February 14th 2021

અવલોકન -પુસ્તક પરિક્રમા-લેખક કેપ્ટન નરેન્દ્ર

એક શિસ્તબધ્ધ સૈનિક જે સફાઈથી બંદૂક ચલાવી શકે, જે ઝીણવટથી દુશ્મનોએ બિછાવેલી સુરંગ વચ્ચેથી માર્ગ શોધી શકે એ જ કેપ્ટન જ્યારે સૈનિક જીવનના અનુભવો “એક જિપ્સીની ડાયરી” એક આત્મકથાનક પુસ્તક રુપે રજૂ કરે ત્યારે એ કલમની તાકાતનો પરચો મળી જાય.
નરેન્દ્રભાઈનો પ્રથમ પરિચય દાવડાના આંગણામાં જિપ્સીની ડાયરી હપ્તાવાર રજૂ થઈ ત્યારે થયો. પહેલું પ્રકરણ વાંચ્યા પછી દર અઠવાડિએ આતુરતાથી બીજા પ્રકરણની રાહ જોતી.
એમણે મારા દિવ્યાંગ બાળકોના રોજિંદા પ્રસંગો વાંચ્યા અને ક્યારે અમારી મિત્રતા થઈ ગઈ એ ખ્યાલ પણ ના રહ્યો. ૨૦૨૦ના જાન્યુઆરીમાં હું ભારત ગઈ અને એમનુ પુસ્તક “જિપ્સીની ડાયરી ખરીદ્યું ત્યારે એમણે “પરિક્રમા” વિશે વાત કરી હતી.
પરિક્રમા જુલાઈ ૨૦૨૦માં છપાયું અને નવેમ્બર મહિનામાં મને કેપ્ટન સાહેબે (જે હમેશ પોતાનો ઉલ્લેખ જિપ્સી તરીકે કરે છે) કેલિફોર્નિઆથી એ પુસ્તક ભેટ રુપે મોકલ્યું.
આખું પુસ્તક વાંચ્યા પછી દિલના ઊંડાણમાંથી જે ભાવ પ્રગટ થયો એ “અદ્ભુત અદ્ભુત અદ્ભુત” સિવાય બીજો કોઈ નહોતો.
૨૦૧૪માં મૂળ પુસ્તક અંગ્રેજીમાં “Full circle” નામે છપાયું. અને નરેન્દ્રભાઈએ જ એનો અનુવાદ ગુજરાતીમાં કર્યો. દસ વર્ષની અથાક મહેનત, કેટલા સંશોધનના પરિણામે આ સુંદર કલાકૃતિ એક નવલકથા રુપે અવતરણ પામી છે. આટલા જ સાહિત્ય સર્જને નરેન્દ્રભાઈ એક ઉચ્ચ કોટિના સાહિત્યકારની હરોળમાં અગ્ર સ્થાન પામી ચુક્યા છે.
પરિક્રમા એક કાલ્પનિક કથા છે કે સત્ય ઘટના એની વિમાસણ અચૂક દરેક વાંચનારના મનમાં જાગશે.
શ્રી કનૈયાલાલ મુન્શી એમની ઐતિહાસિક નવલકથાઓ માટે ગુજરાતી સાહિત્યના શિરમોર ગણાય છે. બધા ઐતિહાસિક પાત્રોમાં કાક અને મંજરી કાલ્પનિક પાત્રો હોવાં છતાં મુન્શીની કલમે, એમની વર્ણન શક્તિએ એ પાત્રોને અજર અમર કરી દીધાં, એમ જ પરિક્રમા વાંચતા એના બધા પાત્રો, ખાસ કરીને જગતસિંહ અને શરનદેવી જેવા પાત્રો સાથે આપણે પણ સતત જોડાયેલા રહીએ છીએ.
ચાર વિભાગમાં પથરાયેલી આ સફર સામાન્ય જનજીવનથી શરૂ થઈ,બીજા વિભાગમાં ૧૮૫૭ના વિપ્લવનો ઐતિહાસિક ચિતાર આપી બાબુ કુંવરસિંહ, અમરસિંહ જેવા વિપ્લવકારીઓની અંગ્રેજો સાથે લડાઈ, રિસાલદાર પાંડે, જગતસિંહનુ વિપ્લવી બની ભાગી છુટવું, ત્રીજા વિભાગમાં શરીરના રુંવાડા ખડા કરી દે તેવું ગીરમિટીયાઓની મજુરી, દરિયાઈ સફર, તેના રોમાંચકારી બનાવો, સાન્ડ્રા ડેબીનુ સ્વચ્છતા અભિયાન અને ડોક્ટરને મદદરુપ થવું, વેસ્ટ ઈન્ડીઝ, ગયાનામાં વરસતો જુલમનો કોરડો પાશવતાની હદ ઓળગી દેતો અત્યાચાર એ વર્ણન આબેહુબ દ્રષ્ય તમારી નજર સમક્ષ ખડું કરી દે છે. ચોથા વિભાગમાં દોઢસો વર્ષ પછી ભારત પાછા જઈ પોતાના મૂળ શોધવાના પ્રયત્ન. અમેરિકામાં ઉછરેલા શોન અને સુઝનની પોતાના પૂર્વજોને શોધવાની અગમ્ય લાલસા.
જાન્યુઆરી ૧૯૯૮ બિહારથી શરુ થતી આ કથા રામેશ્વર, રાધાના અવસાન બાદ રુપવતીએ લીધેલી કિશોરની સંભાળ, રાધા અને રુપનુ પાત્રાલેખન, લેખકની વર્ણન શક્તિનો પુરો પરિચય આપે છે.
“કિશોરને અંકમાં લેતા જ રુપના હ્રદયમાં એક ઝણકાર થયો અને તેનામાં આત્મબોધના પ્રકાશનો ધોધ વછૂટ્યો. તેનામાં નવજાગ્રુતિ આવીઃ તેના પરિવારની આ સિંહા કુળની તે હવે એકમેવ નાયિકા હતી. વીર સૈનિકની પુત્રી હતી.”
૧૦૫મી ઈરેગ્યુલર કેવેલ બેંગાલ નેટિવ આર્મી પ્રકરણમાં જગતસિંહને નાના પાસેથી થનગનતો શ્યામલ વછેરો ભેટમાં મળેલ જેનુ નામ એમણે મેઘ રાખ્યું હતું એ દોસ્તીની કહાની, મેઘથી છુટા પડવાની વેદના, જગતસિંહનો પરિણય, શરનદેવીને પ્રથમવાર જોતાંજ મનમાં જાગૃત થયેલા ભાવ, પ્રેમ ખાતર રાજગાદીનો ત્યાગ, સૈન્યમાં ભરતી, રિસાલદાર પાંડે સાથેની યુધ્ધભુમિની કથા, એક પિતા પુત્રનો સંબંધ રિસાલદારનો અંત, એક એક વર્ણન વાંચતા એક કાવ્યમય કથા ગધ્યરુપે પ્રગટ થઈ રહી હોય એવું લાગે છે.
વેસ્ટ ઈન્ડીઝ થી ટ્રીનીદાદની સફર, રામ પરસોદ અને સાંડ્રા ડેબીનુ જીવન, કમલા ગ્રેની પાસે શોન અને સુઝાને સાંભળેલો એમનો ઈતિહાસ કૃષ્ણમુર્તિનુ રહસ્ય શોનના નામકરણ પાછળનો ઈતિહાસ,અને શોન સુઝનનુ બિહાર બાળકીને દત્તક લેવા જવાનુ નિમિત્ત.
પુણ્યભુમિ ભારત યાત્રા દરમિયાન એક પછી એક સગડ શોધી છેવટે રુપવતી સુધી પહોંચવું, શોનને જોતાં રુપવતીના પ્રત્યાઘાત “શોનને જોઈ આ યુવતીનો ચહેરો ભયથી ધોળી પુણી જેવો થઈ ગયો. આંખો પહોળી થઈ ગઈ અને મોંમાંથી સિસકારા જેવા શબ્દો નીકળ્યા, હાય રામ! ભૈયાજી આપ?”
સાથે જ રામપ્રસાદના દિકરા કિશોરના શોનને જોઈ પ્રત્યાઘાત રુપે નીકળેલા શબ્દો, અગલા વર્ષે સાન્તા અને હનુમાનજી પાસે માતાપિતાને પાછા મેળવવાની નાતાલમાં કરેલી માંગણી આ નાતાલમાં આમ પુરી થશે એ તો કિશોરની કલ્પના બહાર હતું.
રુપવતીનો રાજવંશ સાથેનો નાતો અને નાનામાં નાના પાત્રનુ ચિત્રીકરણ એવી કાવ્યમય ભાષામાં કર્યું છે કે દરેક પાત્ર હુબહુ આપણી નજર સમક્ષ ખડું થઈ જાય.
અંતે શોન અને સુક્ઝન દત્તક લીધેલી દિકરી રાણી અને કિશોરને લઈ અમેરિકા જવા નીકળે છે.
શોન જ્યારે કિશોરને આળખી નથી શકતો ત્યારે એ નાનકડા બાળકનુ માનસ ચિત્ર લેખકે એટલું ભાવભર્યું આલેખ્યું છે કે વાચક એ ભાવમાં સામેલ થયા વગર રહી શકતો નથી.
કિશોરના મનના જખમ બેવડાયા. શરીર પર પડેલા જખમમાંથી રક્ત વહે; મન પર પડેલા કાતિલ જખમ તો આંખોમાંથી નીકળતા રંગહીન પ્રવાહી જ દર્શાવે. કિશોરે જ્યારે સાન્ટા પાસે આગલી નાતાલમાં માંગેલ ભેટની વાત કરી તે જ ઘડીએ શોને નક્કી કર્યું ” આ બાળકને તેના પિતાની ખોટ બે-બે વાર સહન કરવાનુ દુઃખ અને દુર્ભાગ્ય ન મળવું જોઈએ. તેની નજરમાં હું શોન નહિ એનો પિતા હતો.”
અંતે શોન અને સુઝન દત્તક લીધેલી દિકરી રાણી અને કિશોરને લઈ અમેરિકા જવા નીકળે છે.
આમ બિહારથી શરુ થયેલી કથા બિહારમાં પુરી થાય છે.
લેખક કેપ્ટન નરેન્દ્ર ફણસે પોતે પણ એક પાત્ર તરીકે કથા પ્રવાહમાં જોડાય છે. કેપ્ટન તરીકે લશ્કરમાંથી નિવૃત થયા બાદ લંડન સ્થાયી થઈ સમાજસેવા વિભાગમાં સર્વિસ ડાયરેક્ટર તરીકે સેવા આપતાં લાઈબ્રેરીમાં શોન અને સુઝનને મળે છે અને એમના પુર્વજોને શોધવા પોતાના સૈનિકજીવન દરમ્યાનના સંપર્કો અને ખાસ બાબુ કુંવરસિંહની યુધ્ધનીતીનો પોતે લશ્કરી ટ્રૈંનિંગ દરમ્યાન કરેલો અભ્યાસ એના પેપર હિંદીમાંથી ભાષાંતર કરી શોનને આપે છે. આ કાલ્પનિક મુલાકાત એટલી સહજ લાગે છે કે સાચે જ આ એક વાસ્તવિક કથા છે.
રઘુરાજપુરના એક પરાક્રમી, સ્વરુપવાન રાજકુંવર થી જગતપ્રતાપસિંહ, રામ પરસોદ ની આસપાસ ફરતી આ કથા એમાં આવતા પ્રસંગો કાલ્પનિક હોય એવું જરા પણ માની શકાતું નથી. માતા પિતાનો ત્યાગ અને છ વર્ષ પછી દેશ છોડતાં પહેલા આખરી મિલન, બધા પ્રસંગો આંખમાં પાણી લાવ્યા વગર રહેતા નથી. ઈતિહાસ અને વિપ્લવ સાથે જોડાયેલ પ્રુષ્ઠભુમિમાં લેખકનુ પોતાનુ દસ દસ વર્ષનુ સંશોધન એમના સૈનિક જીવનનો સંઘર્ષ અને પુરી દુનિયાની પરિક્રમા કરાવતી આ નવલકથાના પાને પાને કાવ્ય ઝરે છે.
એકવાર આ પુસ્તક હાથમાં લીધા પછી એને વાંચ્યા વગર ઊભા ન થવાય. જુદાજુદા કાળપ્રવાહમાં વહેતી હોવાં છતાં નવલકથામાં ક્યાંય વિસંગતા નથી લાગતી.
વાચકોની ઉત્તેજના અને રહસ્યો પરથી પડદો ના હટે એટલે મારી કલમને અહીંયા રોકું છુ, અને બાકીના રસપ્રવાહમાં વહેતા રહેવાનુ વાચક પર છોડું છું.
કેપ્ટન નરેન્દ્ર ફણસેને કોટિ કોટિ સલામ આવું અદ્ભુત સર્જન કરવા બદલ.

અસ્તુ,
શૈલા મુન્શા તા. ફ્રેબુઆરી ૧૩/૨૦૨૧

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.