October 9th 2021

સંભારણું -૪-હરિ હળવે હંકારો

હરિ હળવે હળવે હંકારો મારું ગાડું ભરેલ ભારે,
મેં તો લગામ દીધી હાથ હરિને પ્રભુ ચાહે તો પાર ઉતારો”

વર્ષો જૂનું આ ભજન જે ક્યારેય જૂનું તો થયું જ નથી, ભલે આજે રોકેટ યુગ આવી ગયો. હમણાં આ ભજન એક મિત્રની પ્રથમ પુણયતિથિની ભજન સંધ્યામાં સાંભળ્યું અને મનમાં વિચારોના ઘોડા દોડવા માંડ્યા. કેટલી આરત ભરી છે આ ભજનમાં! બાળક જન્મે ત્યારે તો આ ગાડું સાવ ખાલી જ હોય છે વર્ષો પસાર થતાં થતાંમાં તો પાપ પુણ્યના કેટલાય પોટલાં ભરાતા જાય છે.
આ સાથે હમણા વોટ્સેપ પર મળેલો એક સંદેશ પણ મજાનો છે અને અર્થસભર પણ!!
જન્મ અને મરણ પર વહેંચાતી મીઠાઈ જેના નામે વહેંચાય છે એ ભલા ક્યાં એ ખાઈ શકે છે, છતાં એ ભ્રમમાં કે બધું મારું જ છે અને મેં જ બધું પ્રાપ્ત કર્યું છે એ ભાર માથે લઈ માનવી સતત જીવતો હોય છે.

“જન્મ થવા પર વહેંચાતી મીઠાઈ થી
શરુ થતી આ જિંદગીની રમત
શ્રાદ્ધના દૂધપાક પર
આવીને પુરી થાય છે.
બસ….
આજ તો જીવનની મીઠાશ છે,
દુર્ભાગ્ય તો એ છે કે
માણસ આ બન્ને વખતની બન્ને મીઠાઈ
પોતે ખાઈ નથી શકતો
છતાં પણ
બધું મારુ જ છે
ના ભ્રમમાં જિંદગી જીવે છે”

આજે આ સ્મરણોના પટારામાં કોઈ એવો મણકો શોધી રહી છું જે વ્યક્તિની સારપ અને કોઈના અહંકારના પોટલાં ખોલે.
વર્ષો પહેલાં અમારા પાડોશમાં એક મા દિકરો રહેતાં હતાં, એકનો એક દિકરો અને પિતાની છત્રછાયા નાનપણમાં ગુમાવી એટલે સહજ રીતે તે માતાની વધુ નિકટ હોય. સંસ્કારી ઘરની દીકરી પુત્રવધૂ બની ઘરમાં આવી. થોડા દિવસ તો નવી આવેલી પુત્રવધૂને ઘરના રીતરિવાજથી માહિતગાર થતાં લાગ્યાં. ધીરે ધીરે સાસુની દખલગીરી દરેક વાતમાં દેખાવા માંડી, એકનો એક દીકરો છે, મમ્મીએ જ મોટો કર્યો છે એમ સમજી નીનાએ બને એટલો સહકાર આપવા માંડ્યો. એક વર્ષ પછી દીકરીનો જન્મ થયો અને સાસુનો ગુસ્સો બન્ને પર વરસવા માંડ્યો, નવજાત બાળકીને વહાલ કરવાને બદલે સાસુનુ એ બ્રહ્મવાક્ય બની ગયું કે”પથરો જણ્યો” નીનાએ પોતાના માવતરની વગોવણી ના થાય એ માટે સહન કર્યે રાખ્યું. પાડોશીના નાતે નીના કોઈકવાર અમારા ઘરે આવતી, પણ પાછળ જ એની સાસુ આવી જ સમજો, જાણે નીના કોઈ વાત અમને કરી દેવાની હોય!!
આવી તકલીફો વચ્ચે નીનાને ફરી દિવસ રહ્યાં. પ્રસુતિ માટે નીનાને પિયર મોકલતાં સાસુએ ચોખ્ખું ફરમાન કર્યું કે જો દીકરી જન્મે તો પાછા આવવાની કોઈ જરુર નથી. ફરી દીકરીનો જન્મ થયો. માવડિયા પતિએ ફોન સુધ્ધાં ના કર્યો. અંતે માતા પિતાની સમજાવટે નીનાએ છૂટાછેડા લેવાનુ નક્કી કર્યું. પોતે ભણેલી હતી અને બન્ને દીકરીઓની સંભાળ લઈ શકે એમ હતી.
વર્ષો સ્વાભિમાનથી એકલા રહી નોકરી કરી નીનાએ દીકરીઓને એન્જિનિયર બનાવી, વધુ અભ્યાસ માટે લંડન મોકલી. એણે લગામ પ્રભુને હાથ સોંપવાને બદલે, પોતાની દુઃખી અવસ્થા પર આંસૂ વહેવડાવવાને બદલે હિંમતભેર પરિસ્થિતિનો સામનો કર્યો. અજે જ્યારે નીનાની દીકરીઓને સ્વમાનભેર જીવતાં, વિદેશની ધરતી પર નામ રોશન કરતાં જોઉં છું, ફેસબુક પર સ્વતંત્ર રીતે દેશદેશાવર ફ્રરવાના ફોટા જોઉં છું તો હૈયું હરખથી છલકાઈ ઊઠે છે. બાજુમાં રહેતાં મનોજની માતા તો અવસાન પામી, પણ એની જિંદગી અત્યારે જે કારમી હાલતમાં પસાર થઈ રહી છે તે પણ જોઈ રહી છું. ડાયાબીટીશ, હાર્ટની તકલીફ અને એકલવાયું જીવન!!
જનમ સાથે જોડાયેલું ખાલી ગાડું કેટકેટલા પોટલાં, અભિમાન, અહંકાર માલિકીભાવ સત્તા, રુઆબથી ક્યારે ભરાતાં જાય છે એ સમજ આવતાં આવતાં અંત પાસે આવી જાય છે!!
વહિદા રહેમાન, જયાભાદુરી, ધર્મેંદ્રની ફિલ્મ “ફાગુન” યાદ આવી ગઈ. એની કથા પણ કાંઈ આવી જ છે, અને અંતમાં “તીસરી કસમ” ફિલ્મના ગીતના બોલ યાદ આવી ગયા.
“दुनिया बनानेवाले
क्या तेरे मनमें समाई
काहे को दुनिया बनाई
तूने काहेको दुनिया बनाई
मीत मिलाके तूने सपने जगाए
सपने जगाके तूने
काहे को दे दी जुदाई
तूने काहे को दुनिया बनाई!!!

આ વિચાર સાથે હરિને પ્રાર્થના, જીવનરુપી આ ગાડું ઘણા સદગુણ, દુર્ગુણોથી ભરેલું છે, મુકામ સુધી પહોંચતા ક્યાંક વધુ ઠોકર ના વાગે એ સંભાળજો, હરિ હળવે હળવે હંકારજો!!!!
ડાયરીના પાના આવા જ સંભારણાથી તો ભરાતાં જાય છે…….

શૈલા મુન્શા તા. ૦૨/૧૦/૨૦૨૧
www.shailamunshaw.gujaratisahitysarita.

December 26th 2025

આવકાર ૨૦૨૬નો

વિદાય ભલેને હો અઘરી,
પણ યાદોની પેટી છે ભરેલી.

સમય ભલેને થાતો પસાર,
પણ નવીનતાનો છે આસાર.

વિત્યું વરસ ભલેને ચકડોળ જેવું,
સુખ દુઃખ, આશા નિરાશાથી ભરેલું;

હો સત્તા પલટો કે કુદરતનો કેર,
જીતે માનવતા ભુલીને વેરઝેર.

અંત ભલેને થાય ૨૦૨૫નું,
પણ સ્વાગત છે દિલથી ૨૦૨૬નું.

નવ વર્ષ લાવે નવજીવનની આશ,
હો સુખ શાંતિને સમૃધ્ધિ ચોપાસ;
હો સુખ શાંતિને સમૃધ્ધિ ચોપાસ.

શૈલા મુન્શા તા.૨૬/૧૨/૨૦૨૫
www.smunshaw.wordpress.com

December 7th 2025

સપના જો વેચાય તો!

સપના જો વેચાય તો લઉં ખરીદી,
પણ જિંદગી ક્યાં ખરીદાય છે!

સુધારાય જો ભૂલ તો લઉં સુધારી,
પણ માફી ક્યાં મંગાય છે!

બાળપણ મળે પાછું, તો લઉં બચાવી;
પણ બુઢાપો ક્યાં રોકાય છે!

મળે જો તક તો માસુમિયત લઉં સાચવી,
પણ હેવાનિયત ક્યાં અટકાવાય છે!

મોત જો રોકાય તો લઉં રોકી,
ક્ષણ ક્યાં એક આઘીપાછી થાય છે!

મનની મુરાદ જો ફળે તો માંગુ ઈશ્વરી શક્તિ,
માણસાઈ ભરી દુનિયા બનાવી લઉં!

સપના જો વેચાય તો લઉં ખરીદી,
પણ જિંદગી ક્યાં ખરીદાય છે!

શૈલા મુન્શા. તા.૭/૧૨/૨૫
www.smunshaw.wordpress.com

November 23rd 2025

સંભારણું – સરોજબેન ૯ – સપ્ટેમ્બર ૧૯૭૨

શ્રાવણ મહિનો આવે અને ભારતમાં તહેવારોની મોસમ શરુ થઈ જાય. ભારતમાં આમ તો બારેમાસ કોઈને કોઈ તહેવાર ઉજવાતા હોય છે. અનેકતામાં એકતા અને સર્વધર્મ સમભાવનાના આપણા દેશમાં તહેવારોની ક્યાં ઓછપ હોય છે!
હમણા ગણેશોત્સવના તહેવારની ખૂબ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. પરંપરાગત ઘરમાં અને સાર્વજનિક રુપે આ તહેવાર ઉજવાય છે. શ્રી લોકમાન્ય ટિળકે પરતંત્ર ભારતની જનતામાં જોશ અને દેશભાવના જાગૃત કરવા આ તહેવારની શુભ શરૂઆત કરી હતી અને આજે ફક્ત ભારતમાં જ નહિ, દુનિયાભરમાં ખૂબ ઉત્સાહપૂર્વક બાપ્પાની પધરામણી અને વિસર્જન થાય છે.
તહેવારો સાથે મારા અંગત સંબંધો અને લાગણી જોડાયેલા છે.સામાન્યતઃ કદાચ બધાને અમુક તહેવાર પ્રતિ વિશેષ લાગણી કે લગાવ હોઈ શકે!!
જ્યારે પણ ગણેશોત્સવનો તહેવાર આવે છે, મારું મન અચૂક સ્મરણોના એ મુકામ પર પહોંચી જાય છે જે મારા જીવનની વસમી વાસ્તવિકતા, દર્દને ઝંઝોડી દે છે!!
૧૯૭૨ ભાદરવા સુદ બીજ! એ કાળ ચોઘડિયે અમે ભાઈ બહેનોએ અમારી માતાને અકસ્માતમાં ગુમાવી. એ કારમી પળ એ યાતના મારા જીવન સાથે સતત વણાયેલી છે જેને હું એક પળ પણ વીસરી શકતી નથી. પિતા તો અમે પહેલા જ ગુમાવ્યા હતા અને આ બીજો કારમો વજ્રાઘાત!! મારી સાથે નાની બહેન અને સાવ નાનકડો ભાઈ જેને સમજ પણ નહોતી કે શું થઈ રહ્યું છે?
મારું આ સંભારણું ફક્ત દુઃખદ યાદોનુ જ નથી, પણ એ દુઃખમાં જે સહારો મળ્યો એ સ્મરણનોને મોગરાના ફુલની જેમ મઘમઘતા રાખવાનો છે. નાના, નાનીએ તો અમને સંભાળી જ લીધાં, પણ મારી બાળપણની સખી નયના અને એનો પરિવાર જે મને એમની ત્રીજી દીકરી જ ગણતા એની બહુ મોટી ઓથ મળી.
બે દિવસ પછી ભાદરવા સુદ ચોથ. ગણપતિ બાપ્પાની પધરામણીનો દિવસ. નયનાને ત્યાં વર્ષોથી બાપ્પાની પધરામણી થાય અને હું અને મારો પરિવાર એ ઉત્સવનો અવિભાજ્ય અંગ હોઈએ.
મને બરાબર યાદ છે ૧૯૭૨નો એ દિવસ!! મમ્મીના અવસાનને બે દિવસ થયા હતા, મારી એ નાસમજ ઉમરમાં મને કોઈ ધાર્મિક રિવાજોનો ખ્યાલ નહોતો, કે કોઈ સૂતક લાગે એવો ખ્યાલ નહોતો. નાના ઘણા સુધારાવાદી હતા અને મારા મમ્મીની ખાસ બહેનપણીનો દીકરો રાજુ અમને નયનાને ત્યાં લઈ ગયો. ત્યાં પણ બધાએ સહજતાથી અમને આવકાર્યા, આરતીમાં ભાગ લેવા દીધો અને ખાસ તો મારા નાનકડા ભાઈ પાસે પ્રેમથી આરતી કરાવી, મોદક ખવડાવી ખુશ કરી દીધો.

મમ્મીના અવસાન પછી અને મારા લગ્ન પછી મારા માટે પિયર જવાના એક નહિ પણ ત્રણ ત્રણ ઘર હતાં. નાના નાની તો કલકત્તા હતા અને મારા ભાઈ બહેન પણ એમની સાથે કલકત્તા હતાં, પણ મુંબઈમાં નયનાનુ ઘર, જ્યોત્સનાબહેન અને નીલા જે મારી નાની બહેનની ખાસ સખી હતી એનુ ઘર.
આજે એ દિવસો યાદ કરું છું ત્યારે મન અહોભાવથી તૃપ્ત થઈ જાય છે. નયનાને ત્યાં મારા બાળકોના જન્મ પછી જ્યારે પણ જઉં, ઘર આખું મારા બાળકો પાછળ ઘેલું થઈ જાય, કારણ ઘરમાં હજી બીજા કોઈ નાના બાળકનુ આગમન નહોતું થયું. એ લાડ અને પ્રેમ નાના, નાનીનો મારા બાળકોને અનરાધાર મળ્યો અને આજે પણ મારી દીકરી અને દીકરો એમને મામા, કે માસી કહીને જ બોલાવે છે.

મને બરાબર યાદ છે નયનાનો નાનો ભાઈ રાજેશ ત્યારે મુછ રાખતો અને મારી નાનકડી દીકરી શ્વેતા જ્યારે પણ રાજેશના હાથમાં હોય, શ્વેતાના ગાલને મુછથી હેરાન કરતો, પણ શ્વેતાને મજા આવતી અને એ મુછ ખેંચવાનો પ્રયાસ કરતી. આજે પણ જ્યારે વાત થાય રાજેશ શ્વેતાના નટખટ તોફાનોને યાદ કરતો રહે છે.
નીલાના મમ્મી પદ્માબહેન જેને અમે સહુ બા કહેતા, એમણે ઘરમાં પારણાઘર શરું કર્યું હતું અને હું લગભગ બે ચાર મહિને એમને ત્યાં રહેવા જતી. મારા બાળકોને ત્યાં ખૂબ મજા આવતી અને પારણાંઘરના શિક્ષકો પણ એમને વિશેષ લાડ કરતાં. નીલાના લગ્ન પછી દિપક એના પતિનો પણ એટલો જ સાથ સહકાર મળતો રહ્યો.
જ્યોત્સનાબહેન મારા મમ્મીના અવસાન પછી તરત મારે ત્યાં આવ્યા, પપ્પાના અવસાન પછી મમ્મી હમેશા આછા કલરની સાડી પહેરતી, ભુરી, કે બદામી કે રાખોડી. જ્યોત્સનાબહેન જેને રાજુ, વિહારની જેમ અમે પણ મા કહીને જ બોલાવતા એમણે મારા કબાટમાંથી એ બધી સાડીનુ પોટલું વાળી અનાથાશ્રમમાં મોકલાવી દીધું અને સરસ રંગીન સાડીઓનો જથ્થો મારા કબાટમાં ગોઠવી દીધો. મમ્મી જે સ્કૂલમાં શિક્ષિકા હતી ત્યાં મને મમ્મીની જગ્યાએ નોકરી આપી મમ્મી પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો હતો અને મા નહોતા ઈચ્છતા કે હું એવી આછા કલરની સાડી પહેરી નોકરીએ જઉં. જ્યોત્સનાબહેનનો દીકરો રાજુ જ્યારે અમે બે બહેનોને ભાઈ નહોતો ત્યારે એક રક્ષાબંધને દરવાજે આવી ઊભો, રાખડી બંધાવી અને આજ પર્યંત સગા ભાઈથી વિશેષ સંબંધ જાળવ્યો છે.
સ્મરણોની આ કેડી પર જ્યારે પાછળ ફરીને નજર કરું છું ત્યારે હૈયું ખુશીથી છલકાઈ ઉઠે છે. કેટલો પ્રેમ, આદર, લાગણી હું પામી છું. બા નથી રહ્યાં, મા નથી રહ્યાં, નયનાના મમ્મી, પપ્પા નથી રહ્યાં પણ સંબંધોના તાર એટલા જ મજબૂત રહ્યાં છે.
આ બધામાં અત્યારે મારી મમ્મીની જગ્યાએ સુશીમામી મમ્મી બની રહ્યાં એ તો કેમ જ વિસરાય! મારા નાના ભાઈ બહેનને પોતાની સોડમાં લીધાં અને અમને ક્યારેય મમ્મીની ખોટ ના વરતાવા દીધી, એ મોસાળ એ મામા માસી સહુના અતૂટ પ્રેમે હમેશ અમારા જીવનને સહ્ય બનાવ્યું છે.
ભાદરવા સુદ બીજ ફક્ત મારા મમ્મી જ નહિ પણ મારા સાસુની પણ પુણ્ય તિથિ. લગ્ન પછી જયાબહેન, મારા સાસુએ કદી મને મમ્મીની ખોટ વરતાવા દીધી નહોતી અને મારા બાળકો પણ પુરા નસીબદાર કે દાદા દાદીની છત્રછાયા અને હેતમાં મોટા થયાં.
આટલો પ્રેમ મેળવવા હું ભાગ્યશાળી બની એનુ સઘળું શ્રેય મારી મમ્મીએ જે આંબો વાવ્યો હતો એના મીઠા ફળ મને માણવા મળ્યાં
આજે ૯ સપ્ટેમ્બર ૨૦૨૨ મમ્મીના અવસાનને બરાબર પચાસ વર્ષ થયાં.
એ મમ્મીના ગુણ અને સંબંધ સાચવવાની સુઝ અને પ્રેમાળ સ્વભાવ વ્યાજ સહિત હું અને મારા ભાઈ બહેન માણી રહ્યાં છીએ. માતા પિતાની યાદ તો સદા આપણા જીવન સાથે જોડાયેલી હોય છે, એ સુવાસ ક્યારેય કરમાતી નથી, એક મીઠું સંભારણું બની સદા મહેકતી રહે છે!
નત મસ્તકે આ શ્રધ્ધાંજલિ મારી મમ્મી અને સાથે મા સ્વરુપે પ્રેમ વરસાવનાર સર્વ માતાઓને!!

અસ્તુ,

શૈલા મુન્શા સપ્ટેમ્બર ૯/૨૦૨૨

November 18th 2025

त्योहार रंगोका!! ફુટી એક કુંપળને આવી વસંત!

बहेती हवाने किया ईशारा आई बसंत,
और खिल उठा गुलमहोर मेरे अंग;
लगता है आया त्योहार रंगोका,
और मैं भी बहेती रही हवाके संग संग!

आता जब त्योहार होलीका और,
रंगोकी बौछार चारों और!
और बस दिवानी हो कर मैं भी,
खेलती रही रंगोके संग संग!

बिसराके उदासी पतझडकी
जब खिलती हैं कलियां बागोमें
तब महेकती है फुलवारी बगियांमैं
क्यों न महेकुं मैं भी उन फुलों के संग संग!

जब गुंजती है मीठी मधुर कोयलकी बोली,
और बज उठती है मधुर तान बंसीकी
गोकुलमें खेल रहा हो कहान होलीके फाग
मैं भी तो डुब गई रंगोमैं कान्हाके संग संग!

खिल उठता है जीवन रंगोके त्योहारसे,
दुश्मन बन जाते दोस्त बिसराके मनका मेल;
नाच उठे हर नर नारी रंगोके संग संग तो,
आओ हम भी मनाये त्योहार रंगोका संग संग!

तब लगता है आया त्योहार रंगोका।
आया त्योहार रंगोका!!!

शैला मुन्शा ता. ०३/०५/२०२३

ફૂટી એક કુંપળ, ને આવી વસંત,
ટહુકી એક કોયલ ને લાવી વસંત!

રણકી ઝાંઝર નવોઢાની લજાતી વસંત,
છંટાયો ગુલાલ ભાઈ ને રંગાતી વસંત!

આંબે આવ્યાં મહોર, ચહેકી વસંત,
સોડમ ધરતતીની ને મહેકી વસંત!

લહેરાતાં ઊભા મોલ, ઝુમતી વસંત,
મેળે મહાલતાં માનવીને રમતી વસંત!

ભુલાઈ એ પાનખર, ખીલતી વસંત;
સમીર સંગ ખુશ્બુ ફેલાવતી વસંત!

શૈલા મુન્શા તા. ૦૧/૨૯/૨૦૨૧

November 18th 2025

હાઈકુ –

૧ – આપી તે પાંખ
ઉડવાને ગગન,
બિછાવી જાળ!

૨ – અક્ષરો દોરે,
તસ્વીર સમાજની
કાગળ પર!

૩ – નિઃશબ્દ વાણી,
એકને જીવન ને
બીજે માતમ!

૪ – ખસે પથ્થર
ભાંગતી ઈમારત
જેમ જીવન!

૫ – આંખો બોલતી,
સિવાઈ ગયા હોઠ;
ગોપાવી દર્દ!

૬ – ખુશી ચહેરે,
દુનિયાની નજરે;
કમાડ બંધ!

૭ – યાદ છે આજે,
વિસરાઈ જાશે શું?
કદાચ કાલે.

૮ – મુલ્ય કેટલું,
સમજાયું જ આજે
સહવાસનું.

૯ – સંબંધ બચ્યાં,
આંગળીના ટેરવે;
લાગણી બુઠ્ઠી!

શૈલા મુન્શા તા.૧૮/૧૧/૨૦૨૫
www.smunshaw.wordpress.com

November 2nd 2025

ગૌરી પુત્ર ગણપતિ

પુત્ર શિવના, ઈશાનપુત્ર કહેવાયા,
માત ગૌરીના પુત્ર ગૌરીપુત્ર કહેવાયા.
સ્કંદ વડિલબંધુના નામે સ્કંદપુર્વજ કહેવાયા,
બ્રહ્માંડના છે પ્રણેતા વિશ્વામુખ કહેવાયા
ધારી ગજ મસ્તક, ગજાનન કહેવાયા
સુંઢ ધરી હાથીની, ગજાવક્ત્ર કહેવાયા
છે મોટા ઉદરવાળા, લંબોદર કહેવાયા
સ્વામી છે બુધ્ધિના, બુધ્ધિનાથ કહેવાયા
પૂજે દુનિયા આખી, દેવાદેવ કહેવાયા
આકાર ઓમ સમો તો ઓમકારા કહેવાયા
વિઘ્નોને દુર કરનારા વિઘ્નહર્તા કહેવાયા
ને બધા ગણોના મુખી ગણપતિ કહેવાયા
ગણપતિ બાપ્પા મોરિયા ઘર ઘર ગુંજે નાદ,
ગણપતિ પૂજન હર શુભ કાર્યની શરૂઆત
નમું છું નત મસ્તકે, કરૂં વિશ્વકામના
હરે સહુ વિઘ્ન વિઘ્નહર્તા, હરે સહુ વિઘ્ન વિઘ્નહર્તા

શૈલા મુન્શા તા. ૦૨/૧૧/૨૦૨૫
www.smunshaw.wordpress.com

October 15th 2025

એક ડગલું આગળ રહે કુદરત!

માનવી તો ઘણુંય ઈચ્છે આંબવા સૂરજ,
ભુલે, જ્યાં એક ડગલું આગળ રહે કુદરત.

નજર સામે દેખાય નભને ધરતી એકાકાર,
ના મળે કદી, ભ્રમ નજરનો સરજાવે કુદરત.

કરીં ભેગા તણખલાં બનાવે નિજ માળો પંખી,
આંધીના સપાટે તણખલાં વિખરાવે કુદરત.

ઊભો સુકાની ઝાલીને શઢ, કિનારો નજર સામે;
ડુબીએ નાવ, ક્ષણમાં લાવે સુનામી એ કુદરત.

માનવી તો ઘણુંય ઈચ્છે આંબવા સૂરજ,
ભુલે, જ્યાં એક ડગલું આગળ રહે કુદરત.

શૈલા મુન્શા તા. ૧૫/૧૦/૨૦૨૫

October 15th 2025

દીવાળી આધુનિક

આવી દીવાળી ભાઈ આવી દિવાળી,
ધનતેરશે લક્ષ્મીપૂજન થાયને,
આસોની અમાસે ચોપડાપૂજન થાય
કરી મંગળ કામના નવું વર્ષ ઉજવાય!

ગઈ ક્યાં ખોવાઈ એ દિવાળીને નવ વર્ષની ઉજવણી,
રજા પાંચ દિવસનીને, દિવાળી બને શોભા હિલ સ્ટેશનની
મઠિયા ચોળાફળી થયાં આઉટ ઓફ ફેશન,
ડ્રાયફ્રુટને, ચોકલેટ કુકી ઘરને કરે રોશન!

તેલનાં કોડિયાં રંગોળી ગયાં વિસરાય
તૈયાર રંગોળી દરવાજેને, બેટરી કોડિયાંના તોરણ બંધાય
દિવાળી તો આમ ઉજવાય ભાઈ,
હવે તો દિવાળી આમ ઉજવાય!!

શૈલા મુન્શા તા.૧૫/૧૦/૨૦૨૫

October 11th 2025

દેવિકાબહેન

પ્રિય દેવિકાબેનને,
સીત્તેરમી વર્ષગાંઠની વધામણી

જન્મની ક્ષણ ભલે ના હોય યાદ,
પણ વીતતા વર્ષો ક્યાં ભુલાય છે?
વિતેલું બાળપણ બાળકો અને,
એમનાય બાળકોમાં પાછું જીવાય છે!!

જન્મદિવસ ભલે ઉજવાતો એક દિન,
પણ હર પળ જીવન આગળ વધતું જાય છે!!!
ઉજવીએ આજે એવો જન્મદિન,
આપવા શુભેચ્છા એમને જગત તરસે!!
સીત્તેર વર્ષે સદા યુવાન દેવિકાબેન,
અક્ષરની ઓળખથી પહોંચ્યા કલમને કરતાલે!
વાણી જેમની ગુજરાતીને ભુમિ મા ગુજરાત છે,
વેશભૂષા ભલેને વિદેશી, પણ ગૌરવ ગુજરાતીપણાનુ છે.
શબ્દ, અક્ષર અને કલમની સાધના જેમની અવિરત ચાલતી રહે છે,
જેમની ઓળખ ઉગમણી કોરથી આથમણી કોરના ઉજાશે પહોંચી છે,
એવા હ્યુસ્ટનના ગૌરવવંતા કવિયત્રી દેવિકાબેનને,
જન્મદિવસની ખૂબ ખૂબ વધામણીને, કોટિ કોટિ અભિનંદન

શૈલા મુન્શા-પ્રશાંત મુન્શા
તા. ૭ ફેબ્રુઆરી ૨૦૧૮

વિજ્ઞાન વિજ્ઞાન

August 26th 2025

ગૌરીસુત

પુત્ર શિવના ઈશાનપુત્ર કહેવાયા
ને માત ગૌરીના સુત ગૌરીસુત કહેવાયા
સ્કંદ(કાર્તિકેય)વડિલબંધુ નામે સ્કંદપુર્વજ કહેવાયા
બ્રહ્માંડના છે પ્રણેતા વિશ્વામુખ કહેવાયા
ધારી ગજ મસ્તક ગજાનન કહેવાયા
સુંઢ ધરી હાથીની ગજાવકત્ર કહેવાયા
મોટા ઉદરવાળા લંબોદર કહેવાયા
સ્વામી છે બુધ્ધિના, બુધ્ધિનાથ કહેવાયા
પૂજે દુનિયા આખી દેવાદેવ કહેવાયા
આકાર ઓમ સમો તો ઓમકારા કહેવાયા
ને બધા ગણોના મુખી ગણપતિ કહેવાયા
ગણપતિ બાપ્પા મોરિયા ઘર ઘર ગુંજે નાદ
ગણપતિ પુજન હર શુભ કાર્યની શરુઆત
વિઘ્નોને દુર કરનારા વિઘ્નહર્તા કહેવાયા
નમું નત મસ્તકે, કરું વિશ્વકામના
હરે સહુ વિઘ્ન વિઘ્નહર્તા, હરે સહુ વિઘ્ન વિઘ્નહર્તા.

શૈલા મુન્શા તા.૨૬/૦૮/૨૦૨૫

Next Page »
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.