સંભારણું – ૧૦ – અનોખો થરથરાતો અનુભવ!!


શુક્રવાર ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૧, એ દિવસ મારા જીવનનો એવો અનુભવ જે ક્યારેય નહિ ભૂલાય. એક અઠવાડિયું પસાર થઈ ગયું; મારી જિંદગીનો એ ડરાવનાર, રોમાંચકારી અનુભવ રહ્યો.
સામાન્ય રીતે અમેરિકાનું ટેક્ષ્સાસ સ્ટેટ હરિકેન અને ટોર્નાડો માટે પ્રખ્યાત છે. જૂન મહિનો આવે ત્યારથી વેધશાળા આવનારા હરિકેનની સૂચના અને જાણકારી આપવા માંડે, સાવચેતીનાં પગલાં લેવાનું લાંબુ લીસ્ટ આવી જાય.
૨૦૧૭માં હ્યુસ્ટને એવું વિનાશકારી હરિકેન હાર્વી અનુભવ્યું જેમાં પાંચ દિવસ સુધી વરસાદની અનરાધાર હેલી, અને ડેમના દરવાજા અણધાર્યાં ખોલવાથી હજારો લોકોના ઘર પાણીમાં ડુબી ગયા. જ્યાં ક્યારેય પાણીના ભરાય એવા શ્રીમંતોના ઘર જળબંબાકાર થઈ ગયા. એમાંથી બહાર આવતા લોકોને વરસ થઈ ગયું.
એ પછી જે આફત આવી એ અમારા માટે કદી ન અનુભવેલી આફત હતી.
વેધશાળાએ આવનારા Winter storm ની ચેતવણી આપી જ હતી. સ્કૂલમાં બધા Winter storm આવવાની વાતો કરતાં હતા. અગમચેતી વાપરી સ્કૂલમાં સોમ, મંગળ બે દિવસની રજા જાહેર કરી દીધી હતી. સ્કૂલમાંથી નીકળતા સહુ એકબીજાને ધ્યાન રાખવાનું, જરૂરી ગ્રોસરી વગેરે ભરી લેવાની સલાહ આપતાં છૂટા પડ્યાં.
શનિવારથી થોડી થોડીવારે નજર ટીવીના સમાચાર પર જતી. રવિવારે માનસિક તૈયારી સાથે સુતા પહેલાં બાથરુમ, રસોડાનાં બધા નળમાં ધીમુ પાણી ચાલું રાખ્યું, બહારની પાઈપ લાઈન પર જાડો ટુવાલ લપેટી દીધો. અડધી રાતથી સ્નો ચાલુ થશે એ વેધશાળાની ખબર હતી.
ભગવાનને સહુની રક્ષા કરવાની પ્રાર્થના સાથે પથારીમાં લંબાવ્યું.
મધરાતે લાઈટ ગઈ અને ઉષ્ણતામાનનો પારો ૦ ડીગ્રીથી નીચે સરકવા માંડ્યો. સવારે આંખ ખોલી બારી બહાર નજર કરી, સફેદીની ચાદર સર્વત્ર પથરાઈ ચુકી હતી. મન આનંદવિભોર થઈ ગયું. અમારા માટે તો આ નજારો અપ્રાપ્ય હતો. કુદરતનું આ અનુપમ રૂપ થોડીવાર તો મનભરીને માણ્યું, પણ તરત વાસ્તવિકતાની ધરતી પર આવી ગયા.
ઊઠીને ચા, દેવતાની આરાધના કર્યા વગર પ્રાતઃક્રિયા શરુ ના થાય અને ઘરમાં ઈલેક્ટ્રીક સ્ટવ એટલે કશું જ રાંધી ના શકાય. હમણા લાઈટ આવશે, હમણા લાઈટ આવશે કરતાં બપોર થઈ. ફ્રીઝરમાંથી ગળી ચટણી, તીખી ચટણી બધું કાઢી રાખ્યું હતું એટલે ભેળપુરીનું જમણ કરી “પરિક્રમા” નરેંદ્રભાઈ ફણસેનું અદ્ભૂત પુસ્તક ફરી વાંચવા હાથમાં લીધું. ફોનની બેટરી ખતમ થવા આવી એટલે માંડ સંદેશાની આપ લે કરવા થોડીવાર ચાલુ કરી પાછા બંધ કરતા દિવસ વિતાવ્યો. ગાડીમાં જઈ ફોન થોડો ચાર્જ કરી લીધો.
મારી બહેન અને મિત્રો જેનો સંપર્ક કર્યો, મોટા ભાગના મિત્રોની હાલત અમારા જેવી હતી. કોઈ ભાગ્યશાળીને ત્યાં લાઈટ હતી તો પાણી બંધ થઈ ગયું હતું.
સોમવાર રાતે લગભગ ૨.૦૦ વાગે લાઈટ આવી. થોડી હાશ થઈ અને લાગ્યું કે હવે વાંધો નહિ આવે. સવારે ઊઠી હજી તો માંડ ચા કોફી કર્યાં ત્યાં તો વીજળી પાછી વેરણ થઈ. એ દિવસે ભોજનમાં પાણીપુરીની જ્યાફત!!
વાદળછાયા દિવસમાં અંધારું વહેલું થાય અને લાઈટ વગર મીણબત્તીના આશરે કપડાં પર કપડાં પહેરી, માથે ગરમ ટોપી, હાથે પગે મોજા અને ઉપરથી શાલ વીંટી ઠંડીને મ્હાત આપવાની કોશિશ કરતાં રહ્યાં. પેટીપેક ઘરમાં પણ ઠંડીના સૂસવાટા છેક શરીરના હાડમાં પેસી થથરાવી દેતા હતાં
પહેલીવાર ખ્યાલ આવ્યો જ્યાં વરસના ચાર પાંચ મહિના આવી જ મોસમ રહે છે ત્યાં લોકો કેમ જીવતાં હશે???
ખૂબીની વાત એ છે કે મારી સખી મીના જે શિકાગો રહે છે એ ત્યારે જ અમને એના ઘર બહારના બરફના ઢગલાના ફોટા મોકલી રહી હતી અને કેટલા આનંદથી આ મોસમ માણી રહ્યાની વાત કરતી હતી.
મંગળવાર દિવસ અને રાત વીજળી વેરણ જ રહી. સ્કૂલમાંથી સમાચાર આવી ગયા કે શુક્રવાર સુધી રજા લંબાવામાં આવી છે. લાઈટ વગર ઈન્ટરનેટ વગર બાળકોને ઘરેથી પણ ક્યાં ભણાવી શકાય એમ હતું.
બુધવાર સવારે થોડો તડકો નીકળ્યો, રસ્તાનો બરફ સાફ થઈ ગયો એટલે વિચાર્યું ચાલો પાસે જ શિપ્લે ડોનટની દુકાન છે તો ત્યાં જઈ ગરમ કોફીને ડોનટ લઈ આવીએ. ત્યાં પહોંચ્યા તો મસમોટી લાઈન!!! દરવાજા બહાર પણ વીસ પચીસ જણ ઠુંઠવાતા ઊભા હતા, શું કરવું!! જો લાઈનમાં ઊભા રહીએ તો અમારી જ freezing rain માં કુલ્ફી થઈ જાય એવું હતું.
સંકટ સમયની સાંકળ જેવા અમારા મિત્ર ચારુબહેન અને નીતિનભાઈ યાદ આવ્યા. એમને ત્યાં લાઈટ હતી અને એમના ફોન બે ત્રણ વાર આવી ગયા હતાં કે અમારે ત્યાં આવી જાવ. જ્યાં સુધી રસ્તાનો બરફ પીગળ્યો નહોતો ત્યાં સુધી ગાડી ચલાવવી બહુ જોખમી હતી, પણ એ દિવસે વાંધો આવે એમ નહોતું. તેઓ અમારા ઘરથી ચાર પાંચ માઈલ દુર હતા. હિંમત કરી એમના ઘરે પહોંચી ગયા.
ગરમ ગરમ ચા સાથે ગરમ નાસ્તો, જાણે ભગવાન મળ્યા એવો આનંદ થયો. અકરાંતિયાની જેમ ચા નાસ્તા પર તૂટી પડ્યા. એમણે તો રોકાઈ જવાનો, જમીને જવાનો ખૂબ આગ્રહ કર્યો, પણ આ ભયંકર ઠંડીમાં ઘણા અમારા મિત્રોના ઘરમાં પાણીની પાઈપ ફાટવાથી ભારે નુકસાન થયું હતું એટલે ઘર છોડીને ક્યાંય જવાની હિંમત નહોતી. અમારી બાજુમાં જ વૃધ્ધ ભાઈ એકલા રહે છે, એ એમના મિત્રના ઘરે રહેવા ગયા હતાં અને ગુરૂવારે જ્યારે પાછા અવ્યાં ત્યારે એમના એટિકમાં પાઈપ ફાટી હતી અને બાથરુમની શીલીંગ તુટી ઘરમાં બરફના ચોસલાં પડ્યાં હતાં.
બુધવારે મિત્રના ઘરે ચાનાસ્તો કરી અને જમવાનું ટીફીન લઈ ઘરે આવ્યાં. રાતે બાર વાગે વીજળીદેવી પ્રસન્ન થયાં, જીવમાં જીવ આવ્યો. ગુરુવારે ચાર દિવસે અને લગભગ ૩૬ કલાક લાઈટ વગર રહ્યાં પછી ઘરે ગરમ ગરમ ખિચડી, કઢી, પાપડ, શાક ખાઈ સંતોષનો ઓડકાર લીધો.
હજી એક રાત કાઢવાની બાકી હતી, ગુરુવારની રાતે પાછું તાપમાન ઝીરો ડીગ્રીથી પણ નીચે જવાનુ હતું. અમારા સબડીવીઝનમાં બે ત્રણ ઘરમાં પાઈપ ફાટવાથી થયેલ ભયંકર નુકસાનની વાતો સાંભળી રાતે ઊંઘ ક્યાંથી આવે???
ભારતમાં જ્યારે હતાં ત્યારે વીજળીનો કાપ, પાણીનો કાપ એ બધું સહજ હતું, પણ અમેરિકા જેવા આધુનિક દેશમાં લાખો લોકો વીજળી અને પાણી વગર ત્રણ ત્રણ દિવસ કાઢે એ માનવામાં આવે એવું નહોતું.
કુદરત જ્યારે એનો પરચો બતાડે ત્યારે શું ભારત કે શું અમેરિકા??
શુક્રવાર આવી ગયો. એક અઠવાડિયું એક નવા કદી ના થયેલા રોમાંચકારી, થરથરતાં અનુભવે પસાર થઈ ગયું.
ઈશ્વરને પ્રાર્થના આવી ઘડી ફરીના આવે. સહુની પ્રાર્થના, દુઆએ અમને હેમખેમ રાખ્યાં.
સર્વ આપ્તજનોનો આભાર માનીએ એટલો ઓછો!!
જીવનનો આ અનુભવ આ સંભારણું કદી ભુલાય એમ નથી.
અસ્તુ,
શૈલા મુન્શા. ફેબ્રુઆરી ૧૯/૨૦૨૧
www.smunshaw.wordpress.com