January 30th 2022

શમણામાં!!

મુરાદોના ચણાશે મ્હેલ શમણામાં,
ને પળમાં ભાંગશે એ ખેલ શમણામાં!

મળી જાશે અચાનક, જો વિના કારણ,
હરખની તો ઉમડતી હેલ શમણામાં!

અધૂરી કામના આપે જખમ ઊંડા,
કરમ ફૂટ્યા નસીબે લેખ શમણામાં!

રમત સાચી કે ખોટી હોય જીવનમાં,
પરાજય આપશે તો ભેખ શમણામાં?

હરીફાઈ નહોતી જીતવાની એ,
ને થૈ જાશે નિયમની કેદ શમણામાં!!

શૈલા મુન્શા તા. ૦૧/૩૦/૨૦૨૧

January 17th 2022

સંભારણું – ૮- જીવનની સફર

૨૦૨૨નુ વર્ષ શરુ થયે પંદર દિવસ પસાર પણ થઈ ગયા. નવું વર્ષ નવી આશા અને ઉમંગ લઈને આવે પણ આ વર્ષ હજી પણ જાણે ભયનો, એક ડરનો આંચળો ઓઢીને આવ્યું છે. વાયરસની ત્રીજી લહેરમાંથી જગત હજી મુક્ત નથી થયું, પણ હવે લોકો એને એક દૈનિક પ્રક્રિયાની જેમ સ્વીકારતાં થઈ ગયા છે.
હમેશ કેમ એવું થાય છે કે જીવન જરા થાળે પડે અને કોઈ અણધારી ઘટના પાછું બધું ડામાડોળ કરી દે. છેલ્લા બેત્રણ દિવસના વાંચને, ટીવી પર જોયેલા કાર્યક્રમે મન વિચલિત કરી દીધું.
એક ડાયરીનું પાનું ફેસબુક પર વાંચ્યું. ૨૦૨૧ ની વિદાય અને ૨૦૨૨નું સ્વાગત કોઈના જીવનમાં દારૂણ વેદના લઈને આવ્યું અને એ વેદના જ્યારે આપણા કોઈ સ્વજનના જીવનમાં બને એનો આઘાત વધુ લાગે. ૩૧મી ની રાત્રે તમે બહારથી ઘરે આવો અને ઘરમાં બધું વેરણછેરણ જુઓ. ખબર પડે કે ફટાકડાના અવાજમાં બારીનો કાચ તોડ્યાનો અવાજ દબાઈ ગયો, અને કોઈ હાથ સાફ કરી ગયું. કબાટ, ડ્રેસરના ખાનાં બધું જ ખાલી; જીવનભર કમાયેલી મુડી ક્ષણમાં ગાયબ. પણ આ ભૌતિક પાયમાલી વચ્ચે પણ જ્યારે મનમાં એક સમતા કે “બન્ને સલામત છીએ” એ જીવનનો બહુ મોટો અહેસાસ છે. એ વાંચી એ સ્વજનો માટે વધુ આદર અને પ્રેમની લાગણીનો અહેસાસ થયો. ભૌતિક સંપત્તિ તો પાછી મેળવાશે પણ બન્ને સલામત છે એ ભાવના એમના સ્વભાવની ધૈર્યતાનો આભાસ આપે છે.
સાંજે ટીવી જોતાં ફરી એક વાતે મને મારા જીવનનો આઘાત તાજો કરી દીધો તો એવા જ બીજા કાર્યક્રમે જીવન જીવવાનો અભિગમ વધુ બળકટ બનાવી દીધો.
ટીવીના સારેગમ કાર્યક્રમમાં આ વખતે શ્રોતાઓ પોતાની પસંદગીના ગીતો પોતાને ગમતા કલાકાર પાસે સાંભળવા આવ્યા હતા. એક દિવ્યાંગ બાળકના માતાપિતા વ્હીલચેરમાં પોતાના પુત્ર સંસ્કારને લઈને આવ્યા હતાં. નોર્મલ જન્મેલા આ બાળકને નવ દિવસની આયુમાં કોઈ ગફલતને કારણે માનસિક સંતુલન ગુમાવવું પડ્યું. આ સંસ્કાર મને અમેરિકામાં છેલ્લા વીસ વર્ષથી દિવ્યાંગ બાળકો સાથે કામ કરું છું એ સ્મરણકેડી પર લઈ ગયો. આ બાળકો પણ તમારા પ્રેમનો, લાગણીનો પ્રતિભાવ આપે છે. કોઈના ગુસ્સા કે કોઈની અવહેલનાનો એમને ખ્યાલ આવી જાય છે. જ્યારથી હું આ બાળકો સાથે કામ કરું છું અને એમની તકલીફો સાથે પણ એમને આનંદમાં રહેતા જોઉં છું તો મને પણ જીવવાની પ્રેરણા મળે છે. કેટલાય બાળકોની દિવ્યાંગતાનુ કારણ કુટુંબ, માતાપિતાકે ઘરના કોઈ વ્યક્તિની ભૂલનુ પરિણામ હોય છે ત્યારે મન આઘાતથી વિચલિત થઈ જાય છે. અમારાથી થાય એટલો પ્રેમ શિક્ષણ અમે આ બાળકોને આપીએ છીએ અને જ્યારે માતાપિતા પોતાના બાળકની પ્રગતિ જુએ ત્યારે એમની આંખોમાંથી છલકતો આભાર અમારી સાચી મુડી છે. મારાં આ બાળકોનો પ્રેમ મને સતત મળતો રહ્યો છે અને સંસ્કારના માતાપિતાની એના માટેની કાળજી પ્રેમ જોઈ મન ખુશ થઈ જાય છે. સંસ્કારને સંગીત સાંભળવું ગમે છે અને એનુ ગમતું ગીત માસુમ ફિલ્મનું “तुझसे नाराज नहि जिंदगी हैरान हुं मैं” જ્યારે નીલાંજના અને સચિને ગાયું ત્યારે સહુની સાથે સંસ્કારની આંખમાં પણ આંસુ અને ચહેરા પર ખુશી દેખાઈ રહી હતી. કોણ કહે છે કે આ દિવ્યાંગ બાળકોમાં કોઈ લાગણી કે ભાવ નથી હોતો!!
હું નસીબદાર છું આવી નાની નાની ખુશીની પળો જીવવાનો મોકો મારા આ માસુમ બાળકોએ મને ઘણીવાર આપ્યો છે.
એ જ દિવસે ટીવી પર India’s Got Talentsનો કાર્યક્રમ હતો. ઓગણીસ વર્ષની ઈશિતા ગીત પ્રસ્તૂત કરવા આવી હતી, પંજાબી ડ્રેસ પર એણે જરા મોટું એવું જેકેટ પહેર્યું હતું. પેનલ પરના જજને નવાઈ લાગી અને પૂછ્યું કે ઠંડી લાગે છે? એના જવાબમાં ઈશીતાએ જે કહ્યું એ ફરી મને મારા એ જ ઉંમરના પડાવે લઈ ગયું. સ્મરણોના તાર ક્યાંથી ક્યાં જોડાઈ જાય છે!!
ઈશિતાના પિતાનુ મૃત્યુ એક મહિના પહેલાં જ થયું હતું અને આજે એ પપ્પાને શ્રધ્ધાંજલિ સમર્પિત કરવા આ મંચ પર ગીત ગાવા આવી હતી અને પપ્પાની હુંફ અને પ્રેમનો અહેસાસ રહે એ માટે એ પપ્પાનુ જેકેટ પહેરીને આવી હતી. નાનપણથી એના હુન્નરને પારખી પપ્પાએ હમેશ એને સંગીત માટે પ્રોત્સાહિત કરી હતી. એમની સાધના, તપસ્યા પ્રોત્સાહનને જીવંત રાખવા, જીવનમાં એમના નામને રોશન કરવા ઈશિતાએ સંગીતને પોતાનું જીવન બનાવ્યું હતું. એને પસંદ કરેલું ફિલ્મ મેરા સાયાનું ગીત “तु जहां जहां रहेगा, मेरा साया साथ होगा” એટલા મધુર સ્વરે ગાયું કે સહુની આંખો ભીની થઈ ગઈ. ઈશિતા એની મમ્મી અને નાની બહેન સ્ટેજ પર હતાં અને ઈશિતા જાણે રાતોરાત પરિપક્વ બની ગઈ હોય, એવી લાગતી હતી. ઘરની જવાબદારીએ એને હિંમતવાન બનાવી દીધી. મમ્મીને બહેન સામે મક્કમ રહી એકાંતમાં રડતી રહી.
મારી પણ કથની કાંઈ એવી જ હતી. લગભગ એ જ ઉંમરે મેં મારા પિતાને ગુમાવ્યા, નાની બહેન અને મમ્મી અમે ત્રણે એકબીજાના પૂરક થઈને રહ્યાં. પરિસ્થિતિ વ્યક્તિને જીવતાં અને મુસીબતોનો સામનો કરતાં શીખવાડી દે છે.
મારા મિત્રની ડાયરીનું પાનું અને મેરી સ્ટીવન્સનની કવિતાનુ વાક્ય યાદ આવી ગયું.” anything can happen to anybody, anytime in life”
પ્રભુએ દિલ અને દિમાગ એવા યંત્રો બનાવ્યા છે જેનો ભેદ કોઈ પામી શકતું નથી. ક્યારેક તો બન્ને સંપીને કામ કરે છે તો ક્યારેક સાવ વિરુધ્ધ!! દિમાગ કહે છે વર્તમાનમાં જીવ અને દિલ એ તો હઠીલું બધી યાદોને એના પટારામાં પુરી રાખે છે. ભલે વર્તમાનમાં જીવીએ પણ આમ જ આજની ક્ષણ જ તો આપણને દિલના દરવાજે દસ્તક દઈ ભૂતકાળમાં લઈ જાય છે, અને સંભારણાની સાંકળ જોડાતી જાય છે!! એના થકી જ તો જીવન જીવાતું જાય છે.

અસ્તુ,
શૈલા મુન્શા તા.૧૭ જાન્યુઆરી ૨૦૨૨

December 31st 2021

મુક્તક

મુક્તક

જીવનની પોથીના પાન જાય ઘટતાં,
મિત્રોની યાદિમાં નામ જાય ખૂટતાં;
નવલું વર્ષ લાવે નવી આશને ઉમંગ,
પ્રાર્થના જગ કલ્યાણની રહીએ રટતાં

શૈલા મુન્શા તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૧

December 29th 2021

સંભારણું – ૯ – નવરાત્રી

સંભારણું -૯
હમણાં જ નવરાત્રીના તહેવારની સમાપ્તિ થઈ. હવે તો નવરાત્રી એક સર્વમાન્ય તહેવાર થઈ ગયો છે. દેશ વિદેશના યુવક યુવતીઓ ગરબાના તાલે નૃત્ય કરે છે, હા એને નૃત્ય જ કહેવાય કારણ પારંપરિક ગરબાંની રમઝટ ભૂલાઈ રહી છે. નવ દિવસના નવલાં વસ્ત્રો, ચણિયા ચોળી, પુરુષો માટે ચોરણું, કેડિયું એમાં જ નવરાત્રીનો તહેવાર રહી ગયો છે. ભારત કરતાં પણ જાણે વિદેશોમાં આ તહેવાર વધુ ધામધૂમથી ઊજવાતો હોય એવું લાગે છે. મહિનાઓ પહેલાં મોટા મોટા જાણીતા ગાયકોને લાખો ડોલર આપી આવવા માટે આમંત્રણ અપાઈ જાય. મોટા સ્ટેડિયમમાં ઉજવણીની તૈયારી થવા માંડે અને માતાના ગરબાં પણ ફિલ્મી ગીતોના ઢાળમાં ગવાય. હજારો નવજુવાનો ભાતીગળ પોશાકો પહેરી ગરબે ઘૂમે, એમાં દરેક પોતાની ટોળી બનાવી પોતાના નવા નવા સ્ટેપ્સ રચી પોતાની મસ્તીમાં ઘૂમતાં હોય અને સ્ટેજ પરથી આમંત્રિત ગાયક પોતાના સૂર રેલાવતાં હોય.
કોરોના કાળમાં તો આખું જગત જાણે પોતાના ઘરમાં કેદ થઈ ગયું હતું, પણ જ્યારે આ માહામારીને ડામવા વેક્સીન શોધાઈ એના પરિણામે લોકો થોડા ભયમુક્ત થયાં અને કેદમાંથી મુક્ત થયેલા લોકો બમણા ઉત્સાહે બધા ઉત્સવની જાહેર ઉજવણીમાં જાણે દુકાળમાંથી મુક્ત થયાં હોય તેમ રસ્તાં પર ઉતરી પડ્યાં, પછી ગણપતિનો તહેવાર હોય કે નવરાત્રી કે દુર્ગા પૂજા.
ભારત જેમ ભાતીગળ પ્રજાનો દેશ છે તેમ દરેક કોમના પોતાના તહેવારો પણ હોય છે.
ગુજરાતીઓનો પ્રિય તહેવાર નવરાત્રીની ઉજવણી કરતો એક વીડિયો મારી ખાસ બહેનપણીએ અમદાવાદથી મોકલ્યો અને મારું મન મારા બાળપણને ઓવારે પહોંચી ગયું. મારી બહેનપણીનાં બિલ્ડીંગના આંગણમાં ગરબે ઘૂમતા નરનારીનો એ વીડિયો હતો, અને વચ્ચે માતાજીની છબી સાથે કાણાવાળી માટલીમાં અખંડ દીવો ઝળહળતો હતો. ફકત હું જ નહિ અમારું આખું સખીવૃંદ તરત પોતાના સ્મરણો તાજા કરી રહ્યાં.
નવરાત્રી એટલે માતાજીની ભક્તિ આરાધના. ગરબો શબ્દ એ ગર્ભદીપ શબ્દ પરથી આવ્યો છે. માતાજીની પૂજા વિધિમાં ઘટ એટલે કે કાણાવાળી માટલીને સરસ રંગી એમાં દીપની સ્થાપના કરવામાં આવે. અખંડ જ્યોત ઝળહળતી રહે એનું ધ્યાન રાખવામાં આવે, સવાર સાંજ માતાજીની આરતી થાય. ગામડામાં રહેતાં લોકો ગામના ચોરે માતાજીની ગરબીની સ્થાપના કરે અને સાંજ પડે સહુ નિત્યક્રમ પરવારી ગામના ચોરે ગરબાં રમવા ભેગા થાય. વારાફરતી સહુના ઘરેથી પ્રસાદ આવે અને પાંચ ગરબાં માતાજીના ગવાય પછી રાસની રમઝટ જામે. નાનકડી કન્યાઓ સરસ ચણિયા ચોળી પહેરી માથે માતાજીની ગરબી મુકી ઘેર ઘેર ફરે અને સહુ રાજીખુશી પાવલી, આઠ આના દક્ષિણા આપે. લોકો નવ દિવસના ઉપવાસ કરે, કોઈ ફક્ત ફળાહાર પર હોય, કોઈ એકવાર ફરાળ કરે, કોઈ નકોરડાં ઉપવાસ કરે. નવમે દિવસે નૈવેધ ધરાવે અને દશેરાએ ફાફડાં જલેબીનું સેવન કરે.
શહેરોમાં પણ દરેક સોસાયટીના આંગણમાં આવી જ નવરાત્રી ઉજવાય.
મને યાદ છે અમે સહુ બહેનપણીઓ એકબીજાની સોસાયટીમાં ગરબા રમવા જઈએ અને વળતાં ખોબોભરી પ્રસાદ લેતાં આવીએ. નાના બાળકો તો મધમાખીની જેમ પ્રસાદની થાળીની આસપાસ જ મંડરાતાં હોય. દરરોજ કોઈને ત્યાંથી માતાજીની બાધા લીધી હોય તેની માનતા પુરી કરવાં લ્હાણી થતી હોય અને સ્ટીલની વાડકી, નાની થાળી, પ્લાસ્ટિકના ડબ્બાં એવી તો કેટલીય વસ્તુ ઘરમાં આવે.
એક વીડિયોએ કેટલીય સ્મૃતિ જાગૃત કરી દીધી…
આજે પણ તહેવારો તો ઉજવાય છે અને તહેવારોના નામે ડોનેશન પણ ઉઘરાવાય છે. માતાજીની મૂર્તિ કે ગણપતિના તહેવારમાં કોઈ ચોકલેટની મૂર્તિ બનાવે, કે કેળાની મૂર્તિ બનાવે, કે સોનાની ત્યારે વિચાર આવે કે પૈસાની આમ બરબાદી કરતાં કોઈ જરુરતમંદને મદદ કરવામાં એ પૈસો વપરાય તો સહુ દેવી દેવતાં વધુ પ્રસન્ન થાય.
મન પણ ખરેખર અજીબ યાદોનો ભંડાર છે, જગત અત્યારે પ્રગતિની હરણફાળ ભરી રહ્યું છે, કેટલીય શોધ થઈ રહી છે, માણસ ચંદ્ર પર તો પહોંચી ગયો અને હવે લાખો ડોલર ખર્ચી પ્રવાસીઓને ઓર્બીટની સહેલ કરાવવાનું પણ બુકીંગ થઈ રહ્યું છે ત્યારે પણ જ્યારે મનના ખજાનામાંથી આવા યાદના સંભારણા જાગે છે અને એક નાનકડી ઘટના ક્યાંય તળિયે છુપાયેલી યાદ પળમાં જાગૃત કરી દે છે ત્યારે થાય છે કે એને માપવાનુ કોઈ યંત્ર શોધાયું જ નથી.
આવા સંભારણાથી જ તો ડાયરીનાં પાના સમૃધ્ધ છે….

શૈલા મુન્શા તા.ઓક્ટોબર ૨૪/૨૦૨૧
www.smunshaw.wordpress.com

December 29th 2021

સંભારણું-૧૧ – નાતાલ

અમેરિકા, યુરોપ અને જ્યાં જ્યાં ખ્રિસ્તી ધર્મ પળાય છે ત્યાં નાતાલનો વાર્ષિક તહેવાર ધૂમધામથી ઉજવાય છે. સાન્તાક્લોઝ રેન્ડિયરની બગીમાં બેસી આવે. જાજરમાન લાલ પોશાક, સફેદ દાઢી અને ખભે ભેટસોગાદોનો મોટો થેલો. નાના બાળકો માટે સાન્તા કોઈ જાદુઈ પરીથી કમ નથી જે એમની બધી ઈચ્છા અને માંગ પુરી કરે.
નાના બાળકોની ઈચ્છા પરથી મને મળેલો એક બાળકીનો વીડિયો યાદ આવી ગયો. બાળકો જુદીજુદી રીતે સાન્તાને પોતાની માંગણી જણાવતા હોય છે. કોઈ ચિઠ્ઠી લખીને ક્રિસમસ ટ્રી નીચે મુકે, કોઈ મમ્મી પપ્પાને પોતાની ઇચ્છા જણાવે. એમની માંગણીઓ પણ મજેદાર હોય. આ બાળકો નાની અમથી ઈચ્છા પૂર્ણ થાય તો પણ રાજી રાજી થઈ જતાં હોય છે.
મને જે વીડિયો મળ્યો હતો એમાં એક બાળકી ગાઈને સાન્તાને પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે, પણ એના આગળના બે દાંત પડી ગયા છે અને લોકો એની સામે કુતૂહલથી જુએ છે એટલે એ સાન્તાને પોતાની વીશ કહે છે કે પ્લીઝ મને મારા બે દાંત આપી દો. એની મોટી બહેનની બધાને ક્રિસ્મસની વધાઈ આપવાની રીત અનોખી હતી.એ બધાને વ્હિસલ મારી મારીને મેરી ક્રિસમસ વીશ કરતી હતી, એ નાનકડી બાળકીને પણ વ્હિસલ મારવી હતી પણ આગળના બે દાંત ના હોવાથી એ વ્હિસલ મારી શકતી નથી. વીડિયોમાં એ નાનકડી બાળકીની ગાવાની રીત, વ્હિસલ મારવાનો પ્રયાસ બધું જ બહુ રમૂજી રીતે દેખાય છે.
લોકો એની મજાક ના ઉડાવે અને એ પણ વ્હિસલ મારીને ગીત ગાઈને લોકોને મેરી ક્રિસ્મસ કહી શકે એ માટે કરેલી માંગણી સાન્તા જરૂર પૂરી કરશે એવો દ્રઢ વિશ્વાસ એના હૈયે હતો.
બાળકોની માંગણી પરથી ગયા વર્ષે કેપ્ટન નરેન્દ્ર ફણસેની નવલકથા “પરિક્રમા” વાંચી હતી તે યાદ આવી ગઈ. એમાં પણ કિશોર એક બાળક પોતાના માતા પિતા ગુમાવે છે અને બહેન રુપવતી એને પોતાના ઘરે લઈ આવે છે. આકસ્મિક આવી પડેલા આ દારુણ દુઃખથી કિશોરનું હૈયું સાવ મૂરઝાઈ જાય છે, એવામાં નાતાલમાં એનો મિત્ર કહે છે કે તું સાન્તાને પત્ર લખ, એ સહુની ઇચ્છા પૂર્ણ કરે છે. બીજા વર્ષે અમેરિકાથી અનાયાસે શોન અને એની પત્ની સુઝન પોતાના પૂર્વજોની શોધખોળમાં ભારત આવે છે અને શોધતાં શોધતાં રુપવતીના ઘર સુધી પહોંચે છે. કિશોર જ્યારે શોનને જુએ છે તો એના માનવામાં આવતું નથી કે એના પિતા એની સામે છે. શોન આબેહૂબ એના પિતા જેવો દેખાય છે, સાચે જ શોન એના પિતા નથી એવી સમજ એ ભોળા કિશોરને નથી. સાન્તા એની ઇચ્છા આટલી જલ્દી પૂર્ણ કરશે એ કિશોરને સપના જેવું લાગે છે.
અમેરિકાના મારા શાળા જીવન દરમિયાન નવેમ્બરના છેલ્લા ગુરૂવારે ઉજવાતો થેન્ક્સ ગીવીંગનો તહેવાર પતે એટલે જાણે સમગ્ર અમેરિકામાં તહેવારનો માહોલ થઈ જાય.અમે સ્કૂલમાં બાળકોને ક્રિસમસનાં ગીતો અને મુવી દેખાડીએ. ક્લાસને શણગારવામાં બાળકો પણ ભાગ લે. લોકોનાં ઘરની બહાર ઝગમગ લાઈટના તોરણ ને કેન્ડી કેન રેન્ડિયરના પૂતળાં ઊભા થઈ જાય. ગલી રસ્તા વૃક્ષો સહુ ઝગમગી ઉઠે.
મારી મસિયાઈ બહેન પરણીને સ્વીડન ગઈ બરાબર ક્રિસમસના તહેવાર પહેલાં. ત્યાંથી મોકલેલા ફોટા જોઈ મન ખૂશ થઈ ગયું. ચારેબાજુ બરફની સફેદ ચાદર અને ઉપર ઝગમગતી રંગીન રોશની, આહાહા!! અદભૂત મનોરમ્ય નજારો. ગયા વર્ષના કોરોનારુપી કોપમાંથી, ડરમાંથી બહાર નીકળી લોકો બમણા ઉત્સાહે તહેવાર મનાવવા, સાન્તાને આવકારવા સજ્જ થઈ ગયા હતાં.
રોશની ને લાઈટનાં તોરણોના ઝગમગાટની યાદે મારું મન પણ બાળપણના ઓવારે પહોંચી ગયું. મુંબઈ હમેશા પચરંગી વસ્તી ધરાવતું શહેર છે અને ત્યાંના લોકો બધા તહેવાર ધામધૂમથી ઉજવે છે.
મારા મામાના મોટા ગોડાઉન હતા અને એમાં ભરેલા માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા બે ખટારા પણ રાખ્યાં હતાં. મને યાદ છે કે ક્રિસમસની રાતે અમે ઘરના સહુ નાના મોટા એ ખટારામાં બેસી મુંબઈમાં થતી નાતાલની રોશની જોવા નીકળી પડતાં. વડીલો માટે ચાદર, તકિયા ગોઠવી દેતા. રાતભર સહુને ચાલે એવો નાસ્તો કુકી સ્પોંજકેક કાગળની ડીશ, પવાલાં બધું યાદ રાખી ખટારામાં મૂકાઈ જતું. સાંતાક્રુઝથી શરુ થયેલી સફર ચોપાટી, પાલવા બંદર થઈ કોલાબા સુધી પહોંચતી. વાતાવરણમાં ગુલાબી ઠંડી અને ચારેતરફ રોશનીનો ઝગમગાટ. રસ્તા પર લોકો મસ્તીના માહોલમાં ઝૂમતા એકબીજાને મેરી ક્રિસમસ કરતાં આગળ ચાલ્યાં જતાં, કોઈ ગીત ગાતાં ઝૂમતા. રાત છે કે દિવસ એ જ જાણે સમજાતું નહિ.
પરોઢ થતાં થતાંમાં ફરી આવતા વર્ષની ક્રિસમસની વાટ જોતી અમારી સવારી ઘર તરફ પાછી વળતી. એ આનંદ એ મસ્તી એ માહોલ આજે પણ આંખ સામે તરવરે છે. એ મીઠા સંભારણાની મીઠી યાદ દિલના ખૂણે લીલીછમ છે!!
કાશ એ બાળપણ પાછું મળે!!!
અસ્તુ,
શૈલા મુન્શા

December 22nd 2021

ભરમાતી રહી!!

શ્વાસોની આવનજાવનમાં ભરમાતી રહી,
ક્ષણ આવરદાની એ નાહક ખર્ચાતી રહી?

નૈયા હાલક ડોલક મઝધારે અટવાતી,
સાગર તરવા જૂઠી આશા જોવાતી રહી!

તોફાની તાંડવ ઊછળતાં મોજા વેગે,
ધસમસતા ઓવારે સીમા લોપાતી રહી!

ઈચ્છાઓ ટળવળતી નાગણસી વળ ખાતી,
લાલચની રેશમ દોરી તો ગૂંથાતી રહી!

સૂરત હો ભોળી, આશય ભલમનસાઈનો;
દાનત ખોરી ઝૂંટવવાની પરખાતી રહી!

સચ્ચાઈ પારખવી એ તો કોઈ ના જાણે,
મંશા માણસની અંદર અમળાતી રહી!

આવરદા ઓછી સરકે જીવન રેતી સમ
સૌરભ તો યે માનવતાની ફેલાતી રહી!!

શૈલા મુન્શા તા.11/22/2021

October 9th 2021

સંભારણું -૪-હરિ હળવે હંકારો

હરિ હળવે હળવે હંકારો મારું ગાડું ભરેલ ભારે,
મેં તો લગામ દીધી હાથ હરિને પ્રભુ ચાહે તો પાર ઉતારો”

વર્ષો જૂનું આ ભજન જે ક્યારેય જૂનું તો થયું જ નથી, ભલે આજે રોકેટ યુગ આવી ગયો. હમણાં આ ભજન એક મિત્રની પ્રથમ પુણયતિથિની ભજન સંધ્યામાં સાંભળ્યું અને મનમાં વિચારોના ઘોડા દોડવા માંડ્યા. કેટલી આરત ભરી છે આ ભજનમાં! બાળક જન્મે ત્યારે તો આ ગાડું સાવ ખાલી જ હોય છે વર્ષો પસાર થતાં થતાંમાં તો પાપ પુણ્યના કેટલાય પોટલાં ભરાતા જાય છે.
આ સાથે હમણા વોટ્સેપ પર મળેલો એક સંદેશ પણ મજાનો છે અને અર્થસભર પણ!!
જન્મ અને મરણ પર વહેંચાતી મીઠાઈ જેના નામે વહેંચાય છે એ ભલા ક્યાં એ ખાઈ શકે છે, છતાં એ ભ્રમમાં કે બધું મારું જ છે અને મેં જ બધું પ્રાપ્ત કર્યું છે એ ભાર માથે લઈ માનવી સતત જીવતો હોય છે.

“જન્મ થવા પર વહેંચાતી મીઠાઈ થી
શરુ થતી આ જિંદગીની રમત
શ્રાદ્ધના દૂધપાક પર
આવીને પુરી થાય છે.
બસ….
આજ તો જીવનની મીઠાશ છે,
દુર્ભાગ્ય તો એ છે કે
માણસ આ બન્ને વખતની બન્ને મીઠાઈ
પોતે ખાઈ નથી શકતો
છતાં પણ
બધું મારુ જ છે
ના ભ્રમમાં જિંદગી જીવે છે”

આજે આ સ્મરણોના પટારામાં કોઈ એવો મણકો શોધી રહી છું જે વ્યક્તિની સારપ અને કોઈના અહંકારના પોટલાં ખોલે.
વર્ષો પહેલાં અમારા પાડોશમાં એક મા દિકરો રહેતાં હતાં, એકનો એક દિકરો અને પિતાની છત્રછાયા નાનપણમાં ગુમાવી એટલે સહજ રીતે તે માતાની વધુ નિકટ હોય. સંસ્કારી ઘરની દીકરી પુત્રવધૂ બની ઘરમાં આવી. થોડા દિવસ તો નવી આવેલી પુત્રવધૂને ઘરના રીતરિવાજથી માહિતગાર થતાં લાગ્યાં. ધીરે ધીરે સાસુની દખલગીરી દરેક વાતમાં દેખાવા માંડી, એકનો એક દીકરો છે, મમ્મીએ જ મોટો કર્યો છે એમ સમજી નીનાએ બને એટલો સહકાર આપવા માંડ્યો. એક વર્ષ પછી દીકરીનો જન્મ થયો અને સાસુનો ગુસ્સો બન્ને પર વરસવા માંડ્યો, નવજાત બાળકીને વહાલ કરવાને બદલે સાસુનુ એ બ્રહ્મવાક્ય બની ગયું કે”પથરો જણ્યો” નીનાએ પોતાના માવતરની વગોવણી ના થાય એ માટે સહન કર્યે રાખ્યું. પાડોશીના નાતે નીના કોઈકવાર અમારા ઘરે આવતી, પણ પાછળ જ એની સાસુ આવી જ સમજો, જાણે નીના કોઈ વાત અમને કરી દેવાની હોય!!
આવી તકલીફો વચ્ચે નીનાને ફરી દિવસ રહ્યાં. પ્રસુતિ માટે નીનાને પિયર મોકલતાં સાસુએ ચોખ્ખું ફરમાન કર્યું કે જો દીકરી જન્મે તો પાછા આવવાની કોઈ જરુર નથી. ફરી દીકરીનો જન્મ થયો. માવડિયા પતિએ ફોન સુધ્ધાં ના કર્યો. અંતે માતા પિતાની સમજાવટે નીનાએ છૂટાછેડા લેવાનુ નક્કી કર્યું. પોતે ભણેલી હતી અને બન્ને દીકરીઓની સંભાળ લઈ શકે એમ હતી.
વર્ષો સ્વાભિમાનથી એકલા રહી નોકરી કરી નીનાએ દીકરીઓને એન્જિનિયર બનાવી, વધુ અભ્યાસ માટે લંડન મોકલી. એણે લગામ પ્રભુને હાથ સોંપવાને બદલે, પોતાની દુઃખી અવસ્થા પર આંસૂ વહેવડાવવાને બદલે હિંમતભેર પરિસ્થિતિનો સામનો કર્યો. અજે જ્યારે નીનાની દીકરીઓને સ્વમાનભેર જીવતાં, વિદેશની ધરતી પર નામ રોશન કરતાં જોઉં છું, ફેસબુક પર સ્વતંત્ર રીતે દેશદેશાવર ફ્રરવાના ફોટા જોઉં છું તો હૈયું હરખથી છલકાઈ ઊઠે છે. બાજુમાં રહેતાં મનોજની માતા તો અવસાન પામી, પણ એની જિંદગી અત્યારે જે કારમી હાલતમાં પસાર થઈ રહી છે તે પણ જોઈ રહી છું. ડાયાબીટીશ, હાર્ટની તકલીફ અને એકલવાયું જીવન!!
જનમ સાથે જોડાયેલું ખાલી ગાડું કેટકેટલા પોટલાં, અભિમાન, અહંકાર માલિકીભાવ સત્તા, રુઆબથી ક્યારે ભરાતાં જાય છે એ સમજ આવતાં આવતાં અંત પાસે આવી જાય છે!!
વહિદા રહેમાન, જયાભાદુરી, ધર્મેંદ્રની ફિલ્મ “ફાગુન” યાદ આવી ગઈ. એની કથા પણ કાંઈ આવી જ છે, અને અંતમાં “તીસરી કસમ” ફિલ્મના ગીતના બોલ યાદ આવી ગયા.
“दुनिया बनानेवाले
क्या तेरे मनमें समाई
काहे को दुनिया बनाई
तूने काहेको दुनिया बनाई
मीत मिलाके तूने सपने जगाए
सपने जगाके तूने
काहे को दे दी जुदाई
तूने काहे को दुनिया बनाई!!!

આ વિચાર સાથે હરિને પ્રાર્થના, જીવનરુપી આ ગાડું ઘણા સદગુણ, દુર્ગુણોથી ભરેલું છે, મુકામ સુધી પહોંચતા ક્યાંક વધુ ઠોકર ના વાગે એ સંભાળજો, હરિ હળવે હળવે હંકારજો!!!!
ડાયરીના પાના આવા જ સંભારણાથી તો ભરાતાં જાય છે…….

શૈલા મુન્શા તા. ૦૨/૧૦/૨૦૨૧
www.shailamunshaw.gujaratisahitysarita.

October 9th 2021

જવાબો ના મળે!!

સવાલોની ઝડી વરસે, જવાબો ના મળે;

શરુ તો થાય, પણ એનો કિનારો ના મળે!

સિતારો થૈ ચમકવું આસમાને જો કદી,
થશે અરમાન પૂરા, એ ઈશારો ના મળે!

અમીરી કે ગરીબી હોય મનની લાગણી,
અભરખાં રે અધૂરા, તો દિશાઓ ના મળે!

ગઈ તારીખ જો બનશે તવારીખ યદી,
લખાશે ચોપડાં, એનો હવાલો ના મળે!

ન તખ્તોતાજ, ના રજવાડું, ના માથે તિલક;
વિચારોમાં બને રાજા, રસાલો ના મળે!

શૈલા મુન્શા

September 17th 2021

સંભારણું -૩ – બચપણ

“સદા માટે ચાલી બચપણ ગયું તો પણ કદી,
રહું છું માણી હું શિશુ સહજ ભાવો અવનવા” સુરેશ દલાલ
માનવીની ઉંમર ગમે તે હોય એક બાળક એના દિલના એક ખૂણામાં હમેશા અડિંગો જમાવીને રહેતું હોય છે, અને અચાનક ક્યારેક સ્પ્રીંગની જેમ ઊછળીને બહાર આવી જતું હોય છે. સુરેશભાઈની આ પંક્તિઓ સહુના બાળપણને સંવારી સ્મરણોના ખજાના ખોલી દે છે. સપના જે પૂરા થયા કે ના થયા, હૈયામાં જાગતાં સ્પંદનોને વાચા મળી કે નહિ, એ ઝુરાપો એ મુસ્કાન એ દર્દ અતૃપ્ત ઈચ્છાઓ, કેટલું સંઘરાયેલું હોય છે દિલના એ ખૂણામાં જેને કોઈ જાણી નથી શકતું. દરિયો અને દરિયાના ઊછળતાં મોજા મારા મનને આનંદવિભોર કરી દે છે. મુંબઈ મરીનલાઈન્સની પાળે ભરતી ટાણે પાળની મર્યાદા તોડી ઊછળી આવતાં મોજાં મેં ઘણીવાર ઝીલ્યાં છે અને એક બાળપણ ફરી ફરી અનુભવ્યું છે. વરસાદમાં નહાવા કોલેજ બન્ક કરી વિલેપાર્લે એરપોર્ટના પરિસર સુધી અમે સહુ મિત્રો પહોંચી જતાં એ અનુભૂતિ ક્યાંથી ભૂલાય!! આજે પણ જીવન સંધ્યાએ પહોંચવા છતાં હ્યુસ્ટનના ધોધમાર વરસતાં વરસાદમાં ઘણીવાર મનભર ભીંજાવાનો આનંદ જે અનુભવ્યો એ ફરી મારામાં રહેલી બાળકીને તૃપ્ત કરી દે છે. આજે આ વાતો યાદ આવી જવાનું કારણ અમારે ત્યાં આવેલ એક મિત્ર દંપતીની વાતો અને એમનો નિખાલસ સ્વભાવ. ઉંમરના આ પડાવ પર જ્યારે બાળકો પોતપોતાના સંસારમાં રમમાણ હોય અને માતા પિતા પોતાની દુનિયામાં, ત્યારે મિત્રો એકબીજાના સહારારુપ હોય છે. જ્યારે પણ મળીએ હસી મજાક, વાતોના તડાકા અને બાળપણના સંસ્મરણો જાગૃત થઈ જાય. મારે ત્યાં સૌરભભાઈને મીનાબહેન મળવા આવ્યાં હતાં. નાસ્તામાં મેં ઈડલી સંભાર બનાવ્યા હતાં. Dining table પર બેઠા બેઠા ગામગપાટાં ચાલી રહ્યાં હતાં. અમારા ઘરમાં નાસ્તાની દુકાન ખોલી શકાય એટલા નાસ્તા હંમેશ જોવા મળે અને પતિદેવ એક પછી એક નાસ્તા લાવી મહેમાનને આગ્રહ કરી રહ્યાં હતાં “અરે! આ તો ચાખો પૂનાની ફેમસ ભાખરવડી છે” તરત જ મિત્રપત્ની બોલી ઊઠ્યા મારા પતિને પણ આટલો જ નાસ્તા ખરીદવાનો શોખ છે, જ્યાં જાય ત્યાંથી કાંઈક નાસ્તો, મીઠાઈનુ બોક્ષ ઉપાડતાં જ આવે અને નાસ્તા જૂના થાય એટલે આપણે ગાર્બેજમાં પધરાવવા પડે. સૌરભભાઈએ જે જવાબ આપ્યો એ સાંભળી અમે સહુ હસી હસીને બેવડ વળી ગયા. એમના જ શબ્દોમાં “હું બ્રાહ્મણનો દિકરો અને પિતા ગોર, જે દક્ષિણા મળે એમાં ઘર ચલાવવાનું. પિતા શિસ્તના આગ્રહી, ખોટી કમાણી ના કરે. બાળપણમાં જ્યારે પિતા સાથે બજારમાં જાઉં અને કંદોઈની દુકાને ગરમ ગરમ ભજિયાં તળાતાં હોય, મીઠાઈની દુકાનમાં રંગબેરંગી મીઠાઈ સજાવીને કાચના કબાટમાં મૂકી હોય પણ પિતા પાસે એટલા પૈસા નહિ એ બધું ખરીદવાના અને સાત્વિક ભોજનના આગ્રહી એટલે અમને એ બધું ખાવા પણ ના દે. હવે મોટા થયાં પછી બાળપણની એ અતૃપ્ત ઈચ્છા જ્યારે પણ કોઈ નાસ્તો લેવા કે સ્વામિનારાયણ મંદિરના સાયોનામાં જાઉં તો એક મોનસ્ટર (રાક્ષસ) બની મારા પર હાવી થઈ જાય. અંદરનું અતૃપ્ત બાળક જાગૃત થઈ જાય, આ લઉં કે પેલું કરતાં કરતાં ઘણુબધું લેવાઈ જાય. અહીંયા તો ઠીક પણ જ્યારે જ્યારે ભારતની મુલાકાતે જાઉં અને મારે વતન એજ કંદોઈની દુકાન અને મીઠાઈની દુકાને જાઉં તો એક પછી એક મીઠાઈ ચાખતાં ચાખતાં દુકાનદારને કહેતો જાઉં ભાઈ અર્ધો કિલો આપી દો અને મારા હાથમાં દસ ડબ્બા મીઠાઈના જોતજોતામાં થઈ જાય. ઘરે આવીને મીનાની વઢ તો સાંભળવાની જ, આટલી મીઠાઈ કોણ ખાવાનુ છે? આપણને બન્નેને ડાયાબિટિશ છે; પણ શું થાય અંદરનુ બાળક જે પરમ આનંદ પામ્યું એની મીનાને શું ખબર પડે!!”
જે રીતે એમને બાળપણ યાદ કરી એમની અતૃપ્ત ઈચ્છાઓનું વર્ણન કર્યું અને મનમાં એક રાક્ષસ જાગૃત થાય એ વાત કરી અને સાથે સાથે એટલો નિર્દોષ ચહેરો રાખી હસી પડ્યાં કે અમે બધાં પણ હસી હસીને બેવડ વળી ગયાં. આવી કોઈને કોઈ અતૃપ્ત ઈચ્છા પૂરી કરવાની, બાળપણ ફરી જીવવાની હોંશ તો સહુના મનમાં જાગતી હશેને, જેમ મારી વરસાદમાં નહાવાની ઈચ્છા અને એ જ્યારે પૂર્ણ થાય ત્યારે અનુભવાતો આનંદ ફરી મને એક નટખટ નાનકડી બાળકી બનાવી દે છે.
આ સાથે જ ફિલ્મ અનમોલ ઘડીનુ ગીત યાદ આવી ગયું,
“ओ बचपनके दिन भुला न देना,
आज हसें कल रुला न देना”
બાળપણ અને આવી ખાટીમીઠી વાતોથી જ તો ડાયરીના પાના ભરાતા જાય છે, અને કાયમના સંભારણા બની જાય છે.

અસ્તુ,
શૈલા મુન્શા તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૧
www.smunshaw.wordpress.com

September 17th 2021

ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક– ૨૦૧૫ થી ૨૦૨૧ જુલાઈ

ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક– ૨૦૧૫ થી ૨૦૨૧ જુલાઈ August 28, 2021
Posted by devikadhruva
૨૦૧૫ જુલાઈથી ૨૦૨૧ ઑગષ્ટઃ નીચેની લીંક ક્લીક કરી વાંચશો.

GSS 2015 to 2021

« Previous PageNext Page »
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.