સલીલજ સાહિત્ય સરવાણી
ટાસ્ક નંબર – ૧૧
નામઃ શૈલા મુન્શા
ગામ – વડોદરા
વિષય – જીવનની ખાટી મીઠી પળો
પ્રકાર – કાવ્ય
શબ્દો – ૧૭૦
સબમીશન તારીખઃ ૧૬/૦૯/૨૦૨૬
શીર્ષકઃ જીવનની સમી સાંજે
વડલાની ડાળે બેઠા પોપટને પોપટી સમી સાંજે,
દિનભરની ઉડાનનો ઉતારતા એ થાક સમી સાંજે.
કાલની તો કોને ખબર ભાઈ?
થઈ ઘડી આજની રળિયામણી ભાઈ.
મહેર મોટી કુદરતની એ પંખીડા પર,
કેવી વહેતી સરલને સહજ જિંદગી હરદમ!
કલ્લોલતા આનંદે ભરી ઊંચી ઉડાન,
વહેતા સમીર સંગ કરતાં એ ગુમાન.
ઝૂલતા હિંચકાની કોર બેઠા એક દંપતી સમી સાંજે,
જિંદગીની સફરનો ઉતારતા એ થાક સમી સાંજે.
વીત્યાં વર્ષોનાં વહાણા, વાગોળતા એ યાદ ખટમધુરી,
કહાની એ યૌવનની, તરવરાટને મસ્તીથી ભરેલી;
હામ હૈયે, ઝીલી લેવા પડકાર સહુ આફતોનો,
ભૂલી જીવનની ખટાશ, સહુને મીઠાશ વહેંચવાનો!
જીવન વહીખાતાનો માંડ્યો હિસાબ આજ અચાનક,
સુખ દુઃખમાં પણ ન ચૂક્યા ફરજ કદી માવતરની;
દીધા સંસ્કાર, કેળવણી બાળકોને જીવવા સંસાર સાગરે,
થયો આત્મ સંતોષ, જીવન સંધ્યાએ પ્રેમ,વિશ્વાસના ઓવારે!
બસ આથી વધુ શું જોઈએ પ્રભુ, અમ જીવનમાં આજ,
બસ આથી વધુ શું જોઈએ પ્રભુ, અમ જીવનમાં આજ!!
રહે સાથ સદા અમારો આમ પૂરક બની જીવનની સમી સાંજે,
બસ પૂરક બની જીવનની સમી સાંજે!!
શૈલ મુન્શા