October 3rd 2017

વિસ્મય!

હોઈ શકે શું દુનિયા ન્યારી,

વિમાસુ બેસીને બારીએ.

જાગતી ઈચ્છા ભરૂં એક ડગ,

નાનકડી કીકીમાં ડોકાતું વિસ્મય.

હશે શું મુજ જેવી નટખટ, ન્યારી!

ઝુમતા આ ફુલો સમ રંગીન, પ્યારી,

ભરૂં હરણફાળને વહું સમીર સંગ!

પગલું રહે અધ્ધરને થાય વિચાર ભંગ.

જો ગઈ ખોવાઈ તો,

મળશે કદી પાછી મુજ મા એ વહાલી?

મળશે કદી પાછી મુજ મા એ વહાલી?

શૈલા મુન્શા

September 20th 2015

નેઓમી

નેઓમી

૨૦૧૫-૨૦૧૬ નુ નવુ શાળાકિય વર્ષ શરૂ થયે ત્રણ અઠવાડિયા થઈ ગયા પણ મારા ક્લાસમા નવા આવેલા બાળકોની ઓળખાણ કરાવવાનો પણ સમય મળ્યો નહિ. પહેલા દિવસથી જ બાર બાળકો P.P.C.D (Pre-primary children with disability) ના ક્લાસમા અ ખરેખર જ વધારે કહેવાય કારણ નવા આવનાર બાળકો લગભગ ત્રણ વર્ષના હોય અને જુના બાળકો લગભગ પાંચથી છ વર્ષના હોય.

નવા બાળકોને સ્વભાવિક જ ક્લાસમા ગોઠવાતા વાર લાગે. દરેકની જુદી સમસ્યા અને જુદા લેબલ. કોઈ autistic હોય તો કોઈની વાચા ખુલીના હોય , તો કોઈનુ માનસિક સંતુલન બરાબર ના હોય.

આજે જે બાળકીની વાત કરવી છે એનુ નામ નેઓમી. સ્પેનિશ છોકરી, પણ રૂપે રંગે અમારી દાદીમા સાહિરાની જ પ્રતિકૃતિ. પહેલે દિવસે જેવી ક્લાસમા આવી કે તરત અમારો ઈસ્માઈલ બોલી ઉઠ્યો સાહિરા કેમ છે? નેઓમી મુંગી મુંગી એને તાકતી રહી. બે દિવસ, ત્રણ દિવસ થયા નેઓમી થોડું હસે પણ બોલવાની વાત નહિ. અમને તો એમ જ લાગ્યું કે નેઓમીની વાચા પુરી ખુલી નથી એટલે જ એ અમારા ક્લાસમા છે, પણ એની અદા અને નખરાં અમને સાહિરાની યાદ અપાવે. ત્રણ ચાર દિવસમા બેને પોતાનુ અસલી રૂપ બતાવવા માંડ્યુ. ડેમિઅન નવો છોકરો આખો દિવસ રડ્યા કરે, તો નેઓમી જઈને એને મોઢા પર આંગળી મુકી ચુપ થવાનો ઈશારો કરે. પાર્કમા રમવા લઈ જઈએ તો પાછા ફરવાનુ નામ નહિ. બોલાવીએ તો જાણે સાંભળ્યું ના હોય તેમ બીજે જ જોયા કરે. પોનીટેલ ખોલીને મા ભવાનીનો અવતાર બની જાય. ગયા વર્ષના બાળકો ડુલસે કે ઈસ્માઈલ તો એને સાહિરા કહીને જ બોલાવે.

ધીરે ધીરે નેઓમી મારી સાથે વધુ હળવા માંડી. એને બાથરૂમ લઈ જતા સહજ જ ગલીપચી કરતાં ખિલખિલ હસી પડી. મે એને મારૂ નામ કહ્યું “મીસ મુન્શા” તો પહેલીવાર એને બોલતા સાંભળી “મીસ મુન્શા” હું તો આભી જ બની ગઈ. ખુબ હોશિયાર, બધા કલરના નામ, આલ્ફાબેટ્સ, એકથી વીસ સુધી નંબર બધુ આવડે. સમન્થાએ એને કોમ્પ્યુટર પર બેસાડી અને હજી તો એ સ્ટાર ફોલની વેબસાઈટ ખોલે ત્યાંતો નેઓમી જાતે માઉસ ફેરવી જાતે ક્લીક કરવા માંડી. ધીરેધીરે ક્લાસમા બધા સાથે બોલવા માંડી પણ સાથે દાદાગીરી પણ બધા પર સાહિરા જેવીજ.

સાહિરા આ વર્ષે પહેલા ધોરણમા ગઈ જેને અમેરિકામા લાઈફ સ્કીલનો ક્લાસ કહે છે, જ્યાં થોડા માનસિક રીતે પછાત બાળકો હોય. ભગવાન કરે અને નેઓમીને એ ક્લાસમા ના જવું પડે. હજીતો બે વર્ષ અમારી પાસે રહેશે અને છ વર્ષની થશે પછી એની હોશિયારી પ્રમાણે નક્કી થશે….., પણ એક વાત છે કે નેઓમીની મા બધી રીતે નેઓમીને મદદ કરવા તૈયાર છે. જે સુચન અમે કરીએ તે પ્રમાણે ઘરે નેઓમી સાથે બેસી લખાવાનુ કે વાર્તાની ચોપડી વાંચવાની કે ચિત્રો દ્વારા નવા શબ્દોની ઓળખ કરાવવાની મહેનત કરે છે.

સ્કુલ ખુલ્યાના ત્રણેક અઠવાડિયા પછી અમેરિકામા સ્કુલોમા ઓપન હાઉસ હોય જ્યાં માબાપ શિક્ષકોને આવી મળે. ખાસ તો નવા બાળકો અને અમારા બાળકો માટે આ મુલાકાત ઘણી અગત્યની હોય. જ્યારે નેઓમીની મા અમને મળવા આવી અને ખુબ રાજી થતા બોલી કે નેઓમીને સ્કુલમા આવવું ગમે છે અને ત્રણ અઠવાડિયામા પણ મે એનામા ઘણી નિયમિતતા આવતી જોઈ છે અને ઘરમા પણ વધુ બોલતી અને ગીત ગાતી થઈ છે.

આ કહેતી વખતે એની આંખોમા જે અહોભાવ અને અમારા પ્રત્યે નુ માન અને વિશ્વાસ હતો એ જ તો અમારી મહેનતનુ ફળ છે અને અમારી મુડી છે જે જેમ ખર્ચાતી જાય તેમ વધતી જાય છે.

શૈલા મુન્શા તા. ૦૯/૨૦/૨૦૧૫

September 15th 2015

લુંટાય છે!

ઓગસ્ટ ૨૦૧૫ હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાએ ડો. રઈશ મણિયારને આમંત્રી એક જાહેર ગઝલ કાવ્યનો કાર્યક્રમ કર્યો હતો અને ડો. રઈશભાઈએ ગઝલ વર્કશોપ કરી સહુ સાહિત્ય સરિતાના કવિ, લેખકોને ગઝલ લખવાના નિયમો સરળ ભાષામા સમજાવ્યા હતા.

એના પ્રયાસ રૂપે દેવિકાબેનની દોરવણી હેઠળ સરિતાના થોડા મિત્રોએ છંદમા સહિયારી ગઝલ લખવાની પહેલ કરી.

એ દોરવણી અને સમજને કારણે આજે હું મારી પહેલી ગઝલ છંદમા લખી શકી છું.

ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા (ચંદ વિધાન સપ્તક રમલ ૨૬)

દ્રૌપદીની આબરૂ દુઃશાસને લુંટાય છે,
એ પળે જાણે અજાણે શત્રુતા રોપાય છે!

માછલીની એક આંખે તાકવું જો તીર તો,
સાધવા સંધાન તો શું પાર્થએ રોકાય છે?

જીવવું ના જીવવું તો નિયતીને હાથ છે,
જિંદગીની દોડતો ક્યાં કોઇથી થંભાય છે!

શીદ જાવું દૂર તારે ભાંગવા ઈમારતો,
બાણ શબ્દોના કદી ક્યાં કોઇથી ચુકાય છે!

પારખાં ના હોય પ્રેમીના કદીયે પ્રેમમાં
પ્રેમ તો પ્રેમી દિલોમાં વ્હાલથી તોલાય છે.

શૈલા મુન્શા તા ૦૯/૦૧૫/૨૦૧૫

July 15th 2015

શિખામણ ધીરૂદાદાની

(૯૭ વર્ષના ધીરૂદાદા, અમારી ગુજરાતી સાહિત્ય સરિતા ના માનવંતા વડીલ, અડીખમ લેખક, બધા માટે પ્રેરણાદાયી, સદા યુવાન શ્રી ધીરૂભાઈ શાહ પર લખાયેલી અછાંદસ કવિતા જે દાદા ને અર્પણ છે.)

કહેવાની વાત કોઈ રહી જાય ના,

જીવવાની રીત કોઈ વહી જાય ના!

આજ તો આજ છે, વિતેલા નો વિચાર શું!

કાલ ગઈ વીતી, ને કાલની ચિંતા શું?

બસ આજ છે જિંદગી, રળિયામણી!

છે એક ગુપ્ત રહસ્ય દીર્ઘ વયનુ કહું છું ખાસ,

દોસ્તી પુસ્તકો સંગ, તો ઉંમર નો શો હિસાબ!

લીધી કલમ હાથમાં પત્નિ વિયોગે ઢળતી વયે,

શરૂ થયો નવો અધ્યાય જીવનનો સાહિત્ય સંગ

સરળતા અને ભાવ ભક્તિ વહી કાવ્ય રૂપે,

થયો આત્મસંતોષ, પામ્યા પ્રસિધ્ધિ દેશ પરદેશ!

ચાલશે, ફાવશે અને ગમશે જો ઉતારો જીવનમાં,

એ મંત્રને, પ્રેમાળ સ્વભાવ અપાવે આદર ને માન!

છે નિરામય તંદુરસ્ત જીવન ચાર પેઢી સંગ,

ના કોઈ ફરિયાદ કદી, રહસ્ય એ સત્તાણુ વર્ષનુ!

ભરી દીધું જોમ દાદા તમે, આજ અમ જીવનમા,

મળીને તમને, મળ્યો મારગ આ જીંદગી માણવાનો.

શૈલા મુન્શા. તા ૧૧/૧૮/૨૦૧૮

June 29th 2015

ડાયરી!

thE6Z842YU diary

અમેરિકામાં તો આમ પણ જીવન એટલું વ્યસ્ત હોય કે બીજા કશાનો વિચાર કરવા જેટલો સમય જ હોતો નથી, તોય નિરાલી ના મનમાં કેટલાય દિવસથી એક વિચાર ઘુમરાયા કરતો હતો જે જાગતા, સુતા એનો પીછો નહોતો છોડતો. અચાનક બનેલો કોઈ બનાવ, કોઈ ઘટના માનવીને અંદર બહારથી ઝંઝોડી દે એવું ક્યારેક બની જતું હોય છે.

આમ તો છાપું ખોલો અને જાતજાતના સમાચાર વાંચવા મળે, ક્યાંક અકસ્માત, ક્યાંક આગ, ક્યાંક કોઈની બહાદુરી, રાજનેતાના દાવપેચ. બધુ વાંચીને મનમાં દયા કે નફરત કે ગુસ્સો થોડીવાર આવે અને પાછા પોતાની ઘટમાળમાં ગોઠવાઈ જઈએ. સૂરજની રોશની પડતાં જ જેમ ઝાકળબિંદુ અદ્રશ્ય થાય તેમ એ વાત સ્મૃતિપટ પરથી લોપાઈ જાય. સુનામી આવે કે ધરતીકંપ થાય, એક સાથે હજારો માણસો મોતને શરણ થાય, ત્યારે મનમા અનુકંપા જાગે, અરેરાટી નીકળે, પણ! નવો દિવસ ઊગે અને એ જ રોજીંદી જીંદગી.

અચાનક છેલ્લા બે મહિનામાં બનેલા બે બનાવો એ નિરાલીને જાણે હચમચાવી મુકી.

રવિવારનો દિવસ ને મધર્સ ડે. સરસ મુવી જોઈ નિરાલી એના પતિ નયન સાથે ઈન્ડિયન રેસ્ટોરન્ટમાં જમી ને ત્યાં પડેલા ન્યુસ પેપર લઈ ઘરે આવી. ટી.વી. જોતા અમસ્તા જ છાપાનાં પાના ફેરવતાં નયનની નજર એક ફોટા પર પડી ને એ ચમકી ગયો. છાપાંમાં જેનો ફોટો હતો એની સાથે આમ તો કોઈ સગાઈ નહોતી, પણ બસ મિત્રતા. મિત્રતા પણ એવી કે નિરાલી નયન માટે એ નાના ભાઈ જેવો.

૩ મે ૨૦૧૫. રવિવારની રાત. પત્નિ અને બાળકો માટે જમવાનુ લઈ પાછા આવતા કોઈ અજાણ્યાની ગાડી રસ્તા વચ્ચે ખોટકાયેલી એને મદદ કરવા પુનિત પોતાની ગાડીમાં થી ઉતર્યો, પાછળ થી ગાડીને ધક્કો મારવા જતાં બીજી એક પુરઝડપે આવતી ગાડીના નશામાં ચૂર ડ્રાઈવરે પોતાની ગાડી થી રસ્તા પર ખોટકાયેલી ગાડીને ટક્કર મારી ને એ ધક્કા થી પુનિત ઉછળી બાજુમાં જ વહેતી બ્રાઝો નદીમાં પડ્યો. ક્ષણભરમાં આ બની ગયું. અંધારામા કોઈને ખ્યાલ પણ ના આવ્યો. પત્નિ ફોન કરતી રહી કે પુનિત ખાવાનુ લઈ હજી આવ્યો કેમ નહિ? ફોન પુનિતની ગાડીમાં રણકતો રહ્યો. પોલિસનો ફોન આવ્યો કે ગાડીમાં કોઈ નથી. સાત દિવસે પુનિતનુ શરીર સો માઈલ દુર નદીમાંથી મળ્યુ.

સ્કુલમા સમર હોલીડે શરૂ થવામાં ચાર દિવસ બાકી. મી. ગુસ્તાવ પોતાના કુટુંબ સાથે મેસેચુસેટ્સ ભણતી પોતાની દિકરીના ગ્રેજ્યુએશનમાં હાજરી આપવા નીકળી પડ્યા. બે જુવાન દિકરા અને પત્નિ સાથે બાય રોડ પહોંચતા બે દિવસ થયા. રસ્તામાં ગુસ્તાવને પગમા જરા કળતર થતું પણ બહુ ગણકાર્યું નહિ.

શુક્રવાર શાળાનો છેલ્લો દિવસ. હ્યુસ્ટનમાં શિક્ષકો બધા ફરી મળીશુ કહી છુટા પડ્યા. ગુસ્તાવ પણ મેસેચુસેટ્સ દિકરીના ફેમેલી ગેધરીંગમા સરસ સુટ પહેરી પત્નિ ને દિકરાઓ સાથે પહોંચી ગયા. રાતે ને રાતે દિકરાએ ફેસબુક પર ફોટા પણ મુકી દીધા. સુખી પરિવાર દિકરી સહિત સહુના ચહેરા પર ચમકતી ખુશી. નસીબની બલિહારી, અડધી રાતે ગુસ્તાવના પગનો દુખાવો એટલો વધી ગયો કે એમને હોસ્પિટલ ભેગા કરવા પડ્યા. ડાયાબિટિશ થી પિડીત ગુસ્તાવ જોતજોતામાં કોમામાં સરી ગયા. પગે ગેંગેરીંગ થઈ ગયું, પગ કાપ્યો, થાય એટલા ઉપચાર કર્યા પણ ચાર દિવસમાં કોમાની અવસ્થામાં ગુસ્તાવે છેલ્લો શ્વાસ લીધો.

મંગળવારથી શરૂ થતી સમર સ્કુલ માટે જ્યારે નિરાલી અને બીજા શિક્ષકો સ્કુલે પહોંચ્યા ત્યારે ગુસ્તાવના મરણના સમાચાર મળ્યા. પત્નિ, દિકરી, અને બે દિકરા પિતાના શબને લઈ પાછા આવ્યા.

બસ! આ બનાવે નિરાલીને હચમચાવી મુકી. ક્ષણ બે ક્ષણના સમયમાં નદીમાં પડતા પુનિતના મનમાં શું થયું હશે? ગુસ્તાવને સ્વપ્ને પણ ખ્યાલ હશે કે પોતે પાછો હ્યુસ્ટન નહિ જાય?

એવું નથી કે આવું બનતુ નથી. હમેશ જ આવા બનાવો બનતા રહે છે, પણ ક્યારેય આપણે વિચારતા નથી. કંઈ કેટલીય વસ્તુ મનમાં ધરબાયેલી હોય છે. કેટલીય લાગણી, કોઈના તરફથી થતી ઉપેક્ષા, કોઈને વહાલના બે શબ્દ કહેવાની ઈચ્છા, જીવનભર સહેલી કોઈની જોહુકમી, પોતાનાનો પ્રેમ, અને પોતાનાનો જ તિરસ્કાર! સગાં, મિત્રો, કેટલાય સંબંધો આસપાસ વિંટળાયેલા હોય છે. ઘણીવાર વાત હોઠ સુધી પહોંચે પણ પ્રગટ ના થાય! કાલે જરૂર કરીશ ની રાહમાં કાલ કદાચ આવે જ નહિ! શું આમ જ જીવન પસાર થઈ જાય અને મનની વાત મનમા જ રહી જાય?

વાત કહેવાય નહિ પણ લખાય તો ખરી. મનમાં ઉપજેલો ગુસ્સો, પ્રેમ, નિરાધારપણુ, સહિષ્ણુતા, હતાશા, લાગણી કદાચ જીવતા જે ન કહી શક્યા તે આપણા ગયા પછી પણ લખાણ રૂપે કોઈના વાંચવામા તો આવે. આપણા ગયા પછી એ વાંચી કોઈનુ જીવન સુધરી પણ જાય અને ન સુધરે તો ય, આપણુ મન હલકું થઈ જાય!

બસ એ વિચારે નિરાલી એ ડાયરી ને પેન હાથમા લીધા.

(સત્ય ઘટના પર આધારિત)

શૈલા મુન્શા તા. ૦૬/૨૯/૨૦૧૫

June 22nd 2015

મલકતું મૌન!

thcti2tkmtgoing-down-slides1

મૌન ને પણ હોય છે ભાષા,સાંભળી છે કદી,

કશું કહેવાની ક્યાં જરૂર, અનુભવી છે કદી?

કીડીઓ ની ચાલતી હાર ને,નિહાળતુ બાળ

વાંચ્યુ છે કુતૂહલ આંખમાં એની કદી?

રોજ લસરવું લસરપટ્ટી પર, રોજ આનંદને ખુશી,

કલકલતું હાસ્ય, એ નિર્દોષતા માણી છે કદી?

આવે કોઈ યાદ પાંપણને કોર, ને થનગને હૈયુ,

મલકતા એ મૌન ની મોંઘેરી મિરાત જાણી છે કદી?

ખરબચડા હાથ વરસાવે વહાલ તમ શિરે,

શબ્દ બને મૌન, એ મમતા પામી છે કદી?

મૌનને પણ હોય છે ભાષા, સાંભળી છે કદી?

શૈલા મુન્શા તા. ૦૬/૧૭/૨૦૧૫

June 15th 2015

હાઈકુ

૧- અવહેલના
તારી હસી મા ઢાંક,
નજર કર

૨- સૂરજ સામે
ઊડાડી ધૂળ ભલે,
ઊજાશ સદા

૩- મન ઉદાસ
કરે પ્રતિક્ષા તારી,
આવીશ કદી?

૪- ચાંદની રાત
અમરત શી લાગે,
તારલા સંગ.

૫- હસુ, હસાવું
ભીતર ભરી ગમ,
ન રડું કદી

૬- શમણા મહીં
જોઈ નાર નવેલી,
યૌવન જાગે.

૭- કોઈ કહે ના
મુંઝવણ મન ની,
સમજી તો જો.

૮- મધ દરિયે
વહાણ તો ડુબે,
સુકાન વિના.

શૈલા મુન્શા.

June 15th 2015

હવે શું?

પિયુષ અને રૂપાનો સંસાર સુખથી ભર્યો ભર્યો. લગ્ન તો બન્નેના માતા પિતાની સંમતિ થી જ થયા હતા, પણ એક જ નાતના હોવાથી બન્ને એકબીજાને સારી રીતે ઓળખતા.

રૂપા નુ ભણવાનુ પત્યું અને મમ્મી એ નાતના જાણીતા ભણેલા મુરતિયાઓનુ લીસ્ટ રૂપાની સામે ધરી દીધું. દિકરીની મા જાણે દિકરીને જ જન્મ નથી આપતી, એના ભાવિ સંસારને પણ જન્મ આપે છે. પોતાના સંસાર સાથે કંઈ કેટલીય આશા અરમાનોના સુનહરા તાર દિકરીના ભાવિના પણ વણાતા જાય છે.

રૂપા નાનપણથી જ ખુબ શોખીન. હસતી રમતી ચંચળ હરણીની જેમ ઘરમા ફરી વળે. દાદાની સહુથી વધુ લાડકી. દાદા એનુ હુકમનુ પત્તું. કાંઈ જોઈતું હોય અને પપ્પા ના પાડે તો દાદા સમજાવી પટાવી પપ્પા પાસે મંજુરી અપાવી જ દે. રૂપા આમ તો ભણવામા હોશિયાર, પહેલો નંબર કદાચ ના આવે પણ ક્યારેય બીજા ત્રીજા નંબરથી પાછળ ના જાય. સ્કુલેથી આવે એટલે મમ્મીએ નાસ્તો અને દુધનો ગ્લાસ તૈયાર જ રાખ્યો હોય એ પતાવી સીધી દાદાના રૂમમા. દાદા જ એનુ સ્કુલનુ લેસન કરાવડાવે. બસ છ વાગતામા તો દાદાનો હાથ પકડી બાજુના બગીચામા રમવા પહોંચી જાય. દાદાને એમના સમવયસ્ક મળે અને રૂપાને એની સહેલીઓ.

વખત વિતતા ક્યાં વાર લાગે છે. રૂપા બાર વર્ષની થઈ અને દાદાનુ અવસાન થયું. દાદી તો રૂપાના જનમ પહેલા જ સ્વર્ગવાસી થઈ ગઈ હતી. રૂપાને દાદીનો કોઈ અહેસાસ નહોતો, પણ દાદાનુ અવસાન એને ખળભળાવી ગયું. જીવનમા જાણે શુન્યાવકાશ વ્યાપી ગયો. કંઈ કેટલાય દિવસ રૂપા સુનમુન થઈ પથારીમાં પડી રહી, સમય જાણે એને માટે સ્થગિત થઈ ગયો. રડી રડીને જાણે આંખમા આંસુ પણ સુકાઈ ગયા.

ધીરે ધીરે મમ્મી પપ્પાની પ્રેમભરી માવજતે રૂપા આઘાતમાં થી બહાર આવવા માંડી, એને હસતી રમતી કરવામાં શાળાના શિક્ષકો અને એની સહેલીઓનો પણ પુરો સાથ. જીંદગીની રફતાર સહજ ગતિએ આગળ વધવા માંડી.
સ્કૂલ અને પછી કોલેજ એમ જિંદગીના નવા આયામો સર કરતી રૂપા માટે એ દિવસ પણ આવી પહોંચ્યો જ્યારે રૂપા B.A. with Arts ની ડીગ્રી લઈ સ્નાતકની પદવી પામી ઘેર આવી.
યુવાની રુપાના અંગે પુરબહારમાં ખીલી હતી અને મમ્મી પપ્પા માટે રૂપા માટે યોગ્ય પતિ અને સંસ્કારી સાસરિયું શોધવાની માનસિક તૈયારી શરૂ થઈ ગઈ હતી.

મમ્મી એ ક્યારનુ ય જાણી લીધું હતું કે રૂપા એ કોઈ યુવાન જીવનસાથી તરીકે પસંદ નથી કર્યો એટલે જ નાતના જાણીતા ઘર જ્યાં રુપાને કોઈ દુઃખ નહિ પડે એવા માયાળુ ઘરના ભણેલા સંસ્કારી દિકરાઓની વાત રૂપા સાથે કરી અને બધાની સંમતિથી પિયુષની પસંદગી થઈ.
સારો દિવસ જોઈ રુપાના પપ્પાએ રુપા માટે પિયુષના હાથની માગણી કરી. બન્ને પરિવાર એકબીજાને મળ્યા, પિયુષને રુપા પહેલી નજરે જ ખૂબ ગમી ગઈ, બન્ને પરિવારોની સંમતિથી ગોળધાણા ખવાયા.
ધામધુમથી લગ્ન લેવાયા. રૂપા એકની એક દિકરી, મમ્મી પપ્પા એ કોઈ કસર ના રાખી. જાનૈયાઓનુ સ્વાગત, મહેંદીની રસમ, સંગીત સંધ્યા, મનભરીને પ્રસંગો ઉજવ્યા. હિંદુ જીમખાના ખાસ બે દિવસ માટે રીઝર્વ કરવામા આવ્યુ અને સામે લહેરાતા અરબી સમુદ્રના સાનિધ્યે અને ઝાકમઝાળ રોશનીની સાક્ષીએ રૂપા પિયુષની જીવનસંગિની બની.

તાજા ફુલોથી મઘમઘતી કાર મંડપના આંગણે આવી ઊભી. સહુને ભેટતી નયનોમાં આંસુને મનમા નવજીવનના ઉમંગે ઉલ્લાસતી રૂપા કારમાં બેઠી, મા એ પૈડું સિંચ્યુ અને ગાડી શુકનના વધામણા લેતી આગળ વધી. સહુ સ્વજનો રૂપાને હરખતા હૈયે અને છલકતા નયને પ્રેમભરી વિદાય આપવા આગળ વધ્યા.

મમ્મી પપ્પા એકબીજાનો હાથ હાથમાં લઈ કાળજાના કટકાને નજરથી ઓઝલ થતી જોઈ રહ્યા! હસતી રમતી હરિણી ઘરને પોતાના મધુર હાસ્યથી ભરી દેતી, ટહુકતી, ક્યારે મોટી થઈ ગઈ એની જાણે ખબર જ ના પડી. એકની એક દિકરીની આસપાસ જ વર્તુળના પરિઘ ની જેમ એમની ધરી ઘુમતી રહેતી. દિકરી પારકી થાપણ અને એક દિ’ પોતાના ઘરે જશે એ જાણતા હોવા છતાં જ્યારે એ પળ આવીને ઊભી રહી ત્યારે એમની જંદગી મા જાણે શુન્યાવકાશ છવાઈ ગયો!

વણ કહ્યો પ્રશ્ન એમની દર્દ ભરી આંખોમા ડોકાઈ રહ્યો, હવે શું?

શૈલા મુન્શા તા ૦૧/૨૮/૨૦૧૫

May 31st 2015

પ્રકોપ – વા વાયાને વાદળ ઉમટ્યાં

વા વાયાને વાદળ ઉમટ્યા, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઈ!
પણ વિફરે જો વાદળને કરે કડાકા તો કરીએ શું મારા ભાઈ?

ગગન ગોખલે ઉજાશ કરે જો વિજળી, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઈ!
પણ ત્રાટકે જો વિજળીને વન બળે લીલુડાં, તો કરીએ શું મારા ભાઈ?

રણની રેત જાણે લાગે મખમલી સેજ, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઈ!
ફુંકાય બની વંટોળ એ રેતને નગર બને કબર તો કરીએ શું મારા ભાઈ?

વરસાદી મોસમને નદીનો કિનારો, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઈ!
ધસમસતા વેગે વહેતી એ નદી ફેલાવે વિનાશ, તો કરીએ શું મારા ભાઈ?

ભલાઈનો બદલો મળે ભલાઈથી, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઈ!
કદી મળે ઉપકારનો બદલો અપમાનથી, તો કરીએ શુંમારા ભાઈ?

વા વાયાને વાદળ ઉમટ્યા, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઈ!
પણ વિફરે જો વાદળ તો કરીએ શું મારા ભાઈ, કરીએ શું મારા ભાઈ!!

શૈલા મુન્શા. તા ૦૫/૨૯/૨૦૧૫

May 31st 2015

જીવન કેરી કહાનીની નથી માંગ કોઈ,

જીવન કેરી કહાનીની નથી માંગ કોઈ,
ઘૂંટી ને વેદના ક્યાં નીકળે છે રાગ કોઈ!

વહી જાય છે જનમારો પ્રીત પામતા,
દિલ દહે તો ક્યાં નીકળે છે આગ કોઈ!

રીમીઝીમ મેઘ રીઝવતો ધીખતી ધરા,
રીઝવવા ઉદાસ મન ક્યાં છે રાહ કોઈ!

ઘૂઘવતો સમુંદર એ, બને સુનામી કદીક,
ભરેલો ભીતર લાવા ક્યાં બને છે આહ કોઈ!

આપવા જ ઊઠે છે હાથ બની આશિષ માતના,
કોઈ ચુકવે ના ચુકવે ઋણ, ક્યાં છે આશ કોઈ!

જીવન કેરી કહાનીની નથી માંગ કોઈ,
ઘૂંટી ને વેદના ક્યાં નીકળે છે રાગ કોઈ!

શૈલા મુન્શા. તા ૦૫/૨૧/૨૦૨૫
www.smunshaw.wordpress.com

« Previous PageNext Page »
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.