July 11th 2010

દીકરી દેવો ભવ- પૂ. મોરારી બાપુ નો લેખ

મારી દષ્ટિએ મા એ મમતાની મૂર્તિ છે, પિતા વાત્સલ્યમૂર્તિ છે, પરંતુ દીકરી એ દયાની મૂર્તિ છે. એ મમતા છોડીને પતિગ્રુહે જાય છે. એના વાત્સલ્યનુ સ્થાન પણ બદલાતું હોય છે, પરંતુ એનુ દયાપણું અકબંધ રહે છે. અને તે ખાસ કરીને પિતા તરફની એની દયા, મારા અનુભવે, ખુબ જ વિશેષ હોય છે.
દીકરી જીવનની તમામ ઘટનાઓને પોતાના વિવેક અને મા-બાપના સંસ્કારના બળે સહી લેતી હોય છે, જીરવી લે છે, પરંતુ એના બાપને કાંઈ થાય એ એના માટે સદાય અસહ્ય હોય છે. કોઈ એને કહે કે તારા પિતાની તબિયત બરાબર નથી. બસ, દીકરીની સ્થિતિ દીકરી જ જાણે.
મારી સમજ કાંઈક એવી છે કે પુત્ર એ પિતાનું રૂપ છે, પરંતુ પુત્રી એ તો પિતાનુ સ્વરૂપ છે. પુત્ર એ બાપનો હાથ છે, પરંતુ દિકરી એ બાપનું હૈયું છે, અને એટલે જ તો બાપ જ્યારે કન્યાદાન આપતો હોય ત્યારે, એ દીકરીનો હાથ જમાઈના હાથમાં આપતો હોય છે, પરંતુ વાસ્તવમાં તો એ પોતાનું હૈયું જ આપતો હોય છે. એટલે જ તો આપણા સમર્થ લોકકવિ શ્રી દાદાભાઈએ “કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગ્યો” આવી અનુભૂત વાત ગાઈ છે.
દીકરીને વળાવે ત્યારે બાપની ઉંમર હોય એના કરતાં થોડા વરસ વધી ગઈ હોય એવું અનુભવાય અને લોકોને લાગે પણ, પરંતુ એ જ દીકરી સાસરેથી બાપને મળવા આવે ત્યારે બાપ પાછો હોય એટલી ઉંમરવાળો દેખાય અને ગામડાંમાં તો દોડી પડે, મારો બાપ આવ્યો……મારો દીકરો આવ્યો…..
એમાંય દીકરીને ત્યાં બાળકમાં દીકરીનો જન્મ થાય ત્યારે બાપ વધારે નાનો(નાના) થઈ જતો હોય છે. જુવાન દીકરી વૃધ્ધ બાપની મા બની જતી હોય છે. અને મા જેમ બાળકને આગ્રહ કરીને જમાડે, સાચવે વગેરે ભાવ દીકરી બાપ તરફ વહાવતી હોય છે. એટલે દીકરીવાળો બાપ ક્યારેય નમાયો નથી હોતો.
ઘરથી દૂર હોવાનુ મારે ખુબ બને છે. કુટુંબીજનો મારા સાંનિધ્યથી દૂર હોય છે, પણ તેનાથી લાગણીનાં બંધનો વધુ મજબૂત થયાં છે. મારી દષ્ટિએ એ અપવાદ પણ હોઈ શકે,કારણકે હું શરિરથી બહાર ફરતો હોઉં છું, પણ મનથી તેમના તરફ અને એ લોકો મારા તરફ વધારે રહ્યાં છે. એથી અમારૂં મમતાનું બંધન વધુ મજબૂત થયું છે. અને મારું રામકથાનું જે આ સતત અભિયાન છે, આ પરંપરા છે, મિશન છે, તેમાં સમગ્ર પરિવારનું બહુ જ મોટું યોગદાન છે. નહીંતર મને બરાબર યાદ છે, મારી સૌથી નાની દીકરી શોભના, નાની હતી ત્યારે વડોદરાની કથામાં હું જઈ રહ્યો હતો. મારો નિયમ છે કે હું કથામાં જાઉં ત્યારેં બધાં બાળકોને મળીને જાઉં. વહેલું નીકળવાનુ હોય તો તેમને જગાડીને કહેતો જાઉં કે હું જાઉં છું.
એક વખત શોભનાએ મને પૂછેલું ત્યારે મને આંસુ આવી ગયાં પ્રશ્ન ખુબ કરૂણાથી ભરેલો હતો. એણે મને એમ જ પૂછ્યું, “આ બધી કથાઓ મોટાભાઈ તમારે જ કરવાની છે?” શોભના મને મોટાભાઈ કહે છે. ત્યારે હું સમજી શક્યો હતો કે એને મારૂં અહીંથી જવું ગમતું નથી. પણ મારા જીવનકાર્યમાં શોભનાનો ખૂબ સહયોગ રહ્યો છે.
રામચરિત માનસમાં લખ્યું છે -“પુત્રી પવિત્ર કિયેઉ કુલ દોઉ” યાનિ પુત્ર બાપના એક જ કુળને તારે છે, પરંતુ દીકરી બન્ને કુળને. એટલું જ નહીં, ત્રણેય કુળને તારતી હોય છે. ગંગાજીના ત્રણ મહત્વના વિશેષ પાવન સ્થાનો હરિદ્વાર, પ્રયાગ, અને ગંગાસાગર. દીકરીરૂપી ગંગા માટે અથવા ગંગા જેવી દીકરી માટે, મા હરિદ્વારછે, બાપ પ્રયાગ છે અને પતિ ગંગાસાગર છે. એ ત્રણેયને ધન્ય અને પવિત્ર કરે છે આવું મારું દર્શન છે.
હા દેશ, કાળ અને વ્યક્તિને લીધે આમાં અપવાદો હોઈ શકે, પરંતુ મારી અંતઃકરણની પ્રવૃતિ આવું કહે છે ;
‘દીકરી (દુહિતા) દેવો ભવ.”

હાલમાં શ્રી મોરારી બાપુની કથાનો લાભ ન્યુ જર્સી ના લોકો ને મળી રહ્યો છે ત્યારે એમનો આ લેખ રજુ કરતાં અત્યંત આનંદની લાગણી અનુભવી રહી છું.

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help