January 17th 2022

સંભારણું – ૮

૨૦૨૨નુ વર્ષ શરુ થયે પંદર દિવસ પસાર પણ થઈ ગયા. નવું વર્ષ નવી આશા અને ઉમંગ લઈને આવે પણ આ વર્ષ હજી પણ જાણે ભયનો, એક ડરનો આંચળો ઓઢીને આવ્યું છે. વાયરસની ત્રીજી લહેરમાંથી જગત હજી મુક્ત નથી થયું, પણ હવે લોકો એને એક દૈનિક પ્રક્રિયાની જેમ સ્વીકારતાં થઈ ગયા છે.
હમેશ કેમ એવું થાય છે કે જીવન જરા થાળે પડે અને કોઈ અણધારી ઘટના પાછું બધું ડામાડોળ કરી દે. છેલ્લા બેત્રણ દિવસના વાંચને, ટીવી પર જોયેલા કાર્યક્રમે મન વિચલિત કરી દીધું.
એક ડાયરીનુ પાનું ફેસબુક પર વાંચ્યું. ૨૦૨૧ ની વિદાય અને ૨૦૨૨ નુ સ્વાગત કોઈના જીવનમાં દારૂણ વેદના લઈને આવ્યું અને એ વેદના જ્યારે આપણા કોઈ સ્વજનના જીવનમાં બને એનો આઘાત વધુ લાગે. ૩૧મી ની રાત્રે તમે બહારથી ઘરે આવો અને ઘરમાં બધું વેરણછેરણ જુઓ. ખબર પડે કે ફટાકડાના અવાજમાં બારીનો કાચ તોડ્યાનો અવાજ દબાઈ ગયો, અને કોઈ હાથ સાફ કરી ગયું. કબાટ, ડ્રેસરના ખાનાં બધું જ ખાલી; જીવનભર કમાયેલી મુડી ક્ષણમાં ગાયબ. પણ આ ભૌતિક પાયમાલી વચ્ચે પણ જ્યારે મનમાં એક સમતા કે “બન્ને સલામત છીએ” એ જીવનનો બહુ મોટો અહેસાસ છે. એ વાંચી એ સ્વજનો માટે વધુ આદર અને પ્રેમની લાગણીનો અહેસાસ થયો. ભૌતિક સંપત્તિ તો પાછી મેળવાશે પણ બન્ને સલામત છે એ ભાવના એમના સ્વભાવની ધૈર્યતાનો આભાસ આપે છે.
સાંજે ટીવી જોતાં ફરી એક વાતે મને મારા જીવનનો આઘાત તાજો કરી દીધો તો એવા જ બીજા કાર્યક્રમે જીવન જીવવાનો અભિગમ વધુ બળકટ બનાવી દીધો.
ટીવીના સારેગમ કાર્યક્રમમાં આ વખતે શ્રોતાઓ પોતાની પસંદગીના ગીતો પોતાને ગમતા કલાકાર પાસે સાંભળવા આવ્યા હતા. એક દિવ્યાંગ બાળકના માતાપિતા વ્હીલચેરમાં પોતાના પુત્ર સંસ્કારને લઈને આવ્યા હતાં. નોર્મલ જન્મેલા આ બાળકને નવ દિવસની આયુમાં કોઈ ગફલતને કારણે માનસિક સંતુલન ગુમાવવું પડ્યું. આ સંસ્કાર મને અમેરિકામાં છેલ્લા વીસ વર્ષથી દિવ્યાંગ બાળકો સાથે કામ કરું છું એ સ્મરણકેડી પર લઈ ગયો. આ બાળકો પણ તમારા પ્રેમનો, લાગણીનો પ્રતિભાવ આપે છે. કોઈના ગુસ્સા કે કોઈની અવહેલનાનો એમને ખ્યાલ આવી જાય છે. જ્યારથી હું આ બાળકો સાથે કામ કરું છું અને એમની તકલીફો સાથે પણ એમને આનંદમાં રહેતા જોઉં છું તો મને પણ જીવવાની પ્રેરણા મળે છે. કેટલાય બાળકોની દિવ્યાંગતાનુ કારણ કુટુંબ, માતાપિતાકે ઘરના કોઈ વ્યક્તિની ભૂલનુ પરિણામ હોય છે ત્યારે મન આઘાતથી વિચલિત થઈ જાય છે. અમારાથી થાય એટલો પ્રેમ શિક્ષણ અમે આ બાળકોને આપીએ છીએ અને જ્યારે માતાપિતા પોતાના બાળકની પ્રગતિ જુએ ત્યારે એમની આંખોમાંથી છલકતો આભાર અમારી સાચી મુડી છે. મારાં આ બાળકોનો પ્રેમ મને સતત મળતો રહ્યો છે અને સંસ્કારના માતાપિતાની એના માટેની કાળજી પ્રેમ જોઈ મન ખુશ થઈ જાય છે. સંસ્કારને સંગીત સાંભળવું ગમે છે અને એનુ ગમતું ગીત માસુમ ફિલ્મનુ “तुझसे नाराज नहि जिंदगी हैरान हुं मैं” જ્યારે નીલાંજના અને સચિને ગાયું ત્યારે સહુની સાથે સંસ્કારની આંખમાં પણ આંસુ અને ચહેરા પર ખુશી દેખાઈ રહી હતી. કોણ કહે છે કે આ દિવ્યાંગ બાળકોમાં કોઈ લાગણી કે ભાવ નથી હોતો!!
હું નસીબદાર છું આવી નાની નાની ખુશીની પળો જીવવાનો મોકો મારા આ માસુમ બાળકોએ મને ઘણીવાર આપ્યો છે.
એ જ દિવસે ટીવી પર India’s Got Talentsનો કાર્યક્રમ હતો. ઓગણીસ વર્ષની ઈશિતા ગીત પ્રસ્તૂત કરવા આવી હતી, પંજાબી પર એણે જરા મોટું એવું જેકેટ પહેર્યું હતું. પેનલ પરના જજને નવાઈ લાગી અને પૂછ્યું કે ઠંડી લાગે છે? એના જવાબમાં ઈશીતાએ જે કહ્યું એ ફરી મને મારા એ જ ઉંમરના પડાવે લઈ ગયું. સ્મરણોના તાર ક્યાંથી ક્યાં જોડાઈ જાય છે!!
ઈશિતાના પિતાનુ મૃત્યુ એક મહિના પહેલાં જ થયું હતું અને આજે એ પપ્પાને શ્રધ્ધાંજલિ સમર્પિત કરવા આ મંચ પર ગીત ગાવા આવી હતી અને પપ્પાની હુંફ અને પ્રેમનો અહેસાસ રહે એ માટે એ પપ્પાનુ જેકેટ પહેરીને આવી હતી. નાનપણથી એના હુન્નરને પારખી પપ્પાએ હમેશ એને સંગીત માટે પ્રોત્સાહિત કરી હતી. એમની સાધના, તપસ્યા પ્રોત્સાહનને જીવંત રાખવા, જીવનમાં એમના નામને રોશન કરવા ઈશિતાએ સંગીતને પોતાનુ જીવન બનાવ્યું હતું. એને પસંદ કરેલું ફિલ્મ મેરા સાયાનુ ગીત “तु जहां जहां रहेगा, मेरा साया साथ होगा” એટલા મધુર સ્વરે ગાયું કે સહુની આંખો ભીની થઈ ગઈ. ઈશિતા એની મમ્મી અને નાની બહેન સ્ટેજ પર હતાં અને ઈશિતા જાણે રાતોરાત પરિપક્વ બની ગઈ હોય, એવી લાગતી હતી. ઘરની જવાબદારીએ એને હિંમતવાન બનાવી દીધી. મમ્મીને બહેન સામે મક્કમ રહી એકાંતમાં રડતી રહી.
મારી પણ કથની કાંઈ એવી જ હતી. લગભગ એ જ ઉંમરે મેં મારા પિતાને ગુમાવ્યા, નાની બહેન અને મમ્મી અમે ત્રણે એકબીજાના પૂરક થઈને રહ્યાં. પરિસ્થિતિ વ્યક્તિને જીવતાં અને મુસીબતોનો સામનો કરતાં શીખવાડી દે છે.
મારા મિત્રની ડાયરીનુ પાનું અને મેરી સ્ટીવન્સનની કવિતાનુ વાક્ય યાદ આવી ગયું.” anything can happen to anybody, anytime in life”
પ્રભુએ દિલ અને દિમાગ એવા યંત્રો બનાવ્યા છે જેનો ભેદ કોઈ પામી શકતું નથી. ક્યારેક તો બન્ને સંપીને કામ કરે છે તો ક્યારેક સાવ વિરુધ્ધ!! દિમાગ કહે છે વર્તમાનમાં જીવ અને દિલ એ તો હઠીલું બધી યાદોને એના પટારામાં પુરી રાખે છે. ભલે વર્તમાનમાં જીવીએ પણ આમ જ આજની ક્ષણ જ તો આપણને દિલના દરવાજે દસ્તક દઈ ભૂતકાળમાં લઈ જાય છે અને સંભારણાની સાંકળ જોડાતી જાય છે!! એના થકી જ તો જીવન જીવાતું જાય છે.

અસ્તુ,
શૈલા મુન્શા તા.૧૭ જાન્યુઆરી ૨૦૨૨

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.