May 2nd 2011

એમી -૮

નટખટ અને જમાદાર એમી ને બસ ક્લાસમા એનાથી ચઢિયાતું કોઈ ના હોવું જોઈએ. હમણા થોડા દિવસ પહેલા અમારા ક્લાસની બીજી છોકરી લેસ્લી ની વર્ષગાંઠ હતી. લેસ્લી છ વર્ષની થઈ.એની વર્ષગાંઠ ઉજવી એટલે એમી નારાજ થઈ ગઈ, મારી વર્ષગાંઠ કેમ નહિ અને હું ચાર વર્ષની કેમ? એને કેટલું સમજાવ્યું પણ બેન માનવાને તૈયાર નહિ. કોમ્પ્યુટર પર “હું કોણ છું” ની રમત રમાડીએ તો એમી ચાર ને બદલે છ મીણબત્તી જ પોતાની કેક પર મુકે.એની વર્ષગાંઠ જુન મા આવે છે ત્યારે એ પાંચ વર્ષની થશે પણ અત્યારે તો એ અમારા બધાની દાદી છે.
આજે એના રૂવાબનો એક નવો નમુનો જોવા મળ્યો. અમારા બાળકો નાના છે એટલે રોજ બપોરે એમને એક કલાક સુવાડી દઈએ. આજે એ બહેન ધમાલ ના મુડમા હતા. પોતે સુવાને બદલે આજુબાજુ સુતા બાળકોને પણ અવાજ કરી સુવા ના દે, હસ્યા કરે, જાતજાતના ચાળા કરે. છેવટે મીસ મેરીએ ગુસ્સો કરી એને ત્યાંથી ખસેડીને રૂમના બીજા ખુણે એકલી સુવાડી. હું ત્યારે જમવા ગઈ હતી. જ્યારે પાછી આવી તો એમી ને અલગ જગ્યાએ જોઈ ને સમજી ગઈ કે એણે કાંઇ કર્યું લાગે છે. મેરીએ મને બધી વાત કરી પણ એમી તો રડું રડું થતી સુતી હતી.
અમે બન્ને ટીચર જ્યારે આવું ક્લાસમા બને તો એકે ગુસ્સો કર્યો હોય તો બીજું મનાવી લે. એટલે મે એમી ને જુદા સુવાનુ કારણ પુછ્યું અને સમજાવી પટાવી પાછી એની મુળ જગ્યાએ સુવા જવાનુ કહ્યું. મેરીએ પણ એને બોલાવી પણ હજી એનો ગુસ્સો મેરી પરથી ઉતર્યો નહોતો. બીજી બાજુ મોઢુ કરી ને એ સુવા જતી રહી. કલાક પછી ઉઠવાનો સમય થયો અને નાસ્તાનો સમય થયો. મેરીએ એમીને નાસ્તો કરવા બોલાવી તો ના કહીને બેસી ગઈ.
આટલી નાની છોકરી ને પણ જાણે સ્વમાન કેટલું વહાલું છે કે બસ મને ગુસ્સો કર્યો જ કેમ? જો કે બે મીનિટ મા બધાને બીસ્કીટ ખાતા જોઇ નાસ્તાના ટેબલ પર આવી ગઈ અને પાછી અમારી રમતિયાળ એમી બની ગઈ.
આ બાળકો સાથે કામ કરવાની એજ મઝા છે. એમની રીસ પણ લાંબી ટકતી નથી અને એમનો ગુસ્સો પણ લાંબો ટકતો નથી.
આ બાળકોને ભલે બીજી બહુ લાંબી સમજ નહિ હોય પણ એટલું એમને ખબર છે કે ટીચર એમને ખુબ વહાલ કરે છે અને મને પણ એજ સંતોષ આ બાળકો સાથે કામ કરીને મળે છે. રીસાયા પછી પણ દોડતાં આવીને વળગી પડે એનાથી વિશેષ શું જોઈએ.

શૈલા મુન્શા. તા ૦૫/૦૨/૨૦૧૧.

1 Comment »

 1. તમારો લેખ વાંચીને મને મારા ઘરમાં બનેલ પ્રસંગ યાદ આવી ગયો.
  તમે તો થોડી મંદ બુધ્ધિ વાળા બાળકોની વાત કરી પરંતુ નોરમલ બાળકો
  પણ આ જાતનુ વર્તન કરતા હોય છે .
  મારી ગ્રાન્ડ ડોટર જુહી ૮ વર્ષની છે , અને તીની બર્થડે જુલાઈ મહિનામાં
  આવે છે
  અને મારો ગ્રાન્ડ સન રાજ ૫ વર્ષનો છે ,તેની બર્થડે જુન મહિનામાં આવે છે.
  તો બે વર્ષ પહેલા ,જુહી રડવા લાગી તમે રાજની બર્થડે મારા પહેલા કેમ
  મનાવો છો ? હુ મોટી છુ એટલે મારી બર્થડે પહેલા આવે ,મારી પહેલા
  મનાવો પછી રાજની મનાવો .તેને ઘણી બધી સમજાવી ત્યારે રડવાનુ
  બંધ થયુ .
  સાચેજ બાળ માનસ સમજવુ ઘણી વખત મુશ્કેલ થઈ જાય છે .

  Comment by hema patel . — May 4, 2011 @ 2:45 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help