March 21st 2020

રમત ખિસકોલીની!

કરે સહુ લોક ચિંતા કાલની,
ને પેલી ખિસકોલી બેઠી વંડીની ધારે,
ખાય મજેથી કતર કતર ઠળીયું.

જોયું જ્યા મેં સામે એની,
ડોળા કાઢી થઈ ઉભી ને,
પૂછડી કરી એવી ટટ્ટાર,
જાણે પડ્યો ભંગ સ્વાદમાં!

તતડાવી ડોળા નજર ઘુમાવી,
છે કોઈ બીજું ખલેલ કરનાર?
વટથી કર્યું સ્થાન ગ્રહણ એવું
સમજી મુજને કોઈ તુચ્છ જંતુ!

રમતી હશે આ ખિસકોલી રોજ,
તોય કદી મળીના ફુરસદ એવી,
સૂરજ ઉગે પહેલાં દોડવું ને,
આથમે સૂરજ પહોંચવું ઘેર.

નહિ જવાની દૂર ક્યાંય,
નજારો કુદરતનો ચોપાસ,
કોરોનાએ વર્તાવ્યો કેર જ્યાં,
રાખ્યા સહુને ઘરમાં નજરકેદ!

ભુલીને સહુ ચિંતા કાલની,
મળી જે પળ નિંરાતની,
સંગત મારીને ખિસકોલીની,
મજેથી માણી રહી છું આજ!!!

શૈલા મુન્શા તા ૦૩/૨૧/૨૦૨૦

November 16th 2019

ખોવાયું બાળપણ!

ખોવાયું બાળપણ!!
ગિલ્લી દંડા ગયા ક્યાં ખોવાઈ?
ને ઉભો ખો તો ગયો સાવ બેસી,
લંગડી તો થઈ ગઈ સાવ લંગડી,
ને છુપન છુપાઈ તો બસ ગઈ છુપાઈ!
બાળપણ જે માણ્યું અમે, મિત્રોની સાથ,
ગાંઠ એ દોસ્તીની રહી મજબૂત આજ!
પડે નિશાળમાં રજા, ને જામતી મહેફિલ,
ક્યાં થાતા બપોરાં, ને કોને ત્યાં રાત?
મમ્મી ક્યાં રહેતી કોઈ એકની ક્યારેય,
જમવા ટાણે બેસતી મિત્રોની લંગાર,
બની ગયો એ જમાનો ઈતિહાસ આજે,
ઉન્નતિને પ્રગતિ કે વિજ્ઞાનની હરણફાળ!
ભુલાવી મિત્રો, આપે આઈપેડનો સાથ,
બધું આવડે, હો ગુગલનો જયજયકાર!
આ વોટ્સેપ ને ફેસબુક શું આવ્યું?
ને સમાયું ફોનમાં જ જગત આખું!
મેદાનમાં બોલ ઝીલતી આંગળીઓ,
હથેળીના નેટ પર દોડતી થઈ ગઈ!
વહેંચીને ખાવાની વાત ગઈ ભુલાઈ,
મારું ને મારામાં જ દુનિયા ગઈ સમાઈ!!

શૈલા મુન્શા તા ૧૧/૧૬/૨૦૧૯

September 14th 2019

કાગડા એ ખાધી ખીર!

કાગડા એ ખાધી ખીર, સહુએ કર્યાં યાદ પૂર્વજોને,
વિચારે કાગડો કેમ કરૂં યાદ હું પૂર્વજો ખુદના,

કરી એક દિવસ પૂજા, પ્રભુની, ને મળી ગયું પુણ્ય,
બાકીના દિવસોએ પાપ કરવાની પાવતી મળી જાય!!

ખુદ લોકો જ આપે છે હવા પાખંડીઓને જ્યાં,
ધુતારા ફાવી જાય તો નિઃસાસા કેમ નંખાય છે?

ગર્ભમાં ખુદ કરો વિનાશ અણજન્મી બાળકીનો
ને મંદિરોમાં મા અંબાનો જયજયકાર થાય છે!!

વિસર્જિત કરી દઈએ બાપ્પાને ધામધૂમથી સાગરમાં,
મંડાય મોકાણ પર્યાવરણની એની શી ચિંતા સમાજને!!

માણસાઈ જ ધર્મ, અને વિશ્વ એ જ કુટુંબ સાચું,
અમલમાં મુકવાની કરો શુભ શરુઆત આજથી.

આપો સંસ્કાર એ જ ગળથૂથી થી નવી પેઢીને,
કરો નવનિર્માણ બનાવી વસુંધરાને સ્વચ્છ સુંદર!!

શૈલા મુન્શા તા. ૦૯/૧૪/૨૦૧૯

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help