November 16th 2019

ખોવાયું બાળપણ!

ખોવાયું બાળપણ!!
ગિલ્લી દંડા ગયા ક્યાં ખોવાઈ?
ને ઉભો ખો તો ગયો સાવ બેસી,
લંગડી તો થઈ ગઈ સાવ લંગડી,
ને છુપન છુપાઈ તો બસ ગઈ છુપાઈ!
બાળપણ જે માણ્યું અમે, મિત્રોની સાથ,
ગાંઠ એ દોસ્તીની રહી મજબૂત આજ!
પડે નિશાળમાં રજા, ને જામતી મહેફિલ,
ક્યાં થાતા બપોરાં, ને કોને ત્યાં રાત?
મમ્મી ક્યાં રહેતી કોઈ એકની ક્યારેય,
જમવા ટાણે બેસતી મિત્રોની લંગાર,
બની ગયો એ જમાનો ઈતિહાસ આજે,
ઉન્નતિને પ્રગતિ કે વિજ્ઞાનની હરણફાળ!
ભુલાવી મિત્રો, આપે આઈપેડનો સાથ,
બધું આવડે, હો ગુગલનો જયજયકાર!
આ વોટ્સેપ ને ફેસબુક શું આવ્યું?
ને સમાયું ફોનમાં જ જગત આખું!
મેદાનમાં બોલ ઝીલતી આંગળીઓ,
હથેળીના નેટ પર દોડતી થઈ ગઈ!
વહેંચીને ખાવાની વાત ગઈ ભુલાઈ,
મારું ને મારામાં જ દુનિયા ગઈ સમાઈ!!

શૈલા મુન્શા તા ૧૧/૧૬/૨૦૧૯

September 30th 2019

દિવાલ

ધીરજરાય પાતળો બાંધો અને નિરોગી શરીર. બધા સાથે હસીને વાત કરે, બિલ્ડીંગમાં કોઈને મદદની જરૂર હોય તો ધીરજરાય સહુ પહેલા હાજર થઈ જાય. સ્વભાવના મોજીલા પણ પોતાની જાત માટે જ.લોકોમાં એમની છાપ મસ્તમૌલા માણસની. તક મળીને મુંબઈ થી સીધાં લંડન પહોંચી ગયા. ગરમી ઠંડી બરફની પરવા કર્યાં વગર સતત કામમાં મશગુલ. મુંબઈની જેમ લંડનમાં પણ ટ્રેનમાં કામે જતાં ઘણા મિત્રો બનાવી લીધા. સુરેખા એમની પત્નીના સાલસ સ્વભાવે એક મકાનને ઘર બનાવ્યું હતું.સંબંધોની સુવાસ ચારેતરફ ફેલાવી હતી, ફક્ત ધીરજરાયને એની કોઈ કિંમત નહોતી.
સુરેખાનો સ્વભાવ પહેલેથી નરમ. ચુપચાપ બાળકો ને ઘરની જવાબદારી ઉપાડી લીધી. બાળકો કયા ધોરણમાં ભણે, કેવું રીઝલ્ટ આવે એની ધીરજરાયને કોઈ ચિંતા નહોતી. હાથીના જાણે દેખાડવાના અને ચાવવાના દાંત જુદા હોય એમ ધીરજરાયનુ વ્યક્તિત્વ બહાર અને ઘરમાં સાવ જુદું.નામ પ્રમાણેનો એક ગુણ જાણે જોવા ના મળે ઘરના સભ્યોને.
બાળકોએ ફક્ત પપ્પાનો ગુસ્સો અને મમ્મી પર હુકમ ચલાવતાં જ હમેશા જોયા હતા. જમવાનુ જરા ઠંડુ થઈ ગયું તો થાળીનો છુટ્ટો ઘા થાય. સુરેખા કાંઈ કહેવા જાય તો ચીસાચીસ કરી સુરેખાને ડારી દે. બાળકો મોટા થતાં ગયા. મોટી દિકરીએ પોતાના મનગમતા છોકરાં સાથે કોર્ટ મેરેજ કરી લીધાં અને પોતાનો સંસાર વસાવી લીધો. મોટો દિકરો અમેરિકાથી આવેલ છોકરીનો છેડો પકડી અમેરિકા ભેગો થઈ ગયો. નાનો ફક્ત મા ના પ્રેમને કારણે પરણીને પણ મમ્મી પપ્પા સાથે રહ્યો, પણ બાપ દિકરા વચ્ચે બોલવાના સંબંધ નહિ.
સુરેખા નુ બોલવાનુ ઓછું થતું ગયું પણ મનમાં એક તિરસ્કારની ઈંટ પથ્થર વગરની દિવાલ ચણાતી ગઈ અને એનુ ભારણ એટલું વધી ગયું કે સુરેખાને એટેક આવ્યો. તાત્કાલિક સારવારને લીધે જીવ તો બચી ગયો પણ શરીરમાં નબળાઈ આવી ગઈ. છાતીમાં કાયમ દુખાવોને બેચેની રહે. ડોક્ટરોને કેટલીવાર બતાવ્યું પણ માનસિક તકલીફ સિવાય કાંઇ નથી એવો જ જવાબ ડોક્ટરો પાસે થી મળતો. આવી સ્થિતીમાં પણ ધીરજરાયના સ્વભાવમાં કે જોહુકમીમાં કોઈ ફરક નહિ.
અચાનક સ્વસ્થ નિરોગી એવા ધીરજરાયનુ ઊંઘમાં જ અવસાન થયું
સુરેખા શાક સમારતાં સમારતાં સામેની દિવાલ પરના કરોળિયાના જાળાંને જોઈ રહી હતી. તાંતણો તાંતણો ખેંચીને જાળું બનાવ્યું હતું. કેટલું સફાઈદાર કામ. સુરેખાએ પણ એમ જ પાઈ પૈસો ભેગો કરી એક મકાનને ઘર બનાવ્યું હતું, પણ એ ઘરમાં સંબંધોની સુવાસ નહોતી.
આજે એ ઈંટ પથ્થર વગરની દિવાલ જમીનદોસ્ત થઈ ગઈ હતી અને સુરેખા દુખાવો બેચેની ક્યાંય ગાયબ થઈ ગયા હતા.
રહળવી ફુલ સુરેખા મુકત મને ગણગણી રહી!
“पंछी बनु उडती फिरूं मस्त गगनमें,
आज मैं आझाद हूं दुनियाकी चमनमें”

શૈલા મુન્શા તા. ૯/૩૦/૨૦૧૯

September 16th 2019

વિસરાઈ જાય છે!!

જિંદગાનીની કહાની વિખરાઈ જાય છે,
તે છતાં યાદો કદી ક્યાં વિસરાઈ જાય છે!

ફૂલ લાવી ગોઠવો મોંઘા, સજાવો કેટલા,
આંગણાની ફૂલવારી કાં ભુલાઈ જાય છે?

વાદળોની પાર મોતી તારલાંઓ ટમટમે,
હેત તોય, ચંદ્રમાં પર ઊભરાઈ જાય છે!!

લાખ સંતાડે કપટથી માનવી જ્યાં પાપને,
જાત માણસની સદાએ ઓળખાઈ જાય છે!

હાથ આવે ના કદી બાજી, જે હારી દાવમાં,
તોય આશા જીતવાની, શું રખાઈ જાય છે!!

બિરદાવે ખૂદને, સમજી કુશળ ને હોંશિલો,
પણ વખત આવે, હમેશા ભોળવાઈ જાય છે!

જિંદગીને મોત ક્યાં બંધાય છે મુઠ્ઠી મહીં,
જે પળે જે થાય, એવું જીરવાઈ જાય છે!

શૈલા મુન્શા તા. ૦૯/૧૫/૨૦૧૯

September 14th 2019

કાગડા એ ખાધી ખીર!

કાગડા એ ખાધી ખીર, સહુએ કર્યાં યાદ પૂર્વજોને,
વિચારે કાગડો કેમ કરૂં યાદ હું ખુદના પૂર્વજોને?

થાય પ્રશ્ન ખાઉં કેટલી ખીર આજ?
અપાવવા મોક્ષ સહુ પિતૃઓ કાજ?

કરી ના સેવા, કર્યાં ના ઓરતા પૂરા,
માતપિતાના આવ્યાં દિવસો બુરા;

જે જીવતાં ના પામ્યાં ખીર પુરી,
થાશે ઈચ્છા એ સંતાનોની કદી પુરી?

વાવો તેવું લણો અને કરો તેવું પામો,
વારા પછી વારો અને મારા પછી તારો.

કરી એક દિવસ પૂજા પ્રભુનીને પુણ્ય મળી જાય,
શું બાકીના દિવસોએ પાપ કરવાની પાવતી મળી જાય?

આપો સંસ્કાર બાળકોને, કરે આદર વડીલોનો,
તો રોજ થાય પિતૃતર્પણને રોજ ખીર પુરીનું જમણ.

શૈલા મુન્શા તા. ૨/૧૧/૨૦૨૫
www.smunshaw.wordpress.com

July 29th 2019

હાઈકુ

૧- આપ્યા વરસો,
ભરી ઝોળી સહુની
નિજ ની ખાલી.

૨- આપી તે પાંખ
ઊડવાને ગગન,
મૂળ તો ઊંડા.

૩- મા ની પાંપણે
નીતરે વરસાદ,
આશિષ રૂપે.

૪-ગુરૂ વંદના
જગાડે આશ દિલે,
વિદ્યા તો ફળી.

૫- ઝુરતી ગોપી
ગોકુળ ને મારગ,
ક્યાં છે કહાન?

૬- મિચાઈ આંખો,
જીંદગી આખી પ્રશ્ન!
મોત પછી શું?

શૈલા મુન્શા

May 19th 2019

અમીદ્રષ્ટિ!!!

વિસ્તરતી ક્ષિતિજોને બાહોંમાં લઉં ભરી,
ને લઉં આભલાને ખોબામાં સમાવી
ધગધગતા આ લાવાને, પળમાં દઉં ઠારી!
કોઈ જાદુઈ કડી બસ જાય મળી!!

ભીની માટીની ખુશ્બૂ, પહેલા વરસાદની,
જ્યાં ખુશ્બૂ મંજરીની વાયરે વસંતની,
ને ચિતારો દોરતો છબી માસુમિયતની,
મહેકતી, જાદુઈ છડી બસ જાય મળી!!

અસ્તિત્વ મિટાવી સરિતા જ્યાં ભળતી,
સમંદરના એ મોજાની રવાનગી,
ક્ષણભંગુર સપન સા જાતા ફંગોળાઈ,
રોકવા જાદુઈ જલપરી બસ જાય મળી!!

બની બાળકીને ખોવાઉં ખ્વાબોની નગરી,
ના ખુલે નિદ્રા અમીદ્રષ્ટિ, બસ જાય મળી!!

શૈલા મુન્શા તા ૦૫/૧૯/૨૦૧૯

May 18th 2019

કોઈ રાહ બની, તો કોઈ રાઝ બની ધબકે છે.
સમજો તો જીવન મહીં સહુ આશ બની ધબકે છે.

કોઈ નિરાધાર, તો બને વળી કોઇ આધાર,
કોણ જાણે કોણ કોની હામ બની ધબકે છે.

ભભૂકતો જ્વાળામુખી ભીતર, ને સપાટી સમતલ,
ઠારવા અગન, કોણ અમીધાર બની ધબકે છે.

વહેરાય કરવતે વૃક્ષ, ને વહોરાય શબદે માનવી!
ચીરીને છાતી ધરાની કોણ કુમાશ બની ધબકે છે.

માનો તો સંગીત નહિતર કોલાહલ આ જીવન,
જમનાને તીર કોણ બંસરીના નાદ બની ધબકે છે.

પામર થી પરમ તત્વને પામવા ઝુઝે માનવી!
ક્યાંક, જીવ મહીં ઈશ વિશ્વાસ બની ધબકે છે.

શૈલા મુન્શા. તા ૦૬/૨૭/૨૦૧૧.

May 4th 2019

વેરાઈ ગયા !!

ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા વેરાઈ જોવાઈ રેલાઈ ભીંજાઈ ભૂલાઈ સંતાઈ રોકાઈ દેખાઈ

ગૂંજતી રૈ બાંસુરીને સૂર વેરાઈ ગયા.
થાપ તબલાંની પડી પણ નાદ રૂંધાઈ ગયા!

ફૂટતી જ્યાં એક કૂંપળ ભેદતી પાષાણ એ,
બીજ પાંગરતા વિકસતા છોડ કરમાઈ ગયા!

અડગ રહ્યા જે કુમળા છોડ ઝીલી રવિકિરણો,
મૃદુ સ્પર્શે એ પાન લજામણીના બિડાઈ ગયા!

ભલે ના જોયું પાછા વળી ગોકુળ કદી કૃષ્ણે,
બંસરીના એ સૂર રાધાને હૈયે રેલાઈ રહ્યા!

કવચને કુંડળ દઈ દાનમાં, કર્ણ બન્યો મહાદાની,
જોઈ ગુરૂદક્ષિણા એકલવ્યની, હૈયા ભીંજાઈ ગયા!

ગૂંજતી રૈ બાંસુરીને સૂર વેરાઈ ગયા.
થાપ તબલાંની પડી પણ નાદ રૂંધાઈ ગયા!

શૈલા મુન્શા તા.૦૫/૦૪/૨૦૧૯

May 2nd 2019

મૃત્યુનો મહોત્સવ

એક સદીનુ જીવન કેવું અલૌકિક!
ને મરણ તો જાણે મહોત્સવ.
ભર્યું ભાદર્યું કુટુંબ સહુ વિશાળ,
વિંટળાઈ વટવૃક્ષને જાણે વડવાઈ!
દાદા, દાદીની આ ફુલવાડી
ફેલાવી રહી સંબંધોની સુવાસ!
દાદા તો અમારા જીવ્યા બનીને,
કર્મઠ ગાંધીધારી ને ખાદીધારી,
મિતભાષી, ને મંદ એ મુસ્કાન.
જયશ્રી કૃષ્ણ નો સહુને આવકાર.
દિકરા, વહુ,પૌત્ર, પૌત્રી પ્રપૌત્ર,પ્રપૌત્રી,
ચાર ચાર પેઢી પર વરસે આશીર્વાદ.
કેવું અનુપમ સૌભાગ્ય કે,
ઘડી અંતિમ ને સહુ આસપાસ.
ઘરના મોભી તો ગયા માણવા,
મહોત્સવ શ્રીજી સંગ, ને!
આપતા ગયા એ જ શીખ,
મરણને માનો મહોત્સવ
તો જીંદગી રોજ ઉત્સવ.

પરમ પૂજ્ય કાંતિદાદાને શ્રધ્ધાંજલિ
જન્મ-ઓક્ટોબર-૬-૨૦૧૮
મરણ-એપ્રીલ-૩૦-૨૦૧૯

(મારી બેન પારૂલ અને બનેવી જસુના પિતાને શ્રધ્ધાંજલિ)

શૈલા મુન્શા તા૦૫/૦૫/૨૦૧૯

April 27th 2019

છલકાય છે !

લાગણીના તાંતણા જ્યાં જોડાય છે,
સંબંધોમાં ત્યાં જ તો સુવાસ ઉમેરાય છે.
હો પાસ કે દુર, કરી ક્યાં પરવા કદી!
યાદોના મણકા, તો માળામાં પરોવાય છે.
જિંદગીની રમત કેવી હશે એ કોણ જાણે?
દુઃખની ઘડીમા, સદા દોસ્તી પરખાય છે!
વિજ્ઞાનની હરણફાળ તો આંબે અવકાશને,
અંધશ્રધ્ધાના હવનકુંડે, માસુમિયત વધેરાય છે! ,
છે ઘણી હિંમત, કરી લઉં સામનો વિષમતાનો,
બસ, જખમ દિલના ક્યાં બધાને કહેવાય છે?
મળે જો રાહબર સાચો, બતાવે રાહ જીવવાનો!
હર પળ બની ખુશીનો, સાગર છલકાય છે.

શૈલા મુન્શા તા ૦૪/૨૭/૨૦૧૯

« Previous Page — Next Page »
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.