી.

જળ ત્યાં સ્થળ, સ્થળ ત્યાં જળ સર્જાયું મહાભારત;
વિનાશકાળે વિપરીત બુધ્ધિ, સર્જાશે બીજું મહાયુધ્ધ.

અવતાર લેશે ક્રુષ્ણ ફરી, કોણ જાણે?
થાશે માનવતાનો જય ફરી, કોણ જાણે?
થાશે માનવતાનો જય ફરી, કોણ જાણે?

શૈલા મુન્શા. તા. ૨૨/૦૫/૨૦૨૬

May 16th 2026

મૌનમાં છે સંમતિ!

મૌનમાં છે સંમતિ માની ના લેશો,
કરી ઉતાવળ કાંઈ માપી ના લેશો.
છે ગતિ વધુ વિચારોની વાયરાથી,
વાડ બાંધી છે સદીના દાયરાથી.

પ્રારબ્ધ આપશે બધું ધારી ના લેશો,
મૌનમાં છે સંમતિ માની ના લેશો.

રમત છે જિંદગી, તો જીરવો હાર;
પડતાંને પાટુ, બસ સહી લો માર.
આવશે સુખ તું હિંમત એવી ધાર,
કર્મ કર, ફળની આશા ના રાખ.

કાલ અજાણી, વાત જાણી ના લેશો;
મૌનમાં છે સંમતિ માની ના લેશો.
મૌનમાં છે સંમતિ માની ના લેશો!

શૈલા મુન્શા તા. ૧૪/૦૫/૨૦૨૬
www.smunshaw.wordpress.com

May 11th 2026

મા

વહી જાય વર્ષો મા કદી ભુલાતી નથી,
આરઝુ એક હાલરડાંની બુઝાતી નથી.

ઝબોળતી કદી પ્રેમના સાગર મહી,
ભૂલી અમારી સંતાડતી પાલવ મહી,

નીંદરે ઘેરાતી આંખલડી સજાવતી,
સપનાની ડાળે મુજને ઝુલાવતી;

હસી પાછળ દરદ એ છુપાવતી,
શીખ એ જ સદા અમને આપતી.

રહી ગઈ યાદ, તસવીરમાં ગઈ સમાઈ,
મા સ્મરણોની માળા સંવારતી ગઈ.

વહી જાય વર્ષો મા કદી ભુલાતી નથી,
આરઝુ એક હાલરડાંની બુઝાતી નથી.

શૈલા મુન્શા. તા. ૧૧/૦૫/૨૦૨૬
www.smunshaw.wordpress.com

May 11th 2026

ઉંમરનો તકાજો!

ઉંમરનો તકાજો છે શાણપણનો,
પણ મનનો તકાજો છે ગાંડપણનો.

ડહાપણની સીધી રેખા ચાલવામાં,
મન ગૂંચવાય છે દુનિયા ભાળવામાં.

નજરો આંબતી રહી ચાંદ પામવામાં,
વેંત ઓછા પડ્યાં સપના માપવામાં.

ઢીંગલી સજાવી રમતાં થઈ મોટી,
જિંદગીની રમતમાં થઈ સાવ ખોટી.

વાઘાં બધાં ફગાવી લઉં જીવી આજે,
મરી મરીને જીવવું શીદ કાજે?

બસ ઊડું આજે ગગન આંબવા,
ઊડું આજે ગગન આંબવા!!

શૈલા મુન્શા. તા.૧૧/૦૫ ૨૦૨૬
www.smunshaw.wordpress.com

March 6th 2026

કાગળ કોરો રહી ગયો!

ભીતર ભંડારી જે વાત બહાર આવે છે,
ટહુકો એક પ્રેમનો એકરાર લાવે છે.

લખવો હતો કાગળ જે કોરો રહી ગયો,
લાગણીનો સંદેશ બસ અધૂરો રહી ગયો.

ઊગતી જવાનીના ઓરતાં ફોરે છે હર દિલમાં,
જગ જીતવાની તમન્ના જાગે છે હર દિલમાં.

ઉઘાડી કમાડ દિલના, નજર જ્યાં કરી;
તસ્વીર સચ્ચાઈની બસ પાંપણે આવી.

તરંગને તુક્કા ક્યાં પડે છે સાચા,
લાગે છે પ્રેમમાં છે હજી કાચા!

કાચી ઉંમરનો પ્રેમ જન્મે છે દિલમાં,
ધડકન બની સદા રહી જાય છે દિલમાં!
બસ રહી જાય છે દિલમાં!!

શૈલા મુન્શા તા.૦૬/૦૩/૨૦૨૬
www.smunshaw.wordpress.com

Next Page »
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.