September 22nd 2008

નમસ્તે કેનેડા

બેસી ચુકી છે ઋતુ વસંતની
પણ શિયાળો જવાનુ
નામ લેતો નથી.

ક્યારેક ઠંડીના ચમકારા
તો ક્યારેક વરસાદના સપાટા
ક્યારેક પવનના સુસવાટા.

વિત્યા દિવસો અને મહિનાઓ
વરસતી હિમવર્ષા અને કાતિલ ઠંડીના
તો પણ ન જાણે, એવું અનુભવીએ છીએ
કે હજુ કેટલો દુર છે ઉનાળો.

થઈ હતીવર્ષ છાંસઠ પહેલા હીમવર્ષા
તેનાથી પણ વિશેષ વરસી હીમવર્ષા
જાણે રેકોર્ડ તોડવાની લગની લાગી.

કેવી છે કેનેડા નગરી, ચાલે યથાવત કામકાજ
નિયમ મુજબ ટેવાઈ ગયાં છે,
હિમવર્ષા સંગ કાતીલ ઠંડી થકી.

આઠ મહીનાની કાતીલ ઠંડી લાવે છે વસંત સંગ
સમર, કોમળ, માણી લઈએ છીએ સૌ કેનેડા નિવાસી
આનંદ મસ્તી મા ડુબી, ભુલી કેનેડાની અખુટ ઠંડી.

સૌજન્ય શ્રી અમૃતભાઈ ગાંધી. કેનેડા નિવાસી (શૌલા મુન્શા)

September 21st 2008

ગૃહલક્ષ્મી બની દીકરી

દીકરો ભલેને હોય ડહાપણનો દરિયો,
પણ દીકરી તો વહાલનો દરિયો.

નાનકડી નમણી એ આંખો મટકાવતી
ને ગુલાબી ગાલો પર સ્મિત મધુરું રેલાવતી.

પગલી એ નાનકડી પાડતી
ને હૈયા એ સૌના રણઝાવતી.

ટહુકો મધુરો એનો ગુંજતો
ને ભરતો ઉલ્લાસ ખુણે ખુણે.

વહ્યા વર્ષો બની દીકરી
ગૃહલક્ષ્મી નિજ ગૃહ તણી
કરી અવકાશ અમ હૃદયમાં.

અજબ ખેલ કુદરત તણો
લીધું તે આપ્યું નવા રુપે.

પુરાયો અવકાશ,
પામી તુજને હે દીકરી
અમ ગૃહ તણી લક્ષ્મી રુપે.

બસ આશિષ એટલીજ અમ હૈયા તણી
મહેકી રહે જીંદગાની સદા તમારી.

સમર્પિત સહુ ગૃહલક્ષ્મીને જે દીકરી રૂપે ઘરમાં આવે છે.

શૈલા મુન્શા ૯/૨૦/૨૦૦૮

March 9th 2008

માર્ચ બેઠક નો અહેવાલ

માર્ચની પહેલી તારીખે યોજાયેલી ગુજરાતી સાહિત્યસરિતાની ૭૨ મી બેઠક નુ આયોજન શાંગ્રિલા આર્ટ ગેલેરીમાં રાખવામાં આવ્યું હતું. ત્યાં ત્રણ પ્રસંગોમાં બે લલિત કળાઓનો અદભુત સંગમ યોજાયો હતો. ભારતમાં જન્મેલા અને અમેરિકામાં વસેલા ચિત્રકારોના ચિત્રોનુ પ્રદર્શન ( કે જેમા આપણા ચિત્રકાર મિત્ર અને સભ્ય વિનોદ પટેલનાં પણ ચિત્રો રજુ થયા હતા) અને હ્યુસ્ટન ની ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક અને કવિઓની કવિતાનો રસાસ્વદ સાથે શેર અન્તાક્ષરી ભાગ-૨ માં ૫૭ જેટલા જાણીતા અને મનવંતા ગઝલકારોનાં શેરોની રમઝટ.

રંગબેરંગી રંગોના સાનિધ્યમા પ્રશાન્તભાઈએ સભાની શરુઆત સહુ મહેમાનો ને આવકારી ને કરી, અને પ્રકાશભાઈને ને પ્રાર્થના માટે આવકાર્યા. પ્રકાશભાઈએ કવિ નાનાલાલ ની પ્રાર્થના “અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા” ભાવવાહી સ્વરે ગાઈને સભાનુ મંગળાચરણ કર્યું. સર્વ વક્તા અને શ્રોતાઓએ પણ સુર પુરાવ્યો.

ત્યારબાદ પ્રશાન્તભાઈએ દેવિકાબેનને આવકારી સભાનુ સંચાલન પદ ગ્રહણ કરવા વિનંતી કરી.

દેવિકાબેને કવિઓના નામ ની ચિઠ્ઠી બનાવી હતી અને જે પ્રમાણે નામ નીકળે એ પ્રમાણે કવિ પોતાની કૃતિ રજુ કરે એ પ્રથા રાખી હતી.બેઠક્નો વિષય હતો “નજર”

સૌ પ્રથમ હેમંતભાઈ ગજરાવાલા નો વારો આવ્યો. એમણે યુવાવસ્થાથી એમના જીવનમા મહત્વનો ભાગ ભજવનાર વ્યક્તિ ની નજર . “તારી નજરે યુવા મનને સપના દર્શાવ્યા થી માંડી ને ત્રીજા નેત્ર સુધીની વાત સરસ રીતે કાવ્યમા વણી લીધી. દેવિકાબેને સરસ પંક્તિઓ એ માટે રજુ કરી “મળી મળી ને પડી વિખુટી નજર તમારી મળી શકીના.” આગળ ધપતા દેવિકાબેને મનોજભાઈને કૃતિ રજુ કરવા આમંત્ર્યા. મનોજભાઈએ નજરને કર્તાનુ રુપ આપી લગતા વિશેષણોની વાત કરી.”નજર સારી, નજર ખરાબ, વગેરે ગઝલ રજુ કરી.

“નજર નજર મા ફરક પડે છે,
 શોલા મળે ક બરફ મળે છે.”

દેવિકાબેને ગઝલને બિરદાવતા નજરના જુદાજુદા નજારાની વાત કરી. અને ડો વિવેક ટેલર ની કવિતા “ફાંસ”ની એક નજર “ભર બપોરે ભર મેળામા નજરુની વાગી ગઈ ફાંસ.” રજુ કરી ત્યારબાદ પ્રશાન્તભાઈનુ નામ નીકળતા એમણે આપણા બહુ જાણીતા કવિ કરસનદાસ માણેકનુ ખુબ જ જાણીતું કાવ્ય “તે દિન આંસુભીના રે હરિના લોચનિયા મે દીઠા” સંભળાવ્યુ સાથે દુનિયાની વિષમતા ની વાત કરી. આ પછી વિજયભાઈએ એમના ત્રીસ વર્ષના લગ્નજીવન પર લખાયેલું એમનુ કાવ્ય “પેલી સારસ બેલડી સરકે સંગસંગ” સુંદર રીતે રજુ કર્યુ. આ પછી ફતેહઅલીભાઈએ” જીંદગી” પર નાનકડું કાવ્ય

“જિંદગી એક કિતાબ હૈ, આકારમે દિલસી,
 પવિત્ર ગીતા, કુરાન, બાઈબલ જૈસી”

રજુ કરી. પ્રકાશભાઈએ શુન્યપાલનપુરી ની ગઝલ “નજર મેળવીશું ને ખોવાઈ જાશુ” ભાવવાહી સ્વરે સહુને સંભળાવી. એનો પ્રત્યુત્તર આપતા દેવિકાબેને નજરુ મેળવવાની વાત પર ” નયનમાં જો કોઈની નજર ના હોત” ની વાત કરી મુરબ્બી ધીરુભાઈ શાહે ગાંધી નિર્વાણ દિન અને યુધ્ધના સૈનિકો પર પોતાની રચના રજુ કરી. સુમનભાઈ અજમેરીએ “પનિહારી” પર નુ ગીત રજુ કરી ગ્રામ્ય જીવનનુ દર્શન કરાવ્યુ અને “જવાની જ્વાળ થઈ જાશે” ગઝલ રજુ કરી. ત્યારબાદ આપણા સહુના જાણીતા વિશાલ મોણપરાએ “તને જોઈ જોઈ તો પણ તુ અજાણી” કાવ્ય ની પંક્તિઓ રજુ કરી.ચીમનભાઈએ

“કરે કથામા વાતો લોકો કારણો વગર
અને બગાડે સમય પોતાનો કારણો વગર”

સંભળાવી સહુને હાસ્ય તરબોળ કર્યા.

જ્યારે રસિક મેઘાણીએ નાના બે શેર અને એક ગઝલ ગાઈને રજુ કરી.

“પલક પલક પાંખડી ના ગુલાબ જેવા નયન તમારા,
 છે કાળી કાળી લટોની સાથે વદન ની શોભા નયન તમારા.”

દેવિકાબેને શબ્દારંભે અક્ષર એક” નો નવતર પ્રયોગ રજુ કર્યો અને “ન” અક્ષર પરથી શબ્દ શરુ થાય એમ આખુ કાવ્ય રચ્યું.

“નીલમ નામે નાર નવેલી,
 નાજુક નમણી નખશિખ નિરાળી”

નમણાશ થી રજુ કર્યુ. શૈલાબેને “દ્રષ્ટિ” કાવ્ય જે હળવાશ થી શરુ થઈને દ્રષ્ટિ ની ગહનતા પર સહુને લઈ ગયુ એ રજુ કર્યું. છેવટે અશોકભાઈ પટેલે નાના બે મુક્તક રજુ કર્યા.

આ રીતે દેવિકાબેને સભાના કાવ્યમય પ્રથમ દોરની સમયસર પુર્ણાહુતી કરી વિજયભાઈને શેર અન્તાક્ષરી ની બાગડોર સોંપી.આ અન્તાક્ષરીના એક પક્ષમાં દેવિકાબેન્ ધ્રુવ , શૈલાબેન્ મુન્શા રસિક્ભાઈ મેઘાણી અને ચિમનભાઈ પટેલ અને બીજા પક્ષમાં મનોજભાઈ મહેતા, અશોક્ભાઈ પટેલ્, સુરેશભાઈ બક્ષી તથા ગીતાબેન ભટ્ટૅ ભાગ લીધો હતો.

આપ સર્વેને જણાવતા અમને આનાંદ થાય છે કે આ કાર્યક્રમ ટુંક સમયંમાં AUDIO-VIDEO માં ગુજરાતી સાહિત્ય સરિતાની વેબસાઈટ પર મુકાશે. જેનો જીવંત અનુભવ આપ સૌ માણી શકશો.

શ્રી વિનોદ પટેલ ના સુચનથી હાજર રહેલા તમામ કવિ મિત્રોએ ત્યાં દિવાલો પર મુકાયેલ Hand paintingના ચિત્રો પર પોતાની બે થી ચાર પંકતિના શિઘ્ર મુક્તકો રજુ કર્યાં જેનો વિગતવાર અહેવાલ આપ અહીં  માણો

ફત્તેહ અલીભાઈએ સૌનો અભાર માનીને સભાની પુર્ણાહુતી કરી.

પ્રશાંત મુન્શા- ફત્તેહ અલી

March 4th 2008

દ્રષ્ટિ

કરે ઈશારો આંખડીને સમજી જાય મન
બને નજર તીરછી ગોરીની ને,
ઘેલાં બને સહુ જન.

આંખો આંખોની ભાષામાં નહિ શબ્દોનું કોઈ કામ
ભલે કહેવાય પ્રેમ આંધળો,
પણ દિઠા વિના નવ થાય પ્રેમ.

દિઠા વગરના આર્શિવાદે,
બની દ્રૌપદી પાંચ પતિ તણી ભર્યા,
ને છતી આંખે બન્યો દુર્યોધન આંધળો
થયો યુગસંહાર, રચાયું મહાભારત એ કારણે.

પડી કુદ્રષ્ટિ રાવણ કેરી સીતા પર
થયો લંકાકાંડ ને રચાયું રામાયણ એ કારણે.

દ્રષ્ટિ દ્રષ્ટિમાં બહુ ભેદ ભાઈ
કોઈને લાગે જગ મિથ્યા, ને કોઇને નવચેતના નો સ્રોત.

પડે જો અમી દ્રષ્ટિ જગતનિયંતા કેરી,
બને આ જગ ખુદ એક સ્વર્ગ.

શૈલા મુન્શા ૩/૨/૨૦૦૮

February 10th 2008

ષષ્ટીપૂર્તિ

વિશ્વદિપ નામ તમારુ, વિશ્વના દીપ બની રહો
ઊજાળ્યુ જિવન જેમ પ્રેમે જીવી, જગને ઊજાળી રહો

વર્ષો વિત્યા પરદેશ તણી ભૂમિ પર,
કિંતુ હ્રદયે હમેશ દેશપ્રેમ ભર્યો
તત્પર સદા થાવા મદદરુપ સર્વને.

જીંદગી ની સફરમા સાથ રેખા તણૉ સાંપડ્યો
જીવન બાગ મહેકી ઊઠ્યો દિપ્તી આશિષ તણા કલરવે
સોનામા સુગંધ ભળી રાજીવ તણા આગમને.

વટવૃક્ષ વિસ્તરતું ગયું જીવન તણું
બન્યા દાદાજી બે પુષ્પકળી ના આગમને
ખીલતી રહી કળી વધતો રહ્યો ઉમંગ હૈયે.

આજ સંધ્યા સલુણી તમ ષષ્ટીપુર્તિ તણી
ખુશાલી આપની, બની સર્વ પરિવાર જનો તણી
જોડાયા સર્વ મિત્રો સ્નેહીજનો કરી કામના દિર્ઘાયુ તણી.

શૈલા મુન્શા (૨/૧૮/૨૦૦૬)

વિશ્વદિપ ભાઈ ની ષષ્ટીપુર્તિ ઉજવણી પ્રસંગે લખાયેલ કાવ્ય

February 6th 2008

પ્રેમ

પ્રેમ કાંઇ ત્રાજવે તોળાતો નથી,
એ તો બસ થઈ જાય છે.

કર્યા દિદાર તારા જે ઘડી
બે ઘડી મિલન ની આશમા,
કાંઇક ઘડીઓ વહી જાય છે.

ન નડે ઉમર નો તકાજો ન ભાષાની ભૂતાવળ
નજરું મળી ન મળી ત્યાં હૈયું હરખાય છે.

ક્યાં નડે છે એને સ્થળ કાળ ની સીમા
ઘંટડી રણકે જ્યાં ફોન ની,
ઘંટારવ થઈ જાય છે.

થયો ઘંટારવ મળ્યા જે ક્ષંણે, બન્યા સાથી જીવનભરના
મહેકી ઊઠ્યો જીવનબાગ બે માસુમ ફુલોના સથવારે.

ન તોળવાની જફા ના કાંઇ લેખાજોખા
પ્રેમ તો એ જે દિનરાત બસ વધતો જાય છે.

પ્રેમ કાંઇ ત્રાજવે તોળાતો નથી
એ તો બસ થઈ જાય છે.

શૈલા મુન્શા (૨/૫/૦૮)

January 21st 2008

યાદ છે

યાદ છે મને એ ઘર જ્યાં હું જન્મી,
જ્યાં સૂરજ ના કુમળા કિરણો
ભરતા ઉજાશ મુજ નયનોમા

યાદ છે મને એ માનો પ્રથમ સ્પર્શ,
જેને જગવી ચેતના મુજ જિવનમા
પાઈને અમૃત રસ

યાદ છે મને પિતાનો એ પ્રથમ સ્પર્શ
ભરીને વહાલભરી ચુમી મુજ ભાલ પર
બન્યા વટવ્રક્ષ જીવન તણાં

યાદ છે મને એ બાળપણ
જ્યાં સાંપડ્યો સ્નેહ નાનકડી બહેનનો
સંગ જેના વહ્યા દિવસો હસતા રમતા

યાદ છે મને એ યુવાનીનુ પ્રથમ ચુંબન
જેને પગલે સાંપડ્યો સાથી જીવનભરનો
દિપી ઊઠી જીંદગી મારી જેના સથવારે

યાદ છે મને એ ક્ષણ, જાણ્યુ જે પળે
ઉછરી રહી નવજીંદગી મુજમા
બની ધન્ય પામી માતૃત્વ
સ્પર્શી નવચેતના મુજ હાથોમા.

શૈલા મુન્શા
૧/૧/૦૮

January 21st 2008

ધરતી નો છોરું

હાંરે હું તો ધરતીનો છોરું હું તો ધરતીનો છોરું
હોય સમજ નાસમજ તોય હું તો ધરતીનો છોરું

ઉડતા પતંગિયાની સાથ ઉડવું છે ડાળ ડાળ,
પામવો છે પ્રેમરસ થઇને ગુલાબ લાલ લાલ.

સરતી માછલીઓ સંગ મારે સરવું સર સર,
જાણે દરિયો લહેરાતો આંખોમાં ઝર ઝર.

અક્ષરના અંકોડા ભિડાય મારી આસપાસ
તોડવાને સાંકળ નજરું ઘુમાવું હું ચોપાસ

શુન્યમાં ભાસતો સૂરજ ચીતરે રંગો અવનવા,
બની કઠોર નખો નિયમ મુજ પર નવાનવા;

ફેલાવી પાંખ ઉડવું છે મારે ગગન વિશાળ,
અવરોધ બની આ નિયમોની નિશાળ;

હું તો ધરતીનો છોરું હું તો ધરતીનો છોરું
હોય સમજ નાસમજ તોય હું તો ધરતીનો છોરૂં.

“તારે જમીન પર” જોયા પછી રચાયેલી કવિતા.

શૈલા મુન્શા(૧૨/૨૫/૦૭)

January 21st 2008

વરસ

જોડાયું જે જન્મ સાથે મારા, વધતું રહ્યુ મુજ સાથે સદા
હે વરસ! કાયા સંગ પડછાયાની માયા આપણી સદા.

કદી ન લાગ્યો ભાર તુજને,અનહદ પળોનો હિસાબ તુજ શિરે
હૈયું તારું સાગર સમું વિશાળ, શમાવે જિવન કેરી પળો બેહિસાબ.

આંખ મીચતા ચાલે રીલ, પળમાં પહોંચું બાળપણને તીર
વહ્યાં વરસો છૂટયો સાથ સ્વજન કેરો, ન છૂટ્યો સાથ કદી તારો.

કદી ચડતી કદી પડતી, ખેલ કંઇ અવનવા ખેલાવે.
બાજીગર બની દોર હાથમાં સદા રાખે.

હર પળ હર દિન લાવે નવો ઉમંગ નવી આશ જીવનમાં,
ગત વાતોને વિસરાવી કરાવે તું સંકલ્પો નવા નવા.

નૂતન વર્ષ કરું તુજ અભિવાદન
સજાવી સપના નવા નવા.

શૈલા મુન્શા
૧/૪/૦૮

November 24th 2007

ખેલ કુદરતનો!

એક તરફ ચાંદની બીજે ચમકારા,
એક તરફ તારલા ટમટમે બીજે વીજ લીસોટા.

કુદરત કેરા ખેલ અવનવા,
હર પળ દર્શાવે રુપ નવાનવા.

એક તરફ ઢળતો સૂરજ,બીજે ઉગતો ચાંદ
એક તરફ સોનેરી સંધ્યા, બીજે ઉમડતા વાદળ ઘનેરા.

ક્યાંક છલકાતું ઘોડાપુર ને ક્યાંક પાણી કેરા સાંસા,
ક્યાંક ધરા ધખધખે, ને ક્યાંક બરફ કેરી શીતળતા.

ક્યાંક નભને ચૂમતા ડુંગરો, ને ક્યાંક પાતાળે પહોંચતી ખીણો
ખીલે ક્યાંક ફુલો રંગબેરંગી ક્યાંક અડાબીડ જંગલો.

પતંગિયા ની પાંખો રંગીલી,
જાણે મેઘધનુ કેરી છટા અનેરી.

કોણ જાણે કોણ મદારી ને કોના હાથમાં દોર,
બસ એટલું ભાસે, એતો કુદરત કેરા ખેલ.

શૈલા મુન્શા.
૨૩/૧૧/૦૭

« Previous PageNext Page »
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.