June 12th 2021

વળતર!

સાત વરસનો મનુ ત્રણ વાગ્યે શાળાએથી પાછો આવ્યો ને રવજીભાઈને ઘરની બહાર નીકળતા જોયા.
રાવજીભાઈનો ધંધો દરજીનો. સ્વભાવના સાલસ અને સહુ કોઈના કપડાં પ્રેમથી સીવી આપે. વારે તહેવારે કોઈની સગવડ ના હોય તો ઉધારીમાં પણ કપડાં સીવી આપે. વાત ૧૯૫૩ ૫૪ના જમાનાની. મુંબઈ જેવા શહેરમાં પણ લોકો એકબીજાનો વિશ્વાસ કરે. હેત પ્રેમ અને સંબંધને લોકો માન આપે. સગવડે એકબીજાની ઉધારી ચુકવાય. રવજીભાઈ પણ મહિનાના અંતે એક દિવસ ઉઘરાણીનો રાખે. દુકાન એ દિવસે બંધ હોય.
નાનકડો મનુ શાળાએથી ઘરે આવ્યો અને પિતાને ઉઘરાણી માટે ઘરની બહાર નીકળતા જોયા. મનુના માથે પ્રેમભર્યો હાથ ફેરવતા કહેતા ગયા “મનિયા આજ તો તારા માટે ખાટી મીઠી ગોળીને નાનકડી રમવાની ગાડી લઈ આવીશ, બહુ દિવસથી જીદ કરતો હતોને!” સાથે સાથે સવિતાબહેન “મનિયાની મા ને ” કહેતા ગયા કે રાતે આવતાં મોડું થાશે, ઉઘરાણી માટે ઘણા ઘરાકોને ત્યાં જાવાનુ છે માટે તમે જમીને સુઈ જાજો.
સાત વરસના મનુને માથે પિતાનો એ છેલ્લો પ્રેમભર્યો સ્પર્ષ.
રાવજીભાઈ એ દિવસે બપોરે ઘરેથી બહાર ગયા તે ગયા. એ દિવસને આજની ઘડી, ક્યાં ગયા, એ કોઈને ખબર નથી. બે દિવસ ઘરના લોકોએ બધે શોધખોળ કરી, જાણતા હતાં એટલા ઘરાકોના ઘર ફરી વળ્યા, હોસ્પિટલોમાં કોઈ અકસ્માતનો કેસ આવ્યો છે કે નહિ એની તપાસ કરી, છેવટે થાકીને પોલિસમાં ફરિયાદ નોંધાવી. વરસ સુધી પોલિસ ચોકીએ ધક્કા ખાધા, પણ રાવજી ભાઈનો કોઈ પત્તો ના લાગ્યો.
ઘરમાં સવિતાબહેનનુ જીવવું મુશ્કેલ થતું ગયું. સાસુ સસરાં દિયર સહુ સવિતાબહેનને જવાબદાર ઠેરવવા માંડ્યા. “તું જ છપ્પરપગી છે, અમારા દિકરાને ભરખી ગઈ એવું લાંછન રોજનુ થઈ ગયું”
વરસ દહાડો મેણાંટોણા સાંભળ્યા બાદ સવિતા બહેને પોતાને પિયર જતા રહેવાનું નક્કી કર્યું. પિયરમાં એક ભાઈ ભાભી હતાં, એમની સ્થિતિ પણ સામાન્ય જ હતી એ નો સવિતાબહેનને ખ્યાલ હતો.
માતાના દિલે એક કપરો નિર્ણય કર્યો.
એક રાતે આઠ વરસના મનુને પાસે બેસાડી પુછ્યું ” દિકરા તું ઘરનુ વાતાવરણ જુએ છે, રોજના આ કંકાસથી હું થાકી ગઈ છું, ગામડે મામાને ત્યાં જવાનો વિચાર કરૂં છું, ત્યાં તારે મારી સાથે આવવું છે કે અહીં રહી ભણવું છે. દાદા, દાદી કાકાને મારા પર ગુસ્સો છે, તું તો એમનો લાડકો છે. તારા ભવિષ્યનો વિચાર કરી નિર્ણય લેજે.”
આઠ વરસના મનુ પર એ નાનકડી ઉંમરે કપરો નિર્ણય લેવાનો વારો આવ્યો. એક તરફ મા અને બીજી તરફ પોતાનુ ભવિષ્ય.
કાકાએ ખાતરી આપી કે મનુને મારા દિકરાની જેમ રાખીશ અને સવિતાબહેન કકળતે હૈયે ભાઈને ત્યાં જતા રહ્યાં.
ત્રણ ચાર વર્ષ તો મા દિકરાનો સંપર્ક પત્ર વ્યવહારથી જળવાયો, પણ ધીરે ધીરે ભણવાની લગનમાં મનુનો સંપર્ક માથી છુટતો ગયો. ભણવામાં હોશિયાર અને કિશોરાવસ્થા, મુંબઈનુ જીવન, અને કાકા કાકીના પ્રેમમાં ધીરે ધીરે મનુના દિલમાંથી માતાની છબી ક્યારે ઝાંખી થવા માંડી એનો એને પણ ખ્યાલ ન રહ્યો.
સવિતાબહેન ગામમાં લોકોના ઘરે કપડાં વાસણ કરી ભાઈને જે મદદ થાય એ કરતાં, દિકરાના કાગળની રાહ જોતાં.
યુવાન મનુ કેમિકલ એંજિનીયર થયો, કોઈકે એની કાબેલિયત જોઈ અમેરિકા આગળ ભણવા જવાનું સૂચન કર્યું, સારા નસીબે અને મનુની હોશિયારીને લીધે અમેરિકામાં કેલિફોર્નિઆની બર્ક્લે યુનિવર્સીટીમાં એડમિશન મળી ગયું.
અમેરિકા જતાં પહેલા મનુ પોતાની માને એકવાર મળવા માંગતો હતો. મામાને ગામ કાગળ મોકલ્યો પણ કોઈ ત્યાં નહિ હોવાના શેરા સાથે કાગળ પાછો આવ્યો. હવે મા ક્યાં છે, એનુ સરનામુ શું છે, કાંઈ ખબર નહોતી. કાકાને પુછ્યું તો એમને પણ કોઈ ખબર નહોતી. છેવટે મનુને પોતાના ફોઈ યાદ આવ્યાં જે દ્વારકા રહેતા હતા અને માતાનુ ગામ પણ ક્યાંક ત્યાં જ હતું એવું મનુને યાદ હતું.
દ્વારકા પહોંચી મનુએ ફોઈને આજીજી કરી, “ફોઈ મહેરબાની કરી મને એકવાર મા નો મેળાપ કરાવો.” લાગણીશીલ ફોઈએ તરત જ પોતાના દિકરાને ગામ મોકલ્યો.અને ભાભીને સાથે લઈ આવવાની તાકીદ કરી. મામા મામીના અવસાન બાદ મા એ જ ગામમાં બીજા નાનકડાં ઘરમાં રહેતી હતી. માંડ માંડ માતા ના સગડ મળ્યા અને બાર વર્ષે મા દિકરાનું મિલન થયું. મનુની આંખમાંથી પસ્તાવાના અને મા ની આંખમાંથી સ્નેહના આંસુ સરવા માંડ્યા. ફુઆએ હસતાં હસતાં સવિતા બહેનને કહ્યું “તમારો દિકરો અમેરિકા જાય છે, એને પૈસાની જરૂર છે, તમે કાંઈ મદદ કરશો?”
આટલા વર્ષોથી લોકોના ઘરના કપડાં વાસણ કરી સવિતાબહેને જે પૈસા મળતાં એમાંથી ભાઈ ભાભીને પોતાનો ખર્ચ આપી થોડા થોડા રૂપિયા ક્યારેક દિકરાને મળીશ એ આશમાં ભેગા કર્યાં હતા તે ચારસો રૂપિયા તરત કમખાના ગજવામાંથી કાઢી દિકરાની હથેલીમાં ધરી દિધાં.
મનુને અમેરિકા જવાની મુડી ભેગી કરવામાં સહુ પ્રથમ દાન મા પાસેથી મળ્યું. મા દિકરાને એક જ અફસોસ રહ્યો, રાવજીભાઈના જિવ્યાં મર્યાં ના કોઈ વાવડ આજ સુધી ના મળ્યાં!
અમેરિકા આવી મનુએ માસ્ટર ડીગ્રી મેળવી અને સાથે ભણતી માલતી સાથે લગ્ન કર્યાં. સરસ મજાની નોકરી મળી અને જેવું અમેરિકાનુ નાગરિત્વ મળ્યું, મનુએ માલતીની સમ્મતિથી માને અમેરિકા બોલાવી લીધી.
જિંદગીભર કરેલી મજુરી, દિકરાનો વિરહ; સઘળી તપસ્યાનો અંત આવ્યો. અમેરિકા આવી સવિતાબહેન સત્તર વર્ષ દિકરા વહુ સાથે રહ્યાં, ફક્ત દિકરા વહુનો પ્રેમ જ નહિ પણ બબ્બે પૌત્રીઓના પ્રેમનું વળતર પામી સવિતાબહેન સ્વર્ગે સિધાવ્યા.

શૈલા મુન્શા તા. ૦૬/૧૨/૨૦૨૧

May 30th 2021

જીરવાતી રહી!!

શ્વાસોની આવન જાવનમાં ભરમાતી રહી,
ક્ષણ આવરદાની શું નાહક ખર્ચાતી રહી?

કાલે હો ને આજે નહીં, પંજો ઘાતકનો;
અણધાર્યો ત્રાટકતો, યાદો જખમાતી રહી!

દોરાં ધાગા મંત્રો, કોઈએ રોકે ના પળ;
બદલાશે રેખા આશા એ બંધાતી રહી!

ઘા આપે જો ઈશ્વર તો કોને કહેવું દર્દ,
મન મક્કમ તો એ પીડા પણ સહેવાતી રહી!

તણખો ઊડ્યો ને ઝાળ આકાશે ઊડી,
બળતી ચેહ ને, ઘટના જગમાં ચર્ચાતી રહી!

ચાહી છે એકલતા પળભર જીવી લેવા,
ભીતર ભાવોની સરવાણી રેલાતી રહી!

કોઈ રહે ના સંગ હરદમ જીવન આખુંયે,
ભીની આંખે ભવની ભાવટ જીરવાતી રહી!

શૈલા મુન્શા તા. ૦૫/૩૦/૨૦૨૧

May 16th 2021

વસાવી દે!

શબોના ઢગ ઉપર ફૂલો બિછાવી દે,
નગર એવું સુગંધીમય વસાવી દે!

ભમે થૈ કાળ માથે, કાળચક્ર એવું;
મરણ થંભાવતી ધૂણી ધખાવી દે!

સજા મળતી રહી, વાવ્યું ધરા પર જે;
નયન કોરાં, જખમ ઊંડા, ભિંજાવી દે!

નિકટ આવે ન કોઈ, ભીડથી ભાગે;
ઉદાસી ટળવળે, માતમ મિટાવી દે!

નથી ઈચ્છા લડી લેવા પરાયાંથી,
બને દુશ્મન જો પોતાના, બચાવી દે!

ચઢી ઠેબે અકારણ માણસાઈ જો,
દયાને સ્નેહનો સાગર વહાવી દે!

મહામારી ડરાવે, ના જડે મારગ;
ખમૈયા કર હવે, જીવન સજાવી દે!

શૈલા મુન્શા તા. ૦૫/૦૯/૨૦૨૧

April 30th 2021

ઈશ્વર!!

કારણ પણ માંગે છે ઈશ્વર,
મારગ દેખાડે છે ઈશ્વર!

આપે તો છ્પ્પર ફાડીને,
પળમાં સંતાડે છે ઈશ્વર!

ડરથી મરતા કોરોનામાં,
દૈવતથી તારે છે ઈશ્વર!

છે જંગ અણદીઠાં ઘાતકનો
હિંમત તો આપે છે ઈશ્વર!

પડદો રંગમંચનો સંભાળે,
નાટક ભજવાવે છે ઈશ્વર!

સોંપ્યું હૈયું પરમાત્માને,
જીવન દીપાવે છે ઈશ્વર

ને ચરણે ઝૂકાવો મસ્તક,
પથદર્શક ભાસે છે ઈશ્વર!!

શૈલા મુન્શા તા ૨૯ એપ્રીલ ૨૦૨૧

April 26th 2021

ગુ.સા.સ. બેઠક અહેવાલ -૨૦૧૫ ડિંસેંબર -શ્રી નવીનભાઈ બેંકર

ગુજરાતી સાહિત્ય સરિતા ની ૧૫૯મી બેઠક અને ‘જનરલ બોડી મીટીંગ’-અહેવાલ શ્રી નવીન બેંકર
December 24th,

(૧) ડાબી બાજુથી- જુના બોર્ડ મેમ્બર્સ- ઉપપ્રમુખ શ્રી. નિખીલ મહેતા, શ્રીમતિ દેવિકા ધ્રુવ (સલાહકાર),
ખજાનચી શ્રી. નરેન્દ્ર વેદ અને પ્રમુખ શ્રી. ધવલ મહેતા,
નવા બોર્ડ મેમ્બર્સ- ડોક્ટર ઇન્દુબેન શાહ,શ્રીમતિ પ્રવિણાબેન કડકિયા અને સલાહકાર શ્રી. અશોક પટેલ.
P1060969
ગુ.સા. સ.ની ગૌરવભરી સભાના સભ્યો.

P1060972

ગુ.સા.સ.ની નવી સમિતિ- ઉપપ્રમુખ પ્રવિણાબેનકડકિયા,સલાહકાર શ્રી અશોક પટેલ
અને પ્રમુખ ડોક્ટર ઇન્દુબેનશાહ. ખજાનચી શ્રી સતીશ પરીખ (હાજર નથી)
ગુજરાતી સાહિત્ય સરિતા ની ૧૫૯મી બેઠક અને ‘જનરલ બોડી મીટીંગ’-અહેવાલ શ્રી નવીન બેંકર
ફોટો સૌજન્યઃ શ્રી જયંત પટેલ.

૨૦મી ડીસેમ્બર અને રવિવારની શીતલ સાંજે ૪ થી ૮ દરમ્યાન, હ્યુસ્ટનના શાકાહારી ભોજનગૃહના હોલમાં ૨૦૧૫ ના સફળ વર્ષની, છેલ્લી બેઠક યોજાઈ ગઈ.
બરાબર ૪ના ટકોરે શ્રીમતિ ગીતાબેન પંડ્યાના સુમધુર કંઠે ગવાયેલ પ્રાર્થનાથી શુભ શરુઆત થઈ. સંસ્થાના વડીલ હાસ્યલેખક શ્રી. ચીમન પટેલે શેર, મુક્તક અને ગઝલથી બેઠકની શરૂઆત કરીને મહેફિલમાં રંગ જમાવી દીધો. ડોક્ટર રમેશ શાહે, કવિશ્રી. મકરંદ દવેની એક કૃતિ રજૂ કરી અને સાથે સાથે એનું રસદર્શન પણ ભાવ સહિત વાંચી સંભળાવ્યુ. નિતીન વ્યાસ નામના એક બહુશ્રુત વિદ્વાને, ગુજરાતના જાણીતા લેખક અને કવિ શ્રી. ધ્રુવ ભટ્ટના પુસ્તકનો પરિચય કરાવ્યો અને ભાવનગરના ટર્મિનસ પરની બોગી નંબર ૨૬૯૨ અને ચાહની લારીના દ્રશ્યો શ્રોતાઓની આંખ સમક્ષ તાદ્રુશ કરાવ્યા.

શૈલાબેન મુન્શાએ કામો અંગે વર્ષાન્તે થતી અનુભૂતિ વિષયક એક હળવું મસ્તીભર્યું અછાંદસ કાવ્ય રજૂ કર્યું. દેવિકાબેન ધ્રુવ આમ તો કવયિત્રી છે અને સામાન્યપણે પોતાની સ્વરચિત કવિતા કે ગઝલની જ રજૂઆત કરતા હોય છે પણ આજે તેમણે ‘સાહિત્ય એટલે શું ?’ એ વિષય પર મનનીય વક્તવ્ય રજૂ કર્યું. ડોક્ટર ઇન્દુબેન શાહે વીતેલા દાયકાઓની વાતો કરી. પ્રશાંત મુન્શાએ પણ કેટલાંક સુંદર મુકતકો સંભળાવ્યા. ૯૫ વર્ષની વયના ધીરુભાઇ શાહે, જીવનના નિચોડ સમ,સારા જીવન માટેની અર્થસભર કણિકાઓ પ્રસ્તૂત કરી. અશોક પટેલે શ્રી. મનુ નાયકનું એક કાવ્ય રજૂ કર્યું. ત્યાર પછી નાસા, જોહન્સન સ્પેઈસ સેન્ટર, હ્યુસ્ટનના વૈજ્ઞાનિક શ્રી. કમલેશ લુલ્લાએ શ્રી. નટવર ગાંધીની છંદોબધ્ધ કૃતિ સંભળાવી.
પ્રકાશ મજમુદારે, સ્વ.મરીઝની ગઝલ રજૂ કરીને વાતાવરણને સંગીતની હવાથી તરબતર કરી મૂક્યું. શ્રી. વિજય શાહે, સાહિત્ય સરિતાના કલ્ચર અંગે અને પોતાની સાહિત્યિક પ્રવૃત્તિઓથી સભ્યોને માહિતગાર કર્યા. શ્રી અક્બર લાખાણી અને અક્બર અલી હબીબે પોતાની કૃતિઓ અને રમૂજની લ્હાણ કરી હતી. શ્રી. નવીન બેન્કરે, ફ્યુનરલ ટાણે, વક્તાઓ મૃતકને અંજલિ આપતી વખતે કેવા કેવા છબરડાઓ કરતા હોય છે અને અંત્યેષ્ટી કરાવનાર બ્રાહ્મણ કેવા પ્રવચનો ડાઘુઓને માથે મારતા હોય છે એની રમુજી વાતો કરીને સભ્યોને હસાવ્યા. પ્રવીણાબેન કડકિયાએ પણ તેમાં થોડો સૂર પૂરાવ્યો હતો.
બેઠકના ઉત્તરાર્ધમાં, ‘જનરલ બોડી મીટીંગ’ ની શરૂઆત થઈ. સંસ્થાના પ્રમુખ શ્રી. ધવલ મહેતા અને ઉપપ્રમુખ શ્રી. નિખીલ મહેતાએ એમની આગેવાની હેઠળ છેલ્લા દોઢ વર્ષથી સંસ્થાએ જે જે પ્રવૃત્તિઓ કરી હતી એનો ચિતાર આપ્યો..સંસ્થાના ખજાનચી શ્રી. નરેન્દ્ર વેદે, સંસ્થાના આર્થિક પાસાં અને ભંડોળને લગતી માહિતીસભર વિગતો આપી. સભ્યોની પ્રશ્નોત્તરી, ચર્ચા, મસલત પછી કેટલાંક જરૂરી મુદ્દાઓનો પણ વ્યવસ્થિત રીતે અને શાંતિપૂર્વક ઉકેલ લાવવામાં આવ્યો. ત્યારબાદ ૨૦૧૬થી શરૂ થતા વર્ષના નવા ‘બોર્ડ મેમ્બર્સ’ તરીકે નીચેના સભ્યોની વરણી થઈ-
પ્રમુખઃ ડોક્ટર શ્રીમતિ ઇન્દુબેન શાહ
ઉપપ્રમુખઃ શ્રીમતિ પ્રવિણાબેન કડકિયા
ખજાનચીઃ શ્રી. સતિશ પરીખ-
સલાહકારઃ શ્રી. અશોક પટેલ

નવી નિમાયેલી સમિતિના સભ્યો અને હાજર રહેલા સભ્યોએ, જુના બોર્ડ મેમ્બર્સની સફળ કામગીરીને બિરદાવીને અભિનંદન આપ્યા હતા અને સમુહ ફોટોગ્રાફ્સ લઈને સૌ, ભોજન રેસ્ટોરન્ટના સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ માણીને છૂટા પડ્યા હતા.
છેલ્લાં પંદર વર્ષથી અવિરતપણે ચાલી રહેલી ગુજરાતી સાહિત્ય સરિતાની આ ગુજરાતી ભાષા અંગેની સજાગતાને અને સૌ સભ્યોને સો સો સલામ.
અહેવાલ – શ્રી. નવીન બેન્કર (લખ્યા તારીખ- ૨૦ ડીસેમ્બર ૨૦૧૫)

April 26th 2021

શનિવાર… આઠમી ઓગસ્ટ ૨૦૧૫ અહેવાલ -શ્રી નવીનભાઈ બેંકર

હ્યુસ્ટનમાં, રઈશ મનીઆર સાથે એક મસ્તીભરી , મનોરંજક સાંજ

અહેવાલ- શ્રી. નવીન બેન્કર

શનિવાર… આઠમી ઓગસ્ટની એ ખુશનુમા સાંજ….

એ સાંજ હતી ગઝલ અને કવિતાના અભિસારની…

એ સાંજ હતી હ્યુસ્ટનના સાહિત્યપ્રેમીઓના હૈયે પ્રેમ-માર્દવના આવિષ્કારની…

આઠમી ઓગસ્ટ ૨૦૧૫ ને શનિવારની સાંજે, સૂગરલેન્ડ,ટેક્સાસ ના ટી.ઈ. હરમન સેન્ટર ખાતે, ગુજરાતી સાહિત્ય સરિતાના ઉપક્રમે, સુરતના ખ્યાતનામ કવિ, હાસ્યકાર, નાટ્યકાર, ગીતકાર અને ગઝલકાર ડોક્ટર રઈશ મનીઆરનો એક યાદગાર કાર્યક્રમ, લગભગ ૨૫૦ જેટલા સાહિત્યપ્રેમીઓની હાજરીમાં ઉજવાઇ ગયો હતો.

થોડી રંગત, થોડી ગમ્મત, કવિતાની સંગત, હાસ્યની હેલી અને ગઝલના ગુલદસ્તાએ મઢેલી વાતો લઈને આવેલા શ્રી. રઈશ મનીઆર ગુજરાતના વર્તમાન સમયની એક વિલક્ષણ પ્રતિભા છે. કુલ અઢાર જેટલા પુસ્તકો અને બાર જેટલા નાટકો લખીને તેમણે પ્રથમ પંક્તિના કવિ, હાસ્યકાર અને નાટ્યકાર તરીકે નામના મેળવી છે. પોતે બાળમનોવિજ્ઞાની છે. પેરેન્ટીંગ વિશેના લેક્ચર્સ અને સેમિનારો પણ કરે છે. ખુદ જાવેદ અખ્તર અને ગુલઝારજી સાથે કાવ્યપાઠ કરવાની તેમને તક મળી છે. કૈફી આઝમી વિશેનું, તેમના લખેલા પુસ્તકનું વિમોચન, આ સદીના મહાનાયક શ્રી. અમિતાભ બચ્ચનને શુભ હસ્તે થયું છે. એમના ‘લવ યુ જિન્દગી’, ‘અંતીમ અપરાધ’, અને અનોખો કરાર જેવા નાટકો માટે સતત ત્રણ વાર શ્રેષ્ઠ નાટ્યલેખક તરીકે પારિતોષિક પણ એનાયત થયેલા છે. રણબીરસિંગ અને દીપિકા પદુકોણ અભિનીત ફિલ્મ ‘રામલીલા’ નું પેલું ખુબ જાણીતું ગીત પણ શ્રી. મનીઆરનું લખેલું છે. આઠેક જેટલી ગુજરાતી ફિલ્મોમાં તેમણે ગીતો લખ્યા છે. ગુજરાતી વર્તમાનપત્રોમાં તેઓશ્રી. કોલમો પણ લખે છે.

સાંજના ટકોરે, કાર્યક્રમની શરૂઆત , ભાવનાબેન દેસાઇના પ્રાર્થનાગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ, ડોક્ટર કોકિલાબેન પરીખે રઈશ મનીઆરનો, તેમની લાક્ષણિક શૈલિમાં પરિચય આપ્યો હતો. અને આવકારના બે શબ્દો કહ્યા હતા.

સોહામણું વ્યક્તિત્વ અને મીઠી જબાન ધરાવતા આ યુવાન કવિ જો એકલી કવિતાઓ અને ગઝલો જ ઠપકારે તો કદાચ શ્રોતાઓ કંટાળી જાય એવા ખ્યાલથી તેમણે ત્રણ કલાકના આ સમગ્ર કાર્યક્રમના જાણે કે બે ભાગ પાડી નાંખ્યા હતા. પ્રથમ ભાગમાં, થોડી રંગત, થોડી ગમ્મત અને હાસ્યની હેલી અંતર્ગત શરૂઆત એકદમ હળવી વાતો અને જોક્સથી કરી હતી. ગુજરાતની શાળાઓમાંથી ગુજરાતી ભાષા લુપ્ત થઈ રહી છે એ અંગે ખેદ પ્રકટ કર્યો. અંગ્રેજી મીડીયમમાં ભણતા બાળકોની ગુજરાતી માતાઓ કેવું અંગ્રેજી મિશ્રિત ભેળસેળિયું ગુજરાતી બોલે છે એના રમુજી કિસ્સાઓ કહ્યા અને શ્રોતાઓને ખુબ હસાવ્યા. ગુજરાતી ભાષા એની સમૃધ્ધી ખોઇ બેઠી છે એના રમુજી કિસ્સા કહ્યા.આપણી જુની કહેવતોના ગુજરાતી ભાષાંતરની રમુજે શ્રોતાઓને ખુબ હસાવ્યા. પોતાની જાણિતી હાસ્યસભર કવિતાઓ પણ રજૂ કરી. કવિ અને બહેરા શ્રોતાની જોક્સ…સુરેશ દલાલ અને તરલા દલાલની જોક્સ…કબરમાં ફાફડા-ચટણી લઈને પોઢી જવાનું હાસ્યરસિક કાવ્ય…લગ્ન તથા શુભપ્રસંગોએ વાડી ભાડે આપવાની જાહેરાતની મજાક…વિવાહ અને વિવાદ તથા MEAT and EGG ( મીત અને ઇન્દુ ) વાળી જોક્સ…’ પરણીને પસ્તાય તો કે’તો ન’ઇ’ વાળી જાણીતી હઝલ…ને એવી બધી, ઘણી હાસ્યપ્રધાન વાતોએ ,શ્રોતાઓની તાળીઓની ખંડણી તેમણે મેળવી હતી.

કાર્યક્રમના બીજા દૌરમાં, શ્રી. રઈશભાઇએ શેર, શાયરી, કવિતા, ગઝલ, હઝલ, અને નઝમ ની મહેફિલ માંડી હતી.

ઇશ્ક હૈ કતરા કિ દરિયામેં ફના હો જાના

દર્દકા હદસે ગુજરના હૈ કિ દવા હો જાના…….

કવિતા એ નિરાલંબી છે. એને કાગળ, કલમ કે તબલા-પેટી ન જોઇએ…

ગાલિબ, મરીઝ જેવા ગઝલકારોની રચનાઓની અજાણી વાતો સાથે પોતાના કાવ્યો અને ગઝલોની પણ મહેફિલ માંડીને શ્રોતાઓને મુગ્ધ કરી મુકયા હતા.

બે દિવસ પહેલાં, છ્ઠ્ઠી ઓગસ્ટે, ડોક્ટર કોકિલાબેનના નિવાસસ્થાને મળેલી એક અનૌપચારિક ગઝલ વર્કશોપમાં, બે કલાક સુધી , ત્રીસેક જેટલા સર્જકો અને ગઝલનું સ્વરૂપ અને બાંધણી સમજવાની જિજ્ઞાસા ધરાવતા સુજ્ઞ સાહિત્યપ્રેમીઓ સમક્ષ પણ રઈશભાઈએ, પાવર પોઇન્ટ પ્રોજેક્શનની મદદથી, ગઝલના સ્વરૂપ અંગે વિદ્વત્તાપુર્ણ વક્તવ્ય આપ્યું હતું. ‘ કભી કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ’ જેવી જાણીતી નઝમના બંધારણ અંગેની તેમ જ આપણી ઘણી હિન્દી ફિલ્મોના જાણીતા ગીતો કયા રાગ પર લખાયા છે એની ‘લગાગા…લગાલગા’ જેવી ટેક્નીકલ ભાષામાં સમજ આપીને, શ્રોતાઓને પણ એક ઢાળ પરથી એ ફિલ્મી પંક્તિઓ પર લઈ જઈને ગાતા કર્યા હતા એ અનુભવ અદભુત હતો. ગઝલકાર તરીકે ત્રણ કાવ્યસંગ્રહો ઉપરાંત ગઝલના સ્વરૂપ વિશેની સમજ આપતા પુસ્તકો, ‘ગઝલના રૂપ અને રંગ’, તેમજ ‘ગઝલનું છંદોવિધાન’ લખ્યા છે. આ પુસ્તકો હવે યુનિવર્સિટીમાં રેફરન્સ બુક તથા ટેક્સ્ટ બુક તરીકે વપરાય છે. શાયરશિરોમણી મરીઝ વિશેનું, ‘મરીઝ-અસ્તિત્વ અને વ્યક્તિત્વ’ તેમજ, ચુનંદા ઉર્દુ શાયરોનો, ગુજરાતીમાં આસ્વાદ કરાવતું પુસ્તક, ‘માહોલ મુશાયરાનો’ જેવા પુસ્તકો ગઝલરસિકોમાં ખુબ લોકપ્રિય નીવડ્યા છે.

ત્રણ કલાક ચાલેલો આ કાર્યક્રમ સાંજે સાત વાગ્યે પુરો થયા પછી,ખીચડી, કઢી, મસાલાના થેપલા અને મોહનથાળની મજા માણીને સૌ વિખરાયા ત્યારે જાણે કે પુનમની રાતે ઉછળી ગયેલો સાગર અધવચાળે જ અચાનક એના વિપુલ જલરાશિ સાથે અધ્ધર જ સહેમીને થંભી ગયો ન હોય !

કાર્યક્રમની સફળતા માટે, સંસ્થાના કો-ઓર્ડીનેટરો શ્રી. નિખીલ મહેતા અને ધવલ મહેતા, ખજાનચી શ્રી. નરેન્દ્રભાઈ વેદસાહેબ, માનનીય સલાહકાર કવયિત્રી શ્રીમતિ દેવિકાબેન ધ્રુવ, ડોક્ટર કોકિલાબેન પરીખ. શ્રી. પ્રશાંત મુન્શા, કવયિત્રી શૈલાબેન મુન્શા, નિતીન વ્યાસ, દીપક ભટ્ટ, ગીતાબેન ભટ્ટ, શ્રી. ફતેહ અલી ચતુર તથા ‘સાસ’ ( સાહિત્ય સરિતા ) ના અન્ય નામી-અનામી સભ્યોએ તનતોડ મહેનત કરી હતી.

શ્રી. રઈશભાઇ મનીઆર હ્યુસ્ટનના એરપોર્ટ પર ઉતર્યા અને હ્યુસ્ટનથી વિદાય થયા ત્યાંસુધી તેમની સાથે ને સાથે રહેનાર અને તેમની આગતાસ્વાગતાથી માંડીને તેમના ટ્રાન્સ્પોર્ટેશન સુધીની જવાબદારી ઉઠાવનાર, રઈશભાઇના અંગત મિત્ર એવા શ્રી. વિશ્વદીપભાઇ અને રેખાબેન બારડને તો કેમ ભુલાય ? થેન્ક યુ, વિશ્વદીપભાઇ !

લખ્યા તારીખ-૧૯ ઓગસ્ટ ૨૦૧૫- રઈશ મનીઆરનો જન્મદિવસ

April 17th 2021

ઠેસ જ્યાં લાગે જરા ને મા યાદ આવે..

ઠેસ જ્યાં લાગે જરા ને મા યાદ આવે…..

પાલવનો ટુકડો મીઠું વ્હાલ સજાવે,
આમ તો ના કોઈ કમી જીવનમાં જરાયે,
તો સપનામાં રોજ મા હાલરડાં કાં વાવે?
મોતી ચમકતું આંખ ખૂણે, એ છુપાવે……..ઠેસ જ્યાં લાગે જરા ને મા યાદ આવે!

ગયા સહુ છોડી એ શું બની જાય તારા?
કૌતુકભરી નજરો શોધે, હશે કોઈ મારા?
વરસાવે સહુ અઢળક પ્રેમની અમૃત ધારા!
યાદોના ખુલે પટારા, અશ્રુ ના તોરણ બંધાવે……..ઠેસ જ્યાં લાગે જરા ને મા યાદ આવે!

ના અણગમો ના અફસોસ ચહેરા પર દિસે,
મનની વાત ગોપાવે, ન જાણે કોઈ એ વિશે,
પાંપણ પર આવી અટકે વાત, હમણા કાંઈ કહેશે,
ખરબચડા હાથની ઉષ્મા, ક્યાંથી દિલ ભૂલાવે……ઠેસ જ્યાં લાગે જરા, ને મા યાદ આવે!!

શૈલા મુન્શા તા. ૧૬ એપ્રિલ ૨૦૨૧
(સમર્પિત મારી બે માતાને)

April 5th 2021

કામના છે!


આંખનાં ઊંડાણમાં, ભીના મરમની કામના છે;
રણ વચાળે ઝાંઝવા, વ્હેતા ઝરણની કામના છે!

હાથની સીધી લકીરે, અટપટું તકદીર દીસે;
ના કદી જગ પર ભરોસો, બસ પરમની કામના છે!

ક્રૂરતાની હદ વળોટી થાય દાનવ ખેરખાંઓ,
મા ભવાની સમ હણે દુશ્મન, ધરમની કામના છે!

ભેદભાવોની જૂની સીમા, ડસે નાગણ સરીખી;
માણસાઈ એ જ સર્વોત્તમ, ચરમની કામના છે!

પીઠ પાછળ ખોંપે ખંજર, ઘાવ આપે સૌ નિકટના;
આપે કોઈ સાથ, અણધાર્યાં મલમની કામના છે!

શૈલા મુન્શા તા. એપ્રિલ ૦૫/૨

March 21st 2021

મુક્તક

કુદરતની લીલા જુઓ અણદીઠી કેવી,
પળમાં જ અચંબિત કરે જગને એવી;
ઉકળતા રણમાં વરસે બરફનો વરસાદ,
વિજ્ઞાને કરેલી પર્યાવરણની મહાદશા જેવી!

શૈલા મુન્શા તા. માર્ચ ૨૧. ૨૦૨૧

March 17th 2021

होलिका

होलीका त्योहार जब भी आता है,
अंबर पर जैसे ईन्द्रधनु छा जाता है;
खीलती कलियोंसे बसंत लहेराती है,
रंगोकी बौछार खुशियां साथ लाती है।

जब दानव हिरण्यकशिपु राजा बना था,
दुष्टताकी हर सीमाका उल्लंघन किया था;
नगरमें न त्योहार बसंतका, न नाम प्रभुका,
तभी खत्म करने पापीको, बालक जन्मा था प्रहलाद।

बडा ही सच्चा बच्चा था, हरिगुण नित गाता था,
पिता हिरण्यकशिपुने की सारी कोशिश खत्म हो प्रहलाद;
लिया आशरा बहन होलिकाका, जब हुआ न काम तमाम,
रचा षडयंत्र, छलसे करना विनाश प्रभुभक्त प्रहलादका।

था अभिमान होलिकाको, मिला था वरदान,
न मरती दिन में न रातमें, न जला सकती अग्नि उसे;
भाविने बस भुला दिया, बैठी अगनज्वाला बीच,
हुई थी शाम और भक्त प्रहलाद था गोदीमें रटता रामनाम।

जली होलिका खुदीके अभिमानसे, हुई रक्षा प्रहलादकी,
शिवने किया उध्धार निष्काम भक्तिका, करके नाश दुष्टताका;
दिन था वह फागुन सुद पूनमका, नवजीवन और उत्सवका,
भर गया आसमान भी अबील गुलालके रंगोसे।

मना रहे हैं लोग तबसे त्योहार होलीका रंगभरे नवजीवनका,
पता नहि कहांसे फिर प्रगटा एक पापी धरके नया रूप;
नजर नहि आता पर बरसाता कहर, चपटकी उसमे सारा विश्व,
कोरोना कहेलाता, कोई उसे रोक नहि पाता, सबको रुलाता।

चाहती हुं होलिका फिर स जनम ले,
हां हां मुझे पता है, होलिका बडी दुष्ट है;
पर ईसबार नाश करे कोरोनारुपी राक्षसका,
जलाकर भष्म कर दे, भरदे खुशीयां जिवनमें।

ईस बार मनाये होली सब मिलकर साथ साथ,
हो जाये भष्म कोरोना ऐसा, ना दिखाई दे कभी आसपास;
लोगोंका जीवन हो रंगोकी तरह रंगीन, और खुशहाल,
जबसे आई है वेक्सिन बनके वरदान।

करती हुं प्रार्थना विश्व कल्याणकी,
होलीकी शुभेच्छा और उन्नति मानव समाजकी।

शैला मुन्शा दिनांक १७ मार्च २०२१

« Previous PageNext Page »
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.