આ અમારૂં ઘર છે
પાંસઠ વર્ષની સવિતા. જીવનભર બીજાની માન્યતા અને બીજાના વિચારોના આધારે જીવતી રહી. આપણા સમાજની એ ખાસિયત, અરે! આપણા સમાજની નહિ બધાની જ એ ખાસિયત, સલાહ આપવી બધાને જ બહુ ગમે પણ લેવી બહુ અઘરી પડે. નાનપણ મા માબાપની સલાહને અનુસરી, પરણ્યા પછી પતિની સલાહને અનુસરી અને બાળકો મોટા થયા તો એમની મરજી મુજબ જીવવાનો પ્રયત્ન કર્યો. દુનિયાની નજરે સવિતા બહુ સુખી દેખાતી પણ ખુદને ક્યાંક કશું ખૂટતું લાગતું.
સવિતા જોઇ શકતી કે દુનિયા બહુ ઝડપે બદલાઈ રહી છે. આજના બાળકો કોમ્પુટરની એક ક્લીકે જગતના કોઇ પણ સમાચાર વાંચી શકે છે, ઘરોઘર ટીવીએ દુનિયા એમની મુઠ્ઠીમા લાવી દીધી છે. દેશ-વિદેશની મુસાફરી સામાન્ય વાત થઈ ગઈ છે. બાળકો મા હરિફાઇ અને માનસિક તણાવ વધી ગયો છે અને આજની છોકરીઓ પણ પોતાની પસંદગી મુજબ પરણવાનુ અને જીવવાનુ પસંદ કરે છે.
સવિતા એ કોઇ દિવસ મહેશને પૂછ્યું નહિ કે તુ કેટલું કમાય છે અને મહેશે પણ ક્યારેય જણાવાની તસ્દિ ના લીધી પણ રોનકની પત્નિ બરાબર જાણે કે રોનક શું કમાય છે, પોતાની આવક શું છે અને પોતે કેટલા પૈસા ઘરખર્ચમા આપશે અને કેટલા બચાવશે. સવિતા એ વાતે રાજી હતી કે પોતે જે ન કરી શકી એ રીમા(રોનકની પત્નિ) કરી શકે છે.
રોનક અને રીમા ઘણા સમજુ અને લાગણીશીલ છે, રોનકને માબાપના સંસ્કારો નો વારસો મળ્યો છે અને રીમા પણ ખુબ સંસ્કારી માબાપની દિકરી છે, બન્ને ખુબ ભણેલા અને પોતપોતાના ક્ષેત્રમા ખુબ સારી પદવિ પર છે. એમને જો કશાનો અભાવ હોય તો એ સમયનો છે. મહેશની કાયમ એ ફરિયાદ કે છોકરાઓને માબાપની પડી નથી પણ સવિતા સમજે કે એવું કાંઇ નથી. આવા નાના મોટા રોજના બનાવૉ ઘરમા ઘણી વાર કજીયાનુ કારણ બને.
ધીરે ધીરે સવિતાને લાગવા માંડ્યું કે આ ખોટું થઈ રહ્યું છે. હું પાંસઠે પહોંચી અને મહેશ પણ સડસઠ પાર કરશે. આ ઘર જેટલું મહેશનુ છે એટલું મારૂં પણ છે અને મહેશ મને ખુબ પ્રેમ કરે છે એની મને ખબર છે. આજે નહિ ને કાલે અમારા બે મા થી એક પહેલા આ દુનિયા છોડી જશે અને બીજા એ એકલા બાકીની સફર પૂરી કરવાની છે. રોનક રીના ધ્યાન નહિ રાખે એવું નથી પણ શા માટે આપણે નજીવા કારણોસર દુરી ઊભી કરીએ. મહેશ બહારથી ભલે ગમે તેટલો સખત દેખાતો હોય અથવા એનુ ધાર્યું ન થાય તો બહુ જલ્દી ગુસ્સે થઈ જતો હોય પણ આટલા વર્ષો ના સહવાસે સવિતા સારી રીતે જાણતી હતી કે મહેશ અતિશય લાગણીશીલ છે જ્યારે સવિતા લાગણીશીલ હોવાં છતાં વાસ્તવિક રીતે વિચારી શકતી.
મારે કોઈ ઘર નથી એમ વિચારવાને બદલે આ મારૂં ઘર છે અને મારે ને મહેશે બાકીના દિવસો વધુ પ્રેમ અને સરસ રીતે જીવવાના છે સમજીને સવિતા મહેશને વાતો વાતોમા જીવન પ્રત્યેનો અભિગમ બદલવાનો, બાળકો પ્રત્યેનો અભિગમ બદલવાનો સુઝાવ કરતી.
એવામા કોઇ કવિની કવિતા “છેલ્લે તો આપણે બે જ હોઇશું” સવિતાના વાંચવામા આવી અને એને જાણે પહેલી વાર એવું લાગ્યું કે કોઇ એના દિલની વાત કરી ગયું.થોડી પંક્તિ અહિં રજુ કરવાનો લોભ સવિતા રોકી ના શકી.
“ભલે ઝ્ગડીએ ક્રોધ કરીએ, એકબીજા પર તૂટી પડીએ,
એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બે જ હોઇશું.
હું રીસાઇશ તો તું મનાવજે, તું રીસાઇશ તો હું મનાવીશ
એકબીજાને લાડ લડાવવા છેલ્લે તો આપણે બે જ હોઇશું.
સાથ જ્યારે છૂટી જશે, વિદાયની ઘડી આવી જશે
ત્યારે એકબીજાને માફ કરવા, છેલ્લે તો આપણે બે જ હોઇશું.
સવિતા અને મહેશ મનોમન એ કવિનો આભાર માની રહ્યાં જેણે પોતાની કવિતા દ્વારા એક સમજણ આપી કે પતિ-પત્નિ બન્ને સમાન છે ને અંતે તો એજ એકબીજાના પૂરક છે.
” આ ઘર અમારૂં છે.”
(ખરા દિલથી આભાર ઉષાનો જેણે મને વાર્તા આગળ વધારવાનો અને પતિ પત્નિ એક્બબીજાને સમજે એ પરિણામ લાવવાનુ સૂચન કર્યું)
શૈલા મુન્શા. તા. ૦૭/૦૯/૨૦૧૦
બંને વાર્તાઓ સરસ લખાઇ છે..જુદી જુદી રીતે પ્રેરક છે અને રસાળ શૈલી કોઇને પણ સમજવામાં અને માણવામાં ઉપકારક નીવડે તેવી છે.અભિનંદન શૈલાબેન.
Comment by devikadhruva — July 10, 2010 @ 2:10 am
બંને વાર્તાઓ બહુજ સરસ છે.
Comment by hema patel . — July 13, 2010 @ 11:28 am